પત્રાવળી ૫૦-

રવિવારની સવાર…
સૌ પંગતમિત્રો !
પાંગત અને પંગત શબ્દો જાણીતા છે. પાંગત તો ખાટલામાં કાથી કે પાટી ભર્યા પછી પગ જે બાજુ રહેવાના છે ત્યાંનું ભરત જુદું પડે તે ખાટલાનો છેવાડાનો ભાગ….ને ખાટલાનું ‘વાણ’ ઢીલું પડે પછી એ ભરતની દોરી ખેંચે તેને ‘પાંગત તાણી’ એમ કહે છે. (ગમે તેવી પાટી હોય કે કાથી, પણ સમયસમયે એની પાંગત તાણવી પડતી હોય છે. આ જ વાત જીવનમાં પણ બનતી રહે છે. અવારનવાર રોજિંદાં કાર્યોની ઢીલ તપાસીને એને ખેંચવી પડતી હોય છે.)

પંગત શબ્દ જમવા માટે બેઠેલાંઓની હારને કહે છે. પંગતના બીજાય અર્થો છે. પણ આપણે બધાં તો પત્રાવળીએ બેઠાં છયેં તેથી આપણી પંગત તો પીરસવા ને જમવા સાથે જ જોડેલી રહે.

આ પત્રનું સંબોધન તો મારે “પ્રિય પિરસણિયાજીઓ !” એમ કરવું હતું પણ પછી થયું કે આપણે પીરસીનેય જમનારાં પણ છીએ જ. બલકે સામાન્ય રિવાજે તો પીરસનારાંનો વારો જમવામાં છેલ્લો હોય જ્યારે આપણે તો સૌ પહેલાં આપણા પત્રો એકબીજાંને જમાડીને પછી જ બહાર પીરસીએ છીએ – શબરીની જેમ – એટલે પછી ‘પંગતી મિત્રો’ કહીને સંતોષ રાખ્યો.

આપણી સાંભરણમાં સૌથી જૂનો ને જાણીતો પત્ર કયો ? મારી સાંભરણમાં તો રુકમણિએ કૃષ્ણને લખેલો તે જ કે બીજો કોઈ હશે ? મધ્યકાળમાં કોઈ રાજાને કોઈ બહેને પત્ર લખીને રક્ષા માગ્યાની વાત પણ વાંચી છે. એ જમાનામાં ટપાલી નહીં, કાસદ હતા. પણ કબૂતરોનેય ટપાલી બનાવીને કામ ચલાવી લીધાંની નોંધો મળે છે. કબૂતરો કને જાસૂસી કરાવ્યાની વાતોય મળે છે તો ‘ગુંજ ઊઠી શહેનાઈ’માં “ખત ક્યા, ખબર હૈ ખબર” કહીને પત્રો વાંચી લઈને લડાવ્યા કરનારો ટપાલી જોવા મળે છે.

એક સંસ્કૃત મહાકાવ્યમાં ઉલ્લેખ આવે છે તે મુજબ એક રાજા પોતાનો સંદેશો એક પ્રેમી યુવાન સાથે મોકલે છે જેમાં એ રાજાને લખે છે કે આ પત્ર લાવનારને ‘વિષ’ આપજો ! પત્ર લઈ જનાર રસ્તામાં એ પત્ર વાંચે છે…..પત્ર મેળવનાર રાજાની પુત્રીનું નામ વિષયા હોય છે, જેની સાથે આ સંદેશ લઈ જનારને પ્રેમ હોય છે ! પરિણામે તે યુવાન પત્રમાં સુધારો કરીને ‘વિષ’નુ ‘વિષયા’ કરી દે છે !! ને એમ મોતને બદલે પ્રેમિકા પામે છે !

પત્રોનું તો ભૈ એવું !

આપણા જાણીતા ને માનીતા લેખક ધૂમકેતુને તો મરિયમના પત્રની રાહ જોતા  પિતા અલીડોસા ની વાર્તા ‘પોસ્ટ ઓફિસે’ પ્રસિદ્ધ બનાવી દીધા.

આપણે સૌએ આ આટલા દિવસો–મહિનાઓમાં કેટકેટલા પ્રદેશો ખૂંદ્યા ?! એક પછી એક પત્રો મૂકતાં ગયાં ને અનેક વિષયોને વહેંચતાં રહ્યાં. આપણા પીરસેલાં ભાણાંમાં વાનગીનું વૈવિધ્ય તો વધતું જ રહ્યું પણ પંગતે બેસનારાંઓની સંખ્યાય વધતી ગઈ. ચાખનારાં–જમનારાંઓમાંનાં કેટલાકોએ તો વાનગીઓને વખાણીય ખરી. (ખીચડી દાઢે વળગ્યાંના સમાચાર આપણામાંથી કોઈને મળ્યા હોય તો કહેજો પાછા !)

 જાનેવારીની પહેલી તારીખે પહેલો પત્ર આપણે મૂક્યો હતો. વચ્ચે આપણી વચ્ચે વાત હતી કે પત્રાવળીના ભોજને મહાભોજ બનાવવા એમાં ૫૬ ભોગ ધરાવીને પૂરું કરીશું. એ ગણતરીએ આપણે, જાનેવારી આવું આવું હશે ને આપણો આ ભોજસમારંભ પૂરો થવામાં હશે. એટલે આજ સુધી તો આપણે સૌ એકબીજાં લખનારાંને સંબોધીને લખતાં હતાં તે આજે આપણા ભોજકોનેય સંબોધીએ કે આપ સૌ પણ આ સમેટાવા જઈ રહેલા ભોજનવ્યવહારના યજમાનોને જમ્યાંના ઓડકારરૂપે આશીર્વાદી ટિપ્પણીઓથી ખુશ કરજો !

પત્રો તો ઊડતાં, વહેતાં, ફરફરતાં, મર્મરતાં પર્ણો (પાન, પત્ર) છે ! કેવી મજાની અર્થચ્છાયાઓ આ પત્ર શબ્દને મળી છે ! આપણે એને આજ સુધી મોટે ભાગે ભોજનથાળરૂપે ગણાવી છે. ભોજન સૌને વહાલું હોય તે ખરું પણ સાહિત્યજગતમાં તો વૃક્ષ એનાં પર્ણો થકી સર્વજનસુખાય બની રહ્યું છે. “વૃક્ષને તો પત્રં, પુષ્પં, ફલં તોયમ્” સર્વ રીતે સમૃદ્ધિનું સાધન–માધ્યમ ગણીને એનો મહિમા કરાયો છે.

આપણા આ પત્રો એ કક્ષાને પ્રાપ્ત થાય તો કેવી ભાગ્યશાળી બની રહે આપણી આ પત્રશ્રેણી !!

આશા રાખીએ કે આ પત્રો કોઈ નવી દિશામાં નવી કેડી કંડારીને આપણા આ પ્રયત્નને વધાવે.

અમદાવાદથી સ્નેહસ્મરણ.

જુગલકિશોર.

Email: jjugalkishor@gmail.com

10 thoughts on “પત્રાવળી ૫૦-

  1. જુગલકિશોરભાઈ,
    પત્રાવળીમાં પીરસાયેલી જાત જાતની દરેક વિવિધ વાનગીઓ પસંદ આવી છે. રવિવારની સવારની રાહ હમેશાં જોવાતી કારણ પત્ર વાંચવાની તલપ લાગે છે.
    જે કામની દેવિકાબેને શરૂઆત કરી હોય ત્યાં ક્યારેય વખાણેલી ખીચડી દાઢે વળગીની વાત ના આવે.
    (ખીચડી પણ શીરાની જેમ ગળે ઉતરી ગઈ છે.)
    ઘરે મહેમાનને જમવા બોલાવ્યા હોય ત્યારે જમી રહ્યા પછીથી ધણાને ખાસ કરીને મરાઠી લોકોને બોલવાની આદત હોય છે“અન્નદાતા સુખી ભવ “ એમ બોલી આશીર્વાદ આપીને જાય છે.
    અહિયાં એમ જ કહેવાય , બધાજ લેખકો આમ લખતા રહો અને જ્ઞાન વહેંચતા રહો.

    Liked by 4 people

  2. અમારા જુ’ભાઇએ-‘પત્રોનું તો ભૈ એવું !’અને બાળપણમા સાંભેળેલી અનેક વાતોની યાદ આપી. પાંગત યાદ આપે
    ‘ફરી એક વાર નિદ્રા મારાં પોપચે બેસે એની
    પેલી ક્યાંક ચાલી ગયેલી ખાટલી
    એકાએક પાછી આવે છે
    હું એની પાંગત તાણવા બેસી જાઉં છું.’બાબુ સુથાર
    ‘એઇ વીહલા,
    બાવો ફૂંકે ને તાપે એવી ઇસ્થિતિમાં
    આપળે તો જેમ તેમ જીઇવા કરવાનું.
    આપળી હાથે બેહનારા
    આપળા ખાટલા પર બેહીને
    આપળી જ પાંગત કાપે
    તિયારે ‘ ડૉ. કિશોર મોદી
    અને ઝવેરચંદ મેઘાણીની એરંડીના તેલનો ઝાંખો દીવડો બાળતી બાળતી રજપૂતાણી પથારીની પાંગત ઉપર વાટ જોતી બેઠી.
    અમારા અમારા અનુભવ- દાદાને યાદ આવતું ત્રીજા ચોથા દિવસે ખાટલાના પાંગત તાણવા, બસ સ્ટેશને જુવાનિયા સાથે નવકાંકરી રમવાનું. આવું તો કેટલુંય બંધ થતું ચાલ્યું. પૌત્ર પૌત્રીઓ હવે ટીવીમાં મશગુલ થઈ ગયા હતા. એમને પણ હવે દાદાબાપામાં કોઈ રસ ન હતો.

    પંગતે યાદ
    ‘કરજો પ્રાર્થના એવી કે પંગત માં ના બેસવું પડે
    અને પંગત એવી મળે જેમાં તપસ્વી આવી પડે
    પોતાના હાથે ભોજન પીરસે
    અને ગરીબો નો આશીર્વાદ લે।
    જમાડવાની મજા અનેરી છે
    કોઈ ની દુઆ તમને ફળેલી છે
    તમારા હાથે આજે કોઈક જમી રહયું છે
    અંતર ની આશિષ ખરા મન થી આપી રહ્યું છે।
    કહેવતો
    સ્વાદીયા ને પંગત નડે સુરીલા ને બેસુરીલા ની સંગત નડે
    જમવું પહેલી પંગતમા અને મરવું જુવાનીમા !
    બેઠી પંગત પાટલે, ધરી અબેોટીઆાં અંગ ;
    બાંધે શેળ સમજીને, શિરવાળો બહુ સંગ.
    પહેરણ તૂટે પંગત તૂટે, મુખે મોળી વાત નહી ,
    જાત વેચીને જમાડે,બ્રાહ્મણ નબળી જાત નહી
    પેોળી કીધી ચોપડી, સાકર ધરીને સાર;
    પત્રાલી પૂરી સરસ, પડીઆ હારેહાર.
    પ્રેમની પંગતને, પીરસવાની રાહ છે..!! હેતના હલવાને, ચાખવાની ચાહ છે..!!
    પંગત પાડીને જાનૈયાઓને રૃઆબભેર જમાડવામાં આવતા. પછી ધીમે ધીમે એ પરંપરા લુપ્ત …અને પંગત ગામડા સુધી સિમિત રહી ગઈ! તે પણ હવે તો ટેબલ ખુરશી આવતા ‘ હવે માત્ર ગુજરાતી શબ્દકોશમાં જ રહી ગઈ હતી!
    ‘ભોજન સૌને વહાલું હોય…’ વાતે રઇશ
    ‘હવે ‘મનમાં છવાયો એ રીતે આલમ હતાશાનો,
    હું પેંડા ખાઉં છું તો સ્વાદ આવે છે પતાસાનો.
    અમે સાથે અમારી કમનસીબી લઈ મરી જાશું,
    કફનમાં ફાફડા સાથે જલેબી લઈ મરી જાશું.

    Liked by 7 people

      • વિનોબાજી જેવા સંત કહે-‘ દિલથી બીજાઓની કદર કરીએ ત્યારે, તેઓને હિંમત અને ઉત્તેજન આપીએ છીએ. આપણે દિલથી કરેલા વખાણ, તેઓને સારું કરવા પ્રોત્સાહન આપે છે. યાદ આવે ‘બેફામ-‘ મને ઓ કલ્પનાનાં ઉડ્ડયનની દાદ તો આપો, કે મેં પિંજર મહીં હોવા છતાં પાંખો પ્રસારી છે !
        તો બીજી તરફ આપણા લખાણમા ભૂલો બતાવે તો તે સુધારવા પ્રયત્ન કરવો.આમ પણ અમારી દીવાનગી જાણીતી વાતમા ઘણી વાર ગાડી પાટા પરથી ઉતરી જાય કે કોઇ ભૂલ હોય તો અમને ઉદાર દિલથી માફ કર્યા છે અમારા વડીલે આ અંગે ધ્યાન દોર્યું કે લખાણ સ્કર્ટ જેવું હોવું જોઇએ …એટલું લાંબુ પણ નહીં અને ટૂકુ પણ નહીં અને બને તો દોષ શોધવાની દ્રુષ્ટિ ન રાખવી.
        ‘પ’ વાતે- અમે પંચમ છેડીએ અને મધ્યમ વાગે અને ખરજ વાગે ગંધાર તો પણ જીવનવીણાના તાર ખેંચે રાખીએ છીએ ! ધન્યવાદ આપના પ્રેમ-લાગણી માટે

        Liked by 1 person

  3. આ ‘પ’નો પાળ જ નહિ આવે!….. ‘પત્રાવળીમાં ‘પ’…,પંગતમાં ‘પ”,… ‘પાંગત’માં ‘પ’…. ‘પીરસવા’ માં ‘પ”….. ‘પચ્ચાસ’માં ‘પ” અને છેલ્લે…. ‘પટેલ’નો ‘પ” આમ ‘પ’ની પંગત આજે પડી ગઈ!

    Liked by 5 people

  4. આટલા બધા પ યાદ કર્યા , પ્રજ્ઞા જુ નો પ કેમ ભૂલાઇ! જેમના પ્રતિભાવ પણ પત્રાવળી જેટલા જ જ્ઞાન દાયક હોય છે.
    જુ ભાઈ અમે પંગતમાં બેઠેલા (વાચકો) હજુ ધરાયા નથી, આપ નવી નવી વાનગી પીરસતા રહો ,અમે.માણતા રહીશું,

    Liked by 4 people

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s