કોરોનાગ્રસ્ત પીડા…

છેલ્લાં થોડા દિવસથી વહેલા ઊઠી સવારે કારમાં બેસી ડ્રાઈવ કરવાનું નેહાને ખૂબ મન થતું હતું. આમે ધીમે ધીમે ઉઘડતું અજવાળું જોવું કોને ન ગમે?. તેમાં પણ જો શિયાળાની સવાર હોય અને લીલાંછમ ઘાસ પર છવાયેલો ધૂમ્મસનો પડદો અજવાળાની સાથે સાથે ખુલતો જતો હોય તે દૄશ્ય તો અદભૂત લાગે. જાણે નવોઢાના ચહેરા પરથી ઘૂંઘટ ઊઠતો હોય! અને તે પછી સૂરજના પહેલાં કિરણોરૂપી હાથના સ્પર્શે તો ધરતી પરના પાનની લીલાશ પ્રસન્ન થઈ ચમકીલી લાગે. હાથમાં ચાવી ઝુલાવતી ઝુલાવતી નેહા બારણા બહાર નીકળે ત્યાં સમીરે પૂછ્યુઃ

અરે, હજી તો અંધારું છે. ચાલ,  હું સાથે આવું.” ઝીણી ઝીણી કાળજી લેતો સમીર તૈયાર થવા માંડ્યો.

ના,ના, કંઈ જરૂર નથી. હમણાં પંદરવીસ મિનિટમાં તો પાછી આવું છું.”

પણ કેમ આજે આમ એકલા જવાનું મન થયું?” ચિંતિત પ્રશ્ન ફરીથી પૂછ્યો.

બસ, જરા ઉઘડતા અજવાળાની મઝા માણી આવું. જલદી પાછી આવીશ.” કહી બિન્દાસ નેહા નીકળી પડી.

આજની એની અનુભૂતિ કંઈક જુદી હતી.

 વિશ્વમાં ફેલાયેલા ખતરનાક કોરોના વાયરસને કારણે સ્કૂલ,કોલેજ,ઓફિસ,બિઝનેસ તમામ બંધ હતાં. સૌની સલામતી માટે જરૂર ન હોય તો બહાર ન નીકળવાના એલાનો થઈ ચૂક્યાં હતાં. આવા આદેશને કારણે જગત શાંત હતું.  કોરોનાગ્રસ્ત દૂનિયાની આવી સૂમસામ સડક પર વહેલી સવારના આછેરા અંધકારમાં એની એકલીની કાર ચાલી રહી હતી. આગળ પાછળ, આજુબાજુ ક્યાંય કોઈ દેખાતું હતું. અંધારાને હટાવતો ઉજાસ ઉઘડવાની તૈયારીમાં હતો. વાદળાં ઘેરાયેલા હતા, સોનેરી કિરણો પથરાવાને જરાક જ વાર હતી. ક્ષણભર એને વિચાર આવ્યો કે પ્રલય પછી બચી ગયેલા એકલા અટૂલા માણસની દશા આવી કંઈક હશે ને?  અમેરિકન હીરો ટોમ હેન્ક્સના ‘Cast Away” મુવીની સ્થિતિ યાદ આવી ગઈ. ડ્રાઈવવેમાંથી નીકળ્યા પછી લગભગ માઈલના વિસ્તાર સુધીમાં તો આવા કંઈ કેટલાયે વિચારો આવ્યા ને ચાલી ગયા.

એવામાં અચાનક એક મોટા ઝાડની પાછળ પ્લાસ્ટીક કે કાગળના ફરફરવાનો અવાજ આવ્યો.  એને નવાઈ લાગી પણ કારમાંથી ઉતરવાનો તો કોઈ સવાલ હતો. જરા આગળ વધતા બેચાર કાર દેખાઈ, વળી ઝડપથી ચાલતી જતી એક ભયભીત જણાતી વ્યક્તિ પણ જોવા મળી! વધુ આગળ જતા પાંચસાત કાર અને છેલ્લે મુખ્ય રસ્તા પર થોડી વધારે સંખ્યામાં હતી છતાં રોજીંદા જીવનથી તદ્દન જુદું વાતાવરણ.

સન્નાટાનો ઘોંઘાટ !! ૪૦ વર્ષમાં પહેલીવાર અમેરિકા જેવા શહેરમાં જોવા મળ્યું. મોં પર માસ્ક અને હાથમાં મોજાં પહેરીને દૂકાનોમાંથી બહાર નીકળતા રડ્યાંખડ્યાં માનવીને જોઈ દસપંદર મિનિટમાં એણે કાર પાછી વાળી. ઘર આવતા સુધીમાં તો કંઈ કેવું કેવું જોવા મળ્યું? અને પોતે પણ….આ શું ?  ગાડીની ગતિ સાથે વિચારો પણ વેગપૂર્વક ધસી રહ્યા હતા. ક્યારે ઘેર જઈને સમીરને આ અનુભવ કહું એવી ઉતાવળમાં  ઘર આવી ગયું. વરસાદ પણ તૂટી  પડ્યો.  

જલદી હાંફળી ફાંફળી ઘેર આવી ગયેલી નેહાને સમીર કંઈ પૂછે તે પહેલાં તો એણે કહેવા માંડ્યું.
ઓહ માય ગોડ.. આજે મેં શું જોયુ? સમીર, તારુ બધું કામ પડતું મૂકી સાંભળ.” એનો શ્વાસ તીવ્ર ગતિએ ચાલી રહ્યો હતો. એકધાર્યું બોલ્યે જતી હતી.

હું કાર ચલાવતી શાંતિથી ધીરે ધીરે જતી હતી ત્યાં અચાનક…” એ  જરાક થોભી.

શું થયું, શું થયું? હવે સમીરનો જીવ પણ અધ્ધર થઈ ગયો.

“ ત્યાં અચાનક દૂરથી જમણી બાજુના રસ્તાની ધાર તરફ કંઈક સંચાર થતો જણાયો. આધેડ વયની બે વ્યક્તિ હાથમાં કશુંક હળવેથી મૂકી, કદાચ છુપાવી કારમાં બેસી ભાગી ગઈ. હશે કંઈક કે કોઈક એમ માની મેં ગાડી આગળ ચલાવી.. ઘર લગભગ આવવાને થોડીક વાર હતી ને નજર ગાડીના પાછલા અરીસા તરફ ગઈ. એક પ્લાસ્ટીકની થેલી હવામાં ઊડતી હતી. એની સાથે દોરીથી બાંધેલ એક કાગળની ચબરખી પણ. કુતુહલ અનેકગણું વધી ગયું.  નેહા એકધાર્યું સતત અને જલ્દી જલ્દી બોલી ગઈ.

” જતી વખતે જગાએ થયેલ ઝાડ પાછળના ફરફર થતા અવાજ અને ત્યાં એ વખતે જ એક ધીમા સંભળાયેલ રડવા જેવા અવાજ સાથે સંધાન કરતા જરાયે વાર લાગી.  તરત યુટર્નલઈ ઊડતી જતી ચબરખી તરફ કારને દોડાવવા માંડી. નજીક આવતાં બેકાબૂ મન સાથે, ગાડી બંધ કરી બારણું ખોલ્યું.  બહાર આવી, અક્ષરોને ઉડાવતા ખુલ્લા ઉડતા કાગળને ઝાપટ મારીને પકડ્યો. અક્ષરો સ્પષ્ટ હતાઃ “Corona-entrapped single mother’s last wish.. Please be an angel for my new born.”

 એ બોલતી ગઈ.. “સમીર, વીજળીના એક ઝબકારાની જેમ નજર સામે પસાર થઈ ગયેલ આધેડ વયની પેલી બીજી બે વ્યક્તિઓ નવજાત શિશુને લઈ જ ગઈ હશે ને?! તેમને મનથી નમન કરી કારમાં બેઠી. ગાડી ચાલુ કરી જલ્દી ઘેર આવી.”

બંનેએ  વરસતા આભ તરફ નજર કરી. આકાશમાં ઘેરાયેલાં કાળાં ડિબાંગ વાદળાં થોડી થોડી વારે સૂર્ય-કિરણોને અને ઉઘડતા ઉજાસને ઢાંકતા હતાં. બેકયાર્ડના એક વૃક્ષે લીલું પાન ખેરવ્યું.”

બંને સાથે બોલી ઉઠયાઃ કોરોનાગ્રસ્ત પીડા..

 

One thought on “કોરોનાગ્રસ્ત પીડા…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s