
દેવિકા રાહુલ ધ્રુવની ગઝલ “ફાકી કરી છે”નો આસ્વાદ …શ્રી સતીન પરવેઝ.
રદીફના સંવાહક વિના નિષ્ફિકર અલક્ષિત સફર કરતી આ ગઝલની નાયિકા નૈયા,સૈયા, તથૈયા, મૈયા, ગૈયા અને ગવૈયા જેવાં હિન્દી ભાષી બે માત્રાના પ્રતીકોથી જે વ્રજ સમી ભક્તિની ઝાંય ઝળકાવે છે. એ કવયિત્રીની ભીતર રમંતી અસ્તિત્વ વિષયક અપ્રતિમ શ્રધ્ધાલીલાનો જ લયબધ્ધ સુરીલો રણકાર છે. પ્રથમ નાંગરેલી અદ્વિતીય નૈયા વિશેનાં રહસ્ય સંવાદને માણીએ.
‘કિનારે ઠરેલી જુદી છે આ નૈયા.
નવાં કો’ મુકામે જવાની છે સૈયા.’
આમ તો સ્વાભાવિક રીતે એક જ જળ કિનારે નાંગરતી નૈયા, એકની એક જ હોય. જેનાં લંગર છૂટતા એ નિશ્ચિત સામા કિનારે પ્રવાસીને પહોંચાડતી હોય છે. પરંતું અહીં અભિપ્રેત નૈયા, આગવી હોઈ વણખેડેલ મુકામે જ એનું લક્ષ સાધવાની છે. એવી શ્રધ્ધા કવયિત્રી કોળે છે. જે વિશે એ ‘સૈયા’અર્થાત પ્રિય પાત્રને સૂચવતા આનંદની મોજ હિલ્લોળે ઝૂલે છે..નૈયાના પ્રતીકમાં એ ભક્તિ સંવહનનો અનેરો પંથ ખેડે છે.
બીજો શેર અજ્ઞાત ચિત્તચૈતન્યનો ચરમ તાલબદ્ધ ઉલ્લાસનું જ નર્તન કરે છે. આમે આપણું સકળ અસ્તિત્વ પણ “માલૂમ સે નામાલૂમ કા સફર”ને જ વરેલ હોઈ, આપણને અસલ પ્રવાસી કે ખલાસીની ઓળખ વિના જ આગે દોરી જતું હોય છે. એ વિશેની પૂર્ણ જ્ઞાતા દેવિકા જી ખરે જ હરઘડી ‘તા થૈયા તા થૈયા’નાં નર્તન રમણમાં આનંદ વિભોર જણાય છે.
‘ખલાસી, પ્રવાસી કશી ના ખબર છે,
ને તોયે છે હૈયે તો તાતા તથૈયા.’
આ શેરનો સાની મિસરો પાંચ “ત” વરણને સાંકળતો હોઈ તની તદ્રુપતામાં જ સ્વજાતને તારણ વિના તારી કમાલ કરે છે. કવયિત્રી સમગ્ર ગઝલમાં અજાણતાનો જ અભિષેક કરવા છતાં, એમની અવિભાજ્ય શ્રધ્ધાના મૂળમાં પ્રગટતી માતા વિશે તો અતૂટ કડીઓ સાધે છે. જેમાં કશું યે મૂળ રૂપે પરિચિત અવસ્થામાં ન જડતું હોવા છતાં, માનો નાભિગર્ભ તો સદાકાળ ઉપલબ્ધ જ રહેવાનો, એવી ખાતરી દેવિકા જી છાતી ઠોકીને આ જગતને આપે છે.
‘હશે શું ને કેવું, નથી જાણ કંઈ પણ,
છે ખાત્રી સદાની હશે પાસ મૈયા.’
સદાકાળ એક મા જ એનાં પાર્થિવ કે અપાર્થિવ સ્વરૂપે આપણી ભીતર એવમ આસપાસ પરિક્રમા કરતી જ હોય છે. એ જ તૉ ચૈતન્યનો અનંત અવકાશ રચે છે. જેમ રાજેન્દ્ર શુક્લ એક પંક્તિમાં આવા જ સનાતન તત્વને આમ પડઘાવે છે.
“નથી તો ક્યાં ય પણ નથી, જુઓ તો આસપાસ છે.”
–રાજેન્દ્ર શુક્લ
મૈયા કાફિયો આપણને વ્રજની પેલી મૈયા દેવકી અને જશોદાનું સ્મરણ કરાવી જાય છે. એ જ અનુભૂતિની અવસ્થામાં દેવિકા બહેન વ્રજભૂમિની નિષ્ફિકર ગૌલીલામાં મનને પરોવી આવો શેર રચે છે.
‘ફિકરની તો હમણા મેં ફાકી કરી છે,
સ્મરણ ઘાસ જાણે કે ચગળે છે ગૈયા.’
ફિકરની ફાકી કરવાનો નવા પ્રયોગ એ જ સાધી શકે કે જે મનમેદાનમાં ઉગી નીકળતા સ્મરણ રૂપી ઘાસને ચગળીને નિઃશેષ કરી શકે..આવું મન વિષયક જટિલ જ નહીં પરંતું અસંભવિત કર્મ કવયિત્રી કરતાં લેશમાત્ર ક્યાં ખચકાય છે ? એ જાણે કે મનનાં જ ઘાસને નહીં સ્વયં શ્રીકૃષ્ણ સમાન નિજ જાતને જ ચરી જવાની ત્રેવડ આ મારા શેર જેમ દાખવતા હોય,એમ લાગે છે.
‘નથી હું જાદવો પણ, જાત ચારનારો છું,
ચરાવી શ્વાસનું ધણ, વ્રજ ચરીને આવ્યો છું.’
સતીન દેસાઈ પરવેઝ દીપ્તિ”ગુરૂ”
જ્યાં આમ વ્રજ ભોમ, મૈયા અને ગૈયાના રૂપમાં ચીતરાતું હોય, ત્યાં અવશ્ય કોઈ સુરીલો બંસી બજૈયા હોવાનો જ. એ સંકેતને જુદી રીતે દોહરાવી દેવિકા જી, છેલ્લા શેરમાં વ્યોમ ભોમે ગવાતાં અકળ ગીતોના સુરના સંતર્પક ઓડકાર આમ લે છે.
“હજી વ્યોમ ભોમે છે ગીતો મધુરાં,
મળી જાય કોઈ સુરીલો ગવૈયા.”
આપણે ય આ કવયિત્રીની સુરીલ આત્મ ગવૈયાની શ્રધ્ધાને સીંચીએ તો નિશ્ચે જ આપણી ય આવી ગઝલ પરિક્રમા સધાય.
ખરું ને?
સતીન દેસાઈ પરવેઝ દીપ્તિ”ગુરૂ”
એ/3 અભિલાષા ફ્લેટ, પાલડી, અમદાવાદ .7
9428907775
********************************************************
સરસ.
Sent from my iPhone
>
LikeLike