સાંજના લીસોટા….

આકાશના આસમાની પોત પર સૂરજના કેટકેટલાં રંગોની આભા? સોનેરી,પીળો,ભગવો, કેસૂડો,લાલ, સિંદૂરી,નારંગી, કેસરી, ઓહોહો.. જાણે રંગોનું ઈન્દ્રધનુ.  કેટલીક સાંજ તો પીળાશ પડતો ખુલ્લો લાલ રંગ, કે જેમાં પારો, સીસું અને ગંધકની મેળવણી હોય તેવા સિંદૂરી રંગથી છવાઈ જતી હોય છે. એમ થાય કે આ બદલાતા જતા અવનવા રંગો જોયા જ કરીએ, વિચાર્યા જ કરીએ અને અંદર ઊંડાણમાં ઉતરતા જ જઈએ. કશું યે નહિ કહીને કુદરત કેટલું બધું કહી જાય છે?!

જીવતરની આ કાયાના પોત પર પણ અવસ્થાના કેટકેટલાં રંગો? એક નહિ અનેક પ્રસંગોના, વિવિધ વ્યક્તિઓના, અલગ સ્થાનોના કેટકેટલાં સૂરજ એકસાથે ફરે છે? અરે, દરેક રંગોની છાયા-પ્રતિછાયાના થરો પર થરો જામીને પથરાતા જાય છે! તાજ્જુબી તો એ વાતની થાય છે કે, સાંજના સમે કુદરતના સિંદૂરી રંગમાં આ બધાં રંગો એકસામટાં નજર સામે આવતા જાય છે ને મનની આંખ મુજબ એ અવનવી રીતે અનુભવાતા જાય છે. કોઈને પાનખરનો વૈભવ બની મખમલી ગાલીચાની જેમ સ્પર્શતા જાય છે, તો કોઈને જમીન પર સડીને પડતા, ખરતા પાનની જેમ પગના તળિયે ચૂભતા જાય છે.

બારીની બહાર જોઈ રહી છું, ક્યાંયે કશી ઓછપ નથી, કોઈ ફરિયાદ નથી. ભીતર પણ સભર છે, સમૃધ્ધ છે; પણ છતાંયે દ્રશ્ય તો તાજાં ભૂતકાળનું દેખાય છે. સંવેદનાનો આ કેવો અને કયો ખૂણો?

સપ્ટે. મહિનાના સતત પાંચ દિવસ વડિલ ભાઈના મૃત્યુને ખૂબ નિકટથી જોયું. ધીરે ધીરે આવતું જોયું. પંપાળી પંપાળીને આગોશમાં લેતું જોયું. ક્ષણેક્ષણ એની રીતને સમજવાની મથામણ સાથે જોયું. કદાચ ૭૨ વર્ષની જીંદગીમાં આટલી નજીકથી પહેલી વાર જોયું. સ્વાદ, વાચા, શ્રવણ, દ્રષ્ટિ, ચેતન અને છેલ્લે શ્વાસ અનુક્રમે એકપછી એક  ક્ષીણ થતા અને છેલ્લે બંધ થતા ગયાં. ૮ દાયકાનું એમનું જીવન ક્ષણમાત્રમાં તો સાવ સંકેલાઈ ગયું.

આ દરમ્યાન પ્રથમ વાર એક નવી ઘટના એ જોઈ કે છેલ્લા શ્વાસ પછી ખુલ્લા રહી ગયેલા મોંના જડબાને બે હાથથી નર્સના પ્રયત્નો છતાં બંધ ન થઈ શક્યું તે લગભગ પંદરેક મિનિટ પછી આપમેળે ‘સ્લોમોશન’ની જેમ મંદ બની બીડાઈ ગયું!  અવિસ્મરણીય એ દ્રશ્ય હજી યે નજર સામેથી ખસતું નથી. આવું થાય? કદી સાંભળ્યું નો’તું તેવું ખરેખર  નજરની સામે જોવાનું બન્યું.  સ્તબ્ધ અને નિઃશબ્દ હાલત મૌનના સન્નાટામાં ઓગળી ગઈ.

 ખેર! ઘરથી કબર સુધીના, ક્રીબથી કોફીન સુધીના અને શ્વાસથી ઉચ્છવાસ સુધીના આ રસ્તાને ક્યું નામ આપીશું?

હર ઉમ્રકે ફિતુર હૈ જુદા જુદા,
ખિલૌને,માશૂકા,રુતબા ઔર ખુદા…
મૃત્યુની અમાનત જેવી જીંદગીના આ છેલ્લા લીસોટાને કયો રંગ કહીશું?!

વિચારને ઝોલે ચડેલા મનને એક ઝાટકો આપી ખંખેર્યું. નજર સરખી સ્થિર કરી.

બારીના ચોકઠામાં ચપોચપ ગોઠવાઇ ગયેલા આકાશના ટૂકડા સામે નજર કરી તો  નીચે એક જર્જરિત મકાન પર બેઠેલું એક સફેદ પંખી પાંખો ફફડાવતું દૂર દૂર ઊડી જતું અને પછી અદ્રશ્ય થતું દેખાયું.

8 thoughts on “સાંજના લીસોટા….

  1. ઘરથી કબર સુધીના, ક્રીબથી કોફીન સુધીના અને શ્વાસથી ઉચ્છવાસ સુધીના પડાવોમાં કલ્પનાતિત ઘટનાઓ બનતી હોય છે.
    શક્ય છે પોતાની રીતે જીવન જીવ્યા હતા એ નવીનભાઈએ પોતાનો અંતિમ શ્વાસ પણ આપમેળે નક્કી કરી લીધો હશે.

    ક્યાંક કોઈ આશ છેલ્લા શ્વાસની સાથે જોડાઈને ટકી ગઈ હશે જે પરિપૂર્ણ થશે એવો વિશ્વાસ ઊંડે ઊંડે થયાની સાથે માયા સંકેલી લીધી હશે.

    મૃત્યુની અમાનત જેવી જીંદગીના આ છેલ્લા લીસોટાને તેજ લીસોટો જ કહી શકાય.

    Liked by 1 person

  2. “એમનાં થી જુદા પડ્યા ત્યારે ખબર પડી
    મૌત શું ચીજ છે એની જ્યારે અસર પડી
    જીંદગી તો તે હતી જે આપની સંગે માણી
    દુશ્મન ની શાયરી ને નવીન તમારી કદર મળી”
    ફક્ત ૩ મુલાકાત માં જીગરી દોસ્ત બની જવાનો જાદુ તો માત્ર નવીન ભાઈ પાસે જ હતો.
    બેના આપનું લખાણ જાણે નજર સમક્ષ કોઈ ફિલ્મ નો સીન ચાલતો હોય તેમ‌ નવીન ભાઈ નાં અંતિમ સમય ને‌ હુબહુ રજુ કરી ગયું.
    લેખ વાંચી ને નયન છલકાઈ જાય એજ લખનાર ની તાકાત
    દર્શાવે છે.લેખન માટે તથા શૈલી માટે અભિનંદન.
    આંખ છલકાવી તે માટે દિલથી દાદ.
    આવીજ સચોટ વાનગીઓ પીરસતા રહો એ માટે ઇશ્વર ને પ્રાર્થના.
    ્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્
    .

    Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s