કવિતાઃ યામિનીબહેન વ્યાસ
શિર્ષકઃ મમ્મી પાછી આવ.
જાળાં ઉપર લટકી રહેલાં આપણા જૂના કૅલેન્ડરનું પાનું તો પલટાવ,
મમ્મી, પાછી આવ!
કહ્યાં વગર તું ક્યાં ગઈ છે એ તો કહી દે, જા, આવું કરવાનું સાવ?
મમ્મી, પાછી આવ!
ઘરની ઈંટેઈંટો બધ્ધી તારે કાજ કરગરતી થઈ ગઈ,
ભવસાગરને તારે એવી તું આંખોમાં તરતી થઈ ગઈ,
લે, કીકીની મોકલું નાવ, મમ્મી, પાછી આવ!
સ્વેટર મારું ગુંથી દેતી, હૂંફ જરી પરોવી દેતી,
ફ્રોક ખૂણેથી સાંધી લઈને ડિઝાઇનને ઉલટાવી લેતી,
હવે વીત્યા દિવસો ઉલટાવ, મમ્મી, પાછી આવ!
ખાવાની એ સહુ વરણાગી કોરાણે મૂકાઈ ગઈ છે,
પાણિયારે દીવો ક્યાં છે? તુલસી પણ સૂકાઈ ગઈ છે,
આવી થોડું અજવાળું ફેલાવ, મમ્મી, પાછી આવ!
છત્રી થાતો તારો પાલવ, અમે વહાલથી નીતરતા’તા,
ભોળી મા, તને સાચ્ચું કહી દઉં? અમે તને બહુ છેતરતા’તા,
ફરી આવીને ધમકાવ, મમ્મી, પાછી આવ!
— યામિની વ્યાસ

રસદર્શનઃ દેવિકા રાહુલ ધ્રુવ
સુરતનિવાસી યામિનીબહેન વ્યાસનું નામ કવિતા ક્ષેત્રે તો જાણીતું છે જ. પરંતુ તેઓ એક સરસ અભિનેત્રી અને સફળ નાટ્યકાર પણ પૂરવાર થયાં છે. જુદી જુદી સાહિત્યિક સંસ્થાઓ સાથે સંલગ્ન રહી કલાને વિકસાવી રહ્યાં છે અને વિવિધ પારિતોષિક પણ મેળવતાં રહ્યાં છે.
તેમની કવિતા ‘મમ્મી, તું પાછી આવ’ ઠેકઠેકાણે પોરસાઈ છે. બાળસહજ વહાલભર્યા શિર્ષકની જેમ જ આખીયે કવિતા નરી સંવેદના અને નિર્દોષતાથી ભરી ભરી છે. આમ તો મા વિશે ઘણાં કાવ્યો લખાયાં છે પણ આ ભાવ જ એવો છે કે ભાવકમાત્રને એમાં ભીજાવું ગમે જ, ગમે.
પાંચ નાનાં નાનાં અંતરામાં ગૂંથેલી આ કવિતા પ્રારંભથી જ અતીત તરફ ખેંચી જઈ એક વિષાદનો તાર ઝણઝણાવે છે. જૂનાં કૅલેન્ડર પર જાળું બાઝી ગયું છે. એને પલટાવવાનું કામ બાકી છે. એ કોણ કરશે? મા તો નથી. એ તો એમ જ અચાનક કહ્યાં વગર જ ચાલી ગઈ છે! કૅલેન્ડર જૂનું છે. એટલું બધું જૂનું કે એને જાળાં બાઝી ગયાં છે. માનાં ગયાં પછી ઘણો સમય વીતી ચૂક્યો છે છતાં મન હજી માનતું નથી. સવાલ થયા જ કરે છે, સાવ આવું કરવાનું? ભલા, મા તે કંઈ આવું કરે? જુઓ, આ રોષ, આ ફરિયાદ તો નિયતિ સામે છે. કેવી આર્દ્રતાથી પંક્તિ પુનરાવર્તિત થતી રહે છે અને ભાવને ઊંડાણથી વ્યક્ત કરતી રહી છે! ’મમ્મી તું પાછી આવ.’ કવિતાની શરૂઆતમાં એક શિશુહૃદયનું અને માની ગેરહાજરીને કારણે ઘરની અસ્તવ્યસ્ત વ્યવસ્થાનું ચિત્ર સુપેરે અંકિત થયું છે.
આગળ જતાં કવયિત્રી વળી કહે છે કે,
ઘરની ઈંટેઈંટો બધ્ધી તારે કાજ કરગરતી થઈ ગઈ,
ભવસાગરને તારે એવી તું આંખોમાં તરતી થઈ ગઈ,
લે, કીકીની મોકલું નાવ, મમ્મી, પાછી આવ!
ઘરની ઈંટો દ્વારા અહીં દરેક વ્યક્તિની વેદના વલોવાઈ છે. આંસુભીની સૌની આંખો જાણે દરિયો થઈ ગઈ છે. કીકીની નાવ મોકલવાની કાલીઘેલી વાતમાં હૈયાંની આરઝુ પ્રગટ થઈ છે ને વળી વળી એક જ વાત.. એક જ ધ્રુવપંક્તિ ‘મમ્મી તું પાછી આવ’.
ધીરે ધીરે યાદોના પડદે માનું રૂપ તરવરે છે. સ્વેટર ગૂંથતી, અવનવી ડિઝાઈન માટે સિફતથી ખૂણા સાંધીને ઉલટાવતી, વિવિધ વાનગીઓ બનાવતી, પાણિયારે દીવો મૂકતી, તુલસીને જળ ચઢાવતી, અરે, પાલવ ધરી વહાલ વરસાવતી મા… ઓહોહોહો..થોડીક જ પંક્તિઓમાં કેટકેટલાં સ્વરૂપે માની છબી ઉપસાવી છે? રોજિંદી થતી એક એક ક્રિયાઓમાં ગોઠવાયેલા શબ્દો પણ કેટલા સાંકેતિક છે,અર્થસભર છે.!
સ્વેટર મારું ગુંથી દેતી, હૂંફ જરી પરોવી દેતી,
ફ્રોક ખૂણેથી સાંધી લઈને ડિઝાઇનને ઉલટાવી લેતી.
સ્વેટર તો ભૌતિક વસ્તુ પણ એમાં પરોવેલી પેલી હૂંફ ક્યાંથી લાવવી? જિંદગીની ડીઝાઈનને સુરેખ રાખવા માને કેવા અને કેટલા ખૂણાઓ સાંધવા પડ્યા હશે એ અર્થચ્છાયા હૈયાંને હલાવી દે છે. ખાવાની વાનગી તો ઠીક, હવે તો એની યાદમાં કોળિયો પણ નથી ઉતરતો એ ગર્ભિત ભાવથી હૃદય વીંધાઈ જાય છે. દીવા વગરનું પાણિયારું જ નહિ ઘર આખું અંધારમય ભાસે છે. આવીને અજવાળાં ફેલાવવાની અરજ આંખને ભીની કરી દે છે. ‘આવી થોડું અજવાળું ફેલાવ, મમ્મી, પાછી આવ!’
કાવ્યત્વની પરાકાષ્ઠાએ પહોંચતી છેલ્લી પંક્તિ અદભૂત પ્રયોજી છે. વિરોધાભાસી અલંકાર છતાં એની સંવાદિતા તો જુઓ! વરસાદથી બચવા છત્રી માથે ધરાય,પણ અહીં તો કવયિત્રી કહે છે કે, માનો પાલવ છત્ર બની માથે એવો ફરતો કે અમે એનાં વહાલના વરસાદથી ભીંજાતા!
છત્રી થાતો તારો પાલવ, અમે વહાલથી નીતરતા’તા. વાહ..વાહ..
અને છેલ્લી નાનકડી, એક એકરારની વાત અતિશય ધીરા ધીરા, કોમળ કોમળ, લાડભર્યા ભાવ સાથે આબાદ રીતે છતી કરી છે.
“ભોળી મા, તને સાચ્ચું કહી દઉં? અમે તને બહુ છેતરતાં’તાં..
ફરી આવીને ધમકાવ, મમ્મી, પાછી આવ!”
વાંચતાંવેંત સનનન કરતી આ લાગણી સોંસરવી ઉતરી જાય છે. સહૃદયી ભાવકથી એક ડૂસકું નંખાઈ જાય છે. દરેક વાચકને લાગે કે આ તો મારી પોતાની અનુભૂતિ છે એ જ કલમની સિદ્ધિ.
પાંચેપાંચ અંતરામાં ક્રમબદ્ધ રીતે ભાવોને ઉઘાડ મળ્યો છે. પહેલાં અંતરામાં દૂર ગયેલી માને ફરિયાદ છે, ઘરની વેરવિખેર હાલતનું બયાન છે, બીજાં અંતરામાં નર્યો સૂનકાર અને અભાવ છે, ત્રીજા અને ચોથામાં પ્રવૃત્ત માતાનું વંદનીય ચિત્ર છે અને છેલ્લે હેતની હેલી વરસી છે. એટલું જ નહિ, અજાણપણે માને છેતર્યાનો એકરાર છે અને એ માટે ડંખતા દિલને વઢ ખાવાની તૈયારી પણ છે જ. આમ, મન મૂકીને ઠલવાયેલી આખી રચના ધન્યવાદને પાત્ર છે. કવયિત્રી યામિનીબહેનને ખૂબ ખૂબ અભિનંદન. વધુ ને વધુ સુંદર કવિતાઓ આપતા રહે તેવી શુભેચ્છા.
અસ્તુ.
દેવિકા રાહુલ ધ્રુવ
અમારી દીકરી યામિની અને દેવિકાબહેનને ખૂબ અભિનંદન.
સુંદર ભાવવાની કવિતા
અને
તેવું જ .ખૂબ જ હ્રદયસ્પર્શી રસદર્શન
ખૂબ સુંદર રીતે દરેક પંક્તિ ખોલી આપી
આજે તેની ૩૭મી અને તેની મમ્મીની ૬૫ મી વૅડીંગ એનીવર્શરી છે
LikeLike
Reblogged this on નીરવ રવે.
LikeLike