પત્રાવળી ૪૮..

પત્રમિત્રો,
જોત જોતામાં તો વિક્રમ સંવત ૨૦૭૪નું વર્ષ પસાર થઈ ગયું અને આવતીકાલે આવશે દેવઉઠી એકાદશી. મનમાં જરા અમસ્તો જ વિચાર આવ્યો કે ખરેખર દેવ પોઢતા હશે ખરા કે આપણે એમને ઉઠાડવા પડે? મનમાંથી જવાબ મળ્યોના, દેવ તો સદાય જાગતા. જાગવાનું તો ખરેખર આપણે છે. કારણકે સડસડાટ વહે જતા સમયની રફતાર જોડે તાલ આપણે મેળવવાનો છે. એની વણથંભી કૂચ સાથે કદમ તો આપણે મેળવવાના છે. વર્ષ બદલાયું, સમય પણ બદલાયો અને સમયની સાથે સાથે ઘણું બધું બદલાતું ગયું

દેવિકાબેને કહ્યું એમ આ પત્રવળીની સફરે આપણે નિકળ્યા અને ઋતુઓ બદલાઈ ગઈ. સૂર્યની ગતિ પણ બદલાઈ ગઈ અને આપણી પત્રાવળીના વિષયો પણ આ બદલાતી મોસમની જેમ બદલાતા ગયા. શબ્દથી શરૂ કરીને સંવાદ અને સંવેદના, સ્પર્શ અને સ્મૃતિ સુધીની ભોમકા ખેડી અને હવે દેવિકાબેને એક એવા સાવ અજાણ્યા-અગોચર વિશ્વની સફર આદરી જે આજ સુધી લગભગ સૌથી અજાણી જ રહી છે.

ચંદ્ર કે મંગળ પર જતા અવકાશ યાત્રીઓ પાસે તો એ આખી ભ્રમણયાત્રાની બ્લૂ પ્રિન્ટ હાથવગી હશે પણ આ સપનાની દુનિયા તો ભઈ સાવ અજાણી નહી? આ સપના ક્યારે અને કેમ આવે છે એની તો ખબર નથી પણ એ આવીને આપણને ઊંઘમાં પણ કશુંક કહી જાય છે. યાદ રહે અથવા ન પણ મુઠ્ઠીમાંથી સરી જતી કોરી રેતીની જેમ એને ગમે એટલું પકડવા મથીએ તોય એ આપણા માનસપટ પરથી સરી પણ જાય.

કોઈ એમ કહે કે એમાં ય કોઈ સંકેત હોય છે. પણ આજ સુધી તો એને ઉકેલવા, એનો સાર પામવા કોઈ શાસ્ત્ર કે શાસ્ત્રીઓ પણ સો ટકા સફળ નથી થયા બરાબર ને? વળી બાકી હોય એમ  સ્વપ્નના સંદર્ભ ઉકેલવા તો આજ સુધી અનેક મનોવૈજ્ઞાનીઓ પણ મથ્યા. સ્વપ્નના સંકેત પર આજ સુધી અનેક ધારણા- વિચારણા, ચર્ચાઓ ય ચાલી. સિગ્મંડ ફ્રોઈડ જેવા મનોવિજ્ઞાનીએ “ ઈન્ટરપ્રિટેશન ઓફ ડ્રીમ્સનામનું પુસ્તક પણ લખ્યું. અલબત્ત એમની વિચારસરણી સાવ અલગ હતી એટલે એ અંગે આપણે ઊંડા ન ઉતરીએ પણ એક સત્ય કે તથ્ય એ છે કે આ ઊંઘમાં આવતા સ્વપ્નો જો આપણને  જાગતા કરી દે અર્થાત સચેત કરી દે તો કશુંક કરવાની નક્કર ભૂમિકા આપણને મળી ય રહે ખરી.

સપનાની વાત આવે અને દિવાસ્વપ્નની વાત ન કરીએ તો કેમ ચાલે? દિવસે આવતા અલપઝલપ ઝોકામાં ય ડોકાઈ જતું આ સપનું એટલે દિવાસ્વપ્ન. આ દિવાસ્વપ્ન પણ હોઈ શકે અને દિવસે જોયેલું સ્વપ્ન પણ હોઈ શકે કે જે આપણને રાતે પણ જાગતા કરી દે. ખુલ્લી આંખે જોયેલું સપનું એટલે આપણા મનમાં સતત ઘોળાયા કરતો, આપણામાં જીવતો એક મખમલી વિચાર જેને પરિપૂર્ણ કરવું જ છે એ જ આપણું ધ્યેય બની જાય.

જેમકે ન્યૂયોર્ક સિટીનો બ્રુકલીન બ્રિજ..

જ્હોન રોબલીંગ નામની એક વ્યક્તિએ ઉઘાડી આંખે જોયેલું સપનું જે સાર્થક કર્યુ એમના પુત્ર વોશિંગ્ટન રોબલીંગે અને તે પણ કેવી અસહાય અવસ્થામાં ! જ્હોન રોબલીંગના આકસ્મિક અવસાન બાદ વોશિંગ્ટન રોબલીંગ પણ અકસ્માતે કશું જ બોલી શકવાને સમર્થ નહોતા ત્યારે એમના પત્નિ એમિલી વોશિંગ્ટન અને એન્જિનીયરીંગ ટીમ વચ્ચેની કડી બન્યા. બંને વચ્ચેનો સંપર્ક અને સંચાર સાચવીને પતિએ હાથ પર આંગળીથી લખીને આપેલી સૂચના અને દોરવણી મુજબ કાર્ય પરિપૂર્ણ કરાવવાના માર્ગદર્શક બની રહયા. અને આજે આપણી સમક્ષ છે એમના સપનાની સફળતાની ઝળહતી ગાથા જેવો આખાય ન્યૂયોર્ક અને મેનહટનની જેમ જ રાત્રે ઝગમગતો બ્રુકલીન બ્રિજ. આ થઈ એક એવા સપનાની વાત જે સેવ્યું હતું કોઈ એક જણે પણ એ જગતભરમાં દીર્ઘકાલીન સંભારણું બની રહ્યું. આવા તો કેટલાય ખુલ્લી આંખે જોયેલા સપના છે જે બુલંદ ઈમારત બનીને આપણી નજર સામે ઊભા છે. પછી એવી જ રીતે પાબ્લો પિકાસોના કોઈપણ ચિત્રો હોય કે મોઝાર્ટની સિમ્ફની- એ પણ એમણે ખુલ્લી આંખે જોયેલા અને સાકાર થયેલા સપના જ તો વળી !

ક્યારેક વળી એક વાત વાંચવામાં આવી હતી. પિરાન્દેલોએ એક નાટકમાં લખ્યું હતું , “પથારીમાં મારી સૌથી નજીકની પ્રિયતમા મારી ઊંઘ છે. એણે જ સપના દેખાડીને મને જીવતો રાખ્યો છે.વાત તો સાવ સાચી. સપના તો જીવવાનું અને જીતવાનું બળ પણ છે અને ધ્યેય પણ. એ સાકાર થાય કે નહીં એ નક્કી નહીં પણ એને સાકાર કરાવતું સાહસ જ આપણામાં પ્રાણ ફુંકે છે એ વાત તો નક્કી.

અને હા ! ક્યારેક મનોવિજ્ઞાનીઓ કહે છે એવુંય બને કે ઘણા ભાગે સપના આપણા મનની ઊંડે ધરબાયેલી ઈચ્છાઓનો પડઘો પણ હોય. રાત્રે જોયેલું સપનું ભૂલાઈ જાય એમાંયે કુદરતની કમાલ જ સમજવી કારણકે જો એ આપણા મન પર અંકાયેલા રહે તો એ યાદ રહેતા તમામ સપનાના પડછાયા આપણા દિવસોને અને મનને ના ઘેરી વળે?

તો વળી કોઈ એવુંય કહેશે કે વહેલી સવારનું સપનું સાચું પડતું હોય છે. મને આવા વહેલી સવારના સાચા પડતા સપનામાંય એટલો જ રસ. ક્યારેક ઊંઘમાંથી ઉઠીએ અને મન પ્રફુલ્લિતતા અનુભવતું હોય તો એવું સપનું કોને ના ગમે? મને તો ગમે.

ક્યારેક ભૂલથી પણ આવું યાદ રહી ગયેલું મઝાનું સપનુ આપણા ચહેરા પર સ્મિત તો ક્યારેક આપણને ખડખડ હસતા પણ કરી દે છે ને? તો મિત્રો આ થઈ સપનાના સાગરમાંથી ઉલેચેલા બે-ચાર બુંદની વાતો.

સપના વિશે જાણવાની અને માણવાની વાતોય ક્યાં ખૂટી ખૂટે એમ છે? અને સપનાના સરનામા ય ક્યાં હોય છે? એને ક્યાં ઉગમણી કોર હોય છે કે આથમણી કોર? એની સીમા પણ અનંત છે.

મળીશું ફરી આવતા પત્રમાં.. 

Rajul Kaushik
 rajul54@yahoo.com
http://www.rajul54.wordpress.com

13 thoughts on “પત્રાવળી ૪૮..

  1. માનસશાસ્ત્રીઓ પાસે સ્વપ્નાં અંગે કેટલીય વાતો છે. ઉંઘમાં દેખાતી વસ્તુ, વાતાવરણ–પ્રસંગો કે પાત્રોનાં અર્થઘટનો એમણે આપ્યાં છે.

    આપણા સ્વપ્નશાસ્ત્રીઓ પણ ભડલીવાક્યોની જેમ આ બાબતે પણ ઘણું કહી ગયા છે. મને તો દીવસરાત એ બધાં સ્વપ્નાંઓની મહેમાનગતી કરવાનું થતું જ રહે છે. કેટલાંક કારણો ને તારણો મળ્યાં છે, ક્યારેક એનેય લખવાં છે. એ દુનીયા ગજબની છે.

    આમેય તે લેખકોનો તો ધંધો જ સ્વપ્ન જેવી માયાજાળ રચવાનો હોય છે ! કલ્પનાવીહારને એ લોકો સાહીત્યના નામે જબરું પ્રસારી દેતા હોય છે ! કાલીદાસે યક્ષને વાદળ દ્વારા ભારતનો નકશો બતાવ્યો હતો, તો શેક્સ્પીયરે તો વગર વીમાને ઉંચે ચડીને બ્રીટનને “ભુરા સમુદ્રની વીંટીમાં જડેલો હીરો” કહીને ઉપરથી બ્રીટન કેવું દેખાય તે કહી દીધું !! તો જુલેવર્નની વાર્તાઓએ વળી ચંદ્રયાન માટેની બ્લ્યૂ પ્રીન્ટ તૈયાર કરી આપી !!

    લેખકોને સ્વપ્ન આવે તેમ સ્વપ્નાંઓને લેખકો મળતા રહેતા હોય છે. બન્ને નવરાઓ… પણ દુનીયાને દોડતી કરી દે !!

    આપણે તો આ ટપાલરસ્તે આટલું હીંડ્યા. હવે પોરો ખાવા વારો આવશે પછી આ જ લખ–ખણ બીજું કોઈ પરાક્રમ કરાવી દે તો નવૈ નૈં ! અમે ઘરડાઓ આંગળી ચીંધી દઈને નવરા. આગે આગે ગોરખ જાગે.

    Liked by 5 people

  2. સ્વપ્નની દુનિયા પણ અદ્ભુત છે, આપણે ઉંઘમાં જોઈએ કે દીવાસ્વપ્ન હોય તે એક અલગ દુનિયામાં લઈ જાય છે. ઉંઘમાં જોયેલા તો મનને ગમતા ન ગમતા જાત જાતના વિચિત્ર હોય પરંતુ દીવા સ્વપ્ન તો જીવનના કોઈ ઉદેશ માટે જોયા હોય માટે મન તેને સુંદર રીતે સજાવે તેને કારણ સુંદર, પ્યારા લાગે. જીવન છે તો સ્વપ્ન છે તેને જોઈએ તોજ સાર્થક થાય.

    Liked by 3 people

  3. સ્વપ્ન…
    વિજ્ઞાને ખૂબ રીસર્ચ કરીને ઘણું ઘણું સમજવા માટે લખ્યુ છે. મનોવિજ્ઞાને સ્વપ્નો જોનારની માનસિક પરિસ્થિતિને સ્વપ્નોની સાથે જોડી છે.
    સ્વપ્ન જોનાર કોણ છે ? ગરીબ છે ? માલેતુજાર છે ? નાની દિકરી છે જેને પરિકથામાં રસ છે ? વિજ્ઞાનીક વિચારસરણી ઘરાવતો યુવાન છે ? ભીખ માંગતો ભીખારી છે ? ચોરી કરવામાં ઉસ્તાદ ચોર છે ? બ્રુક્લીન બ્રિજ બાંઘનાર ઇન્જીનીયર હોય..વિ…વિ…. જેને જેની ખેવના હોય અને તે તેની પાસે ના હોય ત્યારે તેને તે વસ્તુ મેળવવાના સ્વપ્નો આવે તેવી વાતો આપણે જાણી હોય છે. સાહિત્યની ભાષામાં આ બઘી વાતોને લખવી અે સ્વપ્નો સેવવા અે અેક કુદરતી પ્રક્રિયા છે. દરેક સ્વપ્નાર્થીને પોતાના બેકગ્રાઉન્ડને જોડતી વાતોના સ્વપ્નો આવતા હોય તેવું વિજ્ઞાન કહે છે. દુનિયાનું ભાવિ હજાર વરસો પછી કેવું હશે તેના સ્વપ્નો માટે શું કહીઅે ?નોસ્ટરડેમસને આવેલાં સ્વપ્નોને કેવી રીતે મૂલવવા ? તે દરેક વાચકનું બેકગ્રાઉન્ડ જવાબદાર હોય છે.
    સરસ આર્ટીકલ.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  4. ‘દેવઉઠી એકાદશી’ના સંદર્ભે- યાદ આ દિવસે તુલસીજીના વિવાહ શાલિગ્રામની સાથે કરવામાં આવે છે. તુલસી પૂજા કરાવાથી આરોગ્યવાન થવાય અને ઘરમાં સંપન્નતા આવે ..ત્યારે નવી પેઢી આને વહેમ માને છે.
    ‘… ત્યારે જાગવાનું તો ‘ખરેખર આપણે છે’… વાતે તુળસી અંગે સાવ સફાળા જાગ્યા ! હાલના સંશોધનોમાં જણાયું છે કે તુલસીના ખાસ તત્વોઓલિનોલીક એસિડ, અર્સોલીક એસિડ, રોસમેરીનીક એસિડ, યુજીનોલ, કાર્વાક્રોલ, લીનાલુલ, અને બીટા-કેરીઓફાયલીન.અને તેનામાં વિપુલ પ્રમાણમાં રહેલા યુજીનોલ ને કારણે આધુનિક ખૂબ આડાસરવાળી દર્દનાશક દવાઓની માફક આ આડ અસરવગરની COX-2 અવરોધક છે તુલસી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડીને ડાયાબિટીસના ઈલાજમાં મદદ કરે છેતુલસી વાપરવાથી કોલેસ્ટ્રોલના સ્તરમાં દેખીતો ઘટાડો થયો. તેનામાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ ગુણધર્મને કારણે લોહીમાં ગ્લુકોઝના સ્તરની જાળવણીમાં ફાયદો થાય છે.કીરણોત્સર્ગ થી થયેલા વિષ વિકારો અને મોતિયા ઉપર પણ તુલસી ફાયદાકારક સાબિત થઈ છે. ડૉ.પંકજ નરમ કહે છે કે પશ્ચિમના દેશોમાં તેણે ૨૦ વર્ષમાં ૨૦૦૦૦ બ્રેસ્ટ કેન્સરના કેસો આયુર્વેદથી સારા કર્યાં છે. ત્યાં ત્રિદોષહરની વધુ અસરકારક અસર તુલસી કરે છે. સાદો આહાર રાખીને આયુર્વેદની ટ્રીટમેન્ટ સાથે રોજ સવારે તુલસીનાં સાત પાન ચાવી જવાં. પછી રોજ સંખ્યા વધારીને ૧૦ પાંદડા ખાવાથી કેન્સર જલદી સારું થાય છે.
    ‘દેવિકાબેને એક એવા સાવ અજાણ્યા-અગોચર વિશ્વની સફર આદરી ..’.વાતે યાદ
    મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે…
    અગમ અગોચર અલખધણીની ખોજમાં રેવું રે
    ‘ધી ઈન્ટરપ્રિટેશન ઓફ ડ્રીમ્સ.’; ફ્રોઈડ તો અલબત્ત એમાં પણ માણસની કામવૃત્તિનો આવિષ્કાર જુએ છે, પણ સ્વપ્નનો સંકેત પામવાની કોશિશમાં બહુ ઊંડા ઊતરવા જેવું નથી. અહીં પણ વહેમ અને શંકાનું મોકળું મેદાન સામે આવવાની શક્યતા રહે છે. એક બાબતમાં મનોવિજ્ઞાનીઓ ઠીક અંશે સહમત છે કે ઘણુંખરું આપણાં સ્વપ્નો આપણા મનના ડાઘ દૂર કરવાના રબ્બર જેવું કામ કરે છે.ત્યારે દિવાસ્વપ્ન મૂળ વાસ્તવિક અનુભવ હોય તો તે મિથ્યા નથી જતા.
    મા જુ.ભાઇ અને સુ શ્રી હેમાબેનની વાતે સંમ્મત.’ સપનાની સીમા પણ અનંત છે…’
    અસ્તુ

    Liked by 3 people

  5. સપનાં બધાં સુષ્ટુ નથી હોતાં. કદાચ સપનાંની દુનિયાની પાછળ જાગૃત જીવનની વેદનાઓ હોય છે. એમ કહે છે કે, સપનાંની ભોમમાં ઘણા બધા આવેગો સંતોષાય છે; સાકાર ન થઈ શકે તેવી સંવેદનાઓ અભિવ્યક્ત થાય છે.
    કદાચ…. લેખન કે કોઈ પણ સર્જન પણ સપનાંની સિસ્ટમ(!)નું ભૌતિક સ્વરૂપ છે.

    Liked by 3 people

    • ‘લેખન કે કોઈ પણ સર્જન પણ સપનાંની સિસ્ટમ…’
      સ્વપ્નામાં છાનેમાને મળી લૌં અલપ ઝલપ,
      અરિયામ કૈં મિલનનો મહોત્સવ નથી થતો. મા ભગવતી કાકા
      મને
      સપનાં જોવાનું ગમે છે
      કવયિત્રી લેખીકા ન હોવા છતાં,
      સપનામાં હું લખવા ગાવા લાગું છું!
      કેટલુંક યાદ રહે તે
      જાગતા ટપકાવું છું
      સપનાંમા લખવાનું મને ગમે છે.

      Liked by 1 person

  6. રાજુલબહેન સાચે જ સપનાની દુનિયા નિરાળી છે. મનના વિચારોનો પડઘો જરુર સપના રુપે દેખાય એવું બનતુ હોય છે . હું સ્કુલમાં નાના બાળકો સાથે કામ કરું છું અને અઠવાડિયાની રજા પછી સ્કૂલ ખુલવાની આગલી રાતે એ બાળકો મારા સપનાનો કબજો કરી લે છે.
    ઘણીવાર વાસ્તવિક ઘટના પણ જાણે સપનુ આવીને સરી ગયું હોય એવું લાગે છે. મારો દિકરો અનેપુત્રવધુ લગ્ન પછી અમને મળવા ભારતથી અમેરિકા આવ્યા. થોડા દિવસ સાથે રહ્યા અને એમના ગયા પછી આ પંક્તિઓ કાવ્ય રુપે લખાઈ.
    “શમણુ એક આવીને સરી ગયું
    ને યાદોના ઉપવન ખીલવી ગયું
    ભાસ કે આભાસ, કે સ્વપ્ન એ જ સત્ય
    હતાં શું બટુક ને રીકુ અમારી પાસ?
    શમણુ એક આવીને સરી ગયું
    ને યાદોના ઉપવન ખીલવી ગયું”

    Liked by 5 people

  7. unique article on dreams– i liked this subject deeply as during 1970’s i also read “the interpretation of dreams” and then searched one very big site of dreams interpretation on net..now misplaced–but when i was in usa during sixties–and i got some scary dream about family–and talked by letter to my grand mother– who was not able to write much–but written for me in those days “Swapna Kadi Sacha Nathi Hota” how ever what all you have written and Ju,bhai and other have experienced lot of creation are done in dreams–remember sewing machine also made –so interpretation is very useful..but i being dream lover and try to remember many dreams– i have come to conclusion for myself that –some hidden power in us is so powerful and protecting us in sleep and making us wake up and as some says its eraser–some says we are redeeming –what ever wrong we have done–is pardoned “Micchami Dukadam” and we are healed.And world has been immensely benefited by dreams- Yet there is no Temple of “NidraDevi” in my knowledge.

    Liked by 3 people

    • “Temple of “NidraDevi”
      નિદ્રાદેવી નો ઉલ્લેખ છે..મંદિરનો ખ્યાલ નથી
      રામના વનવાસની પ્રથમરાત્રિએ લક્ષ્મણ ચોકી કરતો હતો તે સમયે નિદ્રા દેવી આકર્ષક સ્વરૂપે પ્રકટ થઈ. લક્ષ્મણના પૃછા કરવાથી નિદ્રા દેવીએ પોતાની ઓળખાણ આપી અને કહ્યું કે ૧૪ વર્ષ સુધી ન સુવું એ તો પ્રકૃતિના નિયમ વિરૂદ્ધ છે. લક્ષ્મણે નિદ્રા દેવીને કોઈ માર્ગ શોધી આપવા વિનંતિ કરી જેથી તે અસ્ખલિત રીતે તેના ભાઈ પ્રત્યે તેનો ધર્મ બજાવી શકે. નિદ્રા દેવીએ કહ્યું કે જો કોઈ લક્ષ્મણના ભાગની નિદ્રા ૧૪ વર્ષ માટે ભોગવવા માટે તૈયાર હોય લક્ષ્મણને નિદ્રાથી ઇચ્છીત મુક્તિ મલી શકે. લક્ષ્મણે નિદ્રા દેવીને તેની પત્ની ઊર્મિલા પાસે જવા કહ્યું.
      ભારતમાં જો કોઈ ગાઢ નિદ્રામા સુવે અને તેને સરળતા પૂર્વક જગાડી ન શકાય તો તેને માટે “ઊર્મિલા નિદ્રા” જેવો રૂઢિ પ્રયોગ વપરાય છે.

      Liked by 1 person

  8. સ્વપ્નશાસ્ત્રનો ખુબ સરસ અને ખૂબ જ કોમ્પ્લેક્ષ વિષય છેડ્યો છે. સાહિત્યકારો, માનસશાસ્ત્રીઓ, શરીરશાત્રીઓ, ન્યુરોલોજિસ્ટ સ્વપ્નને જુદી જુદી રીતે મૂલવે છે. મારા રસનો વિષય છે. અનેકવાર ડ્રિમ વિશે વૈજ્ઞાનિક વાતો વાંચતો રહ્યો છું. પણ પ્રમાણિક પણે કહું તો કશું જ સમજાયું નથી.

    કેટલાયે સ્વપ્નાઓ એક યા બીજી રીતે રીપીટ થતાં હોય છે. અંગત જીવનમાં જે કદી બન્યું નથી તે પણ વારંવાર દેખા દે છે. મારી વાત કરું તો – હું હવામાં તરતો હોઉં છું. પરીક્ષામાં તૈયારી કર્યા વગર જ જતો હોઉં છું. કે મેં પાર્ક કરેલી કાર મને જડતી જ નથી. વિગેરે વિગેરે.

    કવિની જાગૃત અવસ્થાની “કલ્પના”ને પણ સમણા કહીયે છીએ તો માર્ટિન લ્યુથર કિંગની ભવિષ્યની “અપેક્ષા” આઈ હેવ અ ડ્રીમ. ને પણ સ્વપ્ન કહીયે છીએ.

    સ્વપ્નાઓ વ્યક્તિગત જીવન પર આધારિત હોય છે. ગાંધીજીને કેવા સ્વપનાઓ આવ્યા હશે. કવિ કાલિદાસને કેવા સ્વપના આવ્યા હશે. શાહરૂખ અને નરેન્દ્ર મોદીજીના સ્વપના સરખા થોડા હોય. ખરેખર તો એ વ્યક્તિગત જીવન પ્રવાહ પર આધારિત જ હોવાના.

    એનેસ્થેટિક કંડિશન અને ડીપ સ્લિપ કે ટુંકા નેપ દરમ્યાન આવતા સ્વપના પણ અભ્યાસનો વિષય છે……..પણ મને હજુ સુધી કશું જ સમજાયું નથી. સમગ્ર લેખ અને પ્રતિભાવો ગમ્યા.

    Liked by 3 people

  9. આ સપનાઓની વાતોના સપનાઓમાં હું સરી ગયો! જાગ્યો ત્યારે સમજાયું કે સાહિત્ય સરિતાની આજની સભા માટે મોડો પડીશ! વિવિધ સ્પપવનાઓમાં સરી જવાની મજા તો પડી. રાજુલ બહેન અને અન્ય સપનાઓના આજના સાથીઓને આભાર.

    Liked by 5 people

  10. સ્વપ્નો જો આપણને જાગતા કરી દે અર્થાત સચેત કરી દે તો કશુંક કરવાની નક્કર ભૂમિકા આપણને મળી ય રહે ખરી.

    આપણે પોતાની માતુભુમી ભારતની માયા પાછળ છોડીને દુનિયાના બીજે છેડે દુર સુદૂર આવેલા અજાણ્યા દેશ અમેરિકામાં આવીને વસ્યા છીએ એની પાછળ સ્વપ્નો સાકાર કરવાની આપણી મહેચ્છા રહેલી છે.

    આપણા લોકપ્રિય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું આ ગુજરાતી અવતરણ યાદ આવી ગયું .

    ”તમે સુઓ ત્યારે જુઓ એ સ્વપ્ન નહિ પણ લક્ષ્ય હાંસલ ના કરો ત્યાં સુધી સુવા ના દે તે સ્વપન ”

    Liked by 2 people

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s