૨૦૨૦નું વર્ષ આવ્યું એનાથી જુદું ગયું. સાત દાયકાથી જોવાતા અને જીવાતા બધાં જ વર્ષો કરતાં સાવ નોખું અને યાદગાર. આમ તો વર્ષ એક સમયનો હિસ્સો છે, એક ક્ષણનો કિસ્સો છે. એમાં વળી જુદું શું હોવાનું એવો પ્રશ્ન જરૂર થાય પણ ૨૦૨૦ના વર્ષની વાત તો એક ઐતિહાસિક ખેલ સમી સાવ અલગ જ રહી.
વર્ષની શરૂઆતમાં માંડ નવા વર્ષને આવકાર્યું ત્યાં તો પૂર્વ દિશાથી કોરોનાનો કાળો અંધકાર વિશ્વભરમાં વ્યાપી ચૂક્યો. માર્ચથી ડીસેમ્બર સુધીમાં શ્રીમતી કુન્દનિકા કાપડિયાથી માંડીને શ્રી જયંતભાઈ મેઘાણી સુધીના કંઈ કેટલાંયે સર્જકો ગુમાવ્યાં. એટલું જ નહિ, વિશ્વમાંથી વિદાય પામેલ માનવીઓનો આંકડો તો આજની તારીખમાં ૧.૭ મિલીયન સુધી પહોંચી ગયો છે. કોને કોને, કેટકેટલું અને શું સંભારીએ?
માણસજાતને કોરો ના રાખનારી આ શક્તિને શું કહીશુ? કોઈ ભેદભાવ રાખ્યા વગર, સમગ્ર વિશ્વને, મનુષ્ય માત્રને, એક જ પ્લેટફોર્મ પર મૂકી દીધા છે. નથી ધર્મ કે જાતિવાદનો ભેદ, કે ના કોઈ રંક-રાયનો ભેદ. આસ્તિક હોય કે નાસ્તિક, નોકર હો કે માલિક હો. બધાં જ સરખા. નથી ચામડીના કાળા-ગોરાનો રંગભેદ કે નથી દેશ-વિદેશ કે રાજા-પ્રજાનો ફેર. સૌ ઘરમાં જ છે, છતાં હાંફળા-ફાંફળા છે, બેબાકળા બની ગયા છે લોકો. આ શક્તિને શું કહીશું?
કેટકેટલું શીખવાડે છે એ? આખી યે દૂનિયાને એક જ ક્લાસમાં બેસાડીને એણે એકસરખું કેટ્કેટલું શીખવાડી દીધું? એવું અને એટલું બધું નવું કે જે આપણે કોઈ, ક્યારેય અગાઉ શીખ્યા જ ન હતા!!! મુકામ તો સૌનો એક જ છે છતાં જુદી જુદી ગાડીમાં સફર કરનારા સૌને માટે આ તે કેવા સાચા પાઠ? પહેલું સુખ તે જાતે નર્યા. કેટલી જૂની અને અસલ વાત! જીવનની અમાનત મૃત્યુ છે એ જ સાચી અને પાકી ક્ષણ. શ્વાસ છે તો જ જીવન છે એ સાચું પણ શ્વાસ શુધ્ધ હશે તો જ જીવતર સાર્થક. બાકી તો બધું જ તસ્વીરમાં!
વ્યક્તિ-સ્વાતંત્ર્ય બની બેઠેલા આ વિશ્વને બીજો એક મઝાનો મંત્ર, નવી રીતે મળ્યો અને તે ‘પરિવાર અને પ્રેમ’નો. સૌની સાથે રહેવાનો.
સતત દોડતા રહેતા માણસના ખરા હુન્નરને બહાર આણનારો પણ આ શક્તિનો એક અલગ અંદાઝ. કોઈને શબ્દ-રમત સૂઝી, કોઈએ દિમાગના કોયડાઓ ગોઠવ્યાં. કેટલાકે હ્રદયમાંથી ભાવવાહી સર્જનો કર્યા તો કેટલાકે સુંદર પ્રાર્થનાઓ/શ્લોકો અને સ્તુતિઓના તો પર્વતો ખડકાયા.
ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ કેવો આશીર્વાદરૂપ છે તે દર્શાવવાની એક અનોખી રીત.આંતરદેશીય ટપાલોમાંથી બહાર આવેલો આજનો સીનીયર વર્ગ ‘વેબીનાર’ ને ‘ઝુમ’ની જરૂરિયાતને સમજતો અને ઉપયોગ કરતા શીખ્યો. વાહ!
આ બધા અનુભવોને અંતે જરૂર કહેવું પડે કે, આ એક એવી શક્તિ છે જે સંસારને સર્જાવે છે, સજાવે છે, સમજાવે છે અને સંહારે પણ છે. આપણે સૌ આ સબળ શક્તિનો, સુપ્રીમ પાવરનો સ્નેહપૂર્વકનો સ્વીકાર કરીએ અને જીવન સાગરમાં સરતા રહીએ, સહેલ સમજી સૌની સાથે સ્નેહથી તરતા રહીએ.
વાહ, કુદરત વાહ… સ્વચ્છ અને સ્પષ્ટ ‘વિઝન’ ૨૦૨૦.અસ્તુ.
દેવિકા રાહુલ ધ્રુવ
ડીસેમ્બર ૨૪ ૨૦૨૦
‘સ’થી શરુ થતાં કેટલાક શબ્દોથી આ સંદેશ સમજી સહુની સાથે ભરતા ને મળતા રહેવાની સમજ સમજવા જેવી છે. દેવિકાબેન, તમારા સિવાય આ શબ્દોનો આમ મેળ મેળવવો મુશ્કેલ છે! ટોપલો ભરી અભિનંદન. પરિવાર ને મિત્રો સાથે તમને નવા વર્ષની હાર્દિક શુભેચ્છા.
LikeLiked by 1 person
🙏🙏
LikeLiked by 1 person
સાચી વાત. સરસ વિશ્લેષણ.
LikeLike
👌સુંદર અને સચોટ લેખ….ખુબ ગમ્યો!
નવા વર્ષની શુભ કામના!🎆🎇🎆
LikeLike