**ચંદરવો**૧૧ ——– પોએટ કોર્નર, હ્યુસ્ટન.
આજનો સુવિચારઃ
ક્ષણમાં જીવે એ માનવી, ક્ષણને જીવાડે એ કવિ. –મિલ્ટન–
ઓહોહો…આવા જ સુંદર વિચારોવાળું એક બીજું વાક્ય હમણાં વાંચવામાં આવ્યું હતું. “પુસ્તકપ્રેમી સૌથી વધુ શ્રીમંત અને સુખી છે.” –થોરો–
કેટલું સાચું અને મઝાનું વાક્ય છે! વાંચવાનું એટલું બધું હોય છે અને એવું ગમતું હોય છે કે, જીવન આખુંયે ઓછું પડે. દરેક વાંચનમાં કશુંક નવું મળે, જુદું મળે. ક્યાંક બુદ્ધિગમ્ય વાતો હોય, ક્યાંક પ્રેરણાદાયી પ્રસંગો હોય. કોઈ જ્ઞાનવર્ધક વાર્તાઓ હોય તો ક્યાંક અંદરથી વલોવી દે તેવી સંવેદનાથી સભર કવિતાઓ. અવનવા પ્રદેશનો પ્રવાસ પણ ક્યાંક ખરો. તે સિવાય પણ ઘણું ઘણું અને વધારામાં વળી લખવાની પ્રેરણા મળે એ જુદું.
આજે નિયમ મુજબ લખવા માટે ડાયરી ખોલી તો ખરી પણ આજકાલમાં, ખાસ કશું લખવા લાયક બન્યું નથી. આવું કંઈ થાય? ન થાય, પણ થયું! આમ તો નવું વર્ષ શરૂ થાય કે તરત જ આગલા વર્ષનું સરવૈયું લખાય. એ રીતે આ ૨૦૨૨ના જાન્યુઆરી મહિનામાં પણ આગલા વર્ષનાં હિસાબકિતાબ લખવા જ હતા; પણ ખુશી-ગમના ૨૫/૭૫%એ જરા કલમને અટકાવી દીધી. પછી તો એ વિચારને જોરથી ઉડાવી દીધો. હવે જ્યારે વાદળાં ધીરે ધીરે હટવાં માંડ્યાં છે ત્યારે કળીઓનો રાજ્યાભિષેક કરતી વસંત ૠતુ વર્તાય છે. ઉત્તર અયનના પવનની જેમ વિચારોની દિશા પણ બદલાવા માંડી છે. ગઈકાલે વહેલી સવારે તો સૂરજે ઝાડ-પાન પર જાણે કે સોનું ભભરાવ્યું હતું!
હમણાં દસેક દિવસ પહેલાં જન્મદિવસ ગયો તે દિવસે મા બહુ યાદ આવી. ખરેખર તો એ માનો દિવસ જ ગણાય. એ દિવસ ઊગ્યો એનાથી વધુ સુંદર રીતે આથમ્યો. માની વિદાયની જેમ. વિદાય કંઈ સુંદર ન હોઈ શકે. છતાં પંદર વર્ષ પહેલાંની એની વિદાયની એ પળ ખૂબસૂરત હતી. એકદમ ત્વરિત, કોઈને પણ માંગવી ગમે તેવી પળ હતી. ન માંદગી, ન હોસ્પિટલની દોડધામ, ન સંતાનોને ગભરાટ. પરિવાર સાથે બેસી સાંજે જમી, વાતો કરી. દીવો કરવા નીચે ઊતરી, પગથિયે ઢળી અને ક્ષણમાત્રમાં તો… ઘણું બધું યાદ આવી ગયું. ઢળતી ઉંમરે એ હંમેશા કહેતીઃ “ધીમે ચાલું છું; કારણ કે, પડી જાઉં તો તમને કેટલી ઉપાધિ? એટલે પગ ઠરાવી મૂકું છું.” એ આવું ઓછું બોલે ને ધીમું હસે. એનો એ શબ્દ “ઠરાવીને” ખૂબ ગમતો. ત્યારે તો એની વાતને એમ જ હસી કાઢી હતી પણ આજે હવે જ્યારે હું ચાલુ છું તો પગ ‘ઠરાવીને’ મૂકું છું. વિચારું છું; પાસે બેસાડીને આવું કંઈ એણે શીખવ્યું તો નો’તું. છતાં અચાનક યોગ્ય સમયે, યોગ્ય રીતે એ બધું વર્તનમાં આવીને બેસી જ જાય છે! આવી તો માની કેટલીયે સ્મૃતિઓને આનંદપૂર્વક વાગોળવામાં જ, જન્મદિવસ કોરી આંખે વીતાવ્યો.
તે પછીની એક સવારે વળી એવો વિચાર આવ્યો હતો કે પૃથ્વી ઉપર જ્યારે કશું જ, એટલે કે કશું જ નહિ હોય તો શું હશે? સૌથી પહેલો માનવી ક્યાંથી અને કેવી રીતે દૄશ્યમાન થયો હશે? શું કરતો હશે? ખાવા, પીવા, બોલવા વગેરેની શરૂઆત કેવી હશે? ખૂબ ઊંડી કલ્પના છે. ક્યાંક વાંચવામાં આવેલ વાર્તા કે સાંભળેલી પ્રાચીન માન્યતા મુજબ, ધરતી પર જન્મ લેનાર પહેલો માનવ મનુ હતો જેની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુએ કરી હતી. વિષ્ણુએ મનુને માટીથી બનાવ્યો હતો. તેથી એ જ પાછળથી માનવ કહેવાયો. પણ આ બધું કહ્યું કોણે, ને કોઈ હોય જ નહિ, તો કોને કહ્યું હશે એવું આશ્ચર્ય થાય જ; અને તે પાછું લખાયું! આંખ બંધ કરી વિચારું તો સવાલો પર સવાલો ઉદ્ભવે છે. પછી બીજો માનવ ક્યાંથી, કેવી રીતે આવ્યો હશે? વગેરે, વગેરે.. અને એવી સ્થિતિમાંથી આટલું મોટું વિશ્વ ઊભું થયું, સાહિત્ય સર્જાયું; આ એક વિરાટ વિસ્મય છે. દરેક જીવ એક નાનકડું ટીપું છે અને છતાંયે દરેક ટીપાંનાં અવનવાં દૄશ્યો! વિવિધ રૂપો! દરેકના અનેકરંગી રૂપો. વાહ..વાહ.. दुनिया बनाने वाले, क्या तेरे मन में समाई, तूने काहे को दुनिया बनाई! આ પ્રકારના વિચારોનો તો કોઈ અંત જ નથી. મન વાળવું જ રહ્યું..
બારી બહાર નજર કરું છું તો સ્પષ્ટ વર્તાય છે કે, આજે સ્હેજ પણ પવન નથી. ઝાડપાન સ્થિર ઊભાં છે. વચમાં સખત ઠંડી હતી. થોડા દિવસ પર માવઠું થયું હતું. એક જ માવઠું અને બાગનું મૂરઝાવું, સુસજ્જ માળાનું રહેંસાવુ. શું કુદરત છે! પંખી ફરીથી માળો ક્યાં બાંધે? આના અનુસંધાનમાં થોડા દિવસો પર કવિમિત્ર શ્રી અનિલ ચાવડાએ ખૂબ સરસ વાત કરી હતી. એ કહેતા હતા કે, કચ્છમાં ભૂકંપ થયો તો એક નવું સુંદર કચ્છ રચાયું ને? સાંભળીને મનોમસ્તિષ્કમાં કંઈ કેટલાયે આનંદદાયી ચિત્રો ઊભા થયાં. સાચી વાત છે કે ગાઢ અંધારાં ઊતરે ત્યારે જ તારા ઝગમગે.
આ ગોરજ ટાણે અહીં ‘નિત્યનીશી’નાં પાને પાને, કેવા તરંગો ઊઠ્યા! કેવી રજકણો ઊડી! જાણે આભલાં ભર્યો ચંદરવો રચાઈ ગયો! પવન વેગે ઊડતો સમય કેવી કેવી સફર કરાવે છે! ઘણીવાર તો એમ થાય છે કે, થોડા દિવસ બસ, જે થાય છે તે માત્ર જોયાં જ કરું. કંઈ જ ન કરું. ડાયરી પણ બંધ. ન કોઈ ઘટના, ન કશી યાદો, ફરિયાદો કે ના કોઈ પ્રસંગો. વિપાસનામાં લપાતી ક્ષણો સમી વિરક્તિ, અનાસક્તિ, નિર્લેપભાવ. એ પણ એક વિશેષ અનુભવ થશે. શ્રી પ્રેમચંદ મુનશીએ મનની કેવી શાંત અવસ્થામાં આવું સુંદર લખ્યું હશે કે,
मैंने समंदर से सीखा है जीने का सलीक़ा, चुपचाप से बहना और अपनी मौज में रहना..
હા, બરાબર છે. થોડો વખત એમ જ રાખું. ચૂપચાપ વહેવું અને મોજમાં રહેવું. કદાચ એમ કરવાથી તનમનની પ્રસન્નતામાં ઉમેરો થઈ જાય! “क्षणे क्षणे यन्नवतामुपैति तदेव रूपं रमणीयतायाः ॥ Silly me! કેવા કેવા વિચારો આવે છે!
નોબલ પ્રાઈઝ વિજેતા કવિ પાબ્લો નેરુડાનું વાક્ય પણ એમ જ અત્યારે સાંભરી આવ્યું. All paths lead to the same goal. આવા અચાનક જાગી ઊઠેલા આ ભાતભાતના ને જાતજાતના વિચારો માટે આ ક્ષણે તો, થાય છે કે બસ, ડાયરીને સલામ અને વિરામ.
રંગપર્વના પાવન દિવસે માંડેલા પંચરંગી અક્ષરો, ફરી કોઈ અનોખો મરોડ લેશે કે કેમ, તે તો માત્ર સમય જ જાણે.

New post on શબ્દોને પાલવડે
નાનીબેન,
સરસ લાગ્યું , ક્યારેક ચુપચાપ રહેવું પણ ગમે!
આજે નિયમ મુજબ લખવા માટે ડાયરી ખોલી તો ખરી પણ આજકાલમાં, ખાસ કશું લખવા લાયક બન્યું નથી. આવું કંઈ થાય? ન થાય, પણ થયું!
શ્રી પ્રેમચંદ મુનશીએ મનની કેવી શાંત અવસ્થામાં આવું સુંદર લખ્યું હશે કે,
मैंने समंदर से सीखा है जीने का सलीक़ा, चुपचाप से बहना और अपनी मौज में रहना..
Akbar Ali Habib
>
LikeLike