
* ચંદરવોઃ ૬ ** પોએટ કૉર્નર, હ્યુસ્ટન.
આજનો સુવિચારઃ
દુઃખનાં મૂળ ભલે ઊંડાં હોય પણ ખુશ થતાં પહેલાં તમારાં બધાં દુઃખ નાશ પામે તેની રાહ ન જુઓ.
– થિચ ન્હાટ હાન્હ
ડાયરીનું આગળનું પાનું લખ્યાને થોડાક જ દિવસો વીત્યા છે પણ એમ લાગે કે જાણે એના રંગરૂપ ઝાંખાં પડી ગયાં કે શું? રોજ કરતાં આજે આ ડાયરી કંઈક બદલાયેલી કેમ લાગી? કેટલીક વાર મનોદશાનો પડઘો કે પ્રતિબિંબ નિર્જીવ વસ્તુઓમાં ઝીલાતો હશે! એવા વિચારોમાં ને વિચારોમાં એક પાનું, વળેલું નજરે પડ્યું. એ ખોલતાંની સાથે જ ઉપરોક્ત સુવિચાર વાંચવામાં આવ્યો ને કલમ સરવા માંડી. કાગળ પરના અક્ષરોમાંથી કેવળ શબ્દકોષના શાબ્દિક અર્થ નીકળે છે પણ તેના સાચા અર્થો અને તેની અસર તો અનુભવે જ સમજાય છે અને તે પછી જ સંવેદનાનાં ખાનાંમાં ઊંડે સુધી પહોંચી જઈ અડકે છે.
હમણાં સાંજે ‘સબડિવિઝન’માં (મહોલ્લામાં) સામેના ઘર પાસે લાઈટોના ઝબકારા મારતી ‘એમ્બ્યુલન્સ’ આવીને ઊભેલી જોઈ. બારીમાંથી જોતા વેંત એકદમ ચોંકી જવાયું. ડર કેવી વસ્તુ છે? માણસ સાજોસમો થઈ જાય તે પછી પણ પેલા life threatening દૄશ્યને ખસેડવું કેવી રીતે? એનો કોઈ આયુર્વેદિક કે તબીબી ઈલાજ ખરો? પૂરપાર ઝડપે, એક પછી એક લીલી બત્તીઓને મસ્તીથી પાર કરતી ગાડીની સામે અચાનક પીળી બત્તી આવે ને કારને ધીરી પાડતાં પાડતાંમાં તો લાલ બત્તીની જેમ એકદમ જ બ્રેક મારીને અટકી જવું પડે ત્યારે કેવો આંચકો લાગે?
ઘણું બધું લખવું છે પણ કશું જ નથી લખાતું. કંઈ કેટલીયે લાગણીઓનો, વાતોનો, ચિંતનનો મહાસાગર ઊછળે છે, વારંવાર ભીંજવે છે. પણ છાલકો વાગીવાગીને રહી જાય છે. જેમ કુદરતને એના એ જ રૂપમાં કોઈપણ કેમેરામાં પકડી શકાતી નથી તેમ આ ભીતરની ગતિવિધિ એના એ જ સ્વરૂપે ક્યાં વ્યક્ત થઈ શકે છે? જે વ્યક્ત થાય છે તે તો એક બૂંદ પણ નથી! ઘડીકમાં તો એ સરકી જાય છે, કાં અદૃશ્ય થઈ જાય છે, ક્યારેક વિલાઈ જાય છે અને ક્યારેક ક્યાંક અટવાઈ જાય છે. આવું કેમ? ઘણીવાર ખુદને જ પૂછું છું કે હું આ કરું છું શું? શા માટે કરું છું? વિચારવું, વ્યક્ત કરવું એ રીતે જ જીવવું ? ક્યારેક આનંદ આવે ક્યારેક ન પણ આવે એવું કેમ? આ દ્વંદ્વ, આ દ્વિધાઓનું કોઈ વિરામસ્થાન ખરું? અંતે તો એ જ નતીજા પર આવવું પડે છે કે, ધારાની જેમ વહેતાં રહેવું અને ધારાઓને એની રીતે વહેવા દેવી, એના મૂળ સ્વરૂપે. ઝિલાય તેટલું ઝીલવું, એમ કરતાં કરતાં ઝુલાય તો ઝૂલવું, ઝૂમવું કાં ઝૂરવું..બસ, એમ જ જીવી જાણવું. મોસમ અચાનક બદલાય ત્યારે ધરતીને કંઈ કેવું કેવું થતું હશે? પણ છતાંયે બદલાતી રહેતી મોસમનો મિજાજ એ જ તો એનું જીવન છે. સ્વીકૃતિ જ એની પ્રકૃતિ. ખૈર! આજે ઘણું અસંબદ્ધ લખાઈ રહ્યું છે.
રાત્રે ઊંઘ ન આવી. ટેબલ પર પડેલ એક plaque પર ધ્યાન ગયું. મનગમતું એ લખાણ વારંવાર વાંચ્યું. એમાં ખૂબ જૂની અને વર્ષો પહેલાં વાંચતાંની સાથે જ ગમી ગયેલ મેરી સ્ટીવન્સનની કવિતા કોતરાયેલ છે. ‘Footprints’. વાંચવામાં આવ્યું છે કે આ કવિતા માટે ત્રણેક સર્જકોએ પોતે લખ્યાનો દાવો કરેલ છે! એ જે હોય તે પણ ફરી ફરી એ વાંચવાથી મનને ઠીક ઠીક શાતા મળી. સાંજે બંધ કરેલ ડાયરીનું અડધું પાનું ફરી ખોલી લખવા બેઠી.
એ કવિતામાં એક માણસના સ્વપ્નની વાત છે. સ્વપ્નમાં એ દરિયાકાંઠે ઈશ્વરની સાથે ચાલતો હોય છે. ‘ફ્લેશબેક’માં આકાશમાંથી એની જિંદગી દેખાય છે. પાછળ રેતીમાં બે પગલાં એનાં અને બે ઈશ્વરનાં, એમ કુલ ચાર પગલાંની છાપ છે. સંધ્યાટાણે એણે પાછળ જોયું તો બે જ પગલાં દેખાયાં. એણે મૂંઝાઈ જઈને પૂછ્યુંઃ “લોર્ડ, તમે તો કહ્યું હતું કે હું તારી સાથે જ છું તો પછી મારી તકલીફને સમયે આ બે જ પગલાં કેમ? તમે કેમ છોડી દીધો મને?” જવાબ હતોઃ “ઓ મારા વહાલા, મેં તને ક્યારેય છોડ્યો નથી. એ જે બે પગલાં દેખાય છે તે મારા જ છે. તારા મુશ્કેલ સમયમાં તને ઊંચકીને હું જ ચાલતો હતો!” કેવો મસમોટો આધાર! ટચલી આંગળીએ ઝિલાયેલ ગોવર્ધન પર્વત જેવો! અને તરત જ યાદ આવ્યું કે થોડાં વર્ષો પહેલાં આ જ કવિતાને ગુજરાતીમાં અનુવાદ કરવાનો (ઇંદ્રવજ્રા છંદમાં) પ્રયત્ન પણ કર્યો હતો.
મુ. જુગલભાઈના જૂના બ્લોગમાં અક્ષરમેળ છંદની કેટેગરી પણ ત્યારે ખાસ્સી એવી ફંફોસી હતી.
અનુવાદની છેલ્લી ચાર પંક્તિ..
ત્યાં દૂરથી ગેબી અવાજ કાને,
મારાં જ એ બે, પગલાં છે સાથે.
એ હું જ છું, ને તુજ સાથ છું હું.
તેડી તને હું પગલાં ભરું છું..
ને એ સાથે જ કવિ શ્રી સુંદરમના શબ્દોનું પણ સ્મરણ થયુંઃ
“મારે આતમને આવાસ પ્રભુ તારી પગલી પડે,…
મારે અંતર આંગણ માંહ્ય મગન કેરી આંધી ચડે.
પુસ્તકો, કવિતા અને ડાયરી કેટલો મોટો વિસામો છે!
ડરને પણ એ જ ભગાવે છે અને શ્રદ્ધા પણ એ જ જગાવે છે. હવે થોડી ઊંઘ આવશે ખરી.
–દેવિકા રાહુલ ધ્રુવ
બહુ સુંદર. આત્મમંથન માટે ડાયરી બહુ સુંદર જગ્યા છે. બહુ સરસ લખ્યું છે.
LikeLike
વાંચવું ગમ્યું. મારે પણ દર્પણમાં આવું જ થયું છે. જુદા જુદા સ્વરોની છાલક આવે છે. સાથે અેવો પણ વિચાર આવે છે કે વિષય ગહન છે અને આવું દર્પણ થવાનું નથી તો તેને હસતું રમતું ગીત બનાવીએ તો કેવું? હુતુતુનો વિષય ગહન છે પણ ગૌરાંગભાઈએ તેને હસતું રમતું ગીત બનાવ્યું.
Sent from my iPad
>
LikeLike