પત્રાવળી ૨૨ 

રવિવારની સવાર….

સનેહી બહેનો,

એતાન શ્રી ગામ અમદાવાદ મધ્યેથી લિખિતંગ જુભાઈનાં સ્નેહવંદન પહોંચે.

 અહીં સુવાણ્ય છે. તમે સઉ સુખી સાજાંનરવ્યાં હશો. તમારાં સઉની ટપાલું વાંચીને ઘણું જાણવાકારવવાનું થાય છે. ખુશીસમાચાર તો સૌ લખે પણ આમ ગન્યાન વારતાયુંય થાતી રહે તો મજો પડે. જીવ્યાં કરતાં જોયું ભલું ને જોયા કરતાં જાણ્યું ભલું….ભલું થાજો તમ સંધાયનું કે આ રાગે ચડ્યા, ને બધાંને ઈનો લાભેય થ્યો.

 તમારી ટપાલોમાં મેં જોયું કે અક્ષર અને શબદનો ભાતભાતનો વપરાશ કેવો હોય છે તે તમે લખ્યું હતું. બોલચાલની હારોહાર્ય કેહવત, ગીત, વારતા વગેરેમાં શબદોનો કેવો કેવો ઉપયોગ થાય છે તે બધું વાંચીને મેં આપણા જુગલકિશોરને વાત કરી તો એમણે મને એક ચિઠ્ઠી લખીને મોકલેલી ! એમાં એમણે લગનગાળો હાલે છે એટલે લગનગીતોની વાતું લખીને તમારી સઉની વાતને જ આગળ ધકેલી લાગે છે ! જુઓ, એમની ચિઠ્ઠી જ આખી ને આખી અહીં ઠબકારી દઉં છું.…તમે સઉ જાતે જ એને વાંચો બીજું સું ?!

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

“શબ્દ બે સ્વરૂપે આપણી સમક્ષ હોય છે :

આંખેથી દેખાતો (એટલે કે વંચાતો શબ્દ) અને કાનેથી સંભળાતો શબ્દ. (‘શબ્દ’નો એક અર્થ ‘ધ્વનિ’ પણ થાય છે !)

“લખાયેલો શબ્દ તો આપણા વ્યવહારોમાં રોજિંદી બાબત છે અને બોલાતા શબ્દરૂપે તો તે શ્વાસોસ્છવાસ જેટલો ક્ષણેક્ષણનો હોય છે !

 “વ્યક્તિગત રીતે જોઈએ તો કોઈ પણ વ્યક્તિને શબ્દ સાંભળવા માટે કાન ફક્ત બે જ હોય છે પણ ધ્વનિનો ધસારો તો ચારે દિશાથી અને ભાતભાતનાં માધ્યમોથી થતો રહે છે. “લોકોનાં મોં બંધ કરી શકાતાં નથી” એ જ રીતે અવાજને ફેલાવનારાં વાજિંત્રો અને અનેકાનેક અવાજ ઓકતાં ઉપકરણોને પણ અટકાવી શકાતાં નથી. મ્યુઝિક તરીકે ઓળખાતા ‘અર્થ રહિત’ અવાજોને બાદ કરીએ તો સંગીતનો સાથ લઈને ‘સાર્થશબ્દો’ આપણા કાનોમાં સતત પ્રવેશતા હોય છે. 

 “સંગીતનો સાથ લઈને આપણને મળતા શબ્દોની વાતે, લગ્નની ચાલી રહેલી આ ઋતુમાં લગ્નગીતો ન સાંભરે તો જ નવાઈ ! લગ્નગીતો લગ્નપ્રસંગનો વૈભવ હતો એક જમાનામાં ! આ ગીતો પાછાં અર્થસભર હતાં. લગ્નગીતો એટલે લગ્નપ્રસંગની શોભા અને શિખામણ !!

 “૬૫ વરે પહેલાં અમે લોકો દસેક વરસનાં હઈશું. લગ્નપ્રસંગે ક્યાંય જવાનું થાય એટલે નવાં કપડાં, સારુંસારું ખાવાનું, આઘેઆઘેનાં સગાંઓનેય ઓળખવાનું, નવા ગામ કે શહેરને જોવાજાણવાનું, દોડાદોડી ને ધમાચકડી વચ્ચે કાનોમાં સતત પ્રવેશતાં રહેતાં લગ્નગીતોની મધુરી સુરાવલિઓ !!

 “ઉપરોક્ત છ–સાત બાબતોમાંની છેલ્લે મુકાયેલી બાબત – પેલી મધુર સુરાવલિઓ આજે પણ ભુલાતી નથી ! આજના જમાનામાં લગ્નો ઉત્સાહ અને ઉલ્લાસનો અતિરેક હોય તેવું લાગ્યાં કરે છે. વ્યવહારો–ખાણીપીણી–વૈભવ–પ્રદર્શનો–ધ્વનિવિસ્ફોટ જેવાં ડીજેના ઘોંઘાટ વચ્ચે “લગ્નવિધિ” તો જાણે કે સંકોચાઈને ખસિયાણી જ રહેતી જણાય છે.

 “જૂના સમયમાં શાસ્ત્રીયવિધિ, વહેવારો, સંબંધો વગેરેની જોડાજોડ જેમનું સ્થાન અને માન રહેતું–સચવાતું તે હતાં લગ્નગીતો ! લગ્નમાં એક પણ વિધિ એવી નહોતી કે જેને માટેનું કોઈ ગીત ન હોય !! એકેએક પ્રસંગનાં ગીતો. ભાવસભર, અર્થસભર અને ‘તેલની ધાર જેવો લય’ ધરાવતાં ગીતોને હું એ જમાનાનાં લગ્નોનું અ–નિવાર્ય અને અનભિગ્ન અંગ માનું છું.

 “વહેલી સવારે, ભળભાંખળું થયું ન થયું હોય તેવે સમયે બહેનો ઢુંગલું વળીને બેઠી હોય; મહેમાનો ઝાઝાં હોય એટલે મોટાભાગની મહિલાઓએ માથે ઓઢ્યું હોય અને ગણેશ પરમેશરના નામથી આરંભીને ઘેનમાં નાખી દે એવા મધુરા સ્વરમાં અને તાલમાં એકસરખા લય સાથે તેઓ પાંચેક ‘પરભાતિયાં’ ગાય ! આ પરભાતિયાં એના અસલ સૂર અને ઢાળમાં કોઈને મળી આવે તો એને આ પત્રો નિમિત્તે મૂકવાં જેવાં છે ! એમાંનું એક તો આજેય રુંવાટાં બેઠાં કરી દે તેવું છે. એ ગીત મનમાં ક્યારેક જાગી જાય છે ત્યારે ૬૫ વર્ષો ક્યાં વયાં જાય છે તે સમજાતું નથી ! લગ્નસ્થળે ક્યાંક ખૂણામાં સૂતેલો હું મને કલ્પીને છાનોમાનો એ હલકભર્યો લય માણી લઉં છું…..(શબ્દોમાં જોકે ક્યાંક ભૂલ હશે….)

 “નમો નમો નારાયણ રે,

લેજો લેજો ચારે દેવનાં નામ હર……નમો નમો નારાયણ રે !

દ્વારકામાં રણછોડરાયને સમરિયે રે,

લેજો લેજો ચારે વેદનાં નામ હર………..’

 “લગ્નગીતો એટલે ફક્ત સંગીત ને લયતાલ માત્ર નહીં; લગ્નગીતો એટલે લગ્નપ્રસંગને શોભાવનારાં અને એકેએક પ્રસંગે કોઈ ને કોઈ શિખામણો ને સંદેશાઓ પ્રસરાવતા અર્થસભર શબ્દો !!

 “શબ્દનો મહિમા કોઈથી પૂરો ગવાયો છે કે હું કોઈ દાવો કરી શકું ભલા ?! શબ્દનો મહિમા ગાવા માટેની પૂરેપૂરી શબ્દશક્તિ ખુદ સરસ્વતી સિવાય કોની કને હશે ?

 – જુગલકિશોર.

–––––––––––––––––––––––––––––––––––––––––

તો, બેન્યું મારાં !

વાંચ્યું ને જુગલકિશોરે લખીને મને મોકલેલું ચિઠ્ઠીનું લખાણ સઉએ ? જો વાંચ્યું, તો હાંઉં !

બાકી આંય બધાં સારાંનરવાં છયેં. તમારાં સઉનાં ક્ષેમકુશળ માગીએ. આમ ને આમ ક્યારેક ટપાલ લખતાં રેજો પાછાં. સારું લાગે છે.

સઉને માપ પરમાણે પરણામ ને આશીર્વાદ. 

 લિ. જુભાઈ.

 

Advertisements

19 thoughts on “પત્રાવળી ૨૨ 

 1. નમસ્તે દેવિકાબેન, તમારા આજની પત્રાવળીએ તો દાયકાના ચાલીસવરસ પાછા ધકેલી દીધા. આ લગ્નોનો માહોલ ને લગ્નગીતો મનમાં ગુંજી ઉઠ્યાં. ભલે એ સમયે કપડા કે મેકપનો ઠાઠ નહોતો. આવા મોંધા ડી.જે. કે બુફે ડીનર નહોતા પણ ઉલ્લાસ તો રજવાડી હતો. મુખ્ય આનંદ ગીતો ગાવાનો ને સામા પક્ષને ખીજવવાનો. એમા ય જો જાનપક્ષે હોઇએ તો last laugh આપણુ જ. વેવાઇપક્ષને કવચિત માઠું લાગે તો વડેરા ‘આ તો છોકરા છે એને શું ખબર પડે?એમ વાત વાળી લે. કોઇ મનમાં ન લે.
  આમાં સમય પ્રમાણે ગીત. સગાઇ,ચુંદડી, મંડપારોપણ, ચાક વધાવવાનો, પીઠી, મામેરા, જાનપ્રસ્થાન, સામૈયા, પોંખણા, માયરા, હસ્તમેળાપ, ચોરીઓ, જવતલ, છેવટે વિદાય. આંખમાં આંસુ સાથે ‘એક આવ્યો તો પરદેશી પોપટ. તો સામે ‘પરણ્યા એટલા પ્યારા લાડીના કરુણ મધુર સ્વર સાથે બન્ને પક્ષ પ્રસંગ ઉકેલે. એક તરફ સુના માંડવામાં કન્યાવિરહનું ગીત ગવાય તો સામે આવતી જાનનન વરઘોડીયાનું સામૈયુથાય. પોંખણા થાય. ગણેશની સાક્ષીએ છેડાછેડી ને મીંઢોળની ગાંઠ નાની બેન છોડે. ભાઇને દાપુ ચુકવવું પડે. કોડી કરડા રમાય ને દુનિયાની નજરે વરકન્યા છુટા થાય. પણ અંતરથી બંધાય. હવે થોડા પ્રભાતિયા. એ વહેલી સવારે બહેનોના કોઇ પણ વાજીંત્રના સાથ વિના જે ગીતો ગવાય. એની થોડી ઝલક,૧ ચાંદા શીળી રાત રે કાનડ દેવ જનમીયા. કાનડદેવ જનમીયા ત્યારે વાસુદેવને ઘર દીવો રે. સુભદ્રાબેનના વીર સદા રહેજો વારે રે. ૨ સતી સીતાજી જગાડે સીયા રામને. હા રે તમે જાગો રે રઘુકુળના રાજા. હા રે વાલા સાદ પાડુ તો કોઇ સાંભળે, જાગ્યા જાગ્યા રે સરયુના નીર, ચૌદ વરસ સતીને સાંભર્યા ને નયણે નીર ઉભરાણા. ૩ સુરજ ઉગ્યો રે સરવરીયાની પાળે કે વાણેલા ભલા વાયા રે. સુતા જાગો રે જસોદાના લાલ કે વાણેલા ભલા વાયા રે
  .૪ વાણા વાયા રે જાગો ધરતીના જાયા, વલોણા જોવે તમારી વાટ. ગાયો ગમાણે ને ઘોરી જોતરે ,વાછરડા જોવે તમારી વાટ. કુવાના નીર ઝંખે પનીહારી ને મંદિરે ઠાકોર જુવે તમારી વાટ. ભુલચુંક માફ એજ વિમળાબેનના વંદન

  Liked by 3 people

 2. જુ’ભાઇનો ખુબ જ સરસ નવીન પ્રકારનો લેખ ગમ્યો .
  આજના આ ઇ-મેઇલના જમાનામાં સ્વજનના હાથે લખાયેલ ટપાલ વાંચવાનો – આત્મિયતાનો લહાવો મળ્યો. સ્વજનને પ્રત્યક્ષ મળ્યાની અનુભુતિ થઇ.એક પ્રતિકાત્મક સંદેશ મળ્યો.સાહિત્યમાં સંદેશનો પ્રયોગ કાલિદાસે ‘મેઘદૂત’માં કર્યો, સાંપ્રત સમયનું એક ગીત “સંદેશે આતે હૈ.. હમે તડપાતે હૈ..” કોઇ સમયે આપણા જીવનમાં ભજવાઇ ગયું હોય છે.
  શબ્દનો મહિમા ગવાયો. ભજન ને એટલે આત્માની પરમાત્માને લખેલી ટપાલ. કવિતા કવિની ટપાલ. સાહિત્ય સર્જકની ટપાલ. સંશોધન સંશોધકની ટપાલ.. વનસ્પતિના પ્રત્યેક છોડ ઉપર ફૂલને ઊઘડતું જોઉં છું ત્યારે મને એ ફૂલમાં છોડવા દ્વારા પ્રગટતી ધરતીની પ્રસન્નતાની ટપાલ વંચાય છે. રવિવારે ટપાલનો અભાવ વિપ્રલંભ શૃંગાર . ચોમાસું પ્રેમપત્રોની ધારા. આભ-ધરાનો સંદેશ. જલ-સ્થળનો સંદેશ. એ પ્રેમપત્રો ભીંજવે છે એ પ્રેમના શબ્દનાં ઓધાન રહે છે. મૃત્યુ પણ ટપાલ છે. આમ તો પ્રત્યેક ક્ષણ ટપાલ છે. આપણે એ ટપાલમાં લપાયેલી લિપિને બરાબર ઉકેલીએ તો જ એનો મર્મ પામી શકીએ.

  .
  સાહિત્યાકાશમાં તેમના આવા અનેક લેખોથી આપણને સંદેશાઓ આપવાની અપેક્ષાઓ અસ્થાને નહિ ગણાય

  Liked by 3 people

  • mahendra thaker
   To:
   Pragna Vyas
   May 20 at 9:54 AM
   આમ તો પ્રત્યેક ક્ષણ ટપાલ છે. આપણે એ ટપાલમાં લપાયેલી લિપિને બરાબર ઉકેલીએ તો જ એનો મર્મ પામી શકીએ.
   very true..almighty speaks in language of codes= Tapal if we learn to read it..” World is Open Book”
   mhthaker
   https://sites.google.com/site/mhthaker/

   Liked by 1 person

  • દીદી, તમારી ટીપ્પણી માટે આભાર. આ પત્રલેખનનો દાખડો આખો મને ઓચિંતો સૂઝી તો આવ્યો પણ આજીવન આળસુ એવા મને એની જવાબદારી લેવાની દાનત હતી નહીં એટલે દેવીબહેનને ખો આપી દીધી ! એમણે આ વાતને વધાવી તો ખરી જ પણ વધારીયે આપી ! હવે તેમને સાથ આપનારાં અને પ્રોત્સાહિત કરનારાં સૌને ધન્યવાદ !

   Liked by 1 person

 3. લગ્ન ગીતો એ મનની અંદર સમાએલ ખુશીની ભાવભરેલી અભિવ્યક્તિ જે શબ્દોથી કરાતી હોવાથી સાંભળીને આનંદ આવે છે.
  વાહ પ્રજ્ઞાબેન તમે ખુબજ સુંદર વાત કરી છે, પ્રત્યેક ક્ષણ ટપાલ છે !
  મનની અંદર ચાલતા વિચારો પણ એક ટપાલ સમા લાગે છે, તેમાથી જ કોઈ સંદેશ મળે છે અને આપણે કોઈ કામ કરવા માટે પ્રવૃત થઈ છે.

  Liked by 1 person

 4. જુ’ભાઈ, વાંચીને મજા પડી ગઈ અને એ નાનપણની ઝાંઝરીયાળી પગલીઓનો ઉમંગ ખુશી ખુશી અનુભવ્યો.
  લગ્નગીતોમાં “મોર જાજે ઉગમણે દેશ, મોરે જાજે આથમણે દેશ.” એકલાં ગાઈ લીધું.
  સરયૂ પરીખ

  Liked by 1 person

  • એવું જ મને બહુ ગમતું ગીત, “આ દશ આ દશ પીપળો, આ દશ દાદાનાં ખેતર; દાદા કિયાભાઈ વણામણે, દીકરી ડાહ્યાં થઈ રહેજો !!” દાદાના ખોળામાં રમતી છોડી એક દિવસ દાદાનો ખોળો છોડીને જાય ત્યારે દાદા કેવું ાનુભવતા હશે ?! આંખો ભીની કરી દેનારી આ બધી વાતો છે ! અમને પુરુષોનેય હલાવી મૂકનારી આ ગીતસરવાણીઓમાં નવી જ ધરતીમાં રોપાઈ જતી દીકરી તો કેવું કેવું અનુભવતી હશે ?!!!

   Liked by 1 person

 5. સરયૂબહેન,હેમાબહેન અને પ્રજ્ઞાબહેન, તમારી ખુશી હંમેશની જેમ જ આ વખતે પણ અનુભવી.તમે સૌ તો હવે આપ્તજન છો.આ જ રીતે પ્રેરણા વધારતા રહેજો.

  Like

 6. email from shree Mukund Gandhi
  Mukund Gandhi May 20
  દેવિકાબેન, જુભાઈનો પત્ર વાંચી મારી બાનું સ્મરણ થયું. મારા બા આ પત્રોમાં જે રીતે લખ્યું છે તે રીતે
  કાઠિયાવાડી ભાષામાં શબ્દો વાપરતા કારણ કે તેઓ લગ્ન અગાઉ શેડુભાર નામના નાના
  અમરેલી નજીકના ગામમાં રહેતા અને લગ્ન બાદ મુંબઈ આવ્યા હતા.
  આભાર.મુકુંદ
  ******************************************************************************************
  હા,ખરી વાત,મુકુંદભાઇ. અસલના લોકો એક નિશ્ચિત્ત રીતે કાગળની શરુઆત કરતા.સ્મૃતિઓ કેવી જાગી જાય છે,નહિ?
  દેવિકા ધ્રુવ

  Like

  • એ જમાનામાં કાગળ (અહીં ટપાલનેય કાગળ કહેતાં !)નો એક લગભગ તૈયાર ફરમો હતો. વેવાઇઓને કરાતાં સંબોધનોમાં રા.રા. (રાજમાન રાજેશ્રી), નાનાંઓને લખાતાં ચિ. કે બહેનોને લખાતાં અ.સૌ. કે ગં.સ્વ. જેવાં “મથાળાં” અને છેવટનાં પૂરક વાક્યો ને ખાસ તો તા.ક. વગેરેને યાદ કરીએ તો ટપાલનો જમાનો ખડો થઈ જાય. (મેં આપણા જાણીતા હાસ્ય લેખક ને પ્રતીકાવ્યોના માસ્ટર ન.પ્ર.બુચના મારા પરના ૬૫ પત્રો વિશે વિસ્તૃત લેખ લખેલો એમાં એમનાં પત્રોની ફોરમ અનુભવાય છે !) પત્રો અંગે લખીએ એટલું ઓછું. છેક ૧૯૬૮ આસપાસ ગુજ. સમા.ના સાપ્તાહિક સ્ત્રીમાં મેં ‘રમાનો પત્ર’ અને ‘રમાને પત્ર’ શ્રેણી શરૂ કરેલી !

   Liked by 1 person

 7. જુગલકિશોરભાઇ,
  આ પત્ર વાંચી મને ૧૯૫૧ માં ઝાલાવાડના લી મડી ગામમાં થયેલ મારા સૌથી મોટાબેનના લગ્ન નજર સમક્ષ આવી ગયા ,સર્યુબેન તમે કહ્યું તેમ અમે બેઉ નાની બેનો ઘાઘરી પોલકુ પહેરી પગમાં ઝાંજર પહેરી લગ્નગીતો સાભળી જેવું આવડે તેવું માસી, મામી કાકી સાથે ગાવા લાગતા.ખૂબ આનંદ ઉલ્લસનું વાતાયરણ આખા મહોલામાં જણાતો હવે તો બંધિયાર હોલ ડી જે ના અસંખ્ય વાજિન્ત્રો સાથે ફીલ્મી ગીતો. હેમાબેન સાચી વાત આવા વિચારો આવે એ પણ પત્ર લખવા જ પ્રેરણા જ આપે .દેવિકાબેન તમારી પત્રાવાળી દ્વારા ઘણું જાણવાનું મળે છે..પત્રો લખતા રહો..

  Liked by 1 person

 8. દેવિકાબેન,
  જુગલભાઈનો પત્રાવળીનો આ નવતર પ્રયોગ ગમ્યો. ટપાલ શબ્દ જ કદાચ આજના જુવાનિયા સમજી ના શકે એવું બને. લગ્નગીતો જેમા હર પ્રસંગને અનુસરતા ભાવ જે સાઠી વટાવી ચુકેલા આપણે માણ્યા છે તેની વાત જ નિરાળી છે.
  ટપાલ શબ્દે મને ૧૯૭૪ માં અમેરિકા આવેલા મારા ભાઈની યાદ અપાવી દીધી. લગભગ દર પંદર દિવસે લખાતા એ લાંબા પત્રો. એની આંખે મે અમેરિકા જોયું. અત્યારે લાગે છે ઘરસંસારની જવાબદારી સાથે કેવો સમય કાઢી એ પત્રો લખાયા હતા.
  આજના વોટ્સઅપના જમાનામાં ન શબ્દોમાં કોઈ અલંકારછે ન કોઈ મધુરતા.

  Liked by 1 person

  • સાચી વાત છે; પત્રો એ સાહિત્યનો બહુ મજાનો ને ભાવ–વિચારને પ્રગટ કરવાનો સક્ષમ પ્રકાર છે. એને આપણે ફરી આ નેટમાધ્યમે જીવિત કરવા જેવો છે. મારા આ વિચારને અમલમાં મૂકવા બદલ દેવીબહેનને ધન્યવાદ !

   Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s