*** ચંદરવોઃ૨ *** સ્થળઃ પોએટ કોર્નર, હ્યુસ્ટન, યુએસએ.
આજનો સુવિચારઃ
“મને પગથિયા ખૂબ જ ગમે છે…કારણ કે પોતે સ્થિર રહીને બીજાને ઉપર ચડાવે છે.”
ડાયરીના પાને પાને સુવિચાર લખવાની વર્ષો જૂની ટેવ અનાયાસે આજે ફરી જાગૃત થઈ ગઈ.
એપ્રિલ મહિનો શરૂ પણ થઈ ગયો. એપ્રિલ એટલે શ્રી યશવંત શુક્લ, સ્નેહરશ્મિ અને રા.વી.પાઠક જેવા સાહિત્યકારોના જન્મનો મહિનો.
માર્ચ મહિનાથી તો ઋતુ બદલાઈ છે એટલે રોજ સવારે વહેલા ઉઠી ગરમ ચાનો કપ લઈ બેકયાર્ડમાં બેસી કુદરતને માણવાનો એક નિયમ થઈ ગયો છે. તે પછી જ લખવા, વાંચવાનું કે પછી ઘરના બીજાં રોજીંદા કામો શરૂ થાય. એ રીતે ગઈકાલે સવારે ફરી પાછી પપૈયાના ઠૂંઠા થઈ ગયેલાં ઝાડ પર નજર ગઈ અને થોડા અઠવાડિયાં પહેલાની આંચકાજનક યાદો તાજી થઈ ગઈ.
તે દિવસે ઊંચા ઊંચા અને બાહુ ફેલાવીને ટટાર ઊભેલાં અને માંડવા જેવા શોભતા સરસ મઝાના પપૈયાના ઝાડના પાંદડા સાવ એટલે કે સાવ નમી પડ્યાં હતાં, ઢળી ગયાં હતાં. પાન પરનો પેલો ચળકાટ ક્યાં ગયો હશે? એક જ દિવસની ઠંડીમાં આવા (જાણે કે કોરોનાગ્રસ્ત!) પાંદડાઓને જોઈ તરત તો હેબતાઈ જવાયું. પછી વિચાર્યું કે સમય અને સંજોગનો તકાજો કોને છોડે છે? બાકી કુદરતે તો પપૈયું ભારે હોય તેથી પહેલાં તેનું થડ ઘણું જાડું અને મજબૂત બનાવ્યું હતું અને મોટાં મોટાં પાન ઉગાડી, રક્ષણાર્થે, થાય તે બધું જ કર્યું હતું પછી જ ધીરે ધીરે ફળ ઉગાડ્યું હતું. ખૈર! મૂળ તો રાખ્યાં છે તેથી ફરી પાછું ઉગશે ખરું. ખલીલ જીબ્રાનનું વાક્ય યાદ આવે છેઃ પૃથ્વીમાં ગમે ત્યાં ખોદો ને! બધે જ ઝવેરાત ભરી છે. શરત માત્ર એટલી કે ખોદતી વખતે તમારામાં શ્રધ્ધા ખેડૂતની હોવી જોઈએ.
આ બધી વાતો ખૂબ મનનીય હોય છે. ઘણીવાર થાય કે, બસ બંધ આંખે ભીતરમાં ઊંડા ઉતરી જઈ આમ જ વિચાર્યા કરીએ અને મળતાં મોતીઓ માણ્યા કરીએ. ૨૦૨૦ની ઐતિહાસિક ઘટના ‘કોરોનાની મહામારી’માંથી પ્રગ્ટેલો આ એક જુદો જ વળાંક હશે? એ સાચું છે કે બધા માનવીઓ એકસરખાં નથી કે એક સરખું વિચારતાં નથી. પણ આ સમય તો એવો આવ્યો કે એણે જગતભરના માનવીઓને એક જ મંચ પર લાવીને બેસાડી દીધા. એક ઐતિહાસિક ખેલ રચાઈ ગયો.
બપોરે ગ્રોસરી લેવા ગઈ હતી અને એક અમેરિકન મિત્ર મીસીસ રોબર્ટ્સન મળ્યા. અહીંની સ્કૂલમાં જ્યાં હું પાર્ટટાઈમ જતી હતી ત્યાંના લાયબ્રેરીઅન બહેન. ઘણી વાતો થઈ. તેમણે તેમના એક મિત્રના જુવાનજોધ ભાઈની કોરોનાને કારણે થયેલા કરુણ મૃત્યુની અને એ પછી નાનાં બે બાળકોની એકલી પડેલી યુવાન પત્ની જેનીફરની મનોદશાની વાત કરી અને તે પછી તો તેમણે જેનીફરની નાની ૧૦ વર્ષની વિકલાંગ દીકરીની એક અંગ્રેજીમાં લખાયેલ ઈમેઈલ ફોર્વર્ડ પણ કરી એ વાંચતા હ્રદય હચમચી ગયું. આમ તો આવી ઘટનાઓ ૨૦૨૦ની સાલમાં સેંકડો પરિવારમાં થઈ ગઈ તેમ રોજ સવારે સાંભળવા મળતું. પણ આ વાંચ્યા પછી ખૂબ વિચારો આવ્યા અને બે વાત ઘૂમરાયા કરી કે, માણસમાત્રની સંવેદના એકસરખી છે, લોહીના રંગની જેમ જ અને બીજું દરેક ભાષાને તેની પોતીકી સમૃધ્ધિ છે. જ્યારે જ્યારે સંવેદના એની તીવ્રતમ સ્થિતિએ પહોંચે છે કે કાબૂ બહાર જાય છે ત્યારે તેની ગતિ અને ભાવ ભલભલા પથ્થર હ્રદયને પણ સ્પર્શ્યા વગર રહેતા નથી. અભિવ્યક્તિની અને દરેક ભાષાની આ એક બહુ મોટી વાત છે. વિશ્વની બારી ખોલી જોઈએ તો અને ત્યારે આ વાત બહુ સ્પષ્ટપણે અનુભવાય છે.
સાંજનો સમય પણ લગભગ આ જ વિચારોમાં પસાર થઈ જાત. મનની આ એક નબળાઈ કહેવાય. એક વાત કે વિચાર શરૂ થાય એટલે જલદી પીછો નથી છોડાતો. પણ સારું થયું કે એક કવિતાનું પુસ્તક હાથમાં આવ્યુ અને એમાં રસ પડ્યો. ખરેખર કવિતા મનનો બહુ મોટો વિસામો છે. અહમથી સોહમ સુધીનો આનંદ છે, એ ખુદ અને ખુદાને પામવાની ગુફા છે. શ્રી ગેટેએ કેટલું સાચું કહ્યું છે કે, કવિતા વડે સત્યનું સુંદરતમ સ્વરૂપ પકડી શકાય છે.
એ પુસ્તક પૂરું કરું ત્યાં તો એક સ્વજનનો ફોન આવ્યો. વાત જરા લાંબી ચાલી ને સાંજ ઢળી ગઈ. રાતે વહેલા સૂવાની ટેવને લીધે આંખ પણ એમ જ મળી ગઈ. વાંચનમાંથી ટાંચણ લખી ગઈ કાલ વિશેનું પાનું આજે પૂરું કરું.
વીતી ગઈ તે વાતનો ઉલ્લેખ ના કર,
જાગરણની રાતનો ઉલ્લેખ ના કર;
લખ, ભલે લખ, જોઈએ તો રોજ લખ તું,
શબ્દમાં તુજ જાતનો ઉલ્લેખ ના કર. ( કવિ શ્રી દિલીપ મોદી )
દેવિકા ધ્રુવ
