
“આપણું આંગણું”ના સૌજન્યથી…તસ્વીર સહિત
ગીતઃ મૂઆં રુંવે રુંવેથી મને ઘેરે: રીંકુ રાઠોડ

એવાં સખી વાદળાં ને વીજળી ને ઝરમર વગેરે
મૂઆં રુંવે રુંવેથી મને ઘેરે.
હૈયામાં જાગે કૈં યાદોના મેળા
થોડા નિસાસા પણ આવે છે ભેળા
એમ પાછા ઘા ઉપર મીઠું ઉમેરે
મૂઆં રુંવે રુંવેથી મને ઘેરે.
ઉંબર તે નદીઓ ને પ્રાંગણ તે ગામ,
રહી જાતું વહી જાતું મનગમતું નામ.
કાચ્ચી ઉંમર તણાતી જાય લ્હેરે!
મૂઆં રુંવે રુંવેથી મને ઘેરે.
આસ્વાદઃ દેવિકા ધ્રુવ
‘શર્વરી’ તખલ્લુસથી ગઝલો લખતાં રીંકુ રાઠોડનું નામ હવે યુવાજગતમાં મશહૂર છે. તેમને યુવાગૌરવ પુરસ્કાર અને કવિ શ્રી રાવજી પટેલ એવોર્ડ પણ મળ્યો છે.
તેમનું ઉપરોક્ત મનમોહક ગીત એટલે પ્રકૃતિ સાથેનું એક મઝાનું પ્રણય ગીત. એક મુલાયમ અનુભૂતિનું ગીત. આમ તો પ્રકૃતિ સાથે દરેક સર્જકનો રુહાની નાતો છે. ખૂબી એની અભિવ્યક્તિની રીતમાં છે, લઢણમાં છે, જે રીંકુ રાઠોડને જન્મજાત મળેલી અમોલી ભેટ છે.
ગીતની ધ્રુવ પંક્તિ ‘ મૂઆં રુંવે રુંવેથી મને ઘેરે’ થી માટીની સોડમ જેવી ગામઠી બોલી નીસરે છે. વાદળાંઓનો ગડગડાટ થાય, વીજળીઓ ચમકે અને એય ઝરમર ઝરમર વરસાદનું આગમન થાય એ આખાયે દૄશ્યને માત્ર એક જ લીટીમાં તાદૃશ કરી મનની મસ્તીથી, રુંવે રુંવેથી ઘેરવાની મૂખ્ય વાત મઝાની રીતે વહેતી મૂકી દીધી છે.

‘મૂઆં’ શબ્દ્પ્રયોગ દ્વારા કશુંક ગમતું, વહાલભર્યું કહેતી, આંખને ખૂણેથી જોતી કાવ્યનાયિકાનો પ્રેમ નીતરતો રીસભર્યો ચહેરો નજર સામે દેખાય છે! અહીંથી જ કવિતાની પકડ તો એવી જબરદસ્ત અનુભવાય છે કે આખું ગીત વાંચ્યા વગર ચાલે જ નહિ.
હવે આ રોમાંચિત ચિત્રમાં થોડી રેખાઓ આગળ દોરાય છે. એવું તે શું હતું એ વરસાદમાં? સ્મૃતિઓનો પટારો સહજ ખુલે છે. મેળાની જેમ યાદો ઉઘડે છે ને યાદોમાં જરા નિસાસા સંભળાય છે. કેવા છે નિસાસા? એને યાદોમાં લાવવા નથી. મનમાં ખુશી આણવી છે, હકારાત્મક મનોભાવ છે તો પણ એ નિસાસાયે મનગમતી યાદોની સાથે ભેગા આવી જ જાય છે.

કશુંક વાગ્યાનો ચચરાટ છે, રુઝવા મથતા ઘા પર મીઠું ભભરાયાંની સંવેદના અડીને કલાત્મક રીતે દોડી જાય છે; પેલી રુંવે રુંવેથી ઘેરાવાની મીઠડી લાગણી તરફ.
અહીં ખૂબ સિફતપૂર્વક કવિહૈયું ખુલીને અટકી જાય છે.
બાંધી મુઠી છે લાખની, ખોલી રહો તો રાખની.
વાહ! બંધ મુઠ્ઠી જાણે ખોલી ખોલીને કવયિત્રીએ બીડી દીધી છે. સમુચિત શબ્દપ્રયોગ અને ભાવને ઘેરો બનાવતી પુનરુક્તિ નોંધપાત્ર છે.
નાનકડા બીજા અંતરામાં કાવ્યની નાયિકા ગામ અને નદી તરફ ખેંચી જાય છે.
ઉંબર તે નદીઓ ને પ્રાંગણ તે ગામ,
રહી જાતું વહી જાતું મનગમતું નામ.

અહીં માત્ર ગામ ને નદીની જ વાત નથી. એ તો થઈ અભિધા. પણ જે મઝાનો સૂર રેલાય છે તે છેક લઈ જાય છે પેલી જૂની ને જાણીતી કવિ શ્રી મણિલાલ દેસાઈની પંક્તિઓના સૂક્ષ્મ ભાવ સુધી.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના; ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.
ગામને પાદર ઘૂઘરા વાગે, ઊંઘમાંથી મારાં સપનાં જાગે….
નદીના વહી જતાં નીરમાં મન નામના પ્રાંગણમાં એક નામ વહી જતું ફરી એકવાર દેખાય છે. ક્યાંય કશી ઝાઝી ચોખવટ નથી, વેવલાઈ નથી, અર્થહીન થોકબંધ શબ્દોના ખડકલા નથી. ખૂબ જ લાઘવમાં ઊંડે સુધી ઉતરી ગયેલી જખ્મી વાત અને ગામ, નામની ઝલક આપી કવયિત્રી કવિતાને આગળ વહાવે છે.

કાચ્ચી ઉંમર તણાતી જાય લ્હેરે!
આહાહા..કેટલું સુંદર અને અસરકારક કાવ્યતત્ત્વનું આ વહેણ! અદભૂત…અદભૂત રીતે તણાતી ઉંમરને કાચ્ચી કહીને, અપરિપક્વ સમજની અવસ્થાને સજાવી દીધી છે! નાદાન ઉંમર કશાયે ભાન વગર, કહો કે જાણ વગર લહેરથી વહેતી રહે છે એનું અનોખું ચિત્ર ઉપસે છે. ઘરના ઉંબરની લક્ષ્મણ રેખા ઓળંગીને ગામના આંગણમાં ને તેથીયે કદાચ આગળ દોડતી જતી કાયા-માયાની ભાવના ઉંમરવશ યાદોને ઘેરી લે છે. પર્વતેથી નીકળી સાગર તરફ ધસમસતી નદીની જેમ જ કવિતાનું ભાવપોત ખીલી ઉઠ્યું છે.
એક વધુ અર્થચ્છાયા એ પણ સ્પષ્ટ થાય છે કે, આજે તો પાકટ સમજ છે કે એ વર્ષો જૂની ઉંમર કેવી કાચી હતી, ત્યારે કેવું કેવું થતું રહેતું હોય છે? પરીણામે કેવા ન પૂરાતા ઘાવ થાય છે જે કુદરતની જેમ જ, વાદળ, વીજ અને વરસાદની સાથે સાથે તાજાં થતા રહે છે. ઉંમર સહજ ઊર્મિઓનો છલકાટ પણ કેવો કુદરતી હોય છે?

સુંદર ગીત અને રસાસ્વાદ.
Sent from my iPhone
<
div dir=”ltr”>
<
blockquote type=”cite”>
LikeLike