પત્રાવળી ૨૯

રવિવારની સવાર

 સર્વે પત્ર-મિત્રોને સુંદર ઋતુની વધામણી.
મૌન શબ્દ પર વિચાર કરતાં કરતાં થાય, કે આમ જુઓ તો એ શબ્દ કેટલો સહેલો લાગે છે, નહીં? “કેમ આજે મૌન લઈને બેઠાં છો?”, અથવા કેમ, આજે સાવ મૌન રાખ્યું છે કે શું?” જેવા કટાક્ષ કરવામાં આ શબ્દ વધારે વપરાતો દેખાય. મૌન એટલે તત્પૂરતો વાણીનો અભાવ કહીએ, તો રોજિંદા જીવનમાં આવી ચુપકીદી કે શાંતતા મોટા ભાગના લોકોને ગભરાવી- ગુંગળાવી મૂકે છે. એમને અવાજ જોઈતો હોય છે, પછી ભલે એ સાંભળતા ના હોય. એટલેકે જેને ‘ white noise’ કહે છે તે.

વ્હાઇટ નૉઇઝ – કૃત્રિમ અવાજ, ઇચ્છાપૂર્વક પશ્ચાદ્ભૂમાં હાજર રખાતો just some sound. એમ તો એ કર્ણપ્રિય રવ હોઈ શકે છે, ને મધુર ધ્વનિ પણ હોઈ શકે છે. એ સતત ચાલુ રહે છે, ને એની હાજરી લોકોને એકલાં નહીં હોવાની ધરપત આપે છે. એ બધું અર્થહીન ને ઉપરછલ્લું હોય તો વાંધો નહીં, પણ હોવું જોઇએ તે નક્કી. સાવ શાંત હોય તો જગ્યા ભેંકાર લાગે, ભઈ”; ને કોઈ વાત કરનારું ના હોય તો સાવ કંટાળી જવાય, હોં”- જેવા ઉદ્ગારો આપણે ક્યાં નથી સાંભળ્યા?

તો મૌનશબ્દ શું કેવળ શબ્દોની, વાણીની, અવાજની ગેરહાજરી જ સૂચવે છે? એ શબ્દમાં શું કશાની, કશા તત્ત્વની હાજરી છે જ નહીં?

 મિત્રો, હું એમાં રહિતતા નહીં, પણ સભરતા જોઉં છું. મૌન શબ્દને હું વ્યાપક રીતે જોવા પ્રેરાઉં છું. મૌન એટલે સ્વ-સ્થ હોવું, એમ સમજું છું. સ્વમાં, નિજમાં સ્થિર હોવું તે, એટલેકે જાતની સમજણ તરફ જવું તે, ચિત્તના ઊંડાણને કેળવતાં જવું તે. અહીં મૌન શબ્દને ધ્યાનની પ્રક્રિયાની સાથે સાંકળી શકાય. લૌકિકમાંથી કંઇક  અ-લૌકિક તરફની ગતિ, કે વ્યક્તિગતતામાંથી નીકળી જઈને વૈશ્વિકતા તરફની મતિ.

મૌનએટલે જો નિઃશબ્દતાગણીએ તો પણ એમાં અર્થનું ઊંડાણ પામી શકાય છે. મૌન દરમ્યાન ચૈતસિક પ્રવૃત્તિ શક્ય બને છે. એ પ્રવૃત્તિ જો, અને જ્યારે, શબ્દથી છૂટી જાય તો, અને ત્યારે, ધ્યાન સંપૂર્ણ બને છે, અને પછી જ્ઞાન લાધી શકે છે.

અમેરિકામાં જન્મેલા, ને પછી બ્રિટિશ નાગરિક બનેલા વિખ્યાત કવિ ટિ. એસ. એલિયટ એક કાવ્યમાં કહે છે, કે I said to my soul, be still. ને છેલ્લે લખે છે, — so the darkness shall be the light, and the stillness the dancing. પહેલાં સ્થિરતા મેળવો, ને પછી ઉત્ફુલ્લતા પામો. એવું કંઇક. એમનું કલ્પન કેટલું બધું હિન્દુ અધ્યાત્મ-વિચાર જેવું નથી લાગતું?

જોકે મૌનનું મંદિરઅને વિપશ્યનાજેવા, મૌનનો મહિમા કરતા પ્રયોગો જરા પણ સહેલા, કે સહેલાઈથી થઈ શકે તેવા ના ગણાય. એ દરમ્યાન આઠ-આઠ દસ-દસ દિવસ સુધી શબ્દરહિત, વાણીરહિત થઈને ફક્ત સ્વની સાથે વસવાનું હોય છે. સાવ મૂક આધ્યાત્મિકતાનું આ ઘણું દુષ્કર કહી શકાય તેવું સ્વરૂપ લાગે છે.

દેહને અને મનને આવું વધારે પડતું કષ્ટ આપ્યા વગર પણ મૌનને મેં ઘણા પ્રમાણમાં અનુભવ્યું છે. હું તો કહીશ કે હું મૌનને માણતી રહી છું. મેળામાં એકલું લાગવાની વાત ગુજરાતી કવિતા કરતી હોય છે, પણ એકલાં હોઈએ ત્યારે અનહદ આનંદની પ્રતીતિની વાત મેં કરી છે. દા.ત. મને મારગ પર દૂર સુધી ચાલવા દેજો, મને એકલાં યે આનંદે મ્હાલવા દેજો —”.

રાજુલબહેને ઉલ્લેખ કર્યો છે તે કૉર્નવૉલ પ્રાંત અને ત્યાંનું પૅન્ઝાન્સ ગામ મારાં અતિપ્રિય સ્થાનો છે. ગાઢ ધુમ્મસ ત્યાંની ભૂમિના છેડે મોડી બપોરની રોજિંદી બિના છે. એક વાર એ મારી પાછળ પડવા લાગેલું. મારે તો એ અંચળો ઓઢવાની ઇચ્છાની સાથે સાથે, સુરક્ષિત રહેવા વિષે પ્લાન બીનો વિચાર પણ કરવો પડેલો. મોડી મોડી પણ બસ આવેલી, ને ત્યારે એ આશ્લેષ-મુક્તિ બાબતે જીવ બળ્યો હતો પણ ખરો.

પ્રવાસ-સ્થાનો પાસેથી મળેલાં ઊંડાં મૌન-આનંદનાં ઘણાંયે સ્મરણ છે, પણ એ  સિવાયના એક અસાધારણ પ્રસંગનો ઉલ્લેખ કરું:  ઘણાં વર્ષો પહેલાં, ન્યૂયૉર્કમાં આપણા પ્રખર વિચારક કૃષ્ણમૂર્તિને સાંભળવાનો લાભ પ્રાપ્ત થયેલો. શહેરના ખૂબ મોટા કાર્નેગી હૉલના અતિવિશાળ સ્ટેજ પર હતી ફક્ત એક નાની ખુરશી. સમય થતાં, કૃષ્ણમૂર્તિ એકદમ ચૂપચાપ આવીને બિરાજ્યા. બીલકુલ હાલ્યા-ચાલ્યા વગર આખું વ્યાખ્યાન આપ્યું, ને પછી એ જ રીતે, ચૂપચાપ અંદર ચાલ્યા ગયા. ખીચોખીચ બેઠેલા પ્રેક્ષકોમાંથી કોઈની દેન નહતી કે તાળી પાડે.

સ્વના ઊંડાણનું, ખાલીપણાની સભરતાનું, મૌનની અસાધારણતાનું હંમેશાં યાદગાર એવું આ સંસ્મરણ છે.

 —-  પ્રીતિ  સેનગુપ્તા 

Email: preetynyc@gmail.com

Advertisements

11 thoughts on “પત્રાવળી ૨૯

 1. સુંદર રીતે મૌન વિશેના ભાવો વ્યક્ત કર્યા છે. પ્રીતિબહેન, આ પણ લેખ વાંચીને વધુ વાગોળ્યા વિનાનો સત્વર અનુભવેલો એક પ્રતિસ્વાદ છે.

  મૌનનો બીજો પ્રકાર મેં આ રીતે પણ અનુભવ્યો છે. કોઈ પ્રિય વ્યક્તિનું મૃત્યુ થયું હોય ત્યારે અતિશય ઘોંઘાટ વચ્ચે પણ મનની અંદર ગરકાઈ જઈ એ વ્યક્તિને યાદ કરીને મૌનનો અનુભવ થઈ શકે છે.

  Liked by 3 people

 2. આમેય જે કાગળ પર લખાય તે લીપી છે અક્ષર નથી ‘अक्षराणामकारोस्मि’। ન ક્ષરતિ-જેનો નાશ ન થાય તે અક્ષર અ. અ વગર કોઇ અક્ષરનું ઉચ્ચારણ ન થઇ શકે .‘गिरामस्म्येकं अक्षरम्’ અહીં એક અક્ષરમા વાણીમા ॐ છે.જે મૌનમા સુંદર રીતે અભિવ્યક્ત થાય
  માણસ ચાલ્યો જાય છે પણ તે તેના અક્ષર રૂપે હયાત હોય છે, એટલે જ તો કદાચ તેમને અ-‘ક્ષર’ કહેવાય છે.તમે અક્ષરો દ્વારા ગમે-તે સર્જી શકો છો.આ પણ મૌન…મનોવૈજ્ઞાનિકોએ ઘણું રસપ્રદ સંશોધન કર્યું છે. હજારો પ્રયોગ અને માહિતીના પૃથક્કરણ પછી નીચે મુજબ સત્યો જાણી શકાયા છે.મૌન. વ્યક્તિત્વનું માપ હોઈ શકે આપણે જોયું છે કે મૌન રહી અભણ વ્યક્તિ પણ ક્યારેક ભણેલાને શરમાવે તેવા ઉમદા સામાજિક કાર્યો કરે છે, તે પણ કોઈની મદદ વગર!

  Liked by 3 people

 3. હું તો શો પ્રતિભાવ આપી શકું ? આ વિદુષી સન્નારીઓના ઉત્તમ વિચારો સામે હું તો વામણો જ લાગું ! હમ તો કભી મૌન રહે હી નહીં. હંમેશાં બકબક કર્યા કર્યું છે. વિચારોની ઉંચાઈ, અર્થોની ગહરાઈ ને એવી બધી મહાન વાતો કરવાનો કે સાંભળવાનો મને મહાવરો નથી. પણ હવે લાગે છે કે પ્રીતિબેન, ભદ્રાબેન,દેવિકાબેન જેવી વિભુતિઓની વાતો સાંભળી કે વાંચીને, મૌનનો અનુભવ પણ કરવા જેવો છે.

  Liked by 2 people

 4. મૌન મેળવવા માટે એક તપ કરવા જેવું કઠીન કાર્ય છે. આપણામાંથી કેટલા આ તપ કરવા તૈયાર છે? આ મૌન કેટલાક્ને જન્મથી મળેલ ભગવાનની ભેટ છે, તો કેટલાક એ મેળવવા જીવન ખર્ચી નાખે છતાં મેળવી શકતા નથી! પોતાના અવલોકન અને સ્વપ્રયત્નથી મળે ખરુ, પણ પોતાનું મન જો મક્કમ ન હોય તો એ ઝાઝુ ટકતું નથી! ગાંધીજીની માફક મૌનને મેળવવા મહિને એકાદ દિવસ ફાળવવો જોઈએ. આ જો પુરુષ કરે તો ઘરમાં બીજાને પણ ફાયદો થાય એ નફામાં! આ સંદેશ જો ટ્રમ્પને મળે તો?

  Liked by 3 people

 5. વાણીથી મૌન રહેવાનું છે માટે વિચારોનો પ્રવાહ આપમેળે જ ઓછો વહે અને મન પણ શાંત થઈ મૌન થઈ જાય છે. ભીતરની શાંતિ હોય કે બહારની તે મૌન દ્વારા જ મળી શકે. મૌનમાં પણ ગજબની શક્તિ સમાયેલી છે. વધારે સમય મૌન પાળવાથી આપણું જે અસલી જયોતિરમય સ્વરુપ છે તેની પણ ખાસ અનુભુતી થાય છે.

  Liked by 2 people

 6. બે બોલકી પંક્તિઓ વચ્ચેનો અર્થ કાવ્યનું અભિપ્રેત મૌન ગણાય !!
  દાંત ભીંસીને બળાપો કાઢતા કેટલાક મૌનવ્રતી વડીલોને નજરે જોયા છે !! આ બોલકું મૌન અસહ્ય હોય છે. તો ધ્યાનસ્થ–શા કેટલાક વ્યાખ્યાતાઓનું પીન ડ્રોપ સાયલન્સવાળું વ્યાખ્યાન પણ માણ્યું છે.

  લોકભારતીના શિક્ષણપ્રતીકમાં તો સૂત્ર જ છે – ગુરોસ્તુ મૌનમ્ વ્યાખ્યાનમ્ શિષ્યસ્તુ છિન્નસંશયા: !!
  શબ્દનો એક અર્થ અવાજ–ધ્વનિ પણ છે. શબ્દ બોલે અને અર્થ અનુભવાય ! અર્થને અવાજ નથી હોતો !!

  આડવાત કરું તો “ઘણ રે બોલે ને એરણ સાંભળે”માં એરણ તો ટિપાય છે !! ઘણ પડે ને છતાં એરણ સાંભળી રહે. (એટલે કે સહન કરે !!!) નારીજાતીનું આ સહનકાર્ય દબાયેલા મૌનનું દયનીય ને ચિંન્ત્ય પ્રતીક છે.

  મર્મરતી હવા કે ફર્ફરતી વર્ષાની ફરફરને વ્યક્ત કરી શકે તેવું – કાવ્યસ્વરૂપને સાચવી શકે તેવું આ પત્રસ્વરૂપ આવા મૌનવિષયને પણ કેવો ન્યાય આપી શકે છે !

  Liked by 3 people

 7. મૌનને સમજવા માટે શબ્દ છે? નથી, શબ્દ વાચા રૂપે નહી આવે મનમાં વિચારો સતત ચાલુ. અમન અવસ્થાએ પહોંચીએ ત્યારે અને તો જે પ્રીતિબેને જણાવ્યું તે અનુભવી શકાય, સ્વને જાણી શકાય તેને માટે સાધના તપસ જરૂરી . પ્રીતીબેને મૌન જેવા ગંભીર વિષયને સુંદર શબ્દોથી સજાવ્યું.

  Liked by 2 people

 8. પિંગબેક: મારી કોમેન્ટીકાઓ : (૧) ‘મૌન’ – NET–ગુર્જરી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s