રવિવારની સવાર…
શબ્દ-સહયાત્રીઓને “મઝામાં છોને?” પૂછતાં –
આ પત્રાવળીની પંગતમાં અઠવાડિયાં કેવાં સરસ નીકળી ગયાં, નહીં? જાણે સમય સ્વપ્નની જેમ સરી ગયો. મનમાં થયા કરે છે કે આ સ્વપ્ન ખરેખર શું હોય છે? પકડી ને જકડીને રાખી શકાય ખરું એને?
ઈન્ડિયાના ૪૮૦ જેટલા ફોટાના, “અવર ઈન્ડિયા” નામના મારા ગ્રંથમાંની પ્રસ્તાવનાનું પહેલું વાક્ય મેં આમ લખેલું, કે “ના, મને ઈન્ડિયાનાં સ્વપ્ન નથી આવતાં.” પણ તે કેમ, એનું કારણ ફલિત થાય છે બીજા વાક્યમાંથી – “કારણકે ઈન્ડિયા મને ઉજાગરા કરાવતું રહે છે.” દેશના વિચારો અને દેશની યાદો મારી ઊંઘ ઊડાડી મૂકે છે, એવું ખૂબ રોમાન્ટીક મારું કલ્પન છે.
ઊંઘમાં આવે તે સ્વપ્નો તો ખરાં જ, પણ એની ચર્ચા તો અભ્યાસીઓ જ ભલે કરતા, કારણકે સુષુપ્તાવસ્થાનાં સ્વપ્ન વાસ્તવિક તો હોઈ જ શકે છે, છતાં એ કોઈ ગૂઢ ને ઊંડી જગ્યામાંથી આવી ચઢે ત્યારે ડરામણાં પણ બનતાં હોય છે. આપણે આ શબ્દને કેવળ કવિત્વમય જ રાખી શકીએ તો?
અરે, એવું ક્યારેય બની શકે ખરું, જ્યારે કોઈ સુંદર, તેમજ કવિત્વમય શબ્દનો અર્થ બિલકુલ સાદોસીધો જ થતો હોય? ના, આવા રોમાંચક લાગતા શબ્દ પણ, સપાટીની નીચે, રહસ્યગંભીર અને જટિલ જ હોય છે – જેમ રવીન્દ્રનાથના આ ગીતની પંક્તિઓમાં જણાય છે.
“ સ્વપ્નની પેલે પારથી સાદ સાંભળ્યો છે.
જાગીને તેથી જ વિચારું છું,
કોઈ કયારેય શું શોધી શકે છે સ્વપ્ન-લોકની ચાવી?
વિશ્વમાંથી ખોવાઈ ગઈ છે સ્વપ્ન-લોકની ચાવી. ”
રવીન્દ્રનાથના શબ્દો જેવા રોમાંચક હોય છે, તેવા જ જાણે કૈંક રહસ્યમય પણ હોય છે. એમના સાદા શબ્દોમાં પણ બહુધા અર્થ-ગાંભીર્ય જણાતું હોય છે.
વળી, ઘણાંને એમ પણ લાગે કે જાગૃતાવસ્થામાં સ્વપ્ન જોવાં સહેલાં છે, પણ ખરેખર શું એવું હોય છે? સ્વપ્ન એટલે કાંઈ ફક્ત તીવ્ર ઈચ્છા નથી, ને કેવળ અદમ્ય મહત્ત્વાકાંક્ષા પણ નથી. જિંદગીભર – એટલેકે ઘણા લાંબા સમય માટે – સંકોરી રખાતાં સ્વપ્ન સુષુપ્તાવસ્થા કે જાગૃતાવસ્થાની પણ પેલે પારથી ક્યાંકથી આવતાં હોય છે. એક બહુ ચતુર અંગ્રેજી ઉક્તિ છે, કે If wishes (or dreams) were horses, beggars would ride. હા, જો એટલું સહેલું હોત, અને હાથવગું, તો જેની પાસે કાંઈ નથી તેવા લોકો પણ ઇચ્છા કરી શકત, ને સ્વપ્ન સેવી શકત. બેઠાં બેઠાં દિવાસ્વપ્ન જોવાની મઝા તો બહુ છે, પણ સાચવીએ નહીં, ને બસ, શેખચલ્લી બની જઈએ તો હાથમાં કશુંયે ના આવે, ને સમય તો ક્યાંયે છટકી ગયો હોય.
સ્વપ્નને સિદ્ધ કરવા માટે શું ભાગ્ય પણ જરૂરી હશે? મને તો લાગે છે કે જરૂરી છે. ઉદાહરણ તરીકે, લાંબી વિગતોમાં ગયા વગર યાદ કરીએ તો – ૨૦૦૦માં શ્રી આલ્બર્ટ ગોર જે રીતે અમેરિકાના મુખ્ય પ્રમુખની હરિફાઈમાં હાર્યા, તે ભાગ્ય દ્વારા થયેલો અકસ્માત જ નહતો?; અને છેક હમણાં, ૨૦૧૬માં શ્રીમતી હિલરી ક્લિન્ટન એ પદવી ના પામી શક્યાં તે?
મન મક્કમ હોય, ને સ્વપ્નને સાકાર કરવા માટે બધા પ્રયત્ન કરવાની તૈયારી હોય, તો કેટલાયે જાણીતા, તેમજ લાયક લોકો પોતાનાં સ્વપ્ન, ઇચ્છા, કે આદર્શ પરિપૂર્ણ કરી શક્યાના અસંખ્ય ઉદાહરણ મળી આવે છે, પણ એ દરેકની પાછળ એથીયે વધારે કૈં કેટલાં જણ અભાગી હશે જે નિરાશ થતાં રહ્યાં હશે?
હકીકતમાં, હંમેશાં, મને દુનિયાના અન્ય દેશોમાંથી, સુખ અને સંપત્તિની આશાથી આ દેશમાં આવી ચઢનારાંનો વિચાર આવ્યા કરતો હોય છે. સાધારણ નિરાંતની જિંદગી માટે પણ ફાંફાં મારતાં રહેતાં હોય એવાં જણ સાથે ન્યૂયૉર્ક જેવા શહેરમાં તો દરરોજ અકસ્માત્ મળવાનું થઈ જાય. રસ્તા પર ફળ વેચતા, કે હાટડીમાં છાપાં વેચતા, રાત-દહાડો ટૅક્સી ચલાવતા, કે ભૂગર્ભ રેલમાં થાક્યા-પાક્યા જણાતા લોકો સાથે જરાક કાંઈ વાત કરવા જઈએ, કે સ્વપ્ન-ભંગની ને હૃદય-ભંગની એમની કથનીઓ શબ્દરૂપ પામી બેસે.
સ્વપ્નને જકડી લઈ શકાય કે નહીં, તેની તો મને ખબર નથી, પણ સપાટીની નીચે જે વિરૂપ વાસ્તવિકતા રહેલી હોય છે, તેણે તો મારું ધ્યાન જકડી જ લીધું. મિત્રો, આ દૃષ્ટિકોણ સ્વીકારી તો લેશો ને?
—પ્રીતિ સેનગુપ્તા
preetynyc@gmail.com
‘…દેશની યાદો મારી ઊંઘ ઊડાડી મૂકે છે, એવું ખૂબ રોમાન્ટીક મારું કલ્પન છે.’ વાહ અણધાર્યું કલ્પન ! સાથે સત્ય ભાસે ‘જીવનનો અંત ત્યારે છે જ્યારે તમે સ્વપ્ન જોવાનું બંધ કરી દો છો, આશાનું કિરણ ત્યારે ધુંધળુ થઇ જાય છે જ્યારે તમે વિશ્વાસ કરવાનું બંધ કરી દો છો.’
રવીન્દ્રનાથ સ્વપ્નની વાતે યાદ
રૂપ-નારાનેર કૂલે
જેગે ઉઠિલામ ;
જાનિલામ એ જગત
સ્વપ્ન નય.
રક્તેર અક્ષરે દેખિલામ
આપનાર રૂપ;
ચિનિલામ આપનારે
આઘાતે આઘાતે
વેદનાય વેદનાય;
સત્ય યે કઠિન,
કઠિનેરે ભાલોબાસિલામ-
સે કખનો કરે ન વંચના.
આમૃત્યુર દુઃખેર તપસ્યા એ જીવન-
સત્યેર દારુણ મૂલ્ય લાભ કરિબારે,
મૃત્યુતે સકલ દેના શોધ ક’રે દિતે. ‘ સત્ય ‘ એક એવો વિષય છે જે અનાદિકાળથી વિચારના કેન્દ્રસ્થાને રહ્યો છે. જીવન એ એક નિતાંત સત્યની ખોજ સિવાય કંઈ નથી…..
‘૨૦૧૬માં શ્રીમતી હિલરી ક્લિન્ટન એ પદવી ના પામી શક્યાં તે? ‘ વિચારે સ્વપ્ન આવ્યું-‘અમેરિકામાં ૨૦૨૦ની પ્રેસિડન્ટ અને વા,પ્રે. પદે ચૂંટણીમાં સુ શ્રી તુલસી ગબ્બાર્ડ અને સુ શ્રી કમલા હેરીસ ચુંટાયા,’ જાગીને જોઉં …સુ શ્રી પ્રીતિના શબ્દ પાલવ -‘…આદર્શ પરિપૂર્ણ કરી શક્યા.’ વાતે આશ્વાસન મળ્યું.
તો ‘ વિરૂપ વાસ્તવિકતા …’દેખાયું આદર્શની છલનામયી ભાવનાનું ‘સુવર્ણ’ ઢાંકણ ઊઘાડીને તેની પાછળ જે વિરૂપ સત્ય ની કૃતિ તેનાં વિષય, વસ્તુ, શૈલી, છંદ, પ્રતીકો અને પદ્યમાં રહેલી ઉદ્દબોધકતાની પ્રચંડ શક્તિનાં દર્શનનો પ્રભાવ !
… ત્યાં સંભળાયો મારા પૌત્રનો અવાજ -‘આજી,ઊઠો ! મારો બ્રેક ફાસ્ટ અને ટીફીન…’
અને પૅટથી હ્રુદયની વાટે સંચરી.
LikeLiked by 3 people
વાહ પ્રજ્ઞાબેન બહુજ સરસ
“ જીવનનો અંત ત્યારે છે જ્યારે તમે સ્વપ્ન જોવાનું બંધ કરી દો છો “
LikeLiked by 3 people
પ્રીતિબેન,
તમે કેટલી સુંદર વાત કરી છે “ સ્વપ્નને સિદ્ધ કરવા માટે શું ભાગ્ય પણ જરૂરી હશે ? “
તમારા વિચારો પ્રમાણે હા જરુર છે. તદન સાચી વાત છે જે સ્વપ્ન જોયા હોય તેને સિદ્ધ કરવા હોય પરંતુ તેને માટે નસીબનો સાથ પણ જોઈએ, નસીબ હોવું જરુરી છે.
સીધી વાત છે આપણે રાજા બનવાના સપના જોઈએ પરંતુ તેને માટે એવા ભાગ્ય પણ હોવા જોઈએ ને.આપણુ મન તો એવું ચંચલ છે એને તો જાત જતના મોટા મોટા સ્વપ્ન જોવાની આદત પડી ગઈ હોય છે.
સુખ-દુખ, વિજય-પરાજય, માન-પ્રતિષ્ઠા , સિદ્ધિ વગેરે ભાગ્યથી જ પ્રાપ્ત થાય છે.
શીરડી સાંઈબાબાનું એક ભજન મનહર ઉધાસે ગાયું છે તેના બોલ છે
“पहेले बनती है तक़दीरें फ़ीर बनते है शरीर.
તો વળી શીવયોગી શીવાનંદબાબાજી શીવયોગ સમજાવતા વારંવાર કહે છે
“ you are the creator of your own destiny “
શ્રી કૃષ્ણનો ગીતા ઉપદેશનો કર્મયોગ પણ આ જ વાત સમજાવે છે.
માટેજ ભાગ્યમાં જે લખ્યું હોય તે તેનો સમય આવે ત્યારે અને જે લખ્યું હોય એટલું જ,ના વધારે કે ના ઓછું મળે છે.
LikeLiked by 2 people
પ્રીતિબેન સ્વપ્ન અને ભાગ્યને સંબંધ તો છે જ! જાગૃત આંખે જોવાતા સપના પણ મહેનતના અભાવે શેખચલ્લીના વિચાર બની જાય એમાં કોઈ નવાઈ નથી.
ડુંગરા દુર થી રળિયામણા એ વાત લોકો આ દેશમાં આવ્યા પછી સમજે છે અને નાના નાના સપના સજીવન કરવા દિન રાત મથે છે એ સાવ સાચું છે, પણ ભાગ્ય પ્રબળ હોય તો ફકીરથી અમીર બનતા વાર નથી લાગતી.
LikeLiked by 2 people
દરેક સિદ્ધિની પાછળ કોઈને કોઈ સ્વપ્ન પડેલું હોય છે. સ્વપ્ન નથી તો સિદ્ધિ નથી. પરંતુ કમનશીબે જ્યારે સ્વપ્નથી સિદ્ધિનું અંતર થોડુંક જ છેટું રહી જાય છે અને સિદ્ધિ હાથ તાળી આપી જતી રહે છે ત્યારે ઘણી નિરાશા સાંપડે છે.દા.ત. અમેરીકાની ૨૦૦૦ની પ્રમુખની ચુંટણીમાં અલ ગોર અને ૨૦૧૬ ની ચુંટણીમાં શ્રીમતી હિલરી ક્લિન્ટન!
દરેક વ્યક્તિ સ્વપ્ન સિદ્ધિ ઝંખતી હોય છે અને એ માટે પ્રયત્નશીલ બનતી હોય છે. દરેક ડાયાસ્પોરા માટે અમેરિકા આવવાનું એનું સ્વપ્ન એને હજારો માઈલ દુરની અજાણી ધરતી પર ખેંચી લાવે છે.
એક ડાયાસ્પોરાના મનની મૂંઝવણ મારી નીચેની અછાંદસ રચનામાં વ્યક્ત કરવાનો મેં પ્રયાસ કર્યો છે.
જન્મ્યા,મોટા થયા ,ભણ્યા , ગણ્યા વતનના દેશમાં ,
કદી કલ્પના પણ ન હતી એવા સંજોગો ઉભા થયા ,
આવી ગયા નવાં સ્વપ્નો સાથે અજાણ્યા દેશમાં !
નવો દેશ , નવા લોકો, નવી રીતો, બધું નવું નવું ,
અંજાઈ ગયા, ખુશી થયા , આ જીવન પલટો થતાં .
પછી મચી પડ્યા, દિન રાત, ગધ્ધા મજુરી કરવા ,
ડોલરો કમાવાની ઉંદર દોડમાં જોતરાઈ ગયા.
સરસ ઘર, મોટર ,બીજી સુખ સગવડો ઉધારે લીધી ,
લોન પૂરી કરવા,ત્રીસ વર્ષનો રહેવાસ નક્કી થયો !
પછી તો ચાલુ થઇ ગયું એકધારું દૈનિક ચક્ર .
આવતાં વિચાર્યું હતું ભણી, થોડું કમાઈ, પછી,
પરત આવી જઈશું મૂળ વ્હાલા દેશના વતનમાં.
પરંતુ મોહમયી ધરતીની માયા ગળે પડી ગઈ ,
દિન પ્રતિ દિન વતનનો દેશ ભુલાતો ગયો અને
પેઢીઓ માટેનો ઊંડો પાયો વિદેશમાં નંખાઈ ગયો !
બધી વાતે અહીં ઝગમગાટ જિંદગી જીવાય છે ,
છતાં, સાલું કૈક ખૂટતું હોય એમ કેમ લાગે છે ?
કંઈ જ ખબર નથી પડતી,મન પ્રશ્નો પૂછ્યા કરે છે,
સોનાના પિંજરમાં પુરાયા હોય એમ કેમ લાગે છે ?
પગે બેડીઓ બંધાઈ ગઈ છે એમ કેમ લાગે છે ?
માતૃભુમી મનમાંથી હજુ પુરેપુરી ભુલાઈ નથી અને
કર્મ ભૂમિ હજુ પુરેપુરી પોતાની બની શકી નથી ત્યારે,.
જીવનાન્તે પોઢી જઈશું એક દિન જ્યાં છીએ એ દેશમાં.
ચગડોળે ચડેલું મન ઊંડેથી પ્રશ્ન પૂછતું જ રહે છે ….
અહીં બધી જ ભૌતિક સુખ સાયબી હોવા છતાં ,
હજુ કંઇક ખૂટતું હોય એમ કેમ લાગ્યા કરે છે ?
LikeLiked by 3 people
હેમાબેન, શૈલાબેન , તમારા બન્નેની વાત સાથે સ્વપ્ના સાકાર કરવા પ્રાર્બધ્ધની જરૂર પરંતુ પુરુષાર્થની પણ જરૂર છે, બાકી દિવસના સ્વપ્ના પુરુષાર્થ વગર શેખચલ્લીના વિચાર જેવા જ, સ્વપ્ન આવે તે સિધ્ધ કરવાનું ધ્યેય નક્કી હશે અને પ્રયત્નો કરતા રહેશો તો જરૂર સાકાર થશે જ. ધ્યેય પર લખેલ મારું કાવ્ય
પહોંચીશ નિશ્ચિત ધ્યેયે જરૂર
અનેક હરકતો આવશે જાણું
ડગીશ નહી પાછી નહી ફરું
પહોંચીશ નિશ્ચિત ધ્યેયે જરૂર
ઇર્ષાળુની આગથી નહી બળું
એ પ્રકાશે રસ્તો કરતી ધપું
પહોંચીશ નિશ્ચિત ધ્યેયે જરૂર
ઉન્નત શિખર જોઈ કોઈના
નહી છોડું ડુંગર મારા નાના
પહોંચીશ નિશ્ચિત ધ્યેયે જરૂર
ઉગતા સૂર્યને પૂજે છે બધા
વિવિધ રંગો છે સમી સાંજના
પ્રસરાવતી જઈશ માર્ગમાં
પહોંચીશ નિશ્ચિત ધ્યેયે જરૂર
હું અહીં મોટી ઉંમરે આવી ધ્યેય પ્રમાણે મહેનત કરી બધી પરિક્ષાઓ પાસ કરી ડો હતી ડો રહી …ઍટલે પુરુષાર્થ અનિવાર્ય છે જ . હેલરી ક્લિન્ટન પણ કદાચ ૨૦૨૦માં પ્રયત્નો ચાલુ રાખી આવે પણ ખરી …પ્રીતિબેન તમને શું લાગે છે?
LikeLiked by 3 people
પ્રીતિબહેને કહેલી વાતમાં શબ્દ અને સ્વપ્ન બન્નેની વાત છે. આ બન્ને – શબ્દ અને સ્વપ્ન – હંમેશાં રહસ્યભર્યાં રહ્યાં છે.
સ્વપ્નની દુનિયા અ–લૌકિક કહી શકાય તેવી હોય છે તેની ના નહીં પણ શબ્દોય કાંઈ ઓછી માયા નથી ! એનું રહસ્ય તો અગાધ ઊંડાણભર્યું હોય છે. મારા એક શેરમાં સુઝી આવેલું કે :
“શબ્દ છે, એને ન ઓછો આંકવો,
બુંદમાં દરિયો ઊછળતો હોય છે !”
સિદ્ધ સર્જક જે શબ્દ આપે છે તે પછી શબ્દ નથી રહેતો, મંત્ર બની જાય છે. અને મંત્રસિદ્ધિ જીવનસિદ્ધિ સુધી લઈ જાય છે.
સ્વપ્નો પણ શબ્દના અર્થની જેમ બાહ્યાભ્યંતર હોય છે ! શબ્દનો સ્થૂળ અર્થ (અભિધા) એની અનેક અર્થચ્છાયાઓ વડે વ્યંજિત થતો રહે છે. તો સ્વપ્ન બાહ્યજીવનનો પડઘો પાડે છે…..એ જ રીતે ભીતરી સ્વપ્ન, ઊંઘમાં આવતું સ્વપ્ન બાહ્યજીવનનને માર્ગદર્શન આપે છે.
આ તો નારિકેલપાક છે ! શું શબ્દ કે શું સ્વપ્ન; એને ખોળતાં કે ખોલતાં વાર જરૂર લાગે પણ એક વાર એ એનું રહસ્ય ખોલે એટલે આપણી સમક્ષ અગાધ ઊંડાણ અને અફાટ, અલૌકિક રહસ્ય–સૌંદર્ય ખુલ્લું મૂકી દે છે.
આ અઠવાડિક પત્રવ્યવહારોએ એક વાતાવરણ ઊભું કરી દીધું છે. દરેક પત્રમાં કોઈ ને કોઈ શબ્દ એક નાનકડું જગત લઈને આવ્યો છે. આ શબ્દ ઉમાશંકરભાઈ કહે છે તેમ, “ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો….” અનુભવાય છે.
શબ્દનું પ્રાકટ્ય કે શબ્દની વાચના પણ શબ્દની સાધના બની રહે છે; બની રહેવી જોઈએ. આપણે ભાગે – પત્રો લખનારાં ને વાંચનારાંઓને ભાગે પણ આ જવાબદારી આવી છે; હા, આખું વરસ આપણે પીરસ્યુંય છે ને આરોગ્યું પણ છે – એનો બદલો, એનો ઓડકાર આપણે સૌ જરૂર આપીશું….
શું કહો છો, હે પત્રાવલિપ્રિયજનો ?!!
– જુ.
LikeLiked by 3 people