ગઝલ: ડગર વિકટ મારગે ચાલવાની મજા છે.. મેઘા જોશી
“આપણું આંગણું”ના સૌજન્યથી..આભાર સહ..

ગઝલ
વિકટ મારગે ચાલવાની મજા છે.
અને પાછું ત્યાં થાકવાની મજા છે.
કદમને નવી મંજિલોનું છે વળગણ,
અજાણી ડગર ૫ર જવાની મજા છે.
નદીઓ, તળાવો, સમંદર ઘણા છે,
છતાં ઝાંઝવાને પીવાની મજા છે.
ક્ષણોની એ રેતી ઝડ૫થી સરકતી,
સરકતી ક્ષણો ઝીલવાની મજા છે.
ખબર છે કે રણમાં ન ઉગે કશું ૫ણ,
એ રણમાં ય જળ વાવવાની મજા છે...
—મેઘા જોશી
આસ્વાદઃ દેવિકા ધ્રુવ
સરકારી અમલદાર તરીકે કામ કરતાં અને પાલનપુરના વતની મેઘા જોશીની ઉપરોક્ત ગઝલમાં અઘરાં નિશાનો તાકવાની ખુમારીભરી કેફિયત છે. કલમ નવી છે પણ શેરિયત ધ્યાનપાત્ર છે.
ટૂંકી બહેરની માત્ર પાંચ જ શેરોની ગઝલમાં કશુંક નવું અને વિકટ કરવાની નેમ વર્તાય છે. સામાન્ય રીતે ગુલાબના ફૂલો વચ્ચે સરળતાથી, સીધે સીધું જીવન જીવવાનું તો બધાને ગમે. કોઈ તકલીફ નહિ, કોઈ આધિ-વ્યાધિ કે ઉપાધિ નહિ. બસ, ખાવું,પીવું ને જલસા કરવાનું કોને ન ગમે? પણ ના, અહીં તો ગઝલની નાયિકા એક પડકારની વાત લઈને આવે છે.
એને તો વિકટ માર્ગે ચાલવું છે. પૂરેપૂરી સમજણ છે કે, એમાં મુશ્કેલીઓ આવવાની છે, ખાડા ટેકરા, ઢાળના ચઢાણ -ઉતરાણ પણ વેઠવાનાં છે અને એમ કરતાં કરતાં થાક પણ ઘણો લાગવાનો છે. તેમ છતાં મનથી તૈયારી છે. એટલે એ થાકને પણ મઝા ગણવી છે. ગઝલના મત્લાથી જ એ વાત સ્પષ્ટ કરી દે છે કે,
વિકટ મારગે ચાલવાની મજા છે
અને પાછું ત્યાં થાકવાની મજા છે.
આ ‘મઝા છે’ નો રદીફ જ જાણે કે, વિકટતાને રદિયો આપી દે છે. કદમ સ્થિર છે, ડગમગ નથી. તેથી જ તો એને અજાણી ડગર પર ચાલવું છે અને નવી મંઝિલો ખેડવી છે અને તે પણ મઝા સાથે. અહીં મને શૂન્ય પાલનપુરીનો એક સુંદર શેર સાંભરે છે.

“કદમ અસ્થિર હો એને કશો રસ્તો નથી જડતો.
અડગ મનનાં મુસાફરને હિમાલય પણ નથી નડતો.”
કેટલી સાચી વાત છે!
અને એવો જ એક બીજો શેર પણ આજ વાતને સમર્થિત કરે છે કે,
અમને નાંખો જીવનની આગમાં,
આગને પણ ફેરવીશું અમે બાગમાં.
કેટલી પ્રેરણાદાયી હિંમત મળે છે આ શેરમાં પણ!
અહીં બીજાં શેરમાં એ જ વાત પ્રગટ થાય છે; અને આ ભાવને અલગ અલગ પ્રતીકો દ્વારા સુપેરે ગૂંથ્યા છે. આગળના શેરોમાં એ કહે છે કે, નદી,તળાવ કે સાગરમાંથી તો પાણી મળી જ શકે, સૌને મળે છે જ. પણ ખરી મઝા તો ઝાંઝવાના જળને પામવામાં અને પીવામાં છે.

દૂરથી દેખાય, તમે દોડતાં જ રહો, દોડતાં જ રહો, આ રહ્યું, સાવ પાસે છે એમ લાગે ને વળી એ અદૃશ્ય થઈ જાય! આ પકડદોડની રમત છે, હાર -જીતનો ખેલ છે. છતાં ગઝલની નાયિકામાં એને મઝાથી સ્વીકારવાની ખેલદિલી છે, સાહસ છે અને શક્તિ પણ ખરી જ.
સૌથી મઝાનો ચોથો શેર છે. વાત તો ક્ષણોની છે પણ એનો મર્મ યુગોના પર્વત જેટલો ઊંચો છે. ઘડિયાળની શોધ થઈ તે પહેલાં ક્ષણોને સરકતી રેતીમાં મપાતો હતો. એ સરતી રેતીને જોવાની જે મઝા હતી તે આ સરકતી જતી ક્ષણો અંગે પણ માણવાની હોય છે.

પળપળ કિંમતી છે. વર્તમાનમાં પળને ઝીલતાં રહેવાની અને એ ભૂતકાળની ગર્તામાં સરી જાય ત્યારે તે ક્ષણોને ફરી ફરી માણવાનો પણ આનંદ ઑર હોય છે જ. ભીનીભીની ક્ષણોને વીણીવીણીને પછી વાગોળવાની પણ એક અનોખી કલા છે. જેને એ આવડી જાય તેનો બેડો પાર. બાકી તો સંજોગવશાત આવી ગયેલી અસુખ વાતો, પ્રસંગોને, ઘટનાઓને યાદ કરીને રડનારાઓની તો ક્યાં ખોટ જ છે?! એવી ક્ષુલ્લકતાઓને અતિક્રમીને આ ગઝલ મઝાની રીતે છતાં અડગપણે વ્યક્ત થાય છે કે,
ક્ષણોની એ રેતી ઝડ૫થી સરકતી,
સરકતી ક્ષણો ઝીલવાની મજા છે.

સુંદર પડકારભરી ગઝલ અને તમે મુકેલી પંક્તિઓથી સોનામાં સુગંધ ભળી.
Sent from my iPhone
>
LikeLiked by 1 person