**ચંદરવો**૧૦ પોએટ કોર્નર, હ્યુસ્ટન.
આજનો સુવિચારઃ
પ્રાર્થના સવારની ચાવી અને સંધ્યાકાળની સાંકળ છે.
કેટલીયે વાર ડાયરી હાથમાં લીધી ને પાછી બંધ કરીને મૂકી દીધી. ધાર્યુ’તુ, આંગણમાં દોરાતી રંગોળીની જેમ ૨૦૨૨ના નવા વર્ષની શરૂઆતમાં સુંદર રંગોળી સજાવીશ, આશા-ઉમંગો અને અવનવી પ્રવૃત્તિઓના રંગો ભરીશ. પણ ડાયરીનાં પાનાંની કિસ્મતમાં એ હતું નહિ! અગાઉની એકાદ આફતનું ચોંટી ગયેલ ચિત્ર ઉખાડવું હતું; ખુશી ખુશી ચંદરવો ભરવો હતો. ત્યાં તો ફરી એની ઉપર હચમચાવી દે તેવાં બે ચિત્રો ચડી ગયાં! કદાચ જિંદગીનાં અવનવાં રૂપો અને ભાવિના સંકેતોમાંનો આ પણ એક નવો ઘાટ હશે.
આમ તો ડાયરીમાં એ ટાંકવાનો ઝાઝો અર્થ નથી, પણ વાસ્તવિકતાને અળગી રાખવાનું પણ કોઈ કારણ નથી જ. શું લખું? આજકાલ કોઈ તોફાની છોકરાની જેમ, માણસને સોગઠાં બનાવીને રમતા પેલા ઉપરવાળા બાજીગરને પ્રશ્ન છે. ફરિયાદ તો કેવી રીતે થાય? શું ગુમાવ્યું એ સવાલ નથી, એનું દુઃખ પણ નથી; પણ કેવું થયું, કેમ થયું એ પ્રશ્ન ખૂબ પરેશાન કરી દે છે. એક bumpy ride…ને પેલી મનમાં રચાતી રંગોળી આખીયે ફીંદાઈ ગઈ.
૩૧મી ડિસેમ્બરની એ રાત કેવી હતી! દસેક વાગ્યે બહારથી ઘેર આવીને જોયું તો બેડરૂમ, બાથરૂમ અને તેનું ક્લૉઝેટ અસ્તવ્યસ્ત હાલતમાં. બધી જ ચીજ વસ્તુઓ, ખાનાં, કબાટ ખાલી થયેલાં, ખુલ્લાં અને વેરછેરણ. તોડેલી બારીના કાચના સેંક્ડો ચૂરેચૂરા ચારેબાજુ પથરાયેલા. ચોરીનું એ દૄશ્ય જોઈ હેબતાઈ જવાયું. મનને કાબૂમાં કરી, તાત્કાલિક જરૂરી સાવધાનીનાં પગલાં લેવાનું કામ પૂરું કરી લગભગ પરવાર્યાં. સમય લાગ્યો. ફરી એકવાર “બંને સલામત તો છીએ” વિચારીને, પેલી ‘ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે’ અને Footprints, મેરી સ્ટીવન્સનની કવિતાનું સ્મરણ કરી લીધું. Anything can happen to anybody, anytime in life. એ જ દિવસે એક ખૂબ નિકટના મિત્રને પણ ગુમાવ્યા અને આ ઉપરાંત અસુખમાં ઉમેરો કરતો નવો ‘વાયરસ’ પણ વિશ્વમાં શરૂ. ખેર!
૨૦૨૨નાં બે અઠવાડિયાં વીતી ગયાં. ઉત્તરાયણનો તહેવાર પણ કાલે એમ જ પસાર થઈ ગયો. ઘણી બધી જૂની યાદો તાજી થઈ, પણ હવે એમ થાય છે કે આ બધું પણ જાણે એક ‘રુટિન’ લાગે છે, યંત્રવત્. વિરક્તિનો અહેસાસ થયા કરે છે.
કાલે સાંજે નાની બહેનનો ફોન આવ્યો ત્યારે પણ એવી જ જૂની યાદોમાં જરા જુદી રીતે વધારો થયો. ખૂબ વાતો થઈ. તે સમયે તો એની સાથે ડાહી ડાહી વાતો કરી લીધી કે, જૂની અસુખકર્તા યાદોને મનના ખૂણેથી ખેંચીને ફેંકી દેવી વગેરે,વગેરે; પણ પછી એ વિચારોમાં ઊંડા ઊતરી જવાયું. યાદો હઠીલી હોય છે. એને હટાવવાનું કામ કંઈ સહેલું નથી જ. ઘડીભર થયું કે, લખવા બેસી જાઉં પણ ‘રાતે વહેલા જે સૂઈ વહેલા ઊઠે વીર’ ના સૂત્ર મુજબ વર્ષોથી વહેલાં સૂઈ જવાની ટેવ. તેથી નિયમ મુજબ વહેલી સૂઈ જ ગઈ.
સવારે થોડીક સ્ફૂર્તિ લાગે છે. રાતના શરૂ થયેલા અને વાળી દીધેલા વિચારોને ડાયરીમાં લખવા બેઠી, પણ ઓહ, એ તો રિસાયેલ માનુનીની જેમ, કેમે કર્યા પાસે ફરક્યા જ નહિ, પણ જે થયું તે સારું થયું. ઘણીવાર એમ પણ લાગે છે કે જે થાય છે તે સારું નથી હોતું પણ કદાચ સારા માટે થતું હશે! કોઈ વધુ મોટી ખરાબીમાંથી ઊગરવા માટે થતું હશે!
આજની તાજગી સભર સવાર કંઈક જુદું જ કહી રહી છે. સામાન્ય રીતે દિવસ દરમિયાન વાંચન અને વહેલી સવારે લેખન થતું હોય, પણ આજે વળી એક પુસ્તક હાથ આવ્યું, જેનાં પાનાં ફેરવતાં ફેરવતાં વાંચતા જ રહેવાયું અને પછી તો થોડી વારમાં Morning Walkનો સમય થયો એટલે અટકવું પડ્યું. ફરી પાછું પેલું રુટિન! જો કે, આ રુટિનમાં શિસ્ત અને આરોગ્ય બંનેનું મહત્ત્વ છે.
ચાલતાં ચાલતાં પેલા રાતના ખોવાયેલા વિચારોનો તાંતણો મળવા માંડ્યો! મૂળ વિચાર એમ હતો કે, સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતાને ગમતું જ કામ કરતી હોય છે. કારણ કે, એને એમાંથી આનંદ મળતો હોય છે. કોઈકને ગાવું ગમે તો કોઈકને સાંભળવું ગમે, કોઈને સારાં સારાં કપડાં, ઘરેણાં પહેરીને ફરવું ગમે તો કોઈકને સાદા રહેવું ગમે. કોઈકને વાંચનમાં મઝા પડે તો કોઈકને લેખનમાં. આમ, જેટલા માણસો એટલો ખુશીનોયે પ્રકાર! એવી અનેક પ્રવૃત્તિઓ ગણાવી શકાય કે જે માણસ પોતાના આનંદ માટે કરતો હોય છે. પણ લેખન શું કેવળ નિજાનંદ માટે જ છે? મનમાં આવતા વિચારોને, અનુભવોને, સારા માઠા પ્રસંગોને ડાયરીમાં ટપકાવી લેવા તે ફક્ત શું આનંદ માટે જ છે? આ સવાલમાંથી એક એવી વિચારધારા પ્રગટી કે, ના,ના; આનંદ ઉપરાંત લેખન બીજું પણ ઘણું આપે છે. લેખનની ઇચ્છા અને પ્રવૃત્તિ વિચારોની ક્ષિતિજોને વિસ્તારે છે, વિવેકબુદ્ધિને ચકાસે છે, અંતરને વિક્સાવે છે અને વધુ સારા વાંચનની જિજ્ઞાસાને વધારે છે. સર્જનહારનો ઉદ્દેશ એ રીતે વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હશે એમ લાગે છે એ વિચાર જરા મનમાં સ્મિત ફરકાવી ગયો. એ ‘સુપર પાવર’નાં અનેક રહસ્યો અને વિસ્મયોમાંનું આ પણ એક ગણાવી શકાય.
ફરી પાછી એ વાત તો ખરી જ કે ગમતું કામ કરવું એટલે પેલાં રુટિન કામોમાંથી બહાર આવવું! ક્યાંકથી ઊડીને ચોંટેલી ધૂળને ઝાપટવી, અચાનક પીંખાઈ ગયેલ રંગોળીને ફરી કલાત્મક રીતે વ્યવસ્થિત કરવી, સંગીતના સૂરોમાં ડૂબી જવું, યોગાસન વાળી સમાધિનો આનંદ લેવો, કુદરતની સામે બેસી લાખો પ્રશ્નોના ઉકેલ પામવા, વગેરે વગેરે..
વાસી-ઉત્તરાયણની સવારે આ વિચારોનો પતંગ ખરો ચગ્યો! છેક ટુક્ક્લ (તુક્કા?!) સુધીના સમય સુધી ઉડશે કે શું?! વિશ્વના આકાશમાં ચગતા પતંગ જેવા સૌ. કોઈ ફૂદડી, કોઈ ઘેંશિયો, કોઈ જહાજ, તો કોઈ પાવલો. સવાલ તો એ થાય છે કે, હવા મુજબ, કમાન અને કિન્નાને, શૂન્ય/એકના માપથી સ્થિર કરી, દોરીના સહારે, ખરી ઉડાન થાય છે ખરી? કદીક પવન સ્થિર હોય, કદીક ભારે હોય. હળવેથી સહેલ ખાઈએ, કે ખેંચમખેંચ કરીએ, પણ ઊંચે જઈ, ન કપાય કે કોઈથી ન મપાય, છતાં સૌથી પમાય, એવી ઉડાન થઈ શકે છે?!!
ડાયરી-લેખનનું આ એક બીજું મહત્ત્વ. જાત સાથેની જાત્રા. ભૌતિક વસ્તુઓ તરફ વિરક્તિ, મુસીબતમાં વિસામો અને શ્રદ્ધાની વાટમાં જ્યોતનો ઉજાસ.
—દેવિકા રાહુલ ધ્રુવ

પ્રુથ્વી ધરી પર ફરે, દિશા બદલે, ઉત્તરાયણ થાય, પવન ફૂંકાય અને સાથે મન પણ પવન સાથે જોડાય ત્યારે ડાયરીનું લેખન મનને સુંદર રીતે સ્થિર બનાવી કાંઈક સરસ રચાવી દે છે. સુંદર આલેખન. અભિનંદન.
LikeLike