રસદર્શનઃ ૨૪- રાત પડી ગઈ..રક્ષા શુક્લ

ગીતઃ કવયિત્રી રક્ષા શુકલ..રસદર્શનઃ દેવિકા ધ્રુવ

પડતાં ‘ને આખડતાં ક્યારે અર્ધે રસ્તે રાત પડી ગઈ.
અંધારા ઓળંગી ઊભી, ચોરેચૌટે વાત ચડી ગઈ.

સમી સાંજના પાદર પ્હોંચી પગમાં એક ઉચાટ લઈને,
મૃગજળને જોયા મેં જળમાં ઇચ્છાઓની ફાંટ લઈને.
પળ બે પળના ઝળહળ સથવારે ઊભી હું વાટ લઈને,
ફૂલોમાંથી ફૂટ્યાં વેરી કાંટાઓ પણ કાટ લઈને.

અધ્ધર-પધ્ધર, ઊંચા જીવે ઓઢેલી નિરાંત નડી ગઈ.
પડતાં ‘ને આખડતાં ક્યારે અર્ધે રસ્તે રાત પડી ગઈ.

સૂનમૂન ભીંતોમાં સંતાતી આંખ, આંખથી ખરે ઝૂરાપો,
સૂરજના અણસારે નળિયાંમાં અટવાતી રાતો માપો.
અટકળનું ઓઠીંગણ પ્હેરે, અવાક્ ‘ને અધખૂલો ઝાંપો.
ભાગેડું સપનાં ઓળંગે પાંપણ ત્યાં તો આવે ખાંપો.

ધરપતનાં કાંઠે બેઠેલી વેળુ જેવી જાત દડી ગઈ.
પડતાં ‘ને આખડતાં ક્યારે અર્ધે રસ્તે રાત પડી ગઈ.

રસદર્શનઃ દેવિકા ધ્રુવ

સુંદર મઝાના લયમાં લખાયેલ  ઉપરોક્ત ગીતની સિદ્ધહસ્ત કલમ છે રક્ષાબહેન શુક્લની. રક્ષાબહેન એટલે એક એવાં કવયિત્રી જેમને છેલ્લાં કેટલાંક વર્ષોથી સતત વિવિધ પ્રકારના પારિતોષિક મળતાં રહ્યાં છે. મુખ્ય મુખ્ય ઉલ્લેખો કરું તો ‘કુમાર’ તરફથી કમલા પરીખ પારિતોષિક, સંસ્કાર ભારતી ૨૦૧૯નો સાહિત્ય માટેનો ‘સંસ્કાર વિભૂષણ એવોર્ડ’, સ્વ. શ્રી રીતાબેન ભટ્ટ સ્મૃતિ કવયિત્રી સન્માન (૨૦૧૯), ૨૦૧૭માં કવિ તરીકેનો રાજયકક્ષાનો બ્રહ્મ ગૌરવ એવોર્ડ’ અને GLS યુનિવર્સિટી તરફથી CWDC રાષ્ટ્રીય સન્માન.

ગીતની શરૂઆતમાં જ કવયિત્રી જીવનનાં એક સનાતન સત્યને  અતિ મૃદુતાથી સ્પર્શી લે છે.

પડતાં ‘ને આખડતાં ક્યારે અર્ધે રસ્તે રાત પડી ગઈ.
અંધારા ઓળંગી ઊભી, ચોરેચૌટે વાત ચડી ગઈ.

તડકા છાંયડા વચ્ચેનું જીવન પણ દિવસ-રાતની જેમ કેવું વહેતું જાય છે? એનીયે રાત પડે છે.

વાંચતાં વાંચતાં જ મનમાં ગણગણી લેવાય અને સાથેસાથે પગના ઠેકા પણ આપમેળે જ લેવાતાં જાય એવો મઝાનો લય ભાવકને આગળના અંતરા તરફ વિવશપણે ખેંચી જાય છે. પડી આખડીને રાત સુધી પહોંચ્યા પછી, આ કઈ રાત અને કયા અંધારાં ઓળંગવાની વાત છે એ વિસ્મય પ્રથમ અંતરામાં ધીરે ધીરે ક્રમિક રીતે ઉઘડતું જાય છે.

સમી સાંજના પાદર પ્હોંચી પગમાં એક ઉચાટ લઈને,
મૃગજળને જોયા મેં જળમાં ઇચ્છાઓની ફાંટ લઈને.
પળ બે પળના ઝળહળ સથવારે ઊભી હું વાટ લઈને,
ફૂલોમાંથી ફૂટ્યાં વેરી કાંટાઓ પણ કાટ લઈને.

રાતની વાત કરીને એક સમી સાંજનું ચિત્ર ઉપસાવે છે! શું એ  રાતનું સપનુ હતું? કે અતીતની સ્મૃતિ?

પાદર પહોંચતાં આ  ઉચાટ શેનો છે? અવનવા અર્થોની છાયાઓ ભાવક ચિત્તમાં અનાયાસે સ્ફૂરી આવે છે. ઝણઝણાટી કરાવી આપતાં શબ્દો તો જુઓ? એક તો મૃગજળ અને તેમાં પણ ઇચ્છાઓની ફાંટ !! આહાહા… શું ચોટદાર અભિવ્યક્તિ છે! વળી એ વિષાદના ભાવને અનુરૂપ ‘ઊભી હું વાટ લઈને’, ‘કાંટાઓ પણ કાટ લઈને’ જેવું નવીન કલ્પન પણ  ખૂબ દાદ માંગી લે છે. કશુંક મનવાંછિત જોવા/મળવાને બદલે આવું ચિત્રણ પછી કાવ્યની નાયિકા હકીકતને વધાવી મનને મનાવી લે છે, જાણે સમાધાન કરતાં કહે છે કે, ‘અધ્ધર-પધ્ધરઊંચા જીવે ઓઢેલી નિરાંત નડી ગઈ.‘ માંડ કરતાં આંખ મળી ને એ સપનું હોય કે દિવાસ્વપ્ન;  અતીતની યાદો પણ હોઈ શકે; પણ હતો કેવળ ઉદ્વેગ. એ શેનો હતો એ ભાવ હવે બીજા અંતરામાં એક કાવ્યાત્મક વાર્તાની રીતે વધુ ઘેરો બને છે.

સૂનમૂન ભીંતોમાં સંતાતી આંખ, આંખથી ખરે ઝૂરાપો,
સૂરજના અણસારે નળિયાંમાં અટવાતી રાતો માપો.
અટકળનું ઓઠીંગણ પ્હેરે, અવાક્ ‘ને અધખૂલો ઝાંપો.
ભાગેડું સપનાં ઓળંગે પાંપણ ત્યાં તો આવે ખાંપો.

 આ ચારેચાર પંક્તિઓનો શબ્દેશબ્દ સોંસરવો ઉતરે છે. આગળ પાદરમાંથી કવિતા હવે ઘરની અંદર પ્રવેશે છે જ્યાં ભીંતો સૂનમૂન છે,ખાલીખમ છે, મનમાં જે ચહેરા ને આંખ છે તે જાણે સંતાતી ફરે છે અને તેમાંથી પણ નર્યો ઝૂરાપો જ ખરતો વરતાય છે. નળિયામાં અટવાતી રાતો દ્વારા વેદના ટપકે છે. અધખુલા, મૌન ઝાંપામાંથી અટકળો યે ઘણી થઈ જાય છે. અહીં શબ્દોનું ઔચિત્ય  માણવા જેવું છે. અટકળનું ઓઠીંગણ પ્હેરે, ‘ભાગેડું સપનાં ઓળંગે પાંપણ’ કેવું ગોઠવાઈ જાય છે? ઝુરાપો, માપો, ઝાંપો ની સાથે ખાંપોનો પ્રાસ પણ ખોદ્યા પછી પણ રહી ગયેલાં મૂળિયાંનો ઊંડો, ગર્ભિત અર્થ સુપેરે પ્રગટ કરે છે.

 અહીં મને કવિ શ્રી મકરંદ દવેની ગઝલ ‘છતાં’નો કંઈક આવી જ સંવેદના નીતરતો એક શેર સાંભરી આવ્યો.

આવવાનું કહી ગયા છે એ બધું મેલી, છતાં –
તોરણો છે, સાથિયા છે, ખુલ્લી છે ડેલી, છતાં –

છેલ્લે ‘ધરપતનાં કાંઠે બેઠેલી વેળુ જેવી જાત દડી ગઈ.’ કહી ધ્રુવ પંક્તિ ‘અર્ધે રસ્તે રાત પડી ગઈ.’ સાથે ભળી જાય છે. જાતને ‘વેળુ’ શબ્દમાં વર્ણવી, વ્યક્તિત્વની નરમાશ તો વ્યક્ત કરી છે જ પણ નિયતિના નિયમોની  સમજણપૂર્વકની સ્વીકૃતિ પણ કરી દીધી છે.

 વાતવાતમાં, એક અભિવ્યક્તિમાં આ કવયિત્રીએ કહ્યું છે તેમ કવિતાકાર્ય એ તેમનું સૌથી વધુ ગમતું સ્વરૂપ છે અને તેમાં પણ ગીતો તો સવિશેષ. એ કહે છે કે, “જિંદગીએ આપેલા ખુશીના અવસરો કે એની લોહીઝાણ સફરઅચાનક ટપ દઈ ખોળામાં ટપકી પડતી કાચી કેરી જેવી કોઈ ગમતીલી ક્ષણો કે ઉઝરડાતા શ્વાસોમાંથી ઉઠતી બેવડ વાળી નાખતી પીડાએ મને હંમેશા કલમ પકડવા મજબુર કરી છે.”  મને ખાત્રી છે કે કદાચ એટલે જ તો  ભીતરની સંવેદનાઓનું બારીક નક્શીકામ તેઓ કરી શકે છે. 

આ આખા ગીતમાં દૂરથી આવતાં સંગીતનો લય છે, ભાવોનું સાતત્ય છે, એ ક્રમબધ્ધ રીતે ઉઘડે છે, વહેતો રહે છે અને વિરામ પામે છે. કાવ્યાત્મકતાથી સભર વ્યંજના અને લક્ષણા તો છે જ પણ ચિત્રાત્મકતા પણ કલામય છે. પ્રાસનો  સહજ વિનિયોગ મોટું જમા પાસું છે. શબ્દપ્રયોગ અને અલંકારોનું ઔચિત્ય પણ ગીતને સુંદરતા અને ગૂઢાર્થને ઊંડાણ બક્ષે છે.

 ફરી ફરીને માણવું ગમે એવા આ ગીત માટે રક્ષાબહેનની કલમને ખૂબ ખૂબ અભિનંદન.
સાહિત્યવિશ્વમાં તેમની કવિતાઓ પોંખાયાં કરે એ જ શુભેચ્છા.

અસ્તુ.

One thought on “રસદર્શનઃ ૨૪- રાત પડી ગઈ..રક્ષા શુક્લ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s