રસદર્શનઃ૧૩ ધ્રુવભાઈ ભટ્ટની કવિતા અને રસદર્શન..

કવિતા અને તેનું રસદર્શનઃ

ગુજરાતી સાહિત્ય-વિશ્વના જાણીતા અને વિવિધ એવોર્ડથી નવાજાયેલા સાહિત્યકાર શ્રી ધ્રુવભાઈ ભટ્ટનો પરિચય  હવે આપવાનો હોય નહિ. આમ તો ‘તત્વમસિ’, ‘સમુદ્રાન્તિકે’ અને ‘તિમીરપંથી’ તથા ‘ખોવાયેલું નગર’ જેવી નવલકથાઓ થકી ઘણા સુપ્રસિધ્ધ થયાં છે પણ ‘ગાય તેના ગીત’ અને ’શ્રુવન્તુ’ જેવાં કાવ્યસંગ્રહોમાં અદભૂત ગીતો લખ્યાં છે.  તેમનું એકદમ મઝાનું ગીત અત્રે પ્રસ્તૂત છે.

ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને
કદી ધીરેથી પૂછે કે કેમ છે ?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
ને ઉપરથી કુદરતની રહેમ છે.

ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે
છલકાતી મલકાતી મોજ;
એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું
લાગ્યા કરે છે મને રોજ,
તાળું વસાય નહીં એવડી પટારીમાં
આપણો ખજાનો હેમખેમ છે….

આંખોમાં પાણી તો આવે ને જાય
નથી ભીતર ભીનાશ થતી ઓછી;
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ
નથી પરવા સમંદરને હોતી,
સૂરજ તો ઊગે ને આથમી યે જાય
મારી ઉપર આકાશ એમનેમ છે….

રસદર્શનઃ

અતિશય મૃદુતાથી ઓચિંતું કોઇ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે?’ દ્વારા શરૂ થયેલો કાવ્યનો ઉઘાડ તેના અંત સુધી  કોમળ કોમળ સંવેદનાઓથી છલછલ છે. દરિયા શી મોજદ્વારા ભીતરનો ખળભળાટ અને ભરતી ઓટ ગોપાયાં છે. પણ કેટલી સાહજિકતાથી! કુદરતની રહેમ કહી નિયતિનો સ્વાભાવિક સ્વીકાર અને તે પણ ખુશી ખુશી!

આગળના અંતરાઓમાં ફાટેલા  ખિસ્સાંઅને એકલો ઊભું તો ય’  અજંપાનો  અને એકલતાનો અછડતો અણસાર આપી કેવાં મસ્તીથી જણાવે છેઃ  “એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું
લાગ્યા કરે છે મને રોજ… મુફલિસી અને ખુમારી સાથોસાથ સ્પર્શે છે. એટલું જ નહિ, ભરચક ખજાનાનું ઉભું થતું ચિત્ર તો જુઓ!
તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે….

દરેકની પાસે જાતજાતનો ખજાનો હોય છે. જગતના તમામ રંગ,રસ અને ભાવોથી ભરપૂર પણ પટારામાં જે કંઈ હોય છે તે, કવિ તો  એને ખજાનો જ કહી મહાલે છે.

છેલ્લા  અંતરામાં તો અદભૂત કવિકર્મ નીખરી રહ્યું છે. વિષયના ક્રમિક વિકાસ સાથે ઉભરી આવતી સંવેદનાઓને સંતાડી એની ઉપર આત્મવિશ્વાસ અને શ્રધ્ધાનું મસમોટું કમ્ફર્ટરખૂબ ખૂબીથી ઓઢાડ્યું છે.

આંખોમાં પાણી તો આવે ને જાય, નથી ભીતર ભીનાશ થતી ઓછી;
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ,  નથી પરવા સમંદરને હોતી..

વાહ..મનની સમજણની  કેવી વિશાળતા? શબ્દે શબ્દ અર્થપૂર્ણ છે અને કોઈ શબ્દ ક્યાંય ઓછો/વધારે થાય તેમ નથી. તેમાંથી દરિયા અને કાંઠાનું એક ચિત્ર ઉભું થાય છે અને તેનો લય પણ ધીરેથી વહેતા મોજાંઓ જેવો.

સૂરજ તો ઊગે ને આથમી યે જાય
મારી પર આકાશ એમનેમ છે….

કેવી બિન્દાસ મસ્તી છે અહીં !  વારંવાર વાંચવાનું મન થાય, કોઈને વંચાવવાનો ઉમળકો થાય અને મૌનપણે ગણગણતા જ રહેવાય એવી આ કવિતા છે. કાવ્યત્વની ટોચ છે, આનંદની ચરમ સીમા છે.

સાદ્યંત સુંદર આ ગીતમાં જીંદગીની ફિલસૂફી છે, સુંદર રૂપકો, સરળતાથી વહેતો લય, વર્ણાનુપ્રાસની મધુરતા, ભાવોની મૃદુતા,ચિત્રાત્મક્તા અને ફકીરી અનન્ય છે. આ ગીત સ્વરબધ્ધ થઈ ગવાયું પણ છે. ફિકરને ફાકી કરી ફરતા ફકીર જેવી આ લયબધ્ધ શાબ્દિક અદાને, કવિકર્મને સલામ.

દેવિકા ધ્રુવ

 

8 thoughts on “રસદર્શનઃ૧૩ ધ્રુવભાઈ ભટ્ટની કવિતા અને રસદર્શન..

  1. બેજોડ શબ્દ રચના..
    આખા ય કાવ્યમાં છલકાતી કવિની સંવેદનાઓનો અદભૂત ચિતાર..શબ્દોમાં છતી થતી મસ્તી, ભીતરના ખળભળાટ પર ઓઢેલો ફકીરી મિજાજ- ખુમારી તો વાહ વાહ!
    વારંવાર વાંચવી અને અવારનવાર સાંભળવી ય ગમે એવી શબ્દ રચના.

    Liked by 1 person

  2. શ્રીમદ્ રાજચંદ્ર ધરમપુર કેન્દ્ર ના સ્વાધ્યાય મા ગુરૂજી રાકેશભાઈ ના સાનિધ્ય માં તથા ભાઇશ્રી વિપુલ અને સાથીઓ દ્વારા ગવાતુ તથા લોકભોગ્ય બનેલ આ કાવ્ય છે. ભજન તરીકે તે પ્રસિધ્ધિ પામ્યું છે.
    હૈયાને સ્પર્શી જતા આ કાવ્યનું રસ દર્શન કાવ્ય ના હાર્દ જેટલું જ અસરકારક બનાવવા બદલ અભિનંદન.
    કીર્તિ ગણાત્રા (દુશ્મન)

    Liked by 1 person

  3. રસદર્શન વિના કવિ કાવ્યમાં શું કહેવા માગે છે એ ભલભલાને સમજાતું નથી! દિવાકાબેન આપણી વચ્ચે છે અને એઓ સમય લઈ આમ સમજાવતાં રચના માખણ જેવી મીઠ્ઠી લાગે છેને? આભાર સાથે..’ચમન’

    Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s