** ચંદરવોઃ ૭ **    પોએટ કૉર્નરહ્યુસ્ટન

     આજનો સુવિચારઃ

 સાચું જ્ઞાન એ જ જાણવામાં છે કે આપણે કશું જાણતાં નથી. – સોક્રેટિસ

ઑક્ટોબર મહિનો શરૂ થાય એટલે પૂ. મહાત્મા ગાંધીજીનું સ્મરણ થાય જ. ડાયરી લખતાં લખતાં  શ્રી મહાદેવભાઈ દેસાઈની ડાયરીનો અમૂલ્ય ખજાનો પણ મનમાં યાદ આવી ગયો. વર્ષો સુધી લખાયેલી તેમની ડાયરીઓના ઘણા ભાગ છે. કવિ શ્રી ઉમાશંકર જોશીએ લખ્યું છે કે, ‘શ્રી મહાદેવભાઈની ડાયરી’નો વિષય મહાદેવભાઈ નથી. પણ આ ડાયરીમાં ગાંધીજીનું પ્રતિબિંબ જોઈ, સ્થિર પ્રસન્ન જલાશય જેવા લેખકના ચિત્તનો પણ આહ્લાદક અનુભવ થાય છે.”

એક બીજી પણ વાત સાંભરી આવી. એચ.કે. કૉલેજમાં ગુજરાતી વિષય ભણવાનો લહાવો જે પ્રોફેસર પાસે મળ્યો હતો તે શ્રી નગીનદાસ પારેખે એક પુસ્તકમાં લખ્યું છે કે, “ રોજના નાના નાના પ્રસંગોની રસભરી નોંધ કરવાની કલાનું તેમને ( મહાદેવભાઈને) સુખદ વરદાન હતું. એ વાર્તાલાપોનું વાંચન કરવામાં જ વિનમ્રતા અને સહિષ્ણુતાની કેળવણી આપોઆપ મળી રહે તેમ છે.”

સાચે જ, જગતનાં સાહિત્યમાં ડાયરીઓ ઘણી મળશે, પણ ‘મહાદેવભાઈની ડાયરી’નું સ્થાન બહુ ઊંચું રહેશે. તેમાં લખાયેલી પવિત્ર વિચારધારાનું જેમનામાં સિંચન થાય તે સૌ કોઈ પાવન થઈ જાય. આજની સવારની સુહાની મોસમ અને સવારની સ્ફૂર્તિએ, પુણ્યાત્માઓને  યાદ કરાવ્યાં એટલું જ નહિ ડાયરીના આ પાનાને પણ પ્રફુલ્લિત કર્યું. તેમને વંદન કર્યા વગર આગળ કેમ વધાય?

 આજે સવારે ચાલતાં ચાલતાં ઘણે દૂર નીકળી જવાયું હતું. એક તો હવામાન ખુશનુમા હતું, નહિ ઠંડી કે નહિ ગરમી અને બીજો ઊઘડતો જતો અજવાસ. કેટલાક સ્વાસ્થ્ય અંગે સભાન લોકો પણ આસપાસ જોવા મળે જ. આશ્ચર્ય વચ્ચે એક યુવાન યુગલ પણ સામેથી આવતું દેખાયું. આશ્ચર્ય એટલા માટે કે, સામાન્ય રીતે યુવાન વયની વ્યક્તિઓ સાંજે જોવા મળે. શનિ-રવિમાં અહીં વહેલી સવારે ન ઊઠે.  ને પછી તો ખબર જ ન પડી ને બસ, એમ જ જૂની ગલીઓમાં ઊંડે ખૂંપી જવાયું.

નાનપણમાં શિયાળામાં વહેલાં ઊઠી, અંધારામાં પોળની સહેલીઓ અને દરેકની માતાઓ સાથે સમૂહમાં નદીએ ન્હાવા જતાં કેટલું ચાલતાં તે, પછી ૧૯૬૭-૬૮નાં વર્ષોમાં કૉલેજ જતાં સાબરમતી નદી ઉપરના નહેરુ બ્રીજ પરની વહેલી સવાર, ચૂંટણીના સમયમાં વહેલાં ઊઠી ઘેર ઘેર ચોપાનિયાં નાંખવાં જતાં. એ બધી વાતો કરતાં કરતાં ભારતની જુદીજુદી ૠતુઓનો અહેસાસ સળવળ્યો. ત્યારબાદ ન્યૂયોર્ક, ન્યૂજર્સીની સવારની દોડમદોડ, ત્યાંની મોસમનો મનગમતો દેખીતો બદલાવ પણ સ્મિત ફરકાવી ગયો.

મને હંમેશાં આકાશ તરફ જોવું ખૂબ ગમે. કદાચ મનમાં સતત સૂર્ય અંગે દેવત્વનો ભાવ જાગતો રહે છે. જાણે પૂરવનો જાદુગર આવે, છાબ કિરણની વેરે, હળવે હાથે ધીમું સ્પર્શે,પડદા પાંપણના ખોલે. એમાંથી એક પ્રચંડ શક્તિનો સંચાર મળતો અનુભવાય છે. સપ્ટેંબર મહિનાની ૨૧મી તારીખથી અહીં ઋતુ બદલાઈ ગણાય. કહેવાય છે કે, અમેરિકામાં પાનખર ઋતુમાં ઉત્તર-પૂર્વ દિશામાં કુદરતમાં પથરાયેલા રંગોના મેઘધનુષી ગાલીચાને જેણે ન જોયો  હોય તે માનવી ઓછો ભાગ્યશાળી ગણાય. અનાયાસે એ પણ યાદ આવી જ ગયું કે  તે દિવસે અમે પેન્સિલ્વેનિયાની Penn State યુનિવર્સિટીના રસ્તે જતાં હતાં. આમ તો ત્યારે સપ્ટે.નું છેલ્લું અઠવાડિયું હતું. પાનખરની માંડ શરૂઆત હતી. તેથી સોળે કળાએ એ રૂપ નીખરવાને થોડી વાર હતી. ખૂબ વહેલી સવારે અમે બંને કારમાં નીકળ્યાં હતાં. પણ ત્યારે જે અનુભવાયું તેનું આ ચિત્ર..

ઓહોહો….ભૂરા, વિશાળ આકાશમાં વાદળોના ઢગલામાં જાણે કોઈ એક અદીઠ ચિતારો હાથમાં પીંછી લઈ તૈયાર ઊભો હતો. પર્વતો પરનાં લીલાં ઝાડ-પાન પર રંગના ત્યારે તો માત્ર છાંટણાં જ કરી રહ્યો હતો. એટલે ઠેકઠેકાણે એની ખંખેરાયેલી, છંટકાયેલી પીંછીમાંથી બે-ચાર રંગોનાં છૂટક છૂટક ઝુમખાં જ દેખાતાં હતાં. પણ જોતજોતાંમાં તો એના સમયપત્રક પ્રમાણે જાણે એ કુદરતના કેનવાસ પર તમામ રંગોથી ભરેલો, નયનરમ્ય મખમલી રંગીન ગાલીચો સજાવી દેવાની તૈયારીમાં છે તે લાગ્યા વગર રહે જ નહિ. ઘણી વાર જોયા છતાં જ્યારે જ્યારે એ જોવાનું થાય છે ત્યારે ત્યારે પાનખરની ભવ્યતા, વાસંતી રૂપ કરતાં જરાયે ઓછી નથી લાગતી. વસંતને હું પાંદડાના દરબારમાં કળીઓનો રાજ્યાભિષેક કહું છું તો પાનખરને અનુભવની હીરા-જડિત ગાદીએ હીંચતો ભવ્ય ગરિમાનો હિંડોળો કહું છું.

આજે બહુ વખત પછી કુદરતને મન ભરીને માણી. જો કે, અહીં હજી ઘાસની લીલી ગાદી ઝાંખી પડવા માંડી છે અને જરાક પીળી ચાદર પથરાવા માંડી છે એટલું જ. તેથી લીલી-પીળી ‘બાટીક પ્રિંટ’ પર ખરવા માંડેલાં કથ્થઈ રંગનાં પાન અને crape myrtleનાં આછાં ઘેરાં ગુલાબી ફૂલોનો પથરાટ જાણે પાનખરના સ્વાગત સમો દેખાવ આપે ખરો. તે ઉપરાંત ટેક્સાસના લીલાંછમ પંખા આકારનાં palm tree ભવ્યતાથી ઊભેલાં ઊંચાં ઊંચાં મગરૂરી queen palm અને તેની કેટલીયે ડોલતી તરુવર શાખાઓની વચ્ચેથી વહેતો ઠંડો ઠંડો પવન. વરસવાની તૈયારીમાં છંટાતી ઝરમર શીકરો સામ્રાજ્ય જમાવે તે પહેલાં પ્રભાતફેરી પતાવી અમે ઘેર આવ્યાં.

થોડી જ વારમાં વરસાદ તૂટી પડ્યો. જોકે, અમે તો એના વગર પણ ભીંજાયાં જ હતાં! અને એ નિમિત્તે મઝાની સ્મૃતિઓને વાગોળવાનું બન્યું અને સાથે ચાલવાનું પણ વધારે થયું તેનો આનંદ.

રાત્રે ડાયરી લખતાં પહેલાં ફરી એક વાર આકાશ તરફ નજર કરી તો વાદળોના ચિત્રવિચિત્ર આકારોમાં આજે તો જાણે ગાંધીજીના આંખ, કાન અને મોં બંધ કરીને બેઠેલા ત્રણ વાંદરા દેખાયા!!  ‘જેવી દૄષ્ટિ તેવી સૃષ્ટિ’ એમ જ થયું.

દિવસ સારો ગયાનો આનંદ..મન પ્રસન્ન..

2 thoughts on “** ચંદરવોઃ ૭ **    પોએટ કૉર્નરહ્યુસ્ટન

  1. આ કેવું! વસંતભાઈનું લખાણ ગુજરાતી પણ પહેરવેશ અંગ્રેજી! વિશાલનું પ્રમુખ પેડ વસંતભાઈને મોક્લાય તો કેવું? હું આડા માર્ગપર હાલ્યો ગયો નહિ? આજનુ આપનું લખાણ ખુબ સુંદર છે; ફરી વાંચવું પડે એવું!

    Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s