પત્રાવળી ૪૩..

રવિવારની સવાર…
વહાલાં 
મિત્રો,
સીધા સાદા ડાકિયા, જાદુ કરે મહાન,
એક હી થેલે મેં ભરે આંસુ ઔર મુસ્કાન.

જોકે ડાકિયાનું સ્થાન હવે ઈ મેઇલે લીધું છે.પણ પરિવર્તન એ તો સંસારનો ક્રમ.

પત્ર લખાય,મોકલાય, પહોંચે,વંચાય અને વળતો જવાબ આવે..ત્યારે એક આખું સર્કલ પૂરું થાય.

આજે દેવિકાબહેને તેમની આ મજાની પત્રાવળીમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું ત્યારે તુરત હા પાડવાના બે કારણો..

એક તો પત્રલેખન એ મારું મનગમતું પ્રિય સાહિત્ય સ્વરૂપ..અને બીજું  એમાં સામેલ બધાં મિત્રો સાવ પોતીકા..જુગલકાકા આદરણીય વડીલ.. પ્રીતિબહેન, રાજુલબહેન અને દેવિકાબહેન તો લીલાછમ્મ મિત્રો. કમાલ તો જુઓ..આમાંથી રાજુલબહેન એક એવા છે  જેમને કદી રૂબરૂ મળી નથી. છતાં એ બિલકુલ અજાણ્યાં નથી. સાવ પોતીકા સ્વજન..દેવિકાબહેનના શબ્દોમાં કહું તો શબ્દોને પાલવડે અમે અનેક વાર મળ્યા છીએ..કેટકેટલી ગૂફતગૂ..કરી છે. ભીતરના પટારાને એકમેક સામે ખોલ્યો છે કે અનાયાસે ખૂલી ગયો છે.

અહીં તો આ પત્રોમાં શબ્દોને વિવિધ રીતે  પામવાનો કેવો મજાનો ઉપક્રમ સર્જાયો છે.

ભર્તુહરીએ ત્રણ જ્યોતિ અને ત્રણ પ્રકાશની વાત કરી છે.

અગ્નિજયોતિથી લાધતો પ્રકાશ, ચિત્તજયોતિથી લાધતો પ્રકાશ અને શબ્દજયોતિથી લાધતો પ્રકાશ..

શબ્દજયોતિને એમણે પ્રકાશને ય પ્રકાશિત કરનારો કહેલો છે.

પોતીકા શબ્દોનું  અજવાળું લઇને અહીં મળેલા સર્વ મિત્ર સર્જકોને સાદર પ્રણામ.

શબ્દ તો કમલદળ સમ, હળવે હાથે લખજો,

લખી આંગળી થાકે, ત્યારે મધુર વાણી ઉચ્ચરજો.

શબ્દ તો છે અંતરનો નાદ, અખિલાઇ સંગ નાતો એનો,

શબ્દ છે ઈબાદત, શબ્દ છે પ્રાર્થના,શબ્દે શબ્દે ઉઘડે ઉજાસ

 શબ્દો છે અમારા સાવ નોખા, શબ્દો જ અમારા કંકુ ને ચોખા ( શ્રી મનોજ ખંડેરિયા).

 સાહિત્યની ડાળીએ નવી નવી શબ્દ કૂંપળો ફૂટતી રહી છે.એમનું સન્માન કરીને સીંચવાની, એને પોંખવાની, પોષવાની જવાબદારી સમાજની છે.

સાહિત્ય એ સાંપ્રત સમાજનો આયનો છે. જેમાં સાંપ્રત સમાજનો પડઘો આપોઆપ ઝિલાતો રહે છે, ઝિલાતો રહેવો જોઇએ. સમાજમાં બનતી સારી, નરસી ઘટનાઓનું પ્રતિબિંબ આપણા શબ્દોમાં પડવું જોઈએ.સમાજની બદીઓ સામે લાલબત્તી ધરવી અને સારી વાતને ઉજાગર કરવી એ સાચા સાહિત્યકારની જવાબદારી છે, એનો ધર્મ છેએ જવાબદારી આપણે સૌએ નિભાવવી રહી. એ ધર્મ આપણે પાળવો રહ્યો. આપણા દ્વારા લખાતો દરેક શબ્દ  એ આપણી જવાબદારી છે.

કોઇ ના વાંચી શકે, ના પામી શકે,

માનવી તો વણઉકેલ્યો વેદ છે.

આ વણ ઉકેલ્યા વેદને શબ્દની ચાવીથી ઉઘાડી શકાય છે. આપણા શબ્દમાં એ તાકાત હોવી જોઈએ.

સ્કૂલમાં ભણતા હતા ત્યારે ઘણીવાર  નિબંધ લખવાનો આવતો કે કલમ ચડે કે તલવાર..?

આપણે ઈતિહાસમાં ઘણી જગ્યાએ વાંચ્યું છે કે માથું કપાઈ ગયા બાદ રણમેદાનમાં થોડી વાર એકલું ધડ ઝઝૂમી રહ્યું. ભાટ, ચારણોના બુલંદ અવાજે માથા વિનાના ધડમાં યે ઘડીભર ચેતન પ્રગટતું. કેવી હશે એ શબ્દોની તાકાત કેવી હશે એ વાણી ? આપણે તો એની કલ્પના જ કરવી રહી.

શબ્દ માણસને કયાંથી કયાં લઇ જઈ શકે છે એનો મને પોતાને અનુભવ છે.સાત સાગર પાર જયારે હું પહેલી વાર આવી હતી  ત્યારે મને કોણ ઓળખતું હતું ? કોઇ નહીં. હું ફકત થોડા શબ્દો લઇને ગઇ હતી..અને શબ્દોએ વિદેશમાં પણ કેટકેટલા મિત્રો મેળવી આપ્યા.કેવા મજાના સંબંધો આપ્યા

શબ્દો મારી પણ શકે અને તારી પણ શકે.બાળી કે ઠારી પણ શકે. બેધારી તલવાર જેવા શબ્દોનો સમુચિત ઉપયોગ એની સાચી તાકાત.

સુંદર યાત્રામાં સહભાગી થયાના આનંદ સાથે, સૌ મિત્રોના સ્નેહ સ્મરણને ભીતરની દાબડીમાં સંગોપીને અહીં વિરમું..મળતા રહીશું..શબ્દોને સથવારે,શબ્દોને પાલવડે.

નીલમ દોશી

nilamdoshi@gmail.com

 

3 thoughts on “પત્રાવળી ૪૩..

  1. નીલમબેન આપે માનવીને કોઈ ના વાંચી શકે, નાપામી શકે,
    માનવી તો વણઉકેલ્યો વેદ છે. કહ્યું છે અને આ વણ ઉકેલ્યા વેદને શબ્દની ચાવીથી ઉઘાડી શકાય છે. આપણા શબ્દમાં એ તાકાત હોવી જોઈએ.
    આ વાત એકદમ સાચી છે. “શબ્દ” ઉપર લખેલા મારા એક કાવ્યની પંક્તિઓ પણ અહીં રજુ કર્યા વગર રહી શકતી નથી.
    “પહોંચે માનવી ઉન્નતિના શિખરે
    બસ એક શબ્દ થકી
    અને વળી એજ શબ્દ બને
    સીડી પતન કેરી”
    એટલા માટે જ આપની વાત સાચી છેઆપણા દ્વારા લખાતો દરેક શબ્દ એ આપણી જવાબદારી છે.

    Liked by 3 people

  2. નીલમબેન આપે સરસ વાત કરી. શબ્દમાં કેટલી બધી તાકાત શબ્દ મારી પણ શકે,્તારી શકે કે બાળી કે ઠારી પણ શકે
    શબ્દનો સમુચિત ઉપયોગ ઍજ એની સાચી તાકાત.
    શબ્દ વિશે મારા ભાવો મે અછાંદસ કાવ્યમાં દર્શાવેલ અહીં લખુ
    આ તો શબ્દોની રમત
    હાલો  સાથે રમીએ રમત
    કદીક કર્ણ પ્રિય મીઠા મધુરા
    કદીક હોય કડવા ખાટા અધુરા
    મનની કડવાશ ભૂલી, મીઠાશ ભરીએ
    સાથે સૌ ખેલદીલીથી રમીએ;

    આ તો શબ્દોની રમત…
    વિવેક, વિચારે શબ્દ બોલાય
    ઉગ્રતાના તાપ શાંત થાય
    રમત સાથે રમતા રહીએ રમતા રહીએ
    આ તો શબ્દોની રમત….
    કોઈક વાર કોઈ શબ્દ એવા બોલાય જાય અને યુધ્ધનું કારણ બની જાય.
    દ્રૌપદી એ બોલેલા શબ્દો ” આંધળાના આંધળા ” મહાભારત યુધ્ધનું કારણ બન્યા.
    દરેક શબ્દ એ આપણી જવાબદારી.

    Liked by 3 people

  3. આપની વાત -‘ શબ્દ તો છે અંતરનો નાદ, અખિલાઇ સંગ નાતોપની ‘
    અમારો અનુભવ- ॐ કાર શબ્દમાં ખૂબજ તાકાત છે. ॐ એ પરમાત્મા રૂપી શબ્દ છે. તેનાથી આત્મવિશ્વાસ વધે છે. નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

    ‘કેવી હશે એ શબ્દોની તાકાત ? …યાદ આવે સ્વામી વિવેકાનંદ..
    તાકાત શબ્દોમાં નાખો, અવાજમાં નહી.
    કારણ કે,ખેતી વરસાદથી ઊગે છે, પુરથી નહી .
    શું સપના હશે એ ગરીબ ના…..! જેનો શ્વાસ પણ ફુગ્ગા માં ભરાઇ ને વેચાય છે…!
    રડ્યા વગર તો ડુંગળી પણ નથી કપાતી સાહેબ…
    આતો જીદંગી છે…. કેમ કપાય…?
    “જીવન ની શરૂઆત
    આપણા રડવા થી થાય છે અને જીવન નો અંત
    બીજાના રડવા થી થાય છે”,
    જો બની શકે તો “શરૂઆત અને અંત વચ્ચે
    ના સમય ને ભરપુર હાસ્ય થી ભરી દો “….
    દિવસ માં એકવાર પોતાની જાત સાથે વાત કરો, નહીંતર તમે દૂનિયા ના સૌથી બૂદ્મિશાળી માનવી સાથે વાત કરવાની તક ગુમાવી દેશો…
    ………….
    અમેરિકાની વાત અમે ઘરડા લોકોને લઈને ઘણા ઘરમાં નાના બાળકોની સાથે ગુજરાતીમાં જ વાત કરવાની ટેવ પાડવામાં આવે છે અને બાળકો અષ્ટપષ્ટ ગુજરાતી શબ્દો બોલી શકે છે, પરંતુ એમની પેઢીનું શું?

    Liked by 2 people

Leave a comment