ૐ નામે Home

જૂનું ઘણું ખાલી કરતાં…

ખૂબ ચકડોળે ચડેલા સમયની વચ્ચે કંઈ કેટલાય વિચારો અને અનુભવોની આવનજાવન ચાલી. આ સમયરેખાને સ્થળ સાથે જોડવાથી એક સંપૂર્ણ ચિત્ર તમામ દૄશ્યોની સાથે તૈયાર થઈ નજર સામે ઊભું થાય છે.

કેટલાં મકાનો બદલાયાં! કેટલી વખત સુસજ્જ માળાઓ સજાવ્યા અને સંકેલ્યા! જૂનું ઘણું ખાલી કર્યું. વિશ્વના મંચનો મહાન દિગદર્શક ક્યારે, શું કરાવે છે? કંઈ ખબર પડે છે!!!

ત્રીસીની શરૂઆતમાં વિદેશગમન અને ન્યૂયોર્ક-ન્યૂજર્સીમાં ૩+૨૧ વર્ષ પસાર થઈ ગયાં.

વળી પાછાં ૧૮ વર્ષ હ્યુસ્ટનના ‘સિએના પ્લાન્ટેશન’ વિસ્તારના ‘પોએટ કોર્નર’માં ગાળ્યાં. સાચા અર્થમાં ત્યાં જ વધુ સાહિત્યિક કામ (૧૧ પુસ્તકો) થયું. પોઍટ કોર્નર હતો ને?!!

અને… હવે આ લગભગ પોણી સદીની પાળે, વળી પાછાં Fulshear (હ્યુસ્ટનની દક્ષિણ દિશાનો વિસ્તાર)ના, એક નાનકડા તળાવને કાંઠે, તદ્દન નવાં મકાનમાં મુકામ.

પાછું વળી જોતાં થાય છે કે ઓહોહોહો કેટલું બધું ચાલ્યાં?!!!!….અત્યાર સુધી જુદે જુદે રસ્તે ફંટાતો, સરળ-કઠણ લાગતો રસ્તો હવે એક શાંતિભર્યા રહેઠાણ પર આવીને ઊભો.. વળી એક ઑર નવો અને જુદો અનુભવ. ૐ નામે HOMEમાં! એક નવી સવાર…

વિસ્મયોનો કિલ્લો અને અનુભવોનો બિલ્લો એટલે જ જિંદગી. માનવ માત્રને પ્રત્યેક નવે તબક્કે અજબનાં આશ્ચર્યો અને ગજબના પડકારો મળતા રહે છે. અંધાર-ઉજાસના આ ખેલને શું કહેવાય? હારજીત તો આમાં છે જ નહિ. બસ, એક વર્તુળાકાર ગતિ છે, ચક્ડોળ છે અને તે પણ સતત છે. સમય નામ તો માણસે આપ્યું. બાકી નિયતિનો આ ક્રમ તો કુદરતમાં પણ છે જ, છે.

આ બધાંની વચ્ચે આમ જોઈએ તો સંવેદનાએ પડકારો ઝીલ્યા છે. અતિશય નાજુક એવું આ ભીતરનું તંત્ર કેટકેટલી વાર અને કેવી કેવી રીતે ખળભળ્યું હશે! ક્યારેક સવાલો ઊઠે છે કે વિરાટના હિંડોળે ઝુલીને કે ઝીલીને, આ કોમલ સંવેદનાઓ ધારદાર બને છે કે પછી બુઠ્ઠી થઈ જાય છે?  એક સ્થાયી ભાવની જેમ નિર્લેપ અને સ્થિર થતી હશે? ઘણી મિશ્ર લાગણીઓ વચ્ચે અંદર કંઈક આવું સળવળે છે.

જે ગયા હતા, મધુરા હતા, જે મળ્યા તે સારા પડાવ છે…    
છે વિરક્તિ ને જરી હાશ પણ હૃદયે જુદો જ લગાવ છે..      

ન કશો હવે કંઈ રંજ છે, કે નથી કશોયે અજંપ કંઈ.
અહીં તો સવાઈ નિરાંત છે, સખે જો આ શાંત ઠરાવ છે.

અહીં નીકળ્યાં ભ્રમણે હતાં, ને હવે સફર તો સફળ થઈ.
જે લકીર હાથ મહીં હતી, તેનો તો જવાનો સ્વભાવ છે.

જે મળી સુગંધ ભરી કરે, તે કલમ થકી જ વહી રહી
પમરાટ હો, દિનરાત હો, ન હવે જરાય તણાવ છે.     

સરે શ્વાસના અણુએ અણુ, અને રોમરોમમાં નામ એ
પછી તો સદાનો વિરામ છે, કહો ક્યાં કશોય અભાવ છે!!   

4 thoughts on “ૐ નામે Home

  1. સરસ લખાણ અને કવિતા. તમારું ૧૮ વર્ષ જુનું
    લખાણ યાદ આવી ગયું. નવા ઘર માટે અનેક શુભેચ્છા. નવા ઘરમાં poet cornerમાં કર્યો તેથી અનેક ગણી પ્રગતિ કરો તેવું ઇચ્છીએ છીએ.

    Liked by 1 person

  2. અતિ સુંદર! તમારા લખાણનો એકેક શબ્દ માણ્યો! તમારી અત્યાર સુધીની જીવનયાત્રા ઉચ્ચ કક્ષાની શૈલીથી તો જાણે અંતમાં ૐ શાંતિ અનુભવી!
    બસ આવી જ રીતે ગુજરાતી સાહિત્યનું ગૌરવ વધારતા રહો તેવી શુભ કામના!💐

    Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s