સૂરજનું પહેલું કિરણ..

કેવી નાનકડી ઘટના, કેવી નાની યાદ સુધી લઈ ગઈ! ને વળી એ સ્મૃતિને પકડી રાખવા માટે ‘નિત્યનીશી’નાં પાનાંઓ તરફ પણ બસ, એ એમ જ દોરી ગઈ. ખરેખર ઘણીવાર કેવું ન વિચારેલું, ન ધારેલું ઘણું બનતું રહેતું હોય છે? દૈવયોગે એવી ક્ષણો જો ઝીલાઈ જાય છે તો અને ત્યારે, મન ઑર આનંદિત થઈ ઊઠે છે.

આજે સવારે દિવાનખંડના કાચમાંથી ચળાઈને સવારના તડકાની ઝીણી સેર, મારા રસોડાના ભીના કાઉન્ટર પર પથરાઈ. પાણીનાં ટીપાંઓને લૂછતાં લૂછતાં તો મારા હાથનેય સ્પર્શી ગઈ ને એની સાથે જ ૬૫ -૬૭ વર્ષ દૂરના સમયમાં પહોંચી જવાયું. ઉંમર હશે ત્યારે ૭-૮ વર્ષ જેટલી. કેરીગાળામાં સૌ ભાઈબહેન રેવાબાને ઘેર ગામ જતાં. રેવાબા એટલે નાનીમા. નાનું સરખું ગામ. ન પંખા, ન લાઈટ, ન રેડિયો કે ન કશીયે  જીવનજરૂરી સગવડ ને છતાંયે ત્યાં ખૂબ ગમતું. ખાવું,પીવું, બહેનપણીઓ સાથે રમવું અને લીંપણવાળા આંગણામાં જાતે બાંધેલા હીંચકા પર ઝૂલવું. ઓહ.. बचपनकी वो भूली बीसरी बाते। સૌ એકબીજાને વાર્તાઓ સંભળાવતાં રહેતાં. સમયના થર નીચે એ સમય દટાઈ ગયો પણ વિસરાયો નહિ.

 આજની જેમ જ ત્યારે વહેલી સવારે હાથ પર સૂરજનું પહેલું કિરણ રેલાયું હતું. રોજ તો સૂરજ ઉગે પછી આંખ ખુલે. પણ એક દિવસ અંધારે જાગી જવાયું હતું. ફાનસનો દીવો કરવા બાને ઉઠાડવાં ન હતાં એટલે એમ જ પડી રહી હતી. ક્યારે અજવાળું થાય એની રાહ જોતી હતી. બે હાથ જોડી, બંધ આંખે, હે, ભગવાન અજવાળું કરો ને..એવું કંઈક બોલ્યે જતી હતી અને પછી તો જ્યારે આંખ ખોલી તો નળિયાંવાળાં છાપરાંના એક છિદ્રમાંથી સૂરજનાં કિરણોની એક ધાર મારા હાથ પર! ઓહ માય ગોડ! એ પહેલો અનુભવ ને હું તો ઊછળીને નાચવા માંડી. “બા, બા, જો, જો, ભગવાને મારી વાત સાંભળી!” બા પણ એમ જ બોલ્યાં હતાં કે સૂરજદાદા તો ઈશ્વર કહેવાય. એ ના ઊગે તો શું થાય? બધું અંધારું. ” રાજીની રેડ થઈ થઈને આખો દિવસ ફળિયામાં ઘૂમતી રહી. ક્યારે બહેનપણીઓ ઊઠે, મળે અને આ વાર્તા કહું!

આજે પણ આવું જ કંઈક થયું ને એવો જ રાજીપો અનુભવ્યો!

કેટલા દાયકા પહેલાનો પડદો સરી ગયો ને નજર સામે ફરી એકવાર એ જૂનું વિશ્વ રચાઈ ગયું. દરિયા જેટલા દૄશ્યો ને આભ-ધરતી જેટલો ફેર! કાલ અને આજ સાવ જુદી. કેટકેટલું બદલાઈ ગયું? બધું જ બદલાઈ ગયું. વિચારોના વંટોળે ઘણું બધું યાદ આવી ગયું. હું પણ બાળકીમાંથી દાદી બની ગઈ. ગામથી અમદાવાદની પોળ, પિયરથી સાસરાની પોળ, આંબાવાડીનું પોતીકું ઘર, વિદેશગમન, ન્યૂયોર્કથી ન્યૂજર્સી પછી હ્યુસ્ટનનું પોએટ કોર્નર.. જીવન અને જગત સદા પરિવર્તનશીલ.. એમાં જ પ્રવૃત્તિ અને પ્રગતિ..અને છતાં પણ સૂરજ અને તેનું પ્રથમ કિરણ એનું એ જ. સંવેદના પણ એની એ જ! અહો આશ્ચર્ય!

કાલ હતી, તે આજ છે ને વળી કાલમાં ઢળી ચાલતી થશે.
કાળની પીંછી ક્ષણના રંગે યુગને ચીતરી આપતી જશે.

—-દેવિકા ધ્રુવ

2 thoughts on “સૂરજનું પહેલું કિરણ..

  1. કેરીગાળામાં સૌ ભાઈબહેન રેવાબાને ઘેર ગામ જતાં. રેવાબા એટલે નાનીમા. નાનું સરખું ગામ. ન પંખા, ન લાઈટ, ન રેડિયો કે ન કશીયે જીવનજરૂરી સગવડ ને છતાંયે ત્યાં ખૂબ ગમતું.

    સુંદર મજાનો લેખ વાંચવા મળ્યો. બાબરા થી આંબરડી, ૧૯૫૦ માં મામા ને ગામ જતા
    તે બધું યાદ આવી ગયું.
    Akbar Ali Habib

    >

    Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s