આતમે ઓઢેલા કાયાના વાઘામાં
પરમનો અંશ ખરો પામી લે.
મનને વરેલા વિચારોનાં પીંછામાં
ઊંચેરી આશા સમાવી લે.
દિલને વીંટેલા આ માયાના વીંટામાં
સાચી પ્રીત જરા આણી લે.
જગતમાં જામેલાં જૂઠાં સહુ વળગણમાં
સર્જકનું સત્ય તું જાણી લે.
અંતરમાં જાગેલાં વિશ્વનાં સપનામાં
સમજણની રોશની ફેલાવી લે.
કાળજડે કોરેલા થનગનતા કોડમાં
દિવ્ય સંદેશ તું પામી લે.
સર્વત્ર સળગેલા દુન્યવી તણખામાં
શાંતિનો દીપ પ્રગટાવી લે.
બહુ સરસ.
LikeLike