શેર-આસ્વાદ

           કોઈ પાસેથી ગયાનું યાદ છે

           ને સજળ આંખો થયાનું યાદ છે.  – અહમદ ‘ગુલ’

 

પાંચ દાયકા જેટલા સમયથી બ્રિટનની ‘બાટલી’માં સમાઈને વિસ્તરેલા શ્રી અહમદ ‘ગુલ’નો ઉપરોક્ત શેર કંઈ કેટલાંયે ભાવવિશ્વને ચીતરી આપે છે. રમલ છંદવિધાનના ખંડિત ગણોના યોગથી ગૂંથાયેલ આ શેરમાં એક અજબની ચિત્રાત્મકતા છે. વાંચતાની સાથે જ દિલમાંથી એક ‘આહ’ સરે છે.
‘કોઈ પાસેથી ગયાનું યાદ છે’ દ્વારા મિલન નહિ, વિયોગની વાતને સ્પષ્ટ કરી આપે છે. એ કોણ છે? ખબર નથી. કઈ પરિસ્થિતિ છે, ખબર નથી.  દૂન્યવી સંબંધોના તાણાવાણાથી વીંટાયેલ કોઈપણ હોઈ શકે, વતન છોડ્યાની વાત પણ હોઈ શકે અને સાસરે જતી કન્યાની વિદાયનું ચિત્ર પણ હોઈ શકે. સંવેદનાને જરા વધુ વિસ્તારીએ તો નવો જન્મ લઈને આવતા આત્માને કોઈ પાસેથી છૂટીને આવ્યાનું તત્ક્ષણ યાદ છે!  જેવું જેનું ભાવવિશ્વ તેવા અર્થનું પ્રાગ્ટ્ય. વાત તો સીધી છે, અભિધા છે, પણ  શાબ્દિક રજૂઆત વ્યંજનાત્મક છે. કદાચ કોઈ પોતાની પાસે આવીને ચાલ્યા ગયાનો ભાવ પણ અભિપ્રેત હોઈ શકે!

‘કોઈ પાસેથી ગયાનું યાદ છે’ કહીને વળી આગળ એ ઉમેરે છેઃ ‘ને સજળ આંખો થયાનું યાદ છે.’ કોઈ પાસેથી આપણે જઈએ કે કોઈ/કશુંક આપણને છોડે પણ આંખો તો ભીની બને જ. આંસુની અસર કેવી સરસ ઉપસાવી છે! સજળ આંખો.. પાંપણે તગતગી રહેલું આંસુ બહાર નથી આવતું પણ વેદના આંખનું તોરણ બની અવરોધી રહી છે. અહીં વિષાદની ચરમસીમા અનુભવાય છે. ઉચિત શબ્દોની યથાર્થ ગૂંથણી નોંધપાત્ર છે.

 અત્રે આજ છંદમાં, કંઈક આવી જ વ્યથામાં લખાયેલ શ્રી મનોજ ખંડેરિયાનો એક શેર યાદ આવે છેઃ

ના નીકળતું આંસુ ભમરો થઈ ગયું.
એણે અંદરથી સખત કોર્યો મને.

ના મને જાણ પણ થઈ એવી રીતે.
સાવ હળવે ચૂપકીથી કોર્યો મને……. મ.ખં
 

આમ, ગઝલના આંતર બાહ્ય સ્વરૂપોને નીખારતો ‘ગુલ’નો  શેર કાબિલેદાદ છે. સાદા સીધા બોલચાલના શબ્દોમાં અને મધ્યમ બહેરના લાઘવમાં ઘણાં અર્થ પ્રગટ થયા છે. એટલું જ નહિ, ભાવકના ચિત્તતંત્રને ઘડીભર ઝણઝણાવી દે છે. શેરમાં ક્યાંય કશો શબ્દોનો આડંબર નથી પણ ઊંડી અનુભૂતિની સચ્ચાઈ છે અને એ જ તો કવિકર્મની ખૂબી છે.

શ્રી અહમદ ‘ગુલ’ની શેરીયતને સલામ.

 

દેવિકા રાહુલ ધ્રુવ
જાન્યુઆરી ૧૦ ૨૦૨૦

One thought on “શેર-આસ્વાદ

  1. કોઈ પાસેથી ગયાનું યાદ છે
    ને સજળ આંખો થયાનું યાદ છે……

    સાવ અમસ્તા થોડા શબ્દોમાં જ કેટલી બધી વેદના ઠલવાઈ ગઈ અને એના માટે ઝાઝી કોઈ વાત નહીં બસ આંખો સજળ થવાની વાત. વાત વિયોગની છે એ ય સાચું, સંજોગ, સમય, સંબંધમાંથી કશું પણ છુટ્યાની વાત છે. શું છુટ્યું છે એની ખબર નથી પણ અંદરથી કશુંક તુટ્યાની વાત છે.
    મર્મને સ્પર્શી ગયાની વાત છે.

    Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s