સ્મરણની શેરીમાંથી…(૧)

સ્મરણની શેરીમાંથી

સ્મરણગલીની સાંકડી શેરી, વિશાળ થઈને વિહરી જો.
વતન-જતનનું નર્તન કરતાં નિશાળ થઈને નીકળી જો.
ઝુંપડી સમી પોળની માટી, પથ્થર, રેતી પવન ને પાણી,
તેજની ધારે ધારે અહાહા, કેવી મહેલ થઈને નીખરી,જો.

   ( ૧ ) 

રેશમી સુંવાળા રુમાલમાં અને મશરૂથીયે મુલાયમ મખમલી કપડામાં વીંટળાઈને મળેલી એક જીંદગી, અંતે સફેદ ચાદરની ચિર શાંતિમાં પોઢી જાય છે. પણ એની વચ્ચે કેટકેટલું બને છે? બંને સમયે હાથ તો ખાલી ને ખાલી, છતાં આ પારણા ને નનામીની વચ્ચે..’ક્રીબ’ અને કફનની વચ્ચે…ઘોડિયાથી શબવાહિનીની વચ્ચે કેટકેટલી ઘટના? કેટકેટલા ઉધામા?

પહેલાં સોહામણું…રળિયામણું..પછી સતામણું, બિહામણું અને છેલ્લે ?..  આ સનાતન સત્ય સુધી પહોંચવાના આ તે કેવા તબક્કાઓ, કેટલી અવસ્થાઓ? અને કેવાં કેવાં પરિવર્તનો?

જન્મ પછી બાળક પર અનેક વસ્ત્રો વીંટળાતા જાય છે. સૌથી પહેલાં લોહીના સગપણના  વસ્ત્રો. પછી શેરીના, મહોલ્લાના કે આસપાસના બાળકોની દોસ્તીના વસ્ત્રો. પછી ૫-૬ વર્ષે સ્કુલમાં જવાનું શરૂ થતા થતા શિક્ષક અને મિત્રોના સંબંધોના વસ્ત્રો ચડે છે. ધીરે ધીરે વય વધતા વ્યવહારના અને તહેવારના, એમ એક પછી એક વસ્ત્રોથી પેલો બાળક વીંટાતો જ જાય છે. એટલી હદ સુધી કે એ ક્યારે બાળકમાંથી બદલાઈ જાય છે એની એને પોતાને જ ખબર નથી રહેતી.  બાળપણમાં મળેલા કોરાકટ  કાગળ પર પોતે ક્યારે અને કઈ રીતે રાગદ્વેષના હાંસિયા દોર્યા એય ખ્યાલ બહાર જ જાય છે. હા, આ આવરણોથી રક્ષણ અને સંરક્ષણ તો મળે છે જ પણ સાથે સાથે જે ખરાં બીજ છે તે ઊભરતા અનુભવાય છે.

 આ વિચારધારા સાથે, વર્ષો જૂના કેલેન્ડરના પાનાં પાછળ ને પાછળ ફેરવતા જઈએ તો  સ્મૃતિના ડાબલામાંથી ઘણું બધું હાથમાં સરી આવે છે. પણ આ સ્મૃતિ પણ એક અજબની રહસ્યમય વસ્તુ છે. એ હંમેશા એને ગમતું જ સાચવે છે. બાકીનું તો બધું ખબર નહિ, કેવી રીતે ક્યાં ફેંકી આવે છે કે ઢાંકી દે છે! આ સાથે જ બીજો સવાલ એ છે કે, આગળ ચાલતી આ ગાડીના ‘રીઅર વ્યુ મિરર’માંથી કેટલે દૂર જોઈ શકાય છે?

૭૧ વર્ષના જૂના દ્વારો ખોલવા બેઠી છું.  નથી ખોલી શકાતા. ક્યાંથી ખુલે? આશ્ચર્ય નથી. હકીકત છે. સ્મૃતિનું આ એક વિસ્મય છે, એક રહસ્ય છે કે એના દાબડામાં અમુક ઉંમર સુધીનું કોઈને કશું જ યાદ નથી હોતું. સ્વયંનું ગર્ભમાંથી બહાર આવવું, તે વખતના માતાના ચહેરા પરના ભાવો, પિતાની ખુશી અને જવાબદારીનો અહેસાસ, કુટુંબનો આનંદ વગેરેની છાપ કોઈપણ બાળકના અબૂધ માનસમાં પડેલી હશે કે કેમ તે તો ખબર નથી. એ જે હશે તે પણ, જીંદગીના કોઈપણ સમયમાં ક્યારેય, કોઈ કારણસર કે વિના કારણ, એ છાપ આળસ મરડીને બેઠી થતી જ નથી. વળી એ જમાનામાં આજના જેવી ફોટોગ્રાફી કે વીડીયોગ્રાફી જેવાં ઉપકરણો ન હતા અને માતપિતામાં પણ એવી કોઈ ઘેલછા ન હતી. હા, પેંડા બરફી વહેંચાતા ખરા.

સ્મૃતિમાંથી  સરે છે માત્ર વડિલોના કહેવાયેલા શબ્દો. તે પણ સમજણી ઉંમરે. મા ખૂબ જ ઓછાબોલી હતી. એણે એકવાર કહેલું કે “તારો જન્મ ગામડામાં ઘરમાં જ, દાયણોના હાથે થયેલો. એ જમાનામાં છોકરો આવે તો વધારે આનંદ થાય અને તારો નં ત્રીજો. તારી આગળ એક છોકરી તો હતી જ. તોય તને જોઈ મને બહુ હેત ઉભરાતું.” બસ, આટલું જ. અને દાદીમાએ કહેલુઃ “દિકરો આવ્યો છે તેમ ગામડેથી કોઈએ કહેવડાવેલું એટલે પેંડા વહેંચ્યા. પછી ખબર પડી કે તું તો  મૂઈ માતા છે!! ને પછી હસતા.

આટલી જન્મ વિશેની સાંભળેલી વાત સિવાય ચાર વર્ષ સુધીની કોઈ જ યાદો ખુલતી નથી. સૌથી પહેલી જે ખુલે છે તે મા સાથે ગામડે મોસાળ જતી તે. સાવ પોતીકું, જનમોજનમથી પોતીકું હોય એવું એ લીંપણવાળું, ઈંટ કલરના નળિયાના છાપરાંવાળું, કાથીના ખાટલા ઢાળેલું, આગળ ઓસરી, અંદર એક જ ઓરડો અને પાછળ નાનકડા વાડાવાળું ઘર. એ જગા, જ્યાં પરમ શક્તિએ આ જીવને ધરતી પર હળવો ધક્કો મારી મોકલ્યો હશે. આહ..એ  જગા, ઘર અને ગામ વિશે આગળ ઉપર વાત.

આજે તો માત્ર આ યાદો કેવી હોય છે? એ વિશે થોડું ચિંતન અને મનન. આપણે કહીએ છીએ કે સમય બળવાન છે એ વાત તો સાચી.પણ આ સ્મૃતિઓ સમયથી પરે છે. એને વર્તમાનકાળ સાથે કશી જ નિસ્બત નથી અને ભવિષ્યની તો પરવા જ ક્યાં છે? છતાં ખૂબી તો એ છે કે, સ્મૃતિઓ ભૂતકાળને લઈને વર્તમાનમાં જીવે છે. એ મનમોજી છે. એને જ્યારે આવવું હોય ત્યારે જ અચાનક આવી જાય છે. ઘણીવાર કારણો મળે તો પણ સંતાઈ જાય છે. કદાચ સમૃધ્ધિમાં! અને ક્યારેક વગર કારણે આવી જાય છે અને ખસવાનું નામ પણ નથી લેતી. ક્યારેક હસાવે છે, ક્યારેક રડાવે છે. મોટે ભાગે બુધ્ધિને નેવે મૂકી દે છે અને દિલને વળગી જાય છે. એનું સ્વરૂપ કેવું છે? નથી ખબર. એનો આકાર કેવો છે? નથી ખબર. એના નખરા ખબર છે. ક્યારેક મઝા કરાવે છે તો ક્યારેક હેરાન હેરાન કરી મૂકે છે. એ મનમાં જ રહે છે, મનમાં જ ઊભી થાય છે અને મનમાંથી જતી પણ રહે છે. ઉપમા કોની અપાય? નિરાકાર તો ઈશ્વર છે એને ઈશ્વર તો ન કહેવાય. કારણ કે,ઈશ્વર તો સર્જક છે! યાદો ક્યાં સર્જક…..અરે..કેમ ભૂલાય? હા, યાદો સર્જક ખરી જ. માનવીને જ્યારે સંવેદના કે અનુભૂતિ થાય છે ત્યારે બરાબર એ  જ ક્ષણે એ કંઈ કહેતો કે લખતો નથી. પણ મોટેભાગે બધું થઈ ગયા પછી ધીરે ધીરે એની યાદોમાંથી જ તો લેખક કે કવિઓ સર્જન કરે છે ને? એટલે શબ્દાકારે થતાં સર્જનો એ સંવેદનાની યાદોમાંથી જન્મે છે એમ કહી શકાશે? અદ્ભૂત ! અદ્ભૂત! આજે આ જે કંઈ લખ્યું તે એની જ તો લીલા છે ને!

 આ વિશે સુરેશ જોશીના એક નિબંધ સંગ્રહ “જનાન્તિકે”માં ખૂબ જ સુંદર લખ્યું છે કે,

સ્મરણ એ કેવળ સંચય નથી. સ્મરણના દ્રાવણમાં રાસાયણિક પ્રક્રિયા પામીને આપણું તથ્ય નવાં નવાં વિસ્મયકર રૂપો ધારણ કરતું જાય છે..તથ્યનો એ વિકાસ જ સ્મરણમાં જ થાય છે; ત્યાં જ એનાં શાખા, પલ્લવ અને ફળફૂલ પ્રકટ છે. આથી જ આપણે મરણનો છેદ સ્મરણથી ઉડાડી શકીએ છીએ.”

આજની પેઢીને માટેનું ચિત્ર કદાચ જુદું હશે. કારણ કે, વિકસતી જતી ટેક્નોલોજીને કારણે ‘ડોક્યુમેન્ટસ’ ની જેમ યાદો પણ એને હાથ વગી જ હશે! હાથમાંની “એપલ વોચ”પર, યુટ્યુબ પર, આઈપેડ/ટેબ્લેટ પર,આઇફોન/સ્માર્ટ ફોન પર… એને સંવેદનાશૂન્ય કહીશું? યાદદાસ્તનું સ્મશાન કે આશીર્વાદ કહીશુ? મનનો અભિગમ પરિવર્તનને આવકારે છે આશીર્વાદરૂપે. જરૂર છે માત્ર યથોચિત ઉપયોગ. મોજશોખ કે ઈચ્છાઓ અનિવાર્ય જરૂરિયાત ન બની જાય તેવી તકેદારી.

अति सर्वत्र वर्जयेत्।

Advertisements

12 thoughts on “સ્મરણની શેરીમાંથી…(૧)

 1. અદભુત. Enjoyed reading every word and traveling in past of memories. સુખદ સ્મૃતિઓના સંસ્મરણોની ગલીઓમાં અને શૈશવની શેરીમાં તમે સફર કરાવી we બાદલ ખુબ આભાર. તમારા લખાણ અને વિચારોને વખાણવા શબ્દો ઓછા પડે છે.

  Liked by 1 person

 2. આજના મંગળ દિવસે જ સ્મરણોની શેરીમાંથી વિસ્તરવાનો આનંદ કેવો અનોખો હશે એની કલ્પના કરું છું અને તેજની ધારે સાંકડી શેરીને મહેલમાં પરિવર્તિત થતી , નિખરતી અનુભવી શકું છું .

  ખુબ કહી દેવિકાબેન …..👌👌

  હવે આગળ સ્મૃતિમંજૂષામાંથી કેવા વિસ્મ્યો ખુલશે એની જ તો રાહ ……..

  Liked by 1 person

 3. વાહ… દેવિકાબેન
  સ્મરણની શેરી બહુ રસપ્રદ રહી…!
  ખાસ તો, આ બહુ ગમ્યું…
  સ્મૃતિનું આ એક વિસ્મય છે, એક રહસ્ય છે કે એના દાબડામાં અમુક ઉંમર સુધીનું કોઈને કશું જ યાદ નથી હોતું.
  -અભિનંદન અને વંદન.
  { પોસ્ટની તારીખ સૂચવતા બોક્ષમાં, ફેબ્રુવારી@આરી સુધારી
  લેશો…પ્લીઝ !}

  Liked by 1 person

 4. દેવિકાબેન,
  પહેલા સખી સાથે પત્રવ્યવહાર અને પૂર્વ અને પક્ષ્મિન વિચારોને ખુદના અનુભવો ભાથું, પછી પત્રાવળીમાં અન્ય લેખકો અને વાચકો દ્વારા શબ્દ સાહિત્યનુ ઉત્તમ ભોજન અને હવે સ્મરણોની શેરીમાં વિહરવાનુ…..
  યાદોના ખજાનામાં ડુબકી મારી મરજીવાની જેમ અમૂલ્ય ક્ષણ શોધવાનો આપનો પ્રવાસ અવિસ્મરણિય બની રહે અને અમે આમાં સહપ્રવાસી રહી એનો આનંદ માણીએ એ ઘડીની પ્રતિક્ષા.

  Liked by 1 person

 5. શૈલાબેનેતો મારા શબ્દો ખુચવી લીધા! હું શું લખું? હું શું વિચારું કે ભાવીમાં દેવિકાબેનના મગજમાંથી શું બહાર આવશે ને આંટાઘુંટી ભર્યા શબ્દો ને વાક્યો પચાવવા માટે અનેક્વાર એ વાંચવા પડશે! આ એન્જીનીઅરને હવે આ પચાવવું ભારે પડે છે. પણ, લેખક મગજ માનતું નથી મારી જાત સાથે! તાલી પાડવા વિચારું છું, પણ મારા સિવાય કોણ સાંભળે! સરસ,સરસ ને સરસ!!

  Liked by 1 person

 6. યસ દેવિકાબેન તમે ખરેખર અદભુત લખો છો. સ્મરણ ની દુનિયા તો ક્યારે શરુ અને ક્યારે દુનિયાના રોજિંદા વાતાવરણ માં ક્યાં પુરી થઇ જાય છે તે જ ખબર પડતી નથી. ક્યારેક સ્મરણ ની દુનિયા માં ઘણો સમય રહેનાર ને લાફો મારી જગાડવો પડે છે, કે અલ્યા જાગ શું આમ બેઠો બેઠો વિચારે છે, પણ એ બધું જવા દો. નવા જમાના માં રહેનાર કે જેને તેમાં જ રહેવું છે તેને આ બધું ફરી ફરી ને પાછળ ની દુનિયામાં જ ધકેલે છે, પણ ક્યારેક તો એની આખો પર પાટા બંધાશે અને પુરાણી દુનિયા ની યાદ તેને પણ આવ્યા વગર રહેવાની નથી. આપ અમારી આજુબાજુ રહો છો અને અમને તમને મળવાનું અહોભાગ્ય મળે છે તે જ અમારે હ્યુસ્ટેનિયાઓ માટે મોટી વાત છે. ગુડ વર્ક. કેરી ઓન…

  Liked by 1 person

 7. સ્મરણ ગલીની સાંકળી શેરીમાંથી નીકળીને સ્મૃતિની વણજાર ચાલી નીકળી કેટલા માર્ગ વટાવ્યા, કેટલી ખટી મીઠી યાદો, તો અનુભવો ને અનુભુતી, આનંદમાં જીવેલી ખાસ ક્ષણો. દેવિકાબેન જીવનના દરેક પાસા આવરી લીધા. ખરેખર તો વારંવાર વાંચવાનું મન થાય એવી આ સ્મરણની ગલી છે જ્યાથી દરેક માણસેપસાર થવું પડે છે

  Liked by 1 person

 8. સ્મરણની શેરી-ખરેખર વારંવાર વાંચવાનું મન થાય એવી છે. દેવિકાબેન બસ આવી જ રીતે સાહિત્યનો રસથાળ પીરસતા રહેજો. તમે અંગત વાતો પણ કેટલી સરળતાથી સુંદરરીતે લેખમાં વહેવડાવી!
  ખુબ આભાર!

  Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s