ગઝલ “બાકી છે”– દેવિકા ધ્રુવ
જીવન કે મોત વિષે ક્યાં, કશો કંઈ, અર્થ બાકી છે?
ઘણી વીતી, રહી થોડી, છતાં યે, મર્મ બાકી છે.
જમાનો કેટલો સારો, બધું સમજાવતો રે’છે!
દીવા જેવું બતાવે લો, કહો ક્યાં, શર્મ બાકી છે !
સદા તૂટ્યાં કરે છે આમ તો શ્રધ્ધાની દીવાલો.
સતત મંદિરની ભીંતો કહે છે ‘ધર્મ બાકી છે.’
ખુશી,શાંતિ અને પ્રીતિ, ત્રણેની છે અછત અત્રે,
મથે છે રોજ તો ઈન્સાન પણ, હાય, દર્દ બાકી છે.
જુએ છે કોક ઊંચેથી, હસી ખંધુ, કહી બંધુ,
ફળોની આશ શું રાખે, હજી તો, કર્મ બાકી છે.
-દેવિકા ધ્રુવ
****************************************

રસાસ્વાદ- ગઝલકાર શ્રી સતીન દેસાઈ ‘પરવેઝ’
અસ્તિત્વના વાસ્તવને ધ્રુવ તારા સમા ઝબકારે પરોવતા દેવિકા ધ્રુવ હ્યસ્ટન અમેરિકાથી ઉપરોક્ત ગઝલ મને હસ્તગત કરાવે છે.
“જીવન કે મોત વિશે ક્યાં કશો યે અર્થ બાકી છે?
ઘણી વીતી, રહી થોડી, છતાં યે મર્મ બાકી છે.”
અનાદિકાળથી વહી જતો સમય જીવન અને મોતના બે ધ્રુવ ખંડમાં વિભાજિત થઈ એની રહસ્યલીલા કરે છે. જે વિશે આપણી બુધ્ધિ અભણ સાબિત થાય છે. જ્યારે એને ખોલતું ચૈતન્ય જવલ્લે જ કોઈ દૈવી જીવને હસ્તગત થાય છે.એટલે જીવન અને મોતના તાદ્રશ્ય વાસ્તવમાં રાચતા જીવ પાસે ઉપરોક્ત ઉદગાર સિવાય અન્ય ક્યાં કોઈ વિકલ્પ હોય છે? હા.એના સંતોષ ખાતર હજી એ બેની વચ્ચે એના હોવાનો જે મર્મ અકબંધ છે..એને આ કવયિત્રીએ આમ કહી ખોલી આપ્યો છે.
“ઘણી વીતી,રહી થોડી, છતાં યે મર્મ બાકી છે.”
ખરા અર્થમાં અસ્તિત્વનું હોવું જ અકળ સમજણના પડદાઓને ચીરી ડોકિયાં કરવાની નિરર્થક મથામણ જ છે. એથી જ ઉર્દૂના શાયર ફાની બદાયુની આમ કહે છે.
“ઈક મુઅમ્મા હૈ, ન સમજને કા,ન સમજાને કા.
જીંદગી કાહે કો હૈ ખ્વાબ હૈ દીવાને કા.”
અર્થાત..જીંદગી એક એવી પહેલી છે જે સમજી કે સમજાવી શકાતી નથી.
“જમાનો કેટલો સારો, બધું સમજાવતો રે’ છે,
દીવા જેવું બતાવે લો, કહો ક્યાં શર્મ બાકી છે.”
શેરમાં વક્રોક્તિ નિરૂપણ જ્યારે અનુભૂતિ આવરણને ઉતારી સન્મુખ થાય છે.ત્યારે જીવન વિશેનું જે શર્મનાક ચિત્રણ ખડું થાય છે.એ ઉપરોક્ત શેરમાં અનુભવી શકાશે. આમ તો જમાનો એની કનિષ્ઠતાનો જ દીવો ધરી આપણને અજવાળવાની જગાએ દઝાડે છે. પણ આ દાહને પણ સકારાત્મક ઝીલતા આ કવયિત્રી જમાનાનું ઋણ સ્વીકારતા કહે છે કે એ રીતેય એ આપણી આંતર દૄષ્ટિ ઉઘાડી આપણને એહસાસ કરવા કહે છે કે એમાં પ્રવર્તમાન બેશરમ એની પરાકાષ્ટાએ હોય છે.એની સામે બાઅદબ વર્તનાર વ્યક્તિ તો મારા આ શેર જેમ આમ જ કહેશે.
“ઓ અદબ આ આગવું પ્રમાણ જોઈ લે.
ઊંચકે નકાબ એ, ને લાજિયેં અમે .” સતીન દેસાઈ “પરવેઝ” દીપ્તિ”ગુરૂ”
કવયિત્રી હવે પછીના શેરમાં ધર્માધંતાને મુખરિત કરવા નવ્યશૈલીમાં મંદિરની નિશ્ચેત દીવાલોમાં શ્રધ્ધાનું તત્વ પરોવે છે. આમ તો દીવાલ એ શ્રધ્ધા કરતા નડતરનું જ કાવ્યાત્મક પ્રતીક છે. પણ કવયિત્રીએ મંદિરની દીવાલો હોવાથી એને પ્રાણવંત કરવા મથે છે..પણ એ દીવાલોમાં નિત્ય ભાંગતી ભક્તિ શ્રધ્ધાને બચાવવા જાણે એ જ દીવાલો પુનઃ એ શ્રધ્ધા મંત્ર ફૂંકે છે “હજી સુધી તો ધર્મ ક્યાં મરી પરવાર્યો છે?” આમ આ શેરની બે પંક્તિઓમાં દીવાલ અને ભીંત સમાનાર્થી શબ્દનો કવયિત્રીએ શ્લેષ ઉપજાવી શેરને મમળાવતો કરી દીધો છે.
સદા તૂટ્યા કરે છે આમ તો શ્રધ્ધાની દીવાલો,
સતત મંદિરની ભીંતો કહે છે ” ધર્મ બાકી છે.”
‘બાકી’ રદીફ નિરૂપી આ કવયિત્રી આપણને જે કંઈ તત્વ હજી યે સલામત અને હાથવગું છે .એને જ માણી સકારશૈલીમાં નિર્વાહિત થવા માટેની પ્રેરણા આપે છે.જેને સમર્થન આપતો ચોથો શેર ખુશી, શાંતિ અને પ્રીતિના ત્રિગુણિયલ અભાવમાં પણ દર્દની અમીરાઈએ આપણને જાહોજલાલી માણવા માટે આમ હાકલ દે છે.
“ખુશી શાંતિ અને પ્રીતિ ત્રણેની છે અછત અત્રે,
મથે છે રોજ તો ઈન્સાન પણ હાય દર્દ બાકી છે.”
ઉપરોક્ત ત્રણ સંતૃપ્તિકારક તત્ત્વ કાજે મથતો માનવ એની દર્દની મૂડી જાળવી શક્યો છે..એ જ એનું અહોભાગ્ય ગણાય.
કવયિત્રીએ ઉપરોકત ગઝલના કાફિયાઓ જેવા કે અર્થ, મર્મ કે શર્મ વિગેરેમાં અર્ધ રકારના જ રણકારે અસ્તિત્વના સારત્વને ઝણઝણાવ્યું છે. અંતે માનવની મિથ્યા કર્મફલિતાની અભિલાષા વિશે સર્વ વિદિત એવી ગીતાના કર્મ અધ્યાયની જ આકાશ વાણી આ કવયિત્રી અંતિમ શેરમાં ચૌદમા ભવનની ચિત્રાત્મકતામાં જ હાસ્યાત્મક રીતે રેલાવે છે. ચાલો, શેર જોઈએ.
“જુએ છે કોક ઊંચેથી હસી ખંધુ, કહી બંધુ,
ફળોની આશ શું રાખે હજી તો કર્મ બાકી છે.”
આસમાની ચરમનો એ દૄષ્ટા અમાનવીય કર્મિતા પર જે પ્રકારના માર્મિક કટાક્ષ કરતા હોય એક એની જ સાક્ષાત દર્શના કવયિત્રી નામે દેવિકા ધ્રુવે કરાવી છે.
સતીન દેસાઈ “પરવેઝ”દીપ્તિ”ગુરૂ”
************************************************************
સુંદર ગઝલ્નો સુદર રસાસ્વાદ કરાવ્યો. દેવિકબહેન સતિન્ભૈ આભાર
LikeLike