પત્રાવળી ૨૫ 

રવિવારની સવાર
‘ગુજરાતી લીટરરી એકેડેમી ઑફ યુકે.’ના ઉપપ્રમુખ શ્રીમતિ ભદ્રાબેન વડગામા,લંડનથી પત્ર લખે છેઃ

મિત્રો,
શબ્દહીન સૃષ્ટિની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. શબ્દ વિના વાતચીત કેમ થઈ શકે? શીખ કેમ આપી શકાય? શબ્દ વિના ગદ્ય ન હોત કે ન હોત પદ્ય; ન હોત ફિલ્મ કે ન હોત વિડીયો; ન હોત ટેલિવિઝન કે ન હોત ઈન્ટરનેટ. શબ્દ ન હોત તો આજે હું આ લખતી ન હોત, કે ન તમે એને વાંચતાં હોત. શબ્દહીન દુનિયા હોત તો આપણે કંઈ કેટલું યે ગુમાવ્યું હોત.

શબ્દથી કેટલું બધું વ્યક્ત કરી શકાય છે! હાવભાવથી મનુષ્ય પોતાની બાહ્ય લાગણીઓ કદાચ દેખાડી શકે પણ તેની આંતરિક પરિસ્થિતિનો ચિતાર તો તે શબ્દો દ્વારા જ આપી શકે ને?. જેટલો શબ્દો પર તેનો કાબુ, એટલી એની ભાષામાં વિવિધતા.

 મિત્રો, યાદ કરો કે, જ્યારે ભાષાની ઉત્પતિ નહોતી થઈ ત્યારે પણ દુનિયાભરના આદિવાસીઓએ ગુફાઓ અને પત્થરો પર ચિત્રો દોરી સૈકાઓ બાદ પણ આપણને પોતાનાં જીવનની ઝાંખી કરાવી છે. શબ્દો માનવલોક માટે એક અદ્ભૂત રચના છે, જે જ્ઞાન મેળવવાની પ્રકિયા માટે અનિવાર્ય છે. તે આપણને સંગઠિત કરવામાં, પ્રેરણા આપવામાં બહુ અગત્યનો ભાગ ભજવે છે.

પણ ક્યારેક શબ્દને આપણે સીમિત કરી દઈએ છીએ એવું નથી લાગતું શું?
દાખલા તરીકે, ઘર. અહીં
  શબ્દ માટે આપણે કેવી રીતે અમુક સીમા બાંધી લઈએ છીએ.એ સ્વ. નિરંજન ભગતના કાવ્યથી સ્પષ્ટ સમજાશે

ઘર તમે કોને કહો છો?
જ્યાં ટપાલી પત્ર લાવે,
શોધતાં વણશોધતાં મિત્રો અને મહેમાન આવી ચડે,
ક્યારેક તો આવી પડે,
જેનું બધાને ઠામઠેકાણું તમે આપી શકો
તેને તમે શું ઘર કહો છો
?
તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખાં,
ભાર-ટોપીનોય-માથેથી ઊતારીને,
અને આ હાથ બે પ્હોળા કરીને હાશક્હો;
જ્યાં સર્વનાં મુખ જોઈ તમને સ્હેજમાં મલકી ઊઠે
ત્યાં ત્યાં બધે ક્હો તમારું ઘર નથી
?
તે ઘર તમે કોને કહો છો?

એજ રીતે મને ભદ્રાતરીકે કેટલાંય લોકો ઓળખે છે. દરેકેદરેક વ્યક્તિ, મારા નામના એ શબ્દના અર્થ રૂપે, તેમને મારા વિશે મળેલી માહિતી, કે મારા સંપર્કમાં આવ્યા પછીના અનુભવ પર આધારિત, મારા વ્યક્તિત્વ વિશે અનુમાન બાંધે છે. પણ એ છતાંય એ બે અક્ષરમાંની હુંને તો કોઈ પણ સંપૂર્ણ રીતે ઓળખી નહીં જ શકે.

શોધ કરીએ તો એક જ શબ્દનાં કેટલાં બધાં રૂપ આપણને દેખાશે: એ માટે હું પાણીશબ્દનો ઉલ્લેખ કરવા માગું છું. એ શબ્દનો સામાન્ય અર્થ આપણે આમ તારવીએ છીએ – જળ, શૌર્ય, તેજ, કે ટેક. પણ એ જ શબ્દ સાથે બીજો એક શબ્દ જોડવાથી એના અનેક અર્થ થઈ શકે છે. ઉદાહરણ એટલાં બધાં છે કે તમે જાતે જ ગુજરાતીલેક્સિકોનમાં પાણીશબ્દના અર્થ સાથે આપેલી શબ્દસૂચિ જોશો તો જ તમને એ શબ્દની વિશાળતાનો ખ્યાલ આવશે.

શબ્દોની સચોટ અસર ઉપજાવવા માટે ભાષામાં ઘણા પ્રયોગો થાય છે. અહીં હું દેવિકાબહેન ધ્રુવની રચેલી એક કૃતિ સાંભળવાનું સૂચવીશ.

https://m.youtube.com/watch?v=wyW6-nHYiEE

આ પ્રકારના શબ્દપ્રયોગને અનુપ્રાસ કહેવાય છે. અહીં એક જ અક્ષરથી શરૂ થતા શબ્દોની આવી રચના દ્વારા દેવિકાબહેને તેમના મુક્તકને કર્ણપ્રિય અને વધુ અસરકારક બનાવ્યો છે.

એ જ રીતે જેને અંગ્રેજીમાં onomatopoeia કહેવાય છે એ શબ્દો એવા હોય છે કે તેમના ઉચ્ચારથી જ તેમનો અર્થ ફલિત થતો હોય છે: દાખલા તરીકે વિજળીનો ગડગડાટ, માખીઓનો બણબણાટ, હાસ્યનો ખિલખિલાટ, મરચાનો તમતમાટ, વગેરે.

મહાભારત ગ્રંથનો અંગ્રેજીમાં અનુવાદ કરનાર એક અંગ્રેજ વ્યક્તિએ કહેલું મને યાદ આવે છે. મહાભારતના યુધ્ધનું વર્ણન સંસ્કૃતમાં એવા શબ્દોથી કરેલું છે કે તેમાં હાથીઓની ગર્જના, ઘોડાનો હણહણાટ, શસ્ત્રોનો ખણખણાટ, સૈનિકોનો કલબલાટ, શંખનાદનો ધ્વનિ વગેરે એટલા બધા onomatopoeic શબ્દોથી એ સર્જેલું છે કે એ શબ્દોની રચનાથી અંકિત થતું ચિત્ર અંગ્રેજી અનુવાદમાં થઈ શકે તેમ નથી. હા, અંગ્રેજી ભાષામાંથી ચોક્કસ શબ્દો પસંદ કરી એમ કરી શકાય ખરું પણ એ પછી એ અનુવાદ નહીં પણ રૂપાંતર બની જાય.

મિત્રો, બોલવાની રીતમાં પણ એક મઝા છે. બોલવાની લયથી  એક જ શબ્દનો અર્થ જુદીજુદી રીતે તારવી શકાય છે. ઉદાહરણ તરીકે હું લઈશ શબ્દ ઠીક’.

ફિલ્મ કેવી હતી?”ના ઉત્તર જુઓ.

ઠીક હતી.

ઠી……ક હતી.

ઠીકઠીક હતી.

ના હો, બહુ ઠીક હતી.

એટલે શબ્દના અસરકારક પરિણામ માટે ઘણું બધું જરૂરી છે. ભાષા પરનું વર્ચસ્વ, શબ્દોની વિચારપૂર્વકની ટાંકણી, વિષયની ઊંડી સમજણ, ઉચ્ચારની સ્પષ્ટતા, બોલવાની લય અને પરિસ્થિતિ અનુકૂળ તેના ઉપયોગની મર્યાદા.

શબ્દ માનવ જાતિએ પોતાના માટે ઉત્પન્ન કરેલી એક અલૌકિક ભેટ છે.

ચાલો, સૌ શબ્દપ્રેમીઓને સલામ.

ભદ્રા વડગામા

London, UK.

bv0245@gmail.com

Advertisements

9 thoughts on “પત્રાવળી ૨૫ 

 1. નમસ્તે ભદ્રાબેન તથા દેવિકાબેન, આજની શબ્દની પત્રાવળીમાં થોડો મસાલો મારા તરફથી. માણસને વાણી મળી છે. જેનાથી પરસ્પરને વધારે સમજી શકે છે ને પોતાની લાગણીની અભિવ્યકિત કરી શકે છે. આ વિચારીએ ત્યારે મુંગા માણસની શું હાલત થતી હશે તે સમજાય. માનવ સિવાય પશુપંખીને પોતાની ભાષા હોઇ શકે. જે વ્યકિત આ અબોલ જીવની ભાષા સમજી શકે એ પ્રાણીઓને તાલિમ આપીને ખાસ કામ માટે કેળવી શકે. યુરોપમાં એક માણસે કીડી જેવા કીટકને કેળવીને હજારો કીડીઓને એવો શો રજુ કર્યો હતો કે જોતા દંગ થઇ જવાય. એજ પ્રમાણે આપણા મદારી સાપ, વાંદરાને શો માટે તૈયાર કરે છે, સરકસમાં વાંદરા, હાથી,ઘોડા, વગેરે પ્રાણીઓને તાલીમ આપવામાં આવે છે કે જેનાથી એ ત્રેઇનરની ભાષા ને ઇશારા સમજે છે. એ પ્રમાણે વર્તે છે. રોજના વપરાશમાં બળદ જે ખેતરમાં કામ કરે, ઘોડા જે અસવારની ભાષા ને ડચકારો સમજે, હાથી જંગલોમાં લાકડા વહન કરવાનું કામ કરે એ વણબોલાયેલી ભાષા હોય. એ જ પ્રમાણે પ્રાચીનસમયથી કબુતર સંદેશવાહક તરીકે કામ કરતું.આજે પણ પશુંપંખીની સ્વરને આપણે આપણી રોજીંદી ઘટમાળમાં જોડીએ છીએ, જેમકે કાગડો બોલે તો મહેમાનનો સંદેશવાહક, હોલા કે ઘુવડ બોલે તો એ અપશૂકન કે મોતનો પૈગામ. કુતરા ભસે તો જમના આગમનની એંધાણી, મોરનો ટહુકો એવર્ષાનું આગમન ને કોયલનો ટહુકો એ વસંતનો સંદેશ. જોન ગુડાલ ને એવા અનેક નૃવંસશાસ્ત્રીઓએ આફ્રિકાના જંગલોમાં વાંદરા સાથે જે કામ કર્યુ છે એ હેરત પમાડેછે.
  એવું લાગે કે પ્રાણી પાસે વાણી નથી પણ સાંભળીને એ પ્રમાણે વર્તવાની ક્ષમતા તો ધરાવે છે.

  Liked by 4 people

 2. ભદ્રાબેન, આપે લખેલ પત્રમાં શબ્દ વિશે ઘણું જાણવા મળ્યું, ખરેખર “શબ્દ માનવ જાતિએ પોતાના માટે ઉત્પન કરેલી એક અલૌકિક ભેટ છે ” એક વાક્યમાં ઘણું કહેવાય ગયું, મને ખૂબ ગમ્યું,
  દેવિકાબેન , પત્રાવળીમાં સાક્ષર મહાનુભાવો લાવતા રહો અને મારા જેવા વાચકોને લાભ આપતા રહો એજ શુભેચ્છા.

  Liked by 3 people

 3. ભદ્રાબેન
  તમે સાચી વાત કરી છે શબ્દ ન હોત તો તમે લખતા ન હોત અને અમે વાંચતા ન હોત.
  શબ્દ વીના સમગ્ર સંસાર બહેરા મુંગા સમુદાય જેવો હોત.
  એકજ શબ્દ અલગ અલગ કાર્યમાં વાપરીએ અને તેનો ભાવ પણ બદલાઈ જાય
  ધ્યાન શબ્દ, મેડીટેશન કરતા હોઈએ ત્યારે ‘ધ્યાનમાં બેઠા છે ‘
  બાળકોને રમતા જોઈ હમેશાં બોલીએ
  ‘જોજે ધ્યાન રાખજે વાગે નહી’
  ‘ તારું ધ્યાન કયાં છે? ‘
  ‘ સારું થયું તમે મારુ ધ્યાન દોર્યું ‘
  ‘આતો મારા ધ્યાનમાં જ ન આવ્યું ‘
  કોઈ ગેઈમના નિયમો સમજાવતા હમેશાં બોલાય
  ‘ ધ્યાનમાં રહે ‘
  ખરેખર તો આ શબ્દોની માયાજાળ ઘણી વખત મીઠો અહેસાસ કરાવે તો કોઈ વખત મનને દુખ પણ પહોંચાડે, ખુશી આપે, આનંદ આપે અને આપણને વિચાર કરતા પણ કરી દે, તો સ્વપ્નની દુનિયામાં પણ આ શબ્દો લઈ જાય છે.શબ્દ વીના સપનાં પણ કેવી રીતે જોવાય ?

  Liked by 4 people

 4. સુ શ્રી ભદ્રાબેનની સુંદર વાત-‘શબ્દના અસરકારક પરિણામ માટે ઘણું બધું જરૂરી છે. ભાષા પરનું વર્ચસ્વ, શબ્દોની વિચારપૂર્વકની ટાંકણી, વિષયની ઊંડી સમજણ, ઉચ્ચારની સ્પષ્ટતા, બોલવાની લય અને પરિસ્થિતિ અનુકૂળ તેના ઉપયોગની મર્યાદા.
  શબ્દ માનવ જાતિએ પોતાના માટે ઉત્પન્ન કરેલી એક અલૌકિક ભેટ છે.’
  અંગે વધુ ચિંતન
  ઋગવેદના ઋષિને ખબર પડી હતી કે આ વાણી છે ને એને ચાર ચરણ છે. જેમાંના ત્રણ ચરણ તો ગુફામાં ઢંકાયેલા છે. એનું એક જ ચરણ વૈખરી રૂપે આપણને અનુભવાય છે, ઉપસ્થિત થાય છે. આપણને એ પ્રત્યક્ષ થાય છે. શબ્દનું અધિષ્ઠાન આકાશ છે. શબ્દ આકાશનો ગુણ છે. એટલે કે શબ્દને રહેવાની જગ્યા આકાશ કવિ શબ્દના સ્વરૂપને પામવા મથતો હોય છે. એની પાસે શબ્દનાં ભિન્ન ભિન્ન સ્વરૂપો પ્રગટ થતાં હોય છે. જેમકે-
  મથુરાને મોહક મોરલીની માયા,
  મૈયાને મોંઘેરા માસુમની મમતા.
  અને સૂક્ષ્મ પરા, પશ્યન્તી અને મધ્યમા તરફ પ્રયાણ શરુ થાય …
  શબ્દ અનુભવાય

  Liked by 2 people

 5. ણ પત્રાવળીમાં નવા પાન ઉમેરાતા જાય છે અને પત્રાવળી સાચા અર્થમાં વૈશ્વિક બનતી જાય છે.
  પાન પણ કેટલા પ્રકારના, કલકત્તી મીઠું પાન કે અમિતાભે દુનિયાભરમાં પ્રસ્સિધ્ધ કરેલું “ખઈકે પાન બનારસવાલા”
  મારુંભાવતું પાન મઘઈ જે જોડીમાં જ આવે.
  શબ્દો પણ કેટલાક જોડીમાં જ બોલાય છે ને આરપાર જોવું, તડફડ કરી નાખવું.
  પાન ખાવાનુ હોય અને સાહિત્યનુ રસ પાન કરવાનુ પણ હોય.
  પત્રાવળી એ કેટલાય નવા સાક્ષરોનો પરિચય કરાવ્યો ને આગળ પણ કરાવશે.

  Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s