નિત્યનીશીઃ ચંદરવોઃ ૪ 

ચંદરવો ૪ ઃ  સ્થળઃ પોએટ કોર્નર, હ્યુસ્ટનઅમેરિકા

 આજનો સુવિચારઃ
ખરબચડો પથ્થર શિલ્પીના તીણા ટાંકણાના પ્રહારમાંથી પસાર થયા પછી જ ઈશ્વરની મૂર્તિમાં પરિણમે છે.

ઘણીવાર કારણ વગર જ બેચેન થઈ જવાય છે. બધું અચાનક વિષાદમય લાગવા માંડે છે. એકદમ વાદળિયું વાતાવરણ પણ ક્યારેક એમાં મોટો ભાગ ભજવે છે. ક્યારેક પારકી પીડા પોતીકી બની જાય છે તો ક્યારેક બસ એમ જ. આવું જાતજાતનું વિચારવા જઈએ તો પણ, ખરું કારણ જાણવા છતાંયે કદાચ બહાર નીકળવા નથી માગતું. અંદરની કોઈ અજાણી દહેશત વધુ જુદું રૂપ ધરી તો નહિ જાય ને કહી અંતર્મુખ બની જાય છે અને છેવટે આ ડાયરી અને કલમ હાથમાં પકડાવી દે છે. આવી મથામણ દરમ્યાન થોડા દિવસ પહેલાં એક વિચાર એ પણ ઝબક્યો હતો કે સંવેદના એ છે શું? શેની બનેલી છે? એને કેમ જલદી ધક્કા વાગી જાય છે? એનો પિંડ કેવો હશે? પછી એ વિચાર એની મેળે જ છટકી પણ ગયો હતો.

એવામાં ફરી પાછો એ જ પ્રકારનો પ્રશ્ન નયનાના લેખનમાં વાંચ્યો! ઘડીભર તાજ્જુબ થઈ જવાયું. તેમાંથી વળી બે વલયો થયાં. એક તો જેની સાથે દિલ લાગી ગયું હોય છે તેની સાથે વિચારોનું આ સામ્ય અને લગભગ સરખા સમયે ઉદ્‍ભવેલી એકસરખી લાગણી. ફરક એટલો કે એમાં વાત હતી ‘મન’ વિશેની અને મારા મનમાં સવાલો જાગ્યા ‘સંવેદના’ અંગે. આવાં ‘વાઈબ્રેશન’ પણ કેવાં ખળભળાવી દેતાં હોય છે!

બીજું વલય જરા વધારે ઊંડા વિચારમાં ખેંચી ગયું. એમાંથી કંઈક એવું સમજાયું કે, સૌથી પહેલાં તો આંખથી કશુંક જોવાય કે વંચાય છે અથવા તો કાનથી શબ્દો સંભળાય છે; તે શબ્દો સીધા મગજમાં ઊતરી જઈ સમજાય તે પહેલાં તો તેમાંથી ઊઠેલા ભાવો, આ સંવેદનાના પિંડ (કદાચ ગોળાકાર) ને અડે છે જે હૃદયની અંદર કે હૃદયની ખૂબ જ નજીક હશે. તે વળી સેકંડના સોમાં ભાગ જેટલા સમયમાં તો અડીને ઝણઝણી ઊઠે છે. તેની સાથે જ તત્ક્ષણ આંખ વાટે વ્યક્ત થાય છે. પછી તે ખુશી હોય કે વેદના હોય. વધુ વિચારતાં થયું કે સંવેદનાની આ આખીયે પ્રક્રિયા, બાહ્ય અને અંતર્ગત ઇંદ્રિયોનું સંકલન, કેવી અ‌દભુત રીતે અને ઝડપથી કામ કરી જાય છે! આટલું બધું એકદમ જ બની જાય છે, પળવારમાં જ. ખરેખર આ વિસ્મય નહિ તો બીજું શું છે?આવા બધા વિચારોને કે અનુભૂતિને ડાયરીમાં ટાંકવા બેસીએ, ત્યારે દિનચર્યા જેવી વાતોની નોંધ તો બહુ ક્ષુલ્લક લાગે. કારણ કે રોજ નવું તો બનતું હોતું જ નથી. તેમાંયે હમણાંની વાતો તો… છેલ્લા દોઢ વર્ષથી આખા વિશ્વમાં એક જ ઘટના ચાલી રહી છે. શું નોંધ કરીએ?કેટલાક વખતથી જ્યારે જ્યારે લખવા માટે કલમ ઉપાડી છે ત્યારે ત્યારે દરેક વખતે એક જ વિચાર અને અનેક ચિત્રો નજર સામે આવે છે. આજે ઘણા દિવસ પછી ડાયરી હાથમાં લીધી તો પણ વળીવળીને એ જ વાત. ઘણીવાર આવું પણ બને છે કે આપણા ઉપર આપણું નિયંત્રણ ચાલતું નથી. એમ લાગે છે કે, ઈશ્વરને હવે એક જુદું, નવું વિશ્વ રચવું હશે ને ત્યાં એને કલાકારો ખૂટયે જતા હશે! બીજું કાંઈ લખવા માટે કેટલો પ્રયત્ન કરવો પડે છે! એક સુંદર પ્રાર્થના યાદ આવીઃGod, grant me the serenity to accept the thing I cannot change, courage to change the thing I can and wisdom to know the difference.હમણાંથી વાંચન થોડું વધારે થયું તે એક Plus point…અને હા, સમય એની ઘટમાળ મુજબ સારો કે ખરાબ તો ચાલ્યા જ કરે પણ ૨૦૨૦-૨૧ના આ કપરા કાળમાં સારી, નવી વ્યક્તિઓનો પરિચય પણ થતો ગયો તે કેટલી મોટી વાત છે!એક સવારે સરસ ‘સરપ્રાઇઝ’ મળી, પુરસ્કાર જેવી ! આજના ‘વાડકી વ્યવહાર’ જેવા સમયમાં એક સાવ અપરિચિત વ્યક્તિ દ્વારા થયેલ સુખદ અનુભવથી મન આનંદિત તો થાય જ ને? મારી રચનાના શબ્દોને સ્વરાંકન કરી પોતાના સૂરમાં ગાઈને કોઈકના દ્વારા વોટ્સએપ પર મોકલી પણ આપી ! નાની નાની ખુશી વધારે મહત્ત્વની તો ત્યારે બની જાય છે જ્યારે એમાં કશીયે દુન્યવી લેવડદેવડ નથી હોતી. કેવળ નિસ્વાર્થ ભાવ અને નિર્વ્યાજ આનંદની જ આપલે થતી અનુભવાય છે. આવી ઘટના વળી વ્યક્તિને પોતાના કામની સાર્થકતાનો એક અહેસાસ પણ કરાવે છે અને અંતરમાં અનોખી ઊર્જા પણ જન્માવે છે. આ લખતાંની સાથે એવી જ એક બીજી સંબંધિત વાત યાદ આવી.

થોડા વખત પહેલાં લંડનની લિટરરી ઍકેડેમીએ યોજેલ ઋષિકવિ શ્રી રાજેન્દ્ર શુક્લને ઝૂમ પર સાંભળવાનો લહાવો મળ્યો. ભાષાનાં, સંવેદનાનાં અને અનુભૂતિનાં જુદાં જુદાં સ્તરોના ત્રિવણીસંગમ પર સ્નાન કરાવતી જતી તેમની વાણી સાંભળ્યા પછી જાણે કોઈ પ્રસન્નતાના અગાધ સાગર કિનારે સમાધિસ્થ થઈને શાંત બની બહાર આવ્યા હોઈએ તેવી જબરદસ્ત અનુભૂતિ થઈ. આ ઋષિકવિનાં ધર્મપત્નીએ પોતાની બ્રહ્મવાદિની કાલ્પનિક સખીઓ અરુંધતી, મૈત્રેયી, ગાર્ગી વગેરેની વાતો કરી અને તેમને પોતાને થયેલ એક ખૂબ ઊંચા mystic experience ની સ્વ-પ્રતીતિને પ્રસ્તુત કરતી કવિતાઓ સંભળાવી. તે સાંભળીને આનંદ આનંદ થઈ ગયો.તે પછી તો ઇચ્છાનુસાર તેમનો ફોન પર સંપર્ક થયો અને મારા આશ્ચર્ય વચ્ચે કોઈ નિકટના દોસ્ત જેવી આત્મીયતાપૂર્વક લાંબી વાતો પણ થઈ. ત્યારે લાગ્યું કે કે જે સાચા સભર છે, જે ખરી ઊંચાઈ પર છે તે કેવા ખુલ્લા મનના હોય છે?! અહમ્ કે ગુમાનનો લેશમાત્ર અણસાર નથી હોતો. આવી વાતો, અનુભવો, યાદો ડાયરીમાં ટાંકવાં ગમે છે; એટલા માટે કે ફરી મન થાય અને જરૂર પડે ત્યારે વાગોળી શકાય. કદાચ એટલે જ કહેવાયું હશે કે “માણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લ્હાવો.”.આ સુખદ સ્મૃતિ સાથે આજે વિરામ.

-દેવિકા ધ્રુવ

One thought on “નિત્યનીશીઃ ચંદરવોઃ ૪ 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s