ચંદરવોઃ૮

** ચંદરવોઃ 8 **    પોએટ કૉર્નરહ્યુસ્ટન

મંદિરોમાં પ્રગટાવેલા અસંખ્ય  દીવડાઓ કરતાં પણ અંતરના ઊંડાણમાં પ્રગટાવેલો શ્રદ્ધાદીપ આત્માને વધુ પ્રકાશ આપનારો નીવડશે.

કાલે ખરું થયું! સવારે બહાર તડકામાં બેઠી ને પછી ઘરની અંદર આવતી વખતે ફોન ભૂલાઈ ગયો. તે પછી થોડો સમય ત્યાં જ પડી રહ્યો. જરૂર પડી ને લેવા ગઈ ત્યાં સુધીમાં તો સખત ગરમ થઈ ગયો હતો. લગભગ બંધ થઈ ગયો હતો. ચાલુ કરવા જતાં ફોનમાંથી જ એક ઑટૉમેટિક સંદેશ ઝબક્યોઃ Wait. It is too hot to operate now! 

તરત જ ઠંડો થવા માટે ફોન બંધ કરી દીધો, પણ એ વાક્ય મનમાં કોતરાઈ ગયું. કેટલું ઊંડાણભર્યું તથ્ય છે એ નાનકડા વાક્યમાં?! ગરમ થયેલું મગજ  કે જીભ પણ જો થોડી વાર માટે ઠરવા દઈ શકાય તો જગતનાં અડધાં દુઃખો આપમેળે શમી જાય. જુદી જુદી રીતે સદીઓથી ગ્રંથોમાં સમજાવાયેલી આવી વાતો, પળમાત્રમાં, એક મશીન દ્વારા કેવી વ્યવહારુ અને કલાત્મક રીતે કહેવાઈ!! આ ઘટના ખૂબ ગમી તો ગઈ પણ બધું જ instant માંગતી આજની પેઢી ભવિષ્યમાં આમ જ શીખતી રહેશે એવી એક આશા પણ બંધાઈ. મઝા આવી ગઈ. એ મસ્તીમાં ને મસ્તીમાં જ, વર્ષો પહેલાં લખેલ એક ગીતની ધ્રુવપંક્તિમાં જરાક  હળવો, મજાકિયો સુધારો કરી લેવા મન લલચાયું.

તડકો ઓઢીને અંગ બેઠાં’તાં સંગ સંગ, હૂંફાળા ફોન લઈ હાથમાં!!!

(‘હૂંફાળા હાથ લઈ’ને બદલે!)
આભનાં તે વાદળને આવી ગઈ ઈર્ષા, સૂરજને ઢાંક્યો નહીં બાથમાં.
( ‘ ઢાંક્યો લઈ બાથમાં’ને બદલે)

એટલે જ તો પછી સૂરજ તપતો રહ્યો ને એની ગરમીથી ફોન પણ ગરમ થઈ બંધ! Silly વિચાર એકદમ હસાવી ગયો. આવું તો ડાયરીમાં જ સમાવાય ને? કોઈને થોડું કહેવાય!

ગઈ કાલની વાત લખતાં લખતાં પેન ક્યાં વળી ગઈ? આસોના તહેવારો પૂરા થયા. નવરાત્રિ ગઈ, ખૂબ જ ગમતી શરદપૂનમ ગઈ, દિવાળી ગઈ, નવા વર્ષનો સૂરજ પણ ઢળી ગયો અને આજે ભાઈબીજની સવાર પડી. ભાઈબીજ હોય એટલે ભાઈઓ તો નજર સામે પહેલાં જ આવે. જે છે તેની સાથે આનંદ તો ખરો જ અને જે  હયાત નથી તેની યાદો પણ ઓચ્છવ સમી લાગે.

આ તહેવારોના દિવસોમાં નિયમ મુજબનો ક્રમ એનો એ જ પણ રીતભાતો બદલાઈ ગઈ. સમયની સાથેસાથે ઘણું બધું બદલાઈ ગયું. નવું છે તેથી જુદું લાગે છે પણ આ પરિવર્તનમાં પણ સંકેત હશે, કંઈક સારું હશે જ, જરૂરી પણ હશેસમજણ અને સ્વીકૃતિ આવી જ રીતે કેળવાતી હશે ને?

એક તરફ દિવાળીનો અસલી માહોલ અને ખાવાપીવાની મિજબાની સાંભરે તો બીજી બાજુ ૪૧ વર્ષ પહેલાંની અહીંની (અમેરિકાની) દિવાળીની શુષ્કતા પણ સ્વાભાવિક રીતે જ ‘રીવાઈન્ડ કરેલાં રીલ’ની જેમ ચાલુ થઈ જાય.

એ અરસામાં બેસતા વર્ષની એક સવારે ન્યૂયોર્કના ઍપાર્ટમેન્ટના બારણે ટકોરા થયા હતા એ પ્રસંગ સાંભર્યો. ખાડિયામાં રહેતા એક મિત્ર અમને શોધી, નંબર અને સરનામું મેળવી ખાસ મળવા આવ્યા હતા. અમેરિકામાં તો આ વિરલ કહેવાય. કોઈ અચાનક ન ટપકી પડે, તેથી એ દિવસે એવો અને એટલો તો આનંદ આનંદ થયો હતો કે જાણે રણમાં તરસ્યાંને પાણી મળ્યું!  તે મિત્ર ‘સાલ મુબારક’ કહેતાં અંદર આવ્યા, બેઠા અને પૂ. મા-પપ્પાને પગે લાગ્યા. એ પોતે ડૉક્ટર અને વિદ્વાન, પણ સ્વભાવમાં કેટલી સરળતા! ખરેખર જે  ખરી ઊંચાઈ પર પહોંચ્યાં છે તે કેટલાં નમ્ર અને વિવેકી હોય છે એનો એક સરસ અનુભવ પણ થયો, જે વર્ષો પછી આજે ફરી ધન્યતા આપી ગયો. આવાં સ્મરણો ગાંઠે બાંધી રાખવાં ગમે જ ગમે. એ કદી કાલગ્રસ્ત થતાં નથી. જીવતરનો ગોખલો એનાથી તો ઝગમગતો રહે છે. એટલે જ તો, વયાવસ્થા ભુલાવી દે તે પહેલાં લખવાનું મન થયું. ફરી વાગોળવાનું મન થાય ત્યારે ડાયરી ખોલીને વાંચી તો શકાય. સાચે, તે વખતે તો સખત ગરમીમાં કોઈએ માથે શીળો ચંદરવો ધર્યો એમ જ લાગ્યું હતું. પરસ્પર થયેલ ખુશી અને એ રીતે બંધાયેલી મજબૂત મૈત્રી હજી અકબંધ છે. તેમના રમૂજી સ્વભાવનો અને કવિતાના સુંદર વાંચનનો ગુલાલ  એ અવારનવાર કરતા જ રહે છે. 

અહીં ભીંત પરનું તારીખિયું હજી ઊતર્યું નથી. અહીં તો ૩૧મી ડિસેમ્બરનો દિવસ પૂરો થાય પછી જ એ કામ થાય. નવા વર્ષે નવા સંકલ્પો લેવાય છે અને ‘આરંભે શૂરા’ની જેમ થોડો વખત પળાય છે. પછી ક્યારે ફરી પાછું અચાનક પેલું રુટિન શરૂ થઈ જાય છે તે ખબર જ પડતી નથી. કોઈ પણ કામ સંપૂર્ણ રીતે પાર પાડવામાં દ્રઢ નિર્ણય, એકાગ્રતા અને મનની મક્કમતા કેટલાં જરૂરી હોય છે તે ત્યારે સમજાય છે. આ ગુણો લખતાં લખતાં ગયા શનિવારે લખાયેલ પ્રીતિબહેનના લેખનમાંના ખૂબ ઊંચા ચૈતસિક સ્તરની વાત યાદ આવી ગઈ. એ કક્ષાએ પહોંચવાનું તો ખરેખર અઘરું. ‘ત્યાગીને ભોગવી જાણો’ની પણ એક અજબની અનુભૂતિ. 

ઓહો..ડાયરી લખવામાં એકધાર્યું ઘણું બેસી રહી એટલે ફરી પાછો..Oh, My God. આ ‘ઍપલ વૉચ’માં સંદેશ આવ્યોઃ Hey lazy, get up. It’s time to walk. ઓ બાપરે! ખરું છે આ બધું! પહેલાં તો આ વિશેષણ ( lazy ) વાગી ગયું, પણ  પછી ગમ્મત પડી ગઈ. વળી પાછો વિચાર તો આવ્યો જ કે, આ જ વાક્ય કોઈ વ્યક્તિ કહી જાય તો રડવું આવવા જેવું થઈ જાય. પણ આ ફોન જેવા સાધને તો ચહેરા પર સ્મિત ફરકાવ્યું! એટલું જ નહિ, પછી તો મેં  પણ મનમાં મને જ કહ્યુંઃ Hey lazy, get up. It’s time to walk!!

હવે તો ડાયરી બંધ કરીને ઊઠવું જ પડશે ને!

2 thoughts on “ચંદરવોઃ૮

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s