ગઝલઃ સ્મરણો લાવશેઃ સપના વિજાપુરા
મંદ મઘમઘતો પવન તારા જ સ્મરણો લાવશે,
ફૂલની આ ઓસ પ્રિય, તારા જ સ્મરણો લાવશે.
ચાંદની આ રાત, ભીંજાતા તડપતા એ ચકોર,
રૂપથી રૂપેરી નદી, તારા જ સ્મરણો લાવશે.
સાંજ અજવાળા કરે ગુલાબી મજાના એ છતાં,
આભનાં ઓજસ હવે તારા જ સ્મરણો લાવશે.
છે હવામાં ગુંજતો કલરવ પક્ષીઓનો, પ્રિતમ,
પ્રેમનાં એ ગીત હા, તારા જ સ્મરણો લાવશે.
રેતનાં પગલાં સ્મરણને હચમચાવી નાખશે,
રેત પરનું નામ પ્રિય તારા જ સ્મરણો લાવશે.
જોઉ છું હું રાહ, મારી આંખ પળ ભર જો મળે,
આજ સપનાં આંખનાં તારા જ સ્મરણો લાવશે.
—સપના વિજાપુરા
આસ્વાદઃ દેવિકા ધ્રુવ
મૂળ મહુવાના અને હાલ અમેરિકાસ્થિત સપના વિજાપુરા એક જાણીતાં કવયિત્રી છે. પ્રસ્તૂત ગઝલ દ્વારા તેમણે સ્મરણોની શેરીમાં સ્હેલ કરાવી છે.
સ્મરણોની તો વાત જ ન્યારી. આમ જુઓ તો દરિયાકિનારે વેરાયેલાં છીપલાં જેવાં. તેનું મૂલ્ય કશુંયે નહિ છતાં પણ ખૂબ અમોલાં, મહામોંઘા! સ્મરણો ગમે તે સ્થાન,વસ્તુ કે વ્યક્તિના હોઈ શકે. પ્રથમ શેરમાં અહીં ‘પ્રિય’ શબ્દ દ્વારા સ્પષ્ટતા થઈ જ જાય છે કે આ સ્મરણો તો મીઠાં, મધુરાછે. કારણ કે, એ પ્રિય પાત્રનાં છે, ગમતી વ્યક્તિનાં છે. એને કાર્ય કે કારણો સાથે કાંઈ જ સંબંધ નથી. એ તો બસ આવે છે, એમ જ. તે પણ ક્યાં ક્યાંથી અને કેવી કેવી રીતે આવી શકે છે? કવયિત્રીએ નરી સાહજિકતાથી કુદરતને આમાં જોડી દીધી છે. એ કહે છે કે, શીતળ અને સુગંધિત પવન હોય કે નાજુકડા ફૂલ પરનું ઝાકળનું બિંદુ હોય પણ પ્રકૃત્તિના એ તત્વો પણ તારી જ યાદ લઈને આવશે.
મંદ મઘમઘતો પવન તારા જ સ્મરણો લાવશે, ફૂલની આ ઓસ પ્રિય, તારા જ સ્મરણો લાવશે.
એટલું જ નહિ, આગળના બે શેરમાં ચાંદની રાત, સાંજના અજવાળાં, નિર્મળ નદીના નીર, તડપતા અને ભીંજાતા ચકોરને પણ નજર સામે ધરી દીધાં છે, એકલતાની ભીડમાં આ કેટલા બધાંને આંખમાં ભરી દીધાં છે! પંખીઓનો કલરવ પણ કેવો? સાથે ગાયેલાં પ્રેમના ગીતોને યાદ કરાવે છે. એ પતંગિયાની જેમ ઊડીને એક ડાળેથી બીજી ડાળે ઊડવા માંડે છે. સાથે સાથે એક ઘટનાની યાદ સાથે જોડાયેલી સ્મૃતિ, બીજી અનેક યાદોને તાજી કરતી જાય છે. સ્મરણોના આવા અંકોડાનું વિસ્મય છેક પેલા ઊર્દૂ શેર સુધી નથી લઈ જતા?!
“યાદે ફલક મેં આજ કોઈ યુઁ આ ગયા હૈ, કિ માહોલ માયુસી કા હર તરફ છા ગયા હૈ l
ચોથા શેર સુધી કોના અને કયા સ્મરણનો આ ભાવ છે તેનો ઘટસ્ફોટ થતો નથી. કવયિત્રીને ઘણું બધું કહેવું છે પણ મોઘમ મોઘમ ઈશારા ચલાવે છે. ખુલીને કે ખીલીને અભિવ્યક્તિ કરવાને બદલે ભાવક પર છોડી દીધું છે એમ લાગે. પણ પાંચમાં શેરમાં ગઝલની નાયિકા દ્વારા યોજાયેલ પ્રિતમ શબ્દ પેલા ઊર્દૂ શેરને પૂરવાર કરે છે. એ ખુલેઆમ પ્રિતમની અને પ્રેમના સ્મરણની વાત કરે છે કે,
છે હવામાં ગુંજતો કલરવ પક્ષીઓનો, પ્રિતમ,
પ્રેમનાં એ ગીત હા, તારા જ સ્મરણો લાવશે.
આ સ્મૃતિઓ સમયથી પરે છે. એને વર્તમાનકાળ સાથે કશી જ નિસ્બત નથી અને ભવિષ્યની તો પરવા જ ક્યાં છે? છતાં ખૂબી તો એ છે કે, સ્મૃતિઓ ભૂતકાળને લઈને વર્તમાનમાં જીવે છે. એ મનમોજી છે. એને જ્યારે આવવું હોય ત્યારે જ અચાનક આવી જાય છે. ઘણી વાર કારણો મળે તો પણ સંતાઈ જાય છે. કદાચ સમૃદ્ધિમાં! અને ક્યારેક વગર કારણે આવી જાય છે અને ખસવાનું નામ પણ નથી લેતી. ક્યારેક હસાવે છે, ક્યારેક રડાવે છે. મોટે ભાગે બુદ્ધિને નેવે મૂકી દે છે અને દિલને વળગી જાય છે.
રેતનાં પગલાં સ્મરણને હચમચાવી નાખશે,
રેત પરનું નામ પ્રિય તારા જ સ્મરણો લાવશે.
એક મઝાનું ભીનું ભીનું રોમાંચક દૄશ્ય ઊભું થાય છે. ઉછળતો દરિયો, એનાં મોજાં, કિનારાની રેતી પર બેઠેલ યુગલ, રેતી પર લખાતું એકમેકનું નામ, પંખીઓના કલરવ સમા મધુર સ્નેહના ગીતો, ભરતી પછીની ઓટ, અંતે રેતીની જેમ સરી જતો સમય અને હાથમાં રહી ગયેલાં છીપલાં જેવાં માત્ર ને માત્ર સ્મરણો.. અહીં છૂટા પડ્યાની એક ઊંડી ટીસ સંભળાય છે!
સરળ શબ્દોમાં ઘેરા ભાવો ઉઘડે છે. આંખોમાં દર્દનો દરબાર ભરાયો છે અને એમાં છે સ્મરણોનો રાજ્યાભિષેક! અને તે પછી હજી રાહ છે. કોની? ના…પ્રિતમની નહિ. જે વેરાન થઈ ગઈ છે તે નીંદની. આંખ પળભર મળવાની રાહ છે. હકીકતમાં સૂવાની માનસિક તૈયારી નથી. એને તો થાય છે કે આંખ મળે તો સપના આવે અને સપનામાં તું આવે તો પછી, એ પણ તારા જ સ્મરણો લાવશે. દૂર દૂર સુધીની યાદોના સાગરમાં ડૂબવાની ખ્વાહીશ છે.
જોઉ છું હું રાહ, મારી આંખ પળ ભર જો મળે,
આજ સપનાં આંખનાં તારા જ સ્મરણો લાવશે.
કવયિત્રીના નામને સાર્થક કરતો ભાવભીનો મક્તા ગઝલને યથાર્થતા બક્ષે છે. આમ જોઈએ તો ગઝલ સાદ્યાંત સ્મરણોને જ વાગોળે છે પણ ખુબી એ છે કે, એ ઝાઝુ કશું કહ્યા વિના ઓછા રૂપકોમાં મનનું દર્પણ અને સ્મરણોનું સમર્પણ ધરી શક્યાં છે. એકાદ સ્થાને થયેલ છંદદોષને બાદ કરતા, ગઝલ આસ્વાદ્ય બની શકી છે. સપના વિજાપુરાને અભિનંદન સાથે અનેક શુભેચ્છા.
—-દેવિકા ધ્રુવ