(૧૬)
એકવીસમી સદીની શરુઆત જાણે જીંદગીને એક નવા વળાંક પર લઈ આવી. ન્યુજર્સીના ઘરના ૨૧-૨૨ વર્ષના સહસ્ત્ર સંભારણાની પોટલી બાંધી ન્યુજર્સીથી સામાન બાંધી ગાડી રવાના કરી. ઘર છોડ્યાની વેદનાએ જાતજાતના શબ્દ-રૂપ ધર્યા, ગતિ પકડી.
સૌએ સાથે મળીને સ્વેચ્છાએ જ નક્કી કર્યું હતું કે હવે આ કાતિલ ઠંડીમાંથી બહાર નીકળીને ભારત જેવી ઋતુવાળા સ્ટેઈટમાં જવું અને એ રીતે જ અમે તૈયારી પણ કરી હતી.પણ છતાં પેલાં “જૂનું ઘર ખાલી કરતા”ની અનુભૂતિએ મનને વીંધી નાંખ્યું. ખરેખર ઘર સમેટવું એટલે જાણે જીવન સંકેલવું! કેટલું બધું છોડવાનુ? છોડતાં છોડતાં રડવાનું ને રડતાં રડતાં છોડવાનું. સાચું કે ખોટું, સારું કે નરસું પણ મારું એટલું સારું! કેટલાંકના ભૌતિક મૂલ્યો તો કેટલાંક જીવથી અમોલા. અરે,વસ્તુની તો સીધી વાત.પણ સંસ્મરણો? એ તો મરણના દુઃખ જેવાં. દેખાય નહિ ક્યાંય પણ ઊંડે સુધી ભોંકાય. બિલોરી કાચની કણીની જેમ ખૂંચે. તો યે જીવતરના ગોખે પાછા ઝગમગે! માનવના શરીરરૂપી ઘરને સંકેલતા ઈશ્વરને પણ વેદના થતી જ હશે ને? કદાચ પરિવર્તન એનો ક્રમ હશે? તો પછી એની પ્રક્રિયા સહજ કેમ નથી? સરખી કેમ નથી? માંડવું અને સમેટવું,ઉકેલવું ને સંકેલવું,જન્મ અને મરણ,મિલન અને વિરહ. ફરક કેમ? કદાચ ઈશ્વરનો સંદેશ એવો હશે કે, ફરક સમજમાં છે. સ્વસ્થતા હોય ત્યાં ફરક નથી. એટલે કે બંનેને માણો અને સ્વસ્થ રહો.
ઓહ..ગાડી જુદે પાટે વળી ગઈ. વાત એમ બની કે, બંને દીકરાઓ ભણી-ગણી-પરણી પોતપોતાના ક્ષેત્રે આગળ વધ્યાં. વ્યવસાય પ્રમાણે સૌએ સ્થળાંતર કર્યું. રાહુલને પણ હોંગકોંગ,લંડન વગેરે જુદે જુદે સ્થળે, જોબને કારણે ફરવાનું શરૂ થયું. ભર્યુંભાદર્યું ન્યૂ જર્સીનું ઘર ખાલી થઈ ગયું. બીજી પૌત્રીનો જન્મ થયો. એકલા પડેલ પૂ.બા, બહોળા કુટુંબમાં વધુ આનંદ કરી શકે એ હેતુથી ઘરનો સંગાથ જોઈ ભારત પાછા ગયાં. તે પછી બીજી પૌત્રીનો અને ૨૦૦૪ના ઓક્ટો.મા પૌત્રનો જન્મ થયો. એ દિવસ ન્યૂજર્સીનો આખરી દિવસ હતો.
ન્યૂજર્સીના ઘર છોડ્યાની વાતો મારા શબ્દોમાં, મારા અવાજમાં અહીં સાંભળો….જૂનું ઘર છોડતાં…
થોડો વખત કનેક્ટીકટ રહી સામાન પહોંચ્યો કે તરત જ હ્યુસ્ટનની સફર આદરી. શરૂઆતમાં તો પાર્ટનરને જોબ ચાલુ હોવાથી અને દેશવિદેશ લાંબો સમય ફરતા રહેવાનું હોવાથી મેં એકલીએ જ હ્યુસ્ટન સ્થળાંતર કર્યું.સમયને પસાર કરવા માટે શરૂઆતમાં અહીંની પ્રાથમિક સ્કૂલમાં volunteer work શરૂ કર્યું. પુસ્તકોનું આકર્ષણ વધારે હોવાથી સ્કૂલની લાયબ્રેરીથી આરંભ કર્યો. આશય એવો હતો કે, પૌત્રીઓની આસપાસ સ્કુલમાં જ રહી શકાય.પણ પછી તો બન્યું એવું કે કામથી પ્રભાવિત થઈને મને ત્યાં જ જોબની ઑફર મળી અને મેં સ્વીકારી જેને કારણે મને મોટી હૂંફ મળી. અમેરિકાની શિક્ષણ પધ્ધતિ, લોકોનો વિવેક, વાણી વર્તન-વ્યવહારને ખૂબ નજીકથી જોવા/સાંભળવા અને એ રીતે અનુભવવા મળ્યા. ન્યૂયોર્ક/ન્યુ જર્સીથી તદ્દન જુદા જ વાતાવરણમાં હોવા છતાં મારી દિલચશ્પી વધી. નવા અમેરિકન મિત્રો થયા. ઘણું શીખવાનું મળ્યું. એ વિશે પ્રસંગો ટાંકવા ગમશે. પણ આવતા હપ્તે.
આજે તો હજી થોડી વધુ, બે દાયકાથી વધારે એવા ઘરની સ્મૃતિઓ મન મૂકીને વાગોળવાનું મન થયા કરે છે.
હળવે ફરે છે પાનાં જૂનાં,
મનમાં છે જે હજી તાજાં.
પ્રસંગો ખૂલે છે ખૂણે ખૂણે,
પ્રગ્ટે છે જેમ દીવે દીવા.
શૈશવ વીત્યું દીકરાઓનું,
બા-દાદાની શીળી છાંયામાં.
ભણ્યાં ગણ્યાં ને પરણી માંડ્યા,
આ જ ઘરમાં કુમકુમ પગલાં.
મોંઘા-મૂલા દિવસો અમારા,
સ્વજન મિત્રોના નિકટ સાથમાં.
ભૂલાય કેમ હા,સૌની વચમાં.
શિવ સદાયે મારા ઘરમાં.
ટૂંકા નાના સીમિત આંચલમાં,
પોષાયાં સૌ પ્રેમ-મંદિરમાં.
ક્ષણ-કણ વીણી આ જ ઘરથી,
બાંધ્યા સૌએ નિજના માળા.
વીતેલી આ સમય-વીણા પર,
સ્મરણ-નખલી ફરે છે ઘરમાં.
ગઈકાલની સવાર હતી પહેલી.
આજની રાત હવે રહી છેલ્લી.
વચમાં વરસ વીસની વાત વીતી.
સ્મૃતિ ગઠરી બાંધી,અમે નીસર્યા ચાલી…
સુખી સૂરીલા સૂરો છેડે,
જાણે આરતી ઘર-મંદિરમાં..
મન-મંદિરમાં….
હવે શરૂ થશે હ્યુસ્ટનની સફર….અને શરૂઆતની યાદો….
અમે આ કામ ન કરી શક્યા અને તમે એ ઉપાડી લીધું એમાંથી સંતોષ માનવો પડ્શે.
LikeLiked by 1 person
દેવિકાબેન, સુર સંગિત સાથે સુંદર રજુઆત, મઝા આવી . પરિવર્તન કુદરતનો નિયમ આપ યુસ્ટન આવ્યા, સાહિત્ય સરિતા હ્યુસ્ટનને તમારા જેવા કવિયિત્રીનો લાભ મળ્યો, મળતો રહેશે….
,
LikeLiked by 1 person