દેવકીનું દર્દ…

શ્રાવણનો મહિનો એટલે તહેવારોના દિવસો. નાગપંચમીથી શરુ થઇને જન્માષ્ટમી અને પારણા સુધીનો ઉત્સવ. ‘નંદ ઘેર આનંદ ભયોના નારાઓમાં ડૂબેલો જનપ્રવાહ એક મહત્વની હસ્તીને જ જાણે ભૂલી જાય છે!  સમસ્ત વિશ્વ જ્યારે કૃષ્ણજન્મ મનાવવામાં ચક્ચૂર હોય છે ત્યારે તેને જન્મ આપનારી જનેતા, જેલના એક ખૂણામાં શું શું અને કેવું  કેવું અનુભવે છે ? કદી એની કલ્પના  કરી છે?

 દેવકીનું દર્દ

 

 

 

 

 

શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય.

છાતીમાં ધગધગતી કેવી લ્હાય?

કાયા તો ઝીલે લઈ ભીતર સંગ્રામ,

વદપક્ષની રાતે મુજ  હૈયું વ્હેરાય.

લમણે તો લાખ તોપમારો ઝીંકાય, હાય  શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..

સાત સાત નવજાત હોમીને સેવ્યો,

નવ નવ મહિના મેં ઉદરમાં પોષ્યો.

જન્મીને જ જવાને આવ્યો જ શાને?

કંસડાનો કેર ત્યારે કાપ્યો ન કાને?

ગોવર્ધનધારી કેમ બિચારો થાય? હાયશ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય….. 

રાધા સંગ શ્યામ ને યશોદાનો લાલ,વાહ!

જગ તો ના જાણે ઝાઝુ,દેવકીને આજ.

વાંક વિણ,વેર વિણ,પીધા મેં વખ,

ને તોયે થાઉં રાજી,જોઇ યશોદાનું સુખ.

આઠમની રાતે જીવે ચૂંથારો થાય,

કેમે ખમાય? બહુ પીડા અમળાય..હાયશ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..

*******************************************************************

3 thoughts on “દેવકીનું દર્દ…

  1. દેવકીનું દર્દ….કોઈએ ના જાણ્યું.
    સીતાએ રામ જોડે ચૌદ વર્ષ વનવાસ વેઠ્યો અને એના પર આખી રામાયણ રચાઈ. જ્યારે મહેલમાં રહી પણ જેણે પતિ વગર ચૌદ વર્ષ વનવાસ જેવું જ જીવન વિતાવ્યું એવી ઉર્મિલા ય હંમેશા વિસરાયેલી જ રહી એવી જ રીતે કાનાની સંગાથ યશોદા કે રાધા તો જોડાયેલા જ રહ્યા અને દેવકી હંમેશા વિસરાયેલી જ રહી.
    આવું કેમ?
    આજે તમે અત્યંત સંવેદનપૂર્ણ વાત કરી.

    Like

Leave a comment