(૧૩)
તે સમયે અમેરિકા આવતી વખતે વ્યક્તિ દીઠ માત્ર ૨૪ ડોલર જ અહીં લાવી શકાતા. એ રીતે ૪ જણના અમે કુલ ૯૬ ડોલર સાથે અમેરિકાની ધરતી પર પગ મૂક્યો.
આમ તો વીઝીટ કરવા જ આવ્યા છીએ એમ મનમાં રાખ્યું હતું પણ ગ્રીનકાર્ડ હાથમાં હોવાથી થોડી જોબ કરી,પૈસા ઊભા કરી પછી પાછાં જઈશું એમ વિચારી જોબ શોધવા માંડી. રોજ સવારે સેન્ડવીચનું પેક લઈ “એક અકેલા ઈસ શહરમેં”ની જેમ અમે નીકળી પડતા. ત્યારે આજના જેવું ઈન્ટરનેટનું કે મોબાઈલના વોટ્સેપનું માધ્યમ ન હતું. તેથી બપોરે નક્કી કરેલ જગાએ મળી સાથે સેન્ડવીચ ખાઈ પાછા નીકળી પડતાં અને સાંજ પડે, નિરાશાને હાથમાં લઈ બંને, એકબીજાંને સારા અનુભવો મળ્યાની વાતો કરી હિંમત આપતા.
અત્રે એક નવા અનુભવની વાત કરું. અહીંની schools માં જૂન મહિનામાં વેકેશન પડે. અમે એપ્રિલ મહિનામાં ન્યૂયોર્કમાં આવ્યા. પહેલાં જ અઠવાડિયામાં બંને દીકરાઓને લઈ નજીકની સ્કૂલમાં ગયાં. અમને એમ હતું કે, સપ્ટે.થી શરુ થતાં વર્ષ માટે ‘એડમિશન’ મેળવી લઈએ. અમારા આશ્ચર્ય વચ્ચે, માર્ગદર્શક શિક્ષિકા,( guidance consular) Mrs. Martin અમારી સાથે એક કલાકથી પણ વધુ સમય મેળવી શાંતિથી બેઠાં. અમને વિનય અને આદરપૂર્વક બધી માહિતી આપી.આખી સ્કુલ ફરીને બતાવી અને એ જ દિવસથી પ્રવેશ પણ આપી દીધો!! એટલું જ નહિ, બીજાં જ દિવસથી શાળામાં જવાની મંજૂરી પણ આપી કે જેથી કરીને બાળકો અહીંના વાતાવરણથી, પધ્ધતિથી વાકેફ થાય અને તેમને ઈંગ્લીશ ઉચ્ચારોને સમજવાનો અવકાશ અને પૂરતો સમય મળી રહે! અમે તો આભા જ થઈ ગયા! કારણ કે,અમારા મનના નેપથ્યમાં તો બાળકના જન્મ પહેલાં જ, સ્કૂલોના એડમિશનની ચિંતા કરતા માબાપોના દ્રશ્યો ચાલતા હતાં! What a difference?
વતનપ્રેમી મનમાં એક વેદનાની ટીસ ઉભી થઈ કે આપણા દેશમાં ઊંચામાં ઊંચું બુધ્ધિધન હોવા છતાં, એક માત્ર સારી પધ્ધતિને અભાવે કેટલો મોટો ફરક? નાની નાની વસ્તુઓનો મહિમા ઘણો મોટો હોય છે એ ત્યારે વધારે સમજાયું. માતૃભૂમિ માટે મને ખુબ પ્રેમ છે, અભિમાન છે. તટસ્થ રીતે જોવાની દ્રષ્ટિ ત્યાંથી જ કેળવાઈ છે. કદાચ એટલે જ કશાયે પૂર્વગ્રહ વગર, જુદા જુદા પણ આવાં સાચાં દ્રશ્યો આલેખવા અને વહેંચવા જરૂરી લાગે છે.. માર્શલ પ્રોસ્ટ નામના એક લેખકે લખ્યું છે તેમ, ખરો આનંદ અને અભિવ્યક્તિ નવા દ્રશ્યો જોવામાં નહીં, પણ એ જ દ્રશ્યને નવા દ્રષ્ટિબિંદુથી જોવામાં છે.
છોકરાઓ નાના હોવાથી સરળતાથી ગોઠવાઈ ગયા. પ્રોફેશનલ ડીગ્રી ન હોવા છતાં, આશ્ચર્ય અને દૈવયોગે એકાદ મહિનામાં તો અમને બંનેને જોબ મળી ગઈ. પગાર હાથમાં આવે તે પહેલાં એપાર્ટમેન્ટ ભાડે લઈ લીધુ અને ન્યૂયોર્ક શહેરમાં જીવન શરૂ કર્યું. ભાઈબહેનોનો સાથ અને હૂંફ તો સતત સાથે જ હતા..સમયની સામે જોયા વગર અમે ખંતપૂર્વક એકસરખી મહેનતથી કામ કર્યું, ઉત્તરોત્તર પ્રગતિ કરી, પોઝીશન મેળવતા ગયા. ભારતમાં હતાં ત્યાં સુધી સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓને કારણે કેળવાયેલાં શિસ્ત અને મહેનતના પાઠો મારા સ્પોર્ટ્સમેનને(!) સાચા અર્થમાં ખૂબ કામે લાગ્યા. જો કે, બેંકની જોબ મળતા પહેલા એકદમ શરૂઆતમાં મને એક પેન બનાવવાની મોટી કંપનીમાં જોબ મળી હતી. પણ કંઈ મઝા ન હતી. થોડો વખત તો જરુરિયાતને સામે રાખી ખેંચ્યે રાખ્યું.
મોટો દીકરો તો જાણે નાનપણથી જ મેચ્યોર લાગતો. થયું એવું કે, આવીને તરત વુડસાઈડની શાળામાં પ્રવેશ તો લીધો પણ પછી તરત એક મહિનામાં એપાર્ટમેન્ટ બીજા વિસ્તારમાં મળ્યું. ત્યારે ૮-૯ વર્ષની નાની ઉંમરે પણ બે ટ્રેઇન પકડીને એલમર્સ્ટથી વુડસાઈડની સ્કૂલ સુધી ક્યારેક એકલો જઈ શક્તો હતો. અલબત્ત, મારાં નાના ભાઈબહેનોની અવારનવાર કંપની રહેતી પણ છતાં તેનામાં એ સૂઝ, હોંશિયારી અને હિંમત હતા. આજે વિચારું છું કે, એની કેટલી અને કેવી હિંમત? નાના દીકરાને હજી સ્કૂલમાં મૂકવાને વાર હોવાથી તેને બે મહિના માટે મોટીબહેનના ઘેર બીજાં સ્ટેઈટમાં મોકલી આપ્યો. પણ એકે રીતે મન શાંત રહેતું ન હતું. અંતે બે-ત્રણ મહિના પછી એ ન ગમતી જોબ છોડી જ દીધી. દીકરાને પાછો બોલાવી સ્કૂલમાં સેટ કર્યો અને તે પછી, એટલે કે લગભગ વર્ષના અંતે બેંક ઓફ બરોડાની ન્યૂયોર્ક બ્રાંચમાં જોબ મળી.
ટૂંકમાં કહેવાયેલી આ વાતો વચ્ચે સંઘર્ષ ઘણો વેઠ્યો. પરિસ્થિતિઓ સાથે, મન સાથે અને નવી દૂનિયાના વાતાવરણ સાથે. પણ જીંદગીનું આ એક સાહસ હતું અને એને ઝીલવાનું હતું ને? ક્યારેક મા અને નાની બહેનો અમારી સાથે રહેતા. તેમની હૂંફ છોકરાઓના ઉછેરમાં ઘણી ઘણી સહાયક રહી. ન્યૂયોર્કના ત્રણ વર્ષના નિવાસ દરમ્યાન બે વખત એપાર્ટમેન્ટ બદલ્યાં, સાસુ-સસરાને અમેરિકા બોલાવ્યા. તેમનો સાથ અમને મદદરૂપ નીવડ્યો તો અમને જોઈ તેમને પણ અમારી નવી દૂનિયાનો ખ્યાલ આવ્યો અને દૂર જઈ બેઠેલા દિકરાના પરિવારને જોઈ મનને શાંતિ અને રાહત થઈ.
કુટુંબની નજીકની વ્યક્તિઓનો ફાળો જીવનમાં કેટલો મહત્વનો ભાગ ભજવે છે એ આજની ઉગતી પેઢીને તો કેવી રીતે સમજાય? વાંક તો કોઈનો નથી. પણ વિશ્વભરમાં હવે જીવનસરણી અને પધ્ધતિઓ સમગ્ર રીતે બદલાઈ ગઈ છે. સુખની વ્યાખ્યાઓ બદલાઈ ગઈ છે,ભૌતિક બની ગઈ છે. સદનસીબે હજી સુધી સચવાયેલી રહેલી અમારા સંતાનોની ભાવના યથાવત રહે અને અરસપરસ તેમના પરિવારોમાં પણ આ વાત વહેંચાયેલી અને વિસ્તરતી રહે એવી સતત લાગણી અને શુભેચ્છા કલમમાંથી નીતરે છે.
આ ક્ષણે, કોણ જાણે કેમ પણ થોડા દિવસ પહેલા જ જોયેલા એક હિન્દી કાવ્યસંમેલનમાં સાંભળેલી પંક્તિઓ ટાંકવાનું મન થાય છેઃ
“સપને વો હોતે હૈ જો સોને નહીં દેતે
અપને વો હોતે હૈ જો રોને નહી દેતે….”
આવતા પ્રકરણમાં બેંક ઓફ બરોડાના ૨૩ વર્ષોના સ્મરણોની ગલીમાં….
અત્યારે તો ‘આકાશમાંથી વાદળદળ વચ્ચે વિહાર’ની સ્મૃતિ મમળાવવાનું મન થાય છે.
click on picture to listen…
વિશ્વભરમાં હવે જીવનસરણી અને પધ્ધતિઓ સમગ્ર રીતે બદલાઈ ગઈ છે. સુખની વ્યાખ્યાઓ બદલાઈ ગઈ છે,ભૌતિક બની ગઈ છે. KHUB SACHI VAAT – BUT MANY SENIORS LIKE ME AND MANY MORE FIND IT DIFFICULT TO DIGEST AND ACCEPT REALITIES OF PRESENT DAY LIFE.
i enjoy reading this post first in the morning. keep it up.
LikeLiked by 1 person
દેવિકા, લખાણ સુંદર અને કવિતાની રજુઆત ઉત્તમ, વાહ! સરયૂ પરીખ
LikeLike