પડછાયાના માણસઃ લેખિકાઃ જયશ્રી મર્ચન્ટઃ
અવલોકનઃ દેવિકા ધ્રુવ
Gujarate times US : published on March 10 2023

અમેરિકામાં કેલિફોર્નિયાસ્થિત લેખિકા જયશ્રીબહેન મરચન્ટનું પુસ્તક ‘પડછાયાના માણસ’ ભેટ મળ્યું.
તાજા જ આથમેલા સૂરજના રંગ જેવું મુખપૃષ્ઠ જોતાંની સાથે જ આ નવલકથાનાં પાનાં વંચાવા માંડ્યાં. પ્રતિકૂળ સંજોગોની વચ્ચે પણ સમય ચોરીને, અધીરાઈપૂર્વક એને સંપૂર્ણ વાંચી લીધી.
૨૮ પ્રકરણમાં પથરાયેલ આ પુસ્તકમાં સૌથી પ્રથમ તો, આખી વાર્તાને એકદમ અનુરૂપ મુખપૃષ્ઠનો રંગ, તેની પર લંબાતા જતા પડછાયાનું ધૂંધળું ચિત્ર અને શીર્ષક, કથાવસ્તુને યથાર્થ બનાવે છે. કવિતાથી ઉઘડતી અને કવિતાથી વિરમતી આ નવલકથા એની નાયિકા સુલુ દ્વારા અતીતના આગળા ખોલતાં ખોલતાં આલેખાઈ છે. કાવ્યમય ઉઘડતી વાત પળવારમાં તો કરુણ દૄશ્ય ઊભું કરી દે છે. મુંબઈના ફ્લેટની બાલ્કનીમાંથી સુલુની એકલતામાં સ્મૃતિઓની વણઝાર આરંભાય છે; તે અંતે શિકાગોના એક ‘પાર્કિંગ લૉટ’માં પરિવાર સાથે વિરમે છે. એની વચ્ચે આખું કથાનક રસપ્રદ રીતે વહે છે.
વાર્તા અતિ સંવેદનશીલ છે અને સમજણથી રસાયેલી છે. વાંચતાં વાંચતાં એક ભાવક તરીકે મનમાં ઉપસેલી છાપને ટાંકતા પહેલાં, ટૂંકાણમાં વાર્તાવસ્તુ વિશે જોઈ લઈએ.
મુંબઈમાં રહેતી સુલુ નામે યુવતી નાનપણમાં પિતા ગુમાવ્યા હોઈ પિતાના મિત્રના પરિવારની હૂંફમાં, તેમની નજીકના મકાનમાં મા સાથે મઝાથી રહે છે. સુલુને ઋચા નામે એક સરસ સખી મળેલ છે. ઉગતી યુવાનીના આ સુખદ ચિત્ર પછી અચાનક જ, તેના પાંગરતા પ્રેમ પર વિધાતાની પીંછી ફરી જાય છે. સમજુ મા-દીકરી અને ઋચા સ્નેહથી સાચો ઉકેલ લાવે છે. પછી તો પરણીને અમેરિકા ગયેલ દિલીપના (સુલુનો પ્રેમી) જીવનમાં ઉપરાછાપરી અણધારી ઘટનાઓ બને છે. બંનેના જીવનમાં જુદી જુદી રીતે નવાં પાત્રો ઉમેરાતાં જાય છે. એકપછી એક સંઘર્ષો ઊભા થાય છે. ઘણું બધું ન બનવાનું બને છે. દિલીપના માતપિતા, સુલુની મમ્મી વગેરે એક પછી એક વિદાય લે છે. ડિપ્રેશનમાં ગયેલી દિલીપની પત્ની અચાનક તેને છોડી જાય છે. દિલીપ કેન્સરની બીમારીનો ભોગ થઈ પડતાં બાકી રહેલી જિંદગી સુલુ સાથે ગાળવા માટે મુંબઈ પાછો ફરે છે. યુવાનીના ઉત્તરાર્ધમાં બંને પરણે છે અને ત્રણ જ મહિનામાં દિલીપનો સૂરજ આથમી જાય છે તે પછી તેની પ્રથમ પત્ની ઇન્દીરા દિલીપના જોડિયા દીકરાઓને જન્મ આપે છે. માનસિક અસંતુલન ધરાવતી ઇન્દીરાનાં માતપિતા સુલુની મદદ માંગતા સુલુ ત્યાં પહોંચી જાય છે.
ઇન્દીરા, માનસિક હાલતની ખરાબીને લીધે નર્સિંગ હોમમાં હોવાથી સુલુ, તેનાં અમેરિકન મિત્ર સેમના સંપૂર્ણ સહકારથી જોડિયા બાળકોને દત્તક લે છે. સેમ પણ સુલુને પરણીને બાળકોને પોતાનું નામ આપે છે. બંને નિયમિત રીતે ઇન્દીરાની પણ કાળજી રાખે છે, મોટા થતાં જતાં બાળકોને સિફતથી સાચી વાત કરે છે અને આ પરિવાર દિલીપની છાયાને સાચવે છે અને સુલુ પોતાના પડછાયારૂપ દિલીપને.
આ આખીયે કથાનો મુખ્ય સૂર વિશ્વાસ અને વફાદારી છે; અને તે ખૂબ નાજુકાઈથી આલેખાયો છે. લગભગ ૧૮ થી ૨૦ પાત્રોની સાથે ગૂંથાયેલ આ નવલકથામાં સ્નેહ છે, સંઘર્ષ છે, સમજણ અને સ્વાર્પણ પણ છે. ક્યાંયે મુખ્ય કથાનો કોઈ ખલનાયક નથી તે એનું મોટું જમા પાસું છે. સંવાદો ખૂબ જ ચિત્રાત્મક અને અસરકારક રીતે લખાયાં છે. કેટલુંક અવલોકન નોંધનીય છે. લેખિકાની કવિતા અને કુદરત તરફની પ્રીતિ અવારનવાર ડોકાય છે. બાળપણના સુંદર અને હૃદયસ્પર્શી ચિત્રાંકન પછી મૂળ વાત “રાત મને નથી ગમતી”ને સાંકળતી કથા અતીતના દોરે જ આગળ વધે છે. મોટાંભાગના પ્રકરણોની શરૂઆત જુદીજુદી, નવીનવી અને રસપ્રદ રીતે ભૂતકાળની સ્મૃતિઓ તરફ ખેંચી જાય છે. પ્રકરણોનાં શીર્ષકો પણ ઉચિત અને આકર્ષક લાગે છે. “કારવાં સાથ ઔર સફર તન્હા..” હોઠોં પે દુઆ રખના..”વગેરે મઝાનાં મૂક્યાં છે. હસતી, કુદતી, રમતિયાળ અને Full of Life ૠચાના વ્યક્તિત્ત્વને ખૂબ જ આબેહૂબ રીતે વર્ણવ્યું છે. શરૂઆતના પ્રકરણોમાં ગમી જતાં દ્વંદ્વયુક્ત વાક્યો નોંધપાત્ર છે. દા.ત. “હું હજી જીવું છું, શ્વાસ વિના કે શ્વસી રહી છું જીવ્યા વિના?”
- “ટીસમાં રંગાયેલો વિયોગ હતો કે વિયોગમાં ઝબોળાયેલી ટીસ હતી?”
- “એ એક રાતને હું રાસ આવી ગઈ હતી કે પછી એ એક રાત મને રાસ આવી ગઈ હતી?”
- “આ શબ્દોની હૂંફભરી ભીનાશ અને ભીનાશભરી હૂંફ”..વગેરે.
પ્રકરણ-૬માં દિલીપની સગાઈનો નિર્ણય અને તે દરમ્યાન બંને કુટુંબો વચ્ચે સમજણપૂર્વકની સંબંધોની જે સુગંધ ફેલાય છે તે વાંચતાં હૈયું ગદ્ગદિત થઈ જાય છે. સંકળાયેલા “ત્રણે પાત્રોની ભીની આંખના કારણો જુદાં હતાં” જેવાં વાક્યો વાચકને હચમચાવી દે છે. તો સુલુ અને દિલીપની એક જ અનુભૂતિને વ્યક્ત કરતા અને મનોવેદના સૂચક મૂકસંવાદો “હૃદયનો એક હિસ્સો હું લઈને જાઉં છું” અને “રડવા જેવું હસ્યાં” વગેરે દિલને રડાવી દે છે. તો ૮માં પ્રકરણમાં ‘એને શાંતિથી જવા દે’ વાંચતા વાંચતાં, સુલુ-દિલીપના પ્રેમની મુક્તિનું એ સંધાન, એક કરુણમંગલ આહ નીપજાવે છે.. એ જ રીતે નવલકથાનાં પાછળનાં પાનાંઓમાં “અનરાધાર વરસાદમાં, જનમ આખો છાપરા વિનાનાં ઘરમાં હું રહેતી હોઉં ને અચાનક જ મારા માથા ઉપર એક છત આવી ગઈ હોય!” એવી અનુભૂતિનું બયાન, નવલકથાનું હાર્દરૂપ વાક્ય “ત્રણેયના પડછાયાઓને જોતાં જોતાં મારા પોતાના પડછાયા સાથે ચાલી રહી હતી” એવી ઘેરી સંવેદના તથા છેલ્લી કવિતાના ભાવોની સચ્ચાઈ ઊંડે સુધી પહોંચે છે.
ક્રમિક રીતે નવાં પાત્રો, રવિ, ગુરખાકાકા પાર્વતી, સીતા, ઇન્દીરા શીના, સેમ,વકીલ વગેરે ઉમેરાતાં જાય છે અને દરેકનું વ્યક્તિત્ત્વ,લાગણી વગેરે સુપેરે આલેખાયાં છે. આફતો અને સંઘર્ષો વચ્ચે આ દરેક પાત્રોની એકમેકને પડખે ઊભા રહેવાની તૈયારી, એકથી વધુ મૈત્રીભાવનાં ઝરણાં અને મુખ્ય બે પાત્રોના અલૌકિક સખાભાવનું બારીક નકશીકામ જેવું લેખન દાદ માંગી લે છે. ઋચાનું પાત્ર કથાના ભારણને સ્નેહપૂર્વક હળવાશ આપતું રહે છે. માત્ર એક જ વખત, બે ત્રણ વાક્યો બોલતા ગુરખાકાકાનું પ્રેમાળ વ્યક્તિત્વ પણ નજર સામે સજીવ બની હૈયું હલાવી દે છે. તો દિલીપના માતા, વાત્સલ્યમૂર્તિ ધાજી અને ‘બુદ્ધની કરુણા’ ધરાવતા, સતત હૂંફાળો ખભો આપતા દિલીપના પિતા, નામે અદાને શિર નમી જ જાય છે. વર્ષોના માંજાની ફિરકી ફેરવતાં ફેરવતાં સુલુના, એની મમ્મીના, સેમના, દિલીપના માતપિતાના કેટલાંયે સંવાદો હૃદયસ્પર્શી લખાયા છે. તો પ્રેમના રોમેન્ટીક સંવાદો પણ ખૂબ સ્વાભાવિક રીતે ઝીલાયાં છે.
સાથે સાથે તે સમય અને સ્થળની કૌટુંબિક ભાવના, સમાજની સંકુચિત મનોસ્થિતિ, રાજકીય વાતાવરણ અને શોષણની પણ ઝલક ઉપસી આવી છે. એટલું જ નહિ, પૂર્વનાં કે પશ્ચિમનાં દરેક સ્થાનોનું વર્ણન, અમેરિકન સમાજ, રીતભાત, frankness તથા “ શીનાને પ્રુરુષો ગમતાં નથી’ જેવાં ઓછા શબ્દોમાં વધુ કહ્યા વગર ઘણું બધું સમજાઈ જાય તે રીતે કહેવાયું છે. તે ઉપરાંત, બીજી એક વાત ધ્યાન ખેંચે છે કે આ કલમને ઊર્દૂ શબ્દો અને શેર-શાયરી વધુ જચે છે! ખાસ કરીને પ્રકરણોનાં શીર્ષકોમાં, સંવાદોમાં, “સમઝદારીકી બાતેં તુમ કિયા ન કરો, ગાલિબ” જેવા શેરો ટાંકવામાં અને કેટલાંક ‘દકિયાનૂસી’ ‘કુર્નીશ’ જેવા શબ્દોના ઉપયોગમાં!
આ પુસ્તકના અવલોકનમાં ખૂબીઓની સાથે સાથે બીજાં પણ થોડા મુદ્દાઓની નોંધ લેવી રહી.
દા.ત. સુલુ મુંબઈ, શિકાગો કે ન્યૂયોર્ક, જ્યાં જાય છે ત્યાં તેને બધું જ readily available મળે છે. જોબ હોય કે એપાર્ટ્મેન્ટ તરત મળી જ જાય છે, જોબમાં રજા પણ સહેલાઈથી મળે છે, મિત્રો અને ઘરકામની સહાય પણ એ રીતે જ મળે છે. ક્યાંય આર્થિક સંકડામણ કે વ્યવહાર જગતની બીજી કોઈ અથડામણ ભોગવવી પડતી નથી. અલબત્ત, જે કંઈ સંઘર્ષ આવે છે તે સંવેદનાતંત્રને ખળભળાવી નાંખનાર અને અચાનક આવી પડે છે; જેને સુલુ સરસ રીતે સંભાળી શકે છે. એટલે આ હકીકતને, ક્ષતિ ન ગણતાં ‘દૈવનો સુયોગ’ તરીકે ગણાવી શકાય. પાના નંબર ૬૫ અને ૭૧, બંને પર દિલીપના ચોથાની વિધિ આજે પૂરી થઈ તેમ લખાયું છે જે એક હકીકતદોષ જણાય છે. કારણ કે, બંને પાનાં પરની તારીખો અલગ અલગ છે. કદાચ સુલુની Disturbed મનોદશાનું એ પ્રતિબિંબ હશે!
સુલુની મમ્મીનું નામ રેણુ શોધવું પડે છે. મને લાગે છે કે આખી નવલકથામાં માત્ર એકાદ વખત જ આવે છે. કદાચ જરૂર નહીં હોય. ઇન્દીરાનાં માતાપિતાનાં નામો તો ક્યાંયે જણાતાં નથી! ક્યાંક ક્યાંક જોડણી દોષો રહી ગયા દેખાયા તો ક્યાંક કેટલાક શબ્દોમાં સુધારાને અવકાશ જણાયો. દા.ત.હાથની હસ્તરેખા, એક્સેસરી, sign માટે સાઈનસ, તકલીફદેય, કાચરી, બોઝો,વગેરે.ક્યાંક બે-ત્રણ વાક્યરચના શિથિલ પણ જણાઈ છે.
સમાપનમાં, છેલ્લે જરૂર લખવું ગમશે કે, ૧૯૨ પાનાંની આ ભાવકથા, બે ત્રણ આદર્શ પરિવારોના સેવાભાવી પાત્રોની સાથે, તેમની જિંદગીના તડકા-છાંયડાની સાથે કોઈ સરસ ચાલતા ચલચિત્રની જેમ રસ-સભર રીતે ગૂંથાઈ છે. તેનાં પાત્રો અને સંવાદો આપણી આસપાસ ફરતાં દેખાય છે. એટલે નાટ્ય રૂપાંતર, ધારાવાહી સિરિયલ કે મુવી માટે સક્ષમ બની રહે છે. અવલોકન દરમ્યાન ધ્યાનમાં આવેલા છેલ્લા મુદ્દાઓ તેમાંની અનેક ખૂબીઓની સામે, ચોક્કસપણે ક્ષમ્ય છે જ. અરે, એક સ્ત્રીની કલમે પુરુષોની સંવેદના પણ કેટલી બધી બારીકાઈથી નિરુપાઈ છે!! તે ઉપરાંત, સુલુ, રેણુ, દિલીપ, સેમ,ઋચા,રવિ વગેરેના પાત્રો દ્વારા મળતો નિસ્વાર્થ પ્રેમનો અને સદાના સાચા સાથી તરીકેનો સંદેશ વાચકવર્ગને જરૂર પ્રેરણાદાયી બની રહેશે. સાહિત્યજગત આ પુસ્તકને આવકારશે અને પ્રેમથી પોંખશે એવી મને શ્રદ્ધા છે.
લેખિકા શ્રીમતી જયશ્રીબહેનને ખૂબ ખૂબ અભિનંદન અને એક ભાવક તરીકેના અવલોકન માટે પુસ્તક મોકલવા બદલ આનંદ અને આભાર. તે માટે ખાસ મારા તરફથી બે પંક્તિ સ્નેહાદરપૂર્વક ઉપહારરૂપે!!
અતીતના આગળે અડક્યાં જ્યાં આંગળાં,
પગરવ તમારા સંભળાયા;
સ્મૃતિનાં દ્વાર જરા ખોલ્યાં ન ખોલ્યાં,
પડછાયા તમારા પરખાયા;
વધુ સર્જનની શુભેચ્છા સાથે…
અસ્તુ.
૨/૨/૨૦૨૩