સ્મરણની શેરીમાંથી….૧૯

સ્મરણની શેરીમાંથી….(૧૯)

seashell_pearls.jpg

સંવેદના અને સર્જનની વધુ વાતો લખવા બેઠી ત્યાં વળી પાછી આજે એક જૂની,ખૂબ જૂની ખડકીમાં વળી જવાયું. એ પ્રસંગ કેમ યાદ આવ્યો તે વિશે વિચારું ત્યાં આપમેળે જ એનું સર્જનપ્રક્રિયા સાથે સંધાન થઈ ગયું! આ તે કેવી અનુભૂતિ!

સાલ હતી ૧૯૬૪ની. ત્યારે હું ૧૧માં ધોરણમાં તે સમયે ૧૨મું ધોરણ ન હતું.અગિયારમાં ધોરણ પછી તરત જ પ્રિ.આર્ટ્સ,સાયન્સ,કોમર્સ વગેરે શરૂ થાય. શાળાની પ્રીલીમીનરીની પરીક્ષાના પરિણામનો એ દિવસ.દરેક વિષયના શિક્ષક પોતે જ, જે તે વિષયનું પરિણામ જાહેર કરે.જે કંઈ કહેવા લાયક હોય તે કહેતા જાય અને તે મુજબ ફાઈનલ પરીક્ષાની તૈયારીઓ પણ થવા માંડે. તે રીતે ગણિતના શિક્ષક વર્ગમાં આવ્યા. પરિણામની જાહેરાત શરૂ થઈ. એક પછી એક નામો બોલાતા ગયાં, કેટલાં માર્ક્સ મળ્યા તેની જાહેરાત અને જરૂરી સૂચનો પણ અપાવા માંડ્યા. તે દિવસે મારું નામ જ ન બોલાયું. મને એમ કે, દર વખતની જેમ ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ જ હશે એટલે છેલ્લે બોલાશે અને મોટે ભાગે એમ જ બનતું. તે સમયે આત્મવિશ્વાસ પણ લગભગ અભિમાન જેવો હતો અને તેનું કારણ પણ શિક્ષકો જ હતાં! કારણ કે મને સૌએ ખૂબ જ પોરસાવી હતી.

આમ, આવું બધું વિચારતી હું રાહ જોયા કરતી હતી ત્યાં તો એક સખત મોટો શાબ્દિક ધડાકો થયો. સાહેબના કડક શબ્દો હતાઃ “ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો.” ઓ મા…હું તો હેબતાઈ ગઈ! સાહેબ આ શું બોલે છે? ફરી પાછી ચહેરાની રેખાઓ થોડી તંગ કરી,મારી તરફ જોઈ બોલ્યાઃ “પછી શિક્ષકોની ઓફિસમાં મળજો”. પછી તો જેવો ઘંટ વાગ્યો કે તરત કંઈ કેટલાયે વિચારોના વમળો લઈ હું વંટોળવેગે દોડી ઓફિસ તરફ. બે ચાર અન્ય શિક્ષકો અને પ્રિન્સિપાલ બેઠા હતા. સાહેબે મારું પેપર ખોલ્યું,પાસે બોલાવીને બતાવ્યું અને એક નાનક્ડી ભૂલને કારણે આખો દાખલો કેવી રીતે ખોટો પડ્યો તે વિષે સખત શબ્દોમાં મારી ઝાટકણી કરી,લાંબુ લેક્ચર આપ્યું અને ગુસ્સો વ્યક્ત કરતા કહ્યુઃ “આખું વર્ષ ૧૦૦માંથી ૧૦૦ માર્કસ લાવનારને આવી ભૂલ કેવી રીતે થઈ,૧૦૦ ને બદલે ૯૩ માર્ક્સ? આ ચાલી જ ન શકે વગેરે,વગેરે…”આઘાત તો મને પણ લાગ્યો, આંખમાં આંસુ પણ આવી ગયા, પણ  મનમાં સવાલ મૂંઝવ્યા કરતો હતો કે,આટલા સારા સાહેબ આજે આટલા બધા ગુસ્સે થયા? ઘણીવાર ઘણાંનાં માર્ક્સ ઓછા આવ્યા હતા,દાખલા ખોટા પડ્યા હતા.આજે આમ કેમ?

વાતાવરણમાં સ્તબ્ધતા હતી. થોડી ક્ષણો પછી, દુઃખી દિલે બધું ચૂપચાપ સાંભળી લીધા પછી, મેં પાણીનો ઘૂંટ પીધો. હિંમત ભેગી કરી પૂછી જ લીધુઃ સર, તમે કોઈ દિવસ નહિ ને આજે આટલા ગુસ્સે?…વાક્ય અધૂરું જ રહ્યું ને સાહેબે થોડા સ્વસ્થ થઈ જવાબ વાળ્યો. “ હા, કારણ કે, મારી હાઈસ્કુલના વર્ષોમાં ખરે વખતે મારે આવું જ બન્યું હતું. જે ભૂલ મેં કરી હતી તે કોઈપણ તેજસ્વી વિદ્યાર્થીની ન જ થવી જોઈએ, એ ઈતિહાસ રીપીટ ન થાય અને હજી તમારે તો ફાઈનલ બાકી છે, તમે ચેતી જાવ તેથી કડવી રીતે આ કહ્યું. દરેક વખતે ઓછા માર્ક્સ લાવનારને માટે આવું દુઃખ ન થાય. પણ જેના તરફથી શાળાને મોટી આશા છે તેની ભૂલ તો ન જ થવી જોઈએ. નાની સરખી ભૂલ જીવનમાં ન થાય તે પણ આમાંથી જ શીખવાનું છે. ગુસ્સો એટલા માટે કે જીવનભર આ વાત યાદ રહે.” સાંભળીને હૈયું એક થડકારો ચૂકી ગયું. બસ, તે દિવસે, અધ્ધર ઉડતા મારા પગ ધરતી પર આવી ગયા. અને એ સંવેદનાએ, તે રાત્રે કાગળ પર થોડા અક્ષરો પાડયા. આખી રચના તો યાદ નથી. માનીતા શિક્ષકને બીજે દિવસે આપી દીધી હતી.પણ  મુખ્ય ભાવની એક પંક્તિ સ્મૃતિના દાબડામાં આજસુધી અકબંધ રહીઃ
‘લાવું નંબર એસ.એસ.સી.માં સેન્ટર અમદાવાદમાં, કરું પ્યારી શાળાના નામને રોશન અમદાવાદમાં..”

સર્જનની કેવી પીડાજનક પ્રક્રિયા? એ વાત દિલમાં હંમેશા કોતરાઈ ગઈ અને સતત કામે લાગી. આખરે કોલેજની ડીગ્રીમાં યુનિવર્સિટિમાં પ્રથમ આવી ત્યારે મનમાં શાતા થઈ.

આ વાત અહીં અટકતી નથી. વર્ષો વીત્યા, અમેરિકા આવી. એક દિવસ દીકરાનું mathનું ‘હોમવર્ક’ જોતી હતી. એક જગાએ નાનક્ડી, લગભગ એવી જ (!) એક ભૂલ જોઈને સર યાદ આવ્યા. દીકરાને આખો પ્રસંગ કહી સંભળાવ્યો. તે સમયે એરોગ્રામ લખાતા. વચ્ચેના વર્ષોમાં કોઈ સંપર્ક રહ્યો ન હતો. છતાં તરત જ મેં ડાયરીમાંથી સરનામુ કાઢી, પેલી જૂની વાતને યાદ કરતો એક પત્ર ગણિતના સરને લખ્યો. ૧૫ દિવસ પછી તેમના દીકરાનો આંસુભીનો જવાબ આવ્યોઃ “તમારો પત્ર મળ્યો, મેં વાંચ્યો પણ પપ્પા હવે આ દૂનિયામાં રહ્યા નથી. ગયા મહિને જ….  હવે તેમણે શીખવાડેલું ગણિત  હું જીવનમાં શીખું છું અને શીખવાડું છું”. વાંચીને ગળે ઊંડો ડૂમો ભરાઈ આવ્યો. આવા શિક્ષકો હવે મળે?!

મન ચક્ડોળે ચડ્યું. આજની યુનિવર્સિટિનો સ્નાતક બનીને બહાર નીકળતો વિદ્યાર્થી જીવન પ્રવેશ માટેનો પાસપોર્ટ તો મેળવે છે પણ શું જીવન-પ્રવાસ માટેનો વીસા પામે છે ખરો?

સ્મરણની આ ખડકી, આજે અર્થસભર સર્જનની સાંકળ ખોલી કેવી મ્હેંકી ગઈ?!! જીંદગીમાં ક્યારેક આવી ઘટનાઓ વંચાય અને દીવાદાંડી બને એવી શુભ ભાવના સાથે આજે અલ્પવિરામ…

મનની ભીતરમાં ભર્યા છે ખજાના,
        સાગર મહીં જેમ મોતી સુહાના;
સાચાં કે ખોટાં, સારા કે નરસા,
        કદી ન જાણે કોઈ અંતરની માળા.

અસ્તુ..

 

 

7 thoughts on “સ્મરણની શેરીમાંથી….૧૯

 1. ક્યારેક આપણી ભૂલ વિશે આંગળી કરતી વ્યક્તિ આપણી સાચી શુભેચ્છક છે એવું સ્વીકારીને જમીન પર આવી જઈએ તો સાચા રસ્તે આગળ વધતા શીખીએ એ વાતને એકદમ અનુરૂપ આજની વાત… અને એવી યુનિવર્સિટિનો સ્નાતક વિદ્યાર્થી જીવનમાં મોટાભાગે નિષ્ફળ નહીં જાય એ વાત નિશ્ચિત.

  Liked by 1 person

 2. તમને અમે આમતો જાણતા’તા, પણ આ પત્રશ્રેણીથી વધારે ઊંડા જાણતા થયા! કેવો મોકો કે શિક્ષક અને વિધ્યાર્થીની સરખા મળ્યા! આવા વિધ્યાર્થી તો મળી રહે, પણ આવા શિક્ષકો મળે?
  સાસના દરેક સભ્ય એમના જીવનમાંથી આવું કંઈક કહીને ભાગ લે તો?

  અભિનંદન ખોબલે ખોબલે!

  Liked by 1 person

 3. જીવનમા પ્રોત્સાહન આપે તેવી ભૂલ
  ભૂલવા જેવું ન ભૂલીએ તો યાદ રાખવા જેવું યાદ રહેતું નથી.
  જિંદગીને સુંદર રાખવા માટે વાગોળવા જેવું હોય એને જ વાગોળવું જોઈએ
  આવી ભૂલથી…
  જેમ જેમ પ્રોત્સાહન મળ્યું આપનું
  તેમ તેમ હું વ્યોમ ચુંમતી જાઉં છું.

  Liked by 1 person

 4. જીવનમાં અનુભવેલા કેટલાક પાઠો અંત સુધી યાદ રહે છે જે તમેં પણ અનુભવ્યું અને વહેંચ્યું. આભાર.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s