હ્યુસ્ટનની સાહિત્ય સરિતાએ ઉજવ્યો ‘કાવ્યોત્સવ’-અહેવાલ–દેવિકા ધ્રુવ…

તા.૧૫મી સપ્ટે. ૨૦૧૮ને શનિવારના રોજ હ્યુસ્ટનના પ્રેક્ષા મેડિટેશન સેન્ટરના હોલમાં ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનનો ભવ્ય કાવ્યોત્સવ ઉજવાઈ ગયો. આ બેઠકના અતિથિ વિશેષ હતાં મુંબઈના  જાણીતા કવિ અને મંચના મહારથી શ્રી મુકેશ જોશી અને અમદાવાદના યુવાન કવિ અને રજૂઆતના રાજવી શ્રી અનિલ ચાવડા.

બરાબર બે વાગે સંસ્થાના  હાલના પ્રમુખ શ્રી સતીશ પરીખના ઉદ્બોધન, સૂત્રધાર ઈનાબેન પટેલ દ્વારા સ્વાગત અને પ્રેક્ષા મેડિટેશનની પ્રારંભિક માહિતી, પ્રાર્થના વગેરે વિધિ પછી સંસ્થાના સલાહકાર અને મુખ્ય દાતા શ્રી હસમુખભાઈ દોશીને તેમની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે ચિન્મયા મિશનના આચાર્ય શ્રી ગૌરાંગભાઈ ંનાણાંવટી દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. તે પછી શ્રી ભગવતીકુમાર શર્માની કાયમી વિદાય અંગે મૌન પાળવામાં આવ્યું. ત્યારબાદ ડો.ૠચાબેન  શેઠે સરસ્વતીની પ્રાર્થના કરી અને પ્રમુખ શ્રીએ સંસ્થાનો પરિચય આપ્યો. કવિઓના પરિચય માટે દેવિકાબહેન ધ્રુવે બંને કવિઓની કવિતાઓને ખૂબીપૂર્વક ટાંકી, સવિશેષ પરિચય આપ્યો. તે પછી પ્રમુખઉપપ્રમુખ દ્વારા કવિઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું.

જેમની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે  શ્રી મુકેશ જોશીએ ‘ઘાયલ’ના મુક્તકથી શરૂઆત કરી કે,”જીવન જેવું જોઉં છું તેવું કાગળ પર ઉતારું છું. ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું.
તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ! વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું.”

ત્યારપછી માણસ અને મગરની સુંદર વાર્તા સંભળાવીનેચાલો માણસ બની જઈએ..અને અશાર મેરે યૂં તો ઝમાનેકે લિયેકુછ શેર ફકત ઉનકો સુનાનેકે લિયેકહીને પ્રેમ, વિસ્મૃતિ, જીવ અને  શિવના છૂટા પડ્યાની અને એને શોધવાની મથામણ કરતા કવિની એક અનોખા અંદાઝથી રજૂઆત કરી શ્રોતાઓના મન જીતી લીધાં અને   તે પછી રીલાયન્સના મોટા ભાઈ મુકેશની જેમ નાના ભાઈ  અનિલ ચાવડાને આગળની રજૂઆત માટે આમંત્ર્યા.

કવિ શ્રી અનિલ ચાવડાએ રમૂજી રીતે પ્રારંભ કરી, સૌને હસાવી ગઝલની શરૂઆત કરી કે,
શ્વાસ મારે લઈ જવાતા છેક મહેંકાવા સુધી, બહુ મથ્યો લઈ જઈ શક્યો હું માત્ર પછતાવા સુધી,ચાળણીમાં પાણી ભરવું છે તમારે તો ભરો, પણ જરા ધીરજ ધરો જળના બરફ થવા સુધી.”“એક નાના કાંકરે આખી નદી ડહોળાય નૈં, પણ શું એનાથી જરા અમથું વમળ પણ થાય નૈંઆવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો,આ રીતે તો એક દા’ડો પણ હવે જીવાય નૈં.”  વગેરે શેરોથી  સભાગૃહમાં ‘વાહ’ અને ‘ક્યા બાત હૈ’ના અવાજો ગૂંજવા માંડ્યાં. આગળ વધતાં વળી તેમના જાણીતા,વારંવાર સાંભળવા ગમે તેવા શેરોની કેફિયત માણવા મળી કે,‘“આથમી ચૂક્યો છુ હું ને ઉગ્યો છુ હું એવું પણ નથી. કે ટુકડે ટુકડે જીવુ છુ પણ તૂટી ચૂક્યો છુ એવું પણ નથી.’ અને હા ખબર છે મેં જ તો કીધું હતું એને: સ્મરણ કોદાળી જેવાં હોય છે, એ મને મારી જ પાસે દર વખત ખોદાવશે એવી ખબર થોડી જ હોય? અને તે પછી તો  કહ્યું તુ, કે જશો નહિ સ્મરણોની ગલીમાંથીઆંસુને ઠાઠથી રાખ્યાં છે પાંપણની પાલખીમાંથી’…હવામાં નામ લખવાનું કહે.. ઘૂંટવું તો ઘૂંટવું કઈ રીતે?.. વગેરે રજૂઆત કરી. તે ઉપરાંત ક્યાંક વ્યંગરંગ પણ ધર્મ માટે આ જમીન કેટલી ફળદ્રૂપ છે!!’ કહી ભરી દીધો!! વતન પ્રત્યેની લાગણીની ગઝલ  સહેજ હસી લઉં, સહેજ રડી લઉં …”સાંભળી શ્રોતાઓને ગદગદ કરી મૂક્યાં. બીજા પણ ઘણા ગમતા શેરો જેવા કે તુજ હો જો મારું ગીત તો ગાઉં. ‘..“સપનામાં બાકોરું પાડ્યુંએમ હડસેલાયેલો છુ આજ એના દ્વારથી આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું તો પણ છે, તો પણ છે, તો પણ છે…’ અને ‘પીડા જાણે પામર થઈ ગઈ….’,ગેંગેંફેંફેં.. ‘આંખો ઉપર ચશ્મા ઉપર દ્રશ્યો ઉપર ઘટના ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે;‘ઘણું બધું છેકહી દીધાની ઘણી બધીયે ભ્રમણા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે’..વગેરે  જુદા જુદા દૄષ્ટિકોણથી ગઝલો સંભળાવી પોતાનાથી મોટા કવિ મુકેશ જોશીને આમંત્રણ આપ્યું.

કવિ શ્રી મુકેશ જોશીએ અમર પાલનપુરી,મરીઝ,ઘાયલ,આસીમ રાંદેરી વગેરેના અતિ ઉત્તમ શેરો સંભળાવી પોતાની કવિતાઓ રજૂ કરી કે, ‘એકલતાએ પીછો કીધો.. શબ્દો દીવાદીવા થઈ જાય..કવિ કરે આરતી એની આશકા લેવા જાય.. અને  સુંદર લયવાળું ગીત ‘એક તો પોતે તું મધ જેવી,તેમાં તારું  સ્મિત જાણે મધમાં સાકર નાંખી….તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યાં છો?.. અને ‘મારીચ બનવા મળે તો નાચું’ અદભૂત રીતે, ખુલ્લાં મને, બુલંદ અવાજે “વાહ વાહ’ના નારા વચ્ચે પ્રસ્તૂત કરતા ગયાં. સભા એમના રંગમાં રગાતી ગઈ..વચ્ચે વચ્ચે કોલેજકાળના પ્રેમની વાતો પણ રસપ્રદ રીતે રજૂ કરી. ‘અમે કાગળ લખ્યો’તો પહેલવહેલો અને ‘ગામડાની છોકરીઓ પાણી ભરવા જાય’ વગેરેની રજૂઆત દ્વારા લયબધ્ધ ગીતોની રમઝટ બોલાવી.

તે પછી બીજાં દોરમાં ફરી અનિલ ચાવડાએ અને મુકેશ જોશીએ વારફરતી  પોતપોતાના ગીત અને ગઝલની જુગલબંધી પ્રેમથી, મનભર રીતે સંભળાવી જેમાં મુખ્યત્વે ‘ અનિલભાઈની કાઠીયાવાડી  લઢણમાં ‘નયનસંગ બાપુ’ ‘વતનના ચૂલાની તાવડી યાદ આવી..’ અને ‘છોડ દીવાને પહેલાં મને પ્રગટાવને..’ અને ‘મેં મારી અંદર છાપું સંતાડી રાખ્યું છે’ અને અમદાવાદની ગઝલ સાંભળી સૌ આફ્રીન પોકારી ઉઠયાં. મુકેશ જોશીની ‘મા’ની કવિતા ‘મમ્મી સ્કૂલે ગઈ છે એ સાંજે પાછી કેમ ન આવે? ના કરુણ ભાવમાં સૌ ભીંજાયા. ‘અમેરિકન એમ્બેસી’ ના વાતાવરણમાં લખાયેલ કવિતા ‘પાસપોર્ટમાં સ્પષ્ટ લખેલું તો પણ એણે પૂછ્યું નામ,વિધવા થયેલા ફોઇ ફરીથી યાદ આવ્યાં મેં કર્યાં પ્રણામ.’, ‘સુખદુઃખની સવારી’  અને ‘પંખીઓ ઊડવાના ક્લાસ નથી ભરતા’વગેરેથી વાતાવરણ રસતરબોળ થઈ ગયું. તાલીઓના ગડગડાટ સાથે સૌનો આભાર માની કવિ શ્રી મકરંદ દવેના શેર ‘અમે તો અહીંથી જઈશું,પરંતુ અમે ઉડાડેલ ગુલાલ રહેશે..ખબર નથી શું કરી ગયા,પણ કરી ગયા તે કમાલ રહેશે’ કહી સમાપન કર્યું.

ત્યારબાદ શમણીજીના આશીર્વચન,પ્રવચન,ગીત, પ્રમુખ તરફથી આભારવિધિ,સન્માનપત્ર વિતરણ અને બંને  નમ્ર અને વિવેકી કવિઓને સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલકનું પુસ્તક તથા ફૂલ પાંખડી અર્પણ કરવામાં આવી. ત્યારબાદ સામૂહિક તસ્વીર લેવાઈ અને સ્વાદિષ્ટ ભોજનને ન્યાય આપી સૌ સમયસર વિખરાયાં.

એકંદરે  ગણેશોત્સવ અને પર્યુષણની આસપાસના સમયમાં યોજાયેલો આખોયે ‘કાવ્યોત્સવ’ શ્રોતાઓના મન-હ્રદયને તરબતર કરી ગયો અને સફળતાની લાગણી ચારે તરફ ફેલાઈ રહી. આવા સુંદર અને પ્રેરણાદાયી કાર્યક્રમ માટે ગુજરાતી  સાહિત્ય સરિતા,હ્યુસ્ટનના સૌ આયોજકો, દાતાઓ, સહાયકો, સેવાભાવીઓ, શુભેચ્છકો, સંચાલકો, ફોટોગ્રાફર્સ, વિડિયોગ્રાફર, સંસ્થાના સૌ સભ્યો, શ્રોતાઓ અને કવિઓને ખોબો ભરીને દરિયા જેટલાં અભિનંદન.

અસ્તુ.
દેવિકા ધ્રુવ હ્યુસ્ટન

9 thoughts on “હ્યુસ્ટનની સાહિત્ય સરિતાએ ઉજવ્યો ‘કાવ્યોત્સવ’-અહેવાલ–દેવિકા ધ્રુવ…

  1. એક સરસ કાર્યક્રમ નો એટલોજ સુંદર અહેવાલ, સાહિત્યનાં શોખીનો કોઈ કાવ્યોત્સવનો રૂબરૂમાં લાભલેવાનું ચુકીગયાહો તો આ દેવિકાબેન નું અવલોકન આપની થોડી ઘણી ગરજ સારશે। સાદર આભાર અને અભિનંદન

    Liked by 1 person

  2. વાહ… દેવિકાબેન
    મને “આપણો” કાર્યક્રમ યાદ આવી ગયો..!
    બન્ને કવિ મિત્રોએ બધાને રસતરબોળ કર્યા હશે – બે મત નથી.
    આપનો સ-રસ અને સ-વિસ્તર અહેવાલ પણ, હંમેશની જેમ
    રસથી તરબતર રહ્યો.

    Liked by 1 person

  3. ‘સાહિત્ય સરિતા’ ના આટલા વર્ષના અહેવાલોમાં સૌથી શ્રેષ્ઠ અહેવાલ. દેવિકાબેનને ખોબલાભરીને દરિયા જેટલા અભિનંદન.
    નવીન બેન્કર ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૮

    Liked by 1 person

  4. ખુબ ખુબ અભિનંદન દેવિકાબેન. ધુરંદર કવિઓને રુબરુ સાંભળ્યા બાદ આ અહેવાલ સોને પે સુહાગા જેવો છે. આપના અહેવાલમાં કોઈ કમી નહોતી. એ આપની મોટાઈ છે, નાનકડી સુચના બદલ આટલો જાહેરમાં ઉલ્લેખ કર્યો.
    વ્યવસ્થિત અને યોગ્ય ફોટા સહિતનો અહેવાલ.

    Liked by 1 person

  5. ‘અમે તો અહીંથી જઈશું,પરંતુ અમે ઉડાડેલ ગુલાલ રહેશે..
    ખબર નથી શું કરી ગયા,પણ કરી ગયા તે કમાલ રહેશે
    મકરંદ દવે
    વાહ ! બે જાણીતા મહેમાન કવિઓ/સાહિત્યકારો ની હાજરીમાં સરસ સાહિત્યનો ગુલાલ ઉડ્યો એનો આંખે દેખ્યો અહેવાલ વાંચી આનંદ થયો.

    શ્રી હસમુખભાઈ દોશી ૧૯૫૯ થી કઠવાડા હતો ત્યારના મારા જુના મિત્ર છે. એમના ૭૫ વર્ષ ના અમૃત પર્વ પ્રસંગે મારાં હાર્દિક અભિનંદન અને એમના નીરોગી અને ઉજળા ભવિષ્ય માટે મારી શુભેચ્છાઓ .

    Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s