** ચંદરવોઃ ૯ ** પોએટ કૉર્નર, હ્યુસ્ટન.
આજનો સુવિચારઃ
સુખ વહેંચવા સંગત જોઈએ. દુ:ખ વહેંચવા તો અંગત જ જોઈએ.
લખું કે મનમાં જ સમાવું? દુઃખ વહેંચવા તો અંગત જ જોઈએ અને ડાયરી તો અંગત જ છે ને? શું કરું? ના…ના, કોઈપણ દુઃખકર વાતો, મૃત્યુની વાતો વગેરે નથી લખવી. સમય જ સઘળું સાચવી લેશે. કેટકેટલાં સ્વજનો ગયાં? આ અવસ્થાએ તો માત્ર ને માત્ર સ્વીકારવાનું જ હોય કે, મૃત્યુ એ વાસ્તવમાં મૃત્યુ નથી હોતું, એ તો જીવન પછીના જીવનની વચ્ચેનો માત્ર એક પડદો હોય છે, રંગમંચના પડદાની જેમ જ. રોલ પૂરો અને વેશપલટો. માણસ માત્ર માટે આ સાચું જ છે કેઃ
તખ્તા પર આવી ઊભેલ છું, ને રોજ હું વેશ બદલું છું,
પડદો પડતાં, વેશ ઉતારી, અજ્ઞાત રહીને વિરમું છું.
છેલ્લાં બે વર્ષમાં આખી દુનિયાને તદ્દન અનોખો વેશ પહેરવો પડ્યો છે.
૨૦૨૧ની સાલનો આ છેલ્લો મહિનો. જોતજોતાંમાં તો આ વર્ષ પણ ક્ષણોના પર્વત પર ગોઠવાઈ જશે. ૨૦૨૦નું વર્ષ ચારેબાજુથી અંધકારમય હતું. આ વર્ષે ઘેરો અંધકાર નથી પણ તે છતાં બહાર સાવચેતીભરી હલચલ અને રોનક વર્તાય છે.
થોડા દિવસો પહેલાં ટીવી પર એક ચમત્કારની જૂની વાત સમાચારરૂપે પ્રસારિત થઈ રહી હતી. એના કેટલાક શબ્દો કાને પડઘાયા. કોણ જાણે આજે એ વાત નોંધવાનું મન થયું.
એ સમાચારમાં એમ હતું કે ૨૦૧૩ની સાલમાં કેદારનાથના ધામમાં પૂર આવ્યું હતું અને આખું ગામ એમાં તણાઈ ગયું હતું. માત્ર એક કેદારનાથનું મંદિર બચી ગયું. તે પણ કેવી રીતે? ખૂબ ઊંચા પર્વત ઉપરથી એક જબરદસ્ત મોટી, ભારે ખડક જેવી શિલા ગબડતી ગબડતી નીચે પડી ને એ મંદિરના આંગણમાં આવીને અટકી ગઈ, જેને પરિણામે મંદિર બચી ગયું. પછી આ શિલાને દિવ્યભીમશિલા નામ આપવામાં આવ્યું, જેને આજે પણ જાણે મંદિરની રક્ષા કરતી હોય તેમ ત્યાં જ રાખવામાં આવી છે.
કેવી ચમત્કારિક વાત! આમ તો આવા દાખલા સૌના જીવનમાં પણ થતા રહેતા અનુભવાય છે. આવી વાતોમાં શ્રદ્ધા હોય કે ન હોય પણ ઘણી વાર મનને વાળવા માટે સાંભળવી ગમતી હોય છે.
અનેક વાર આપણે વિચારીએ કે ‘આ કામ મેં કર્યું, હું ના હોત તો શું થાત? અથવા એમ પણ વિચાર આવે કે મેં ‘ મેં આમ કર્યું હોત તો? આમ ન થાત ને?” વગેરે વગેરે..પણ ખરો કરવાવાળો તો એક એવો ‘સુપ્રીમ પાવર’ છે, જે અવિરતપણે, ચૂપચાપ, બસ, એનું કામ કર્યે જ જાય છે. એ તો ધરાશાયી થયેલ મકાનોના ભંગાર નીચે દબાયેલાં કુમળાં બાળકોને પણ બચાવે છે, તો માબાપથી ત્યજાઈ ગયેલાં અનાથને પણ ઉગારી લે છે. આપણે તો માત્ર એ સમજણની ક્ષિતિજો અને વાણી-વર્તનના વિવેકને વિકસાવવાનાં હોય છે.
થોડા દિવસો પહેલાં લખાયેલ ડાયરીનું આ પાનું એમ જ પડી રહ્યું હતું, આજે ફરી ખોલ્યું.
આજે રસપ્રદ ઘટના બની. એક જ ઘટના પણ ત્રણ જુદી જુદી રીતે એક જ દિવસે.
થયું એવું કે બપોરે ઘરનાં બારણાં પાસે એક નાનકડી ગીફ્ટ આવીને પડી હતી. ટપાલની ટિકિટ વગરનું બૉક્સ જોઈ નવાઈ લાગી. આશ્ચર્ય અને તર્કવિતર્કો થાય તે પહેલાં તો વૉટ્સઍપમાં ‘ડીંગ’ થયું. ડાબી બાજુ જોડાજોડ રહેતાં અમેરિકન પડોશીબહેન એ ગીફ્ટ બારણાં પાસે મૂકી ગયાં હતાં. એ રીતે તેમણે પોતાનો, ડિસેમ્બર મહિનાને વધાવતો આનંદ વ્યક્ત કર્યો હતો, વહેંચ્યો હતો! એ એમની રીત હતી.
થોડી વાર રહીને, ચાવી લઈ મેઈલબૉક્સમાંથી ટપાલો લેવા ગઈ તો જમણી બાજુ રહેતાં પડોશી યુવાન દંપતીનું ટિકિટ ચોંટાડેલું Christmas Card મળ્યું!! એ એમની રીત હતી. તે પછીના એકાદ કલાકમાં બારણે ટકોરા પડ્યા. થોડે દૂર પણ આસપાસ જ રહેતા એક ભારતીય ભાઈ મંદિરનો પ્રસાદ લઈને આવ્યા. એ એમની રીત હતી. વાહ. લાગ્યું કે જાણે આજે તો દિવસ ધન્ય થઈ ગયો. એક જ ઘટના, ત્રણ અલગ અલગ દેશની વ્યક્તિઓ દ્વારા અલગ અલગ રીતે વ્યક્ત! એ પછી વિચારે ચડી જવાયું.
અહીંની એક આ રીત જાણવા, માણવા અને સ્વીકારવા જેવી છે. અમેરિકન પડોશીના ઘરમાં હજી મહિના પહેલાં જ સ્વજનનું મૃત્યુ થયું છે, છતાં તેઓ દુઃખને પકડીને બેસી રહેતાં નથી, એને વારંવાર ગાયા કરતાં નથી. ખૂબ ઝડપથી પૂર્વવત્ બની જતાં હોય છે. આપણને લાગે કે તેઓ સંવેદનાશૂન્ય છે પણ એવું નથી.
બીજું, તેઓ નિકટ આવે પણ નહિ અને વિવેક ચૂકે પણ નહિ. અંતર રાખે અને આનંદથી જીવે. વાત તો સાચી જ છે ને, કે જ્યાં નિકટતા હોય ત્યાં અપેક્ષા જન્મે અને અપેક્ષા પૂરી ન થાય તો મોટા ભાગના સંબંધો એમાંથી જ વણસતા હોય છે.
આટલું લખ્યું ત્યાં તો એક મિત્રનો ફોન આવ્યો. “તમે આજે પાર્ટીમાં કેમ દેખાયાં નહિ? ‘હોસ્ટ’ને બહુ જ ખરાબ લાગ્યું!” મને મનમાં હસવું આવ્યું. ફરી પાછી એ જ વાત! નિકટતા, અપેક્ષા, નિરાશા, ફરિયાદ અને દુઃખ. જગત કેવું છે? ખરેખર ઈશ્વરે માણસનું સર્જન કરતી વખતે સંવેદનાઓના કેવા બારીક તાર ગૂંથ્યા હશે! ઘડીકમાં ગૂંચળું વળી જાય છે, ને એટલે જ ફરી પાછી પેલી પંક્તિઓ આંખ સામે ફરતી દેખાઈ જાય છે.
વિચારું છું, ન વિચારું છતાં પણ હું વિચારું છું.
વિચારીને પછી મિથ્યા ગણી સઘળું વિસારું છું.
ચાલ મન, જલકમલવત્ રહી, વહેતી સરિતામાં સરતાં રહીએ. આવતું નવું વર્ષ સૌને તન અને મનની કુશળતા બક્ષે એ જ શુભ ભાવ સાથે પ્રાર્થના.
અસ્તુ.
સૌની કુશળતાની પ્રાર્થના. सर्वे संतु निरामयाः
LikeLike
सर्वे संतु निरामयाः
LikeLike
મૃત્યુ એ વાસ્તવમાં મૃત્યુ નથી હોતું, એ તો જીવન પછીના જીવનની વચ્ચેનો માત્ર એક પડદો હોય છે. heart touching but nice expression of death a bitter reality of life.
LikeLike