(૨૦)
સર્જન-પ્રક્રિયાની અનુભૂતિ લખતા લખતા,ગયાં પ્રકરણમાં એક જૂની સ્મૃતિની ખડકીમાં વળી જવાયું હતું ફરી પાછી આજે વર્તમાનના મુખ્ય રસ્તે આવીને ઉભી.એક તરફ ન્યૂ જર્સી છોડ્યાનો ગમ તો બીજી તરફ છેલ્લાં ૧૫ વર્ષમાં હ્યુસ્ટનની ધરતી પર કરેલ પ્રવૃત્તિઓ અને પ્રગતિની ખુશી પણ અનુભવાય છે.
ગુજરાતી કીબોર્ડ અને નેટ-જગતના વ્યાપે ઘણું નવું શીખવાડ્યું તો અહીંના સાહિત્યના મંચે એક નવી જ દિશા ખોલી આપી. એના જ બળે વિવિધ વાંચન વિસ્તર્યું, લેખનકામને વેગ મળ્યો અને એ રીતે એક નવું જ વિશ્વ, (સાહિત્યનું, કલાનું વિશ્વ) ઊભું થયું. કેટલાં બધાં સાહિત્યકારોને મળવાનું થયું, ઘણા કાર્યક્રમો માણ્યા અને ઘણા કાર્યક્રમો કર્યા પણ ખરા. અમદાવાદની બુધસભાથી માંડીને ફ્લોરીડાના ‘પોએટ્રી ફેસ્ટીવલ’,કેલિફોર્નીઆની સાહિત્ય-બેઠક, યુકે.ની ‘ગુજરાતી રાઈટર્સ ફોરમ’ ગ્રુપની ૨૫ વર્ષની ઉજવણીનો ઉત્સવ, અમદાવાદની ‘સદા સર્વદા કવિતા’માં રજૂઆત, કવયિત્રી સંમેલન,ન્યૂ જર્સીનું સાહિત્યિક અધિવેશન,વગેરે જગાઓએ આમંત્રિત થવાનું અને કાવ્યપઠન કરવાનું સદભાગ્ય પણ મળ્યું અને માણ્યું. જીંદગીનો ખરો ખજાનો આ સ્મરણો જ છે ને?
અહીં એક બહુ જૂનું નહિ એવું એક સ્મરણ તાજું થઈ રહ્યું છે. યુકે.ના રાઈટર્સ ફોરમના ‘રજત જયંતિ’ ઉત્સવ પછી શ્રોતાજનોમાંથી કોઈકે પૂછ્યું કે તમે કવિતા કેવી રીતે લખો છો? જવાબ કોઈ રેસીપીની જેમ સહેલો ન હતો.પણ એના જવાબમાં મને મારી એક કવિતા યાદ આવી.અત્રે ટાંકવાનું જરૂરી એટલા માટે લાગે છે કે, સર્જન-પ્રક્રિયાના આ ચાલુ મુદ્દાના ભાગ રૂપે છે. હંમેશા તો નહિ પણ સામાન્ય રીતે પીડામાંથી પ્રસવ થાય. તો પેલા સવાલના જવાબમા બે શેરઃ
કવિતા ફૂટતી ક્યાંથી, સુહાની વાત રે’વા દો.
નકામી માંડ રુઝાયેલ ઘાની વાત રે’વા દો!!
ઝવેરી વેશ પ્હેરી વિશ્વને ઘાટે જૂઠા બેઠા,
હિરા ફેંકી, વિણે પત્થર, નકામી વાત રે’વા દો.
હા, એક વાત ખૂબ જરૂરી જે વારંવાર કહેવાનું ગમશે. સારા વાંચનની અસર સંવેદનામાં સજ્જતા કેળવે છે અને તો જ સારું સર્જન સંભવે છે. સાહિત્ય તો એક દરિયો છે તેમાં જેમ જેમ ઊંડા જઈએ તેમ તેમ આનંદના મોતી મળતા જાય. પદ્યમાં છંદોની મઝા પણ ત્યારે જ અનુભવાય. કવિકર્મની સહજતા પણ ત્યારે જ લાગે. સાહિત્ય આ સારાસારની સમજણ આપે છે. સાચું જીવન જીવાડે છે. બધા વિરોધાભાસની વચ્ચે જીવંત રહેતા શીખવે છે. સાહિત્ય એ માત્ર શબ્દોની રમત નથી,અંતરની જણસ છે, અંદરની સમજણ છે. શબ્દની સાર્થકતા પણ એમાં જ છે.
ઘણા બધા પરિબળો એક સાથે એવાં કામ લાગ્યા કે જેને પરિણામે ‘શબ્દોને પાલવડે’, ‘અક્ષરને અજવાળે’, ‘કલમને કરતાલે ‘એમ ત્રણ કાવ્યસંગ્રહો તૈયાર થઈ શક્યા તો એ પછી બંને પરિવારની નવી પેઢીને માટે ખૂબ જરૂરી એવા મૂળને આલેખતા બે સંકલન પુસ્તકો, ધ્રુવ કુટુંબનું“ Glipses into a Legacy’ અને બેંકર પરિવારનું “Maa.” પુસ્તકો પણ પ્રગટ થયાં. એ જ રીતે ગુજરાતી સાહિત્ય સરિતાના ૧૫ વર્ષના ઈતિહાસને આલેખતું એક બીજું પણ દસ્તાવેજી ઈપુસ્તક, સૌની મદદથી પ્રકાશિત કર્યું.
ત્યારબાદ ૨૦૧૬ની સાલમાં નવા વર્ષની સવારે અચાનક મનમાં એક ઝબકારો થયો. એની વાત પણ રસપ્રદ છે. એક વહેલી સવારે સૂરજ ઉગવાના સમયે, નવા વિચારોની લહેરખીઓ મનમાં એની તીવ્ર ગતિથી આવ-જા કરી રહી રહી હતી. કંઈક નવું, કશુંક જુદું લખવા કલમ થનગની રહી હતી. સંવેદનાના કેટલાંયે ઝરણા મનમાંથી સરક સરક થઈ રહ્યા હતા એવી અવસ્થામાં પત્રોની સરવાણીએ આપમેળે જ આકાર લીધો. આમ તો પદ્ય અને કવિતા તરફ સવિશેષ લગાવ.પણ ગદ્યમાં મારો પ્રિય સાહિત્ય-પ્રકાર પત્ર-સ્વરૂપ. તેમાં વળી ૪૮ વર્ષની પાકી મૈત્રીનો ઢાળ મળ્યો. કોલેજકાળની સહેલી નયના પટેલે પ્રતિકુળ સંજોગોની વચ્ચે પણ સંપૂર્ણ સહકાર આપ્યો.
આજસુધી વિશ્વના જુદા જુદા સ્થળે મર્યાદિત સમય માટે પ્રવાસી તરીકે ગયેલા ઘણાં લોકોએ અલપ ઝલપ, ઉપરઉપરની વિગતો લખી છે.પરંતુ ૩૫,૪૦ વર્ષો વિદેશમાં રહ્યા પછી, સંઘર્ષ વેઠીને, અનુભવેલી સારી ખોટી તમામ અનુભૂતિઓને અતિ ઝીણવટથી અને તટસ્થતાપૂર્વક લખાયેલ જાણમાં નથી. એમ વિચારી દર શનિવારે નિયમિત રીતે અમારા પત્રો બ્લોગ ઉપર લખાવાની શરૂઆત થઈ. દર પત્રમાં એક નવા વિષય સાથે જૂની અનુભૂતિ, થોડી હળવાશ, કાવ્યકણિકા અને અભિવ્યક્તિના આદાન–પ્રદાન થતાં રહ્યાં. તેમાં બે દેશો (યુ.કે અને યુએસએ.) ની વિકટ અને નિકટની વાતોને સાહિત્યિક રીતે આલેખાતી ગઈ. અમારા આશ્ચર્ય વચ્ચે વિશ્વના ખૂણે ખૂણેથી વાચક અને ભાવક મિત્રો અને વડિલોના પ્રતિસાદ મળતા ગયા. તેથી કલમમાં વધુ બળ ઉમેરાયું. પરીણામે “આથમણી કોરનો ઉજાસ” પુસ્તકનો જન્મ થયો.
ત્યારબાદ દીવે દીવો પ્રગ્ટે તેમ એ પુસ્તકમાંથી વળી પાછી એક નવી ‘પત્રાવળી’ શરૂ થઈ જેમાં મૂળે તો “હમ ચાર હી ચલે થે જાનિબે મંઝિલ મગર, લોગ સાથ આતે હી ગયે, કારવાં બનતા ગયા….”એ રીતે ધીરે ધીરે ઘણા બધા ભાષાના કસબીઓ જોડાયાં અને જાતજાતના ભોજન–વ્યંજનોના રસથાળ પીરસાયા, યથા મતિ–શક્તિ શબ્દોના કંકુ–ચોખા, અબીલ અને ગુલાલ વેરાતા ગયા અને વહેંચાતા રહ્યાં. આવા સુખદ અનુભવો ફરી ફરી માણવાનો પણ એક અનેરો લ્હાવો છે.
સ્મરણોની આ શેરી ક્યાંથી ક્યાં લઈ આવી? એનું સમાપન એક વિસ્મયભર્યો વિષય છે. આજ તો આજ છે પણ આ લખતા લખતામાં તો ગઈ ક્ષણ ભૂતકાળની ગર્તામાં ચાલી ગઈ ને? એ વિશે આવતા છેલ્લાં પ્રકરણમાં રસભરી વાતો….
હાલ તો માનવસહજ સ્વભાવનું એક દૄશ્ય જુઓ, જોતાં જોતાં સાંભળો અને માણોઃ click on this picture and listen..
દેવિકાબેન અને ભાવનાબેન,
‘શબ્દોના પાલવડે’ નીચે ગદ્ય જ વાંચવા મળતાં કાન કાયમ મૂગું મૂગું ફરિયાદ કરતું’તું! પણ, એનું સાંભળે કોણ? આંખોને અખૂટ લાભ આપવામાં કાનોને કોઈ પૂછતું નો’તું! ભગવાને તો બંનેને આપ્યા ત્યારે એમની વચ્ચે ભેદભાવ રાખ્યો નો’તો! માનવીઓએ જ આ ભેદભાવ ઉભો કર્યો! પરમાત્માને ખબર પડી ગઈ એટલે આજે ગદ્ય સાથે ગીત ગોઠવાયું! શબ્દો સાથે સ્વરો ભર્યા! કાનોએ ચુપ રહી એ માણ્યા! આજે એ કાનોને એટલો બધો સંતોષ થયો કે એની ભૂતકાળની ફરિયાદોને સંતોષના સાગરમાં જઈને પધરાવી દીધી.
આભાર સાથે,
‘ચમન’
Chiman Patel ‘chaman’
Note:
To open any link listed below, Right click on it and then click on ‘Open link on new window’ 2nd item on the listing.
http://chimanpatel.gujaratisahityasarita.org/
http://pustakalay.com/phoolwadi.pdf (Humorous articles)
http://pustakalay.com/kavita.pdf
https://sureshbjani.wordpress.com/2007/08/20/chiman-patel/
”
________________________________
LikeLiked by 1 person
દીવે દીવો પ્રગટે એમ,
જ્યોત સે જ્યોત જલે એમ…
આજ સુધીની તમારી સાહિત્યની સફર અવિરત આગળ વધતી જ રહે અને કેમ કહેવાય કે આવતું પ્રકરણ છેલ્લુ જ હશે? બની શકે એમાંથી ય કોઈ નવી જ્યોત એક બીજુ અજવાળું પાથરે….
LikeLiked by 1 person
અને રાજુલબહેન, એ નવી જ્યોતની પ્રેરણા તો આવા પ્રતિભાવની જ ને?!!
LikeLiked by 1 person
Your life is an ever inspiring story to people of all ages. I am very
fortunate to have known you.
Jitu.
LikeLike
આભાર શબ્દોના પાલવડે-
શબ્દ ક્યાં મારો કે તમારો છે? શબ્દ હર કોઈનો દુલારો છે!
બુઠ્ઠાં, અણિયારા, રેશમી, બોદાં, શબ્દના કેટલાં પ્રકારો છે?
ભાવ છે, અર્થ છે, અલંકારો, શબ્દનો કેટલો ઠઠારો છે!
જો જરાક અડકો તો છટપટી ઉઠશે, શબ્દ સંવેદનાનો ભારો છે!
-રાહી ઓધારિયા
જરાક ઝડપી પવન સમાં એ કંઈક સતત ઉચ્ચરે.
ડૂબી ગયેલાં વહાણ જેવાં મનનાં જળમાં ઠરે.
માદક પેય બની આ સ્મરણો પાત્ર ભરી ઊભરાતાં.
શહેરી લત્તે લત્તે અમથું કોલાહલિયું ગાતાં.
એક અંજપાની કૂંપળ થઈ, વળ ખઈને ઊઘડે.
પછી અણગમો પીળો પીળો વેરી ચોગમ પડે.
આંખો બીડી ચૈત્ર માસની ભરબપ્પોરે બેઠાં.
ડમરીઓના હાથ આખરે થાકી પડતા હેઠા.
અભાવ કેરો ઓપ ચડાવે બધ્ધે કોની યાદ?
બધું એમ જોડાતું – મારો કોલાજી આહ્ લાદ.
સિતાંશુ યશશ્ચંદ્ર
સ્મરણ
જરાક ઝડપી પવન સમાં એ કંઈક સતત ઉચ્ચરે.
ડૂબી ગયેલાં વહાણ જેવાં મનનાં જળમાં ઠરે.
માદક પેય બની આ સ્મરણો પાત્ર ભરી ઊભરાતાં.
શહેરી લત્તે લત્તે અમથું કોલાહલિયું ગાતાં.
એક અંજપાની કૂંપળ થઈ, વળ ખઈને ઊઘડે.
પછી અણગમો પીળો પીળો વેરી ચોગમ પડે.
આંખો બીડી ચૈત્ર માસની ભરબપ્પોરે બેઠાં.
ડમરીઓના હાથ આખરે થાકી પડતા હેઠા.
અભાવ કેરો ઓપ ચડાવે બધ્ધે કોની યાદ?
બધું એમ જોડાતું – મારો કોલાજી આહ્ લાદ.
સિતાંશુ યશશ્ચંદ્ર
LikeLiked by 1 person
You always inspire me love you
LikeLiked by 1 person