પત્રાવળી -૮

પત્રાવળી 

રવિવારની સવાર....

પત્રાવળીની પંગત અને સંગતના સંગી,

આ પત્રાવળી શબ્દે તો જાણે કંઇ કેટલા સંદર્ભો ખોલી આપ્યા. આજ સુધી ભુલાઇ ગયેલા આ શબ્દે તો જાણે અતીતના દરવાજા ખોલી નાખ્યા. દેવિકાબેન, તમે કહો છો તે કહેવતો તો ઘર આંગણાની શાળા હતી. નાના હતા ત્યારે દાદી-નાની પણ કોઇ વાત સહેલાઇથી સમજાવવા માટે કહેવતોનો જ આશરો લેતા હતા ને? કહેવતોમાં  થોડામાં ઘણુ સમજાવી દેવાની વાત હતી. એવું ય બનતું કે દાદી-નાનીની વાતોમાં આવતી કહેવતોમાં અપભ્રંશ થયેલા શબ્દો સરળતાથી પોતાનું સામ્રાજ્ય જમાવીને બેઠા હોય. આજે પણ ગુજરાતીમાં  કેટલાય અપભ્રંશ થયેલા શબ્દો હશે જે આપણી વાતમાં અજાણતાં જ  ગૂંથાઇ જાય છે.

 કાણા મામા પાછળના કહેણા મામાની વાત કરી ને ? બિચારા મામા ! મા અક્ષરમાં બીજો મા ઉમેરાય ત્યારે જઈને એ વ્હાલસોયો શબ્દ મામા બને પણ કહેવતોએ તો મામાને ય કાણો કરી મુક્યો!  એવી જ રીતે કહું તો પત્રાવળી શબ્દ પણ ક્યાં રોજીંદા ચલણમાં હતો ? પત્રાવળીના બદલે પતરાળી જ સાંભળતા આવ્યા હતા ને? કદાચ પત્રાવળી શબ્દ તો એ પતરાળીમાં પીરસનારા અને ખાનારાને પણ જરા ભારભર્યો લાગતો હશે, નહીં?

 

આજે પત્રાવળીના અપભ્રંશ થયેલા પતરાળી શબ્દે મને એક ખૂબ રમૂજી વાત આજે યાદ આવી. વાત તો જૂની લગભગ ૪૦ વર્ષ પહેલાની છે. અમારા ઘરની બાજુમાં રહેતા વડીલ દાદાનું અવસાન થયું ત્યારે એમના તેરમા નિમિત્તે અમારે એ સાંધ્ય ભજન અને ભોજનમાં એમના પરિવાર સાથે જોડાવાનું હતું. ભજન સુધી તો બધું બરાબર રહ્યું પણ ભોજન પીરસાતા અમારા માટે જરા મુશ્કેલી ઉભી થઈ. નીચે જમીન પર બેસીને પતરાળીમાં  પીરસાયેલી અનેક વાનગીઓ જોઇને અને સાચે જ ભુખ પણ લાગી હતી ( દેવિકાબેન અહીં તમારી પાણીના સંદર્ભમાં લખાયેલી એક બીજી કહેવત યાદ આવી)  એટલે સ્વાભાવિક રીતે મ્હોંમાં પાણી આવ્યું . લાડુ , ફુલવડી અને મેથીના ગોટા તો જાણે ખાઇ શક્યા પણ પડિયામાં પીરસાયેલી દાળ તો પુરી વગર કેવી રીતે ખવાય એની સમજ જ નહોતી પડતી અને એ ય મઝાની ચૂલા પર ઉકળેલી દાળની સોડમથી મન તરબતર થઈ રહ્યું. આજે પણ એ દાળની સોડમ યાદ આવે તો પડિયામાંથી દાળ ખાતા ન આવડવાની અણઘડતા પર હસવું આવે છે. બાજુમાં બેઠેલા બા જે ટેસ્ટથી દાળમાં પાંચે આંગળીઓ બોળીને દાળના સબડકા બોલાવતા રહ્યા અને સાથે બોલતા રહ્યા કે દાળ તો આંગળા ચાટીએ એવી થઈ છે પણ એવી રીતે દાળ ખાતા અમને તો ના ફાવ્યું તે ના જ ફાવ્યું.  આપણે રહ્યા ગુજરાતી એટલે દાળ વગર દહાડો શરૂ ના થાય અને દાળની વાત આવે એટલે એની સાથે જોડાયેલી અનેક વાત યાદ આવે જ.

કહે છે ને કે દાળ બગડી એનો દહાડો બગડ્યો- જમવામાં બધુ બરાબર હોય પણ દાળ આપણા ટેસ્ટની ના હોય તો બાકીના જમણની ય મઝા મરી જાય. અને કોઇવાર દાળ ટેસ્ટી હોય પણ ખાતા ના આવડે તો ય જમણની અડધી મઝા મરી જાય…

એવી રીતે દાળ બગડી એનો વરો બગડ્યો. – ટાણે અવસરે તો દાળ સબડકા બોલે એવી જ જોઇએ ને !   ઘણીવાર એક સાથે બે કામો થઈ જાય ત્યારે ખુશ થઈને આપણે બોલીએ છીએ કે, “દાળ ભેળી ઢોકળી પણ ચઢી ગઈ’. વળી સંગનો રંગ લાગે ત્યારે પણ નથી કહેતા કે, “દાળના સંગે ચોખો નર મટી નારી થયો”? .

– દાળભાતના સૌ ગુલામ.-જેનું અન્ન એના ગુણ ગવાય !-

દાળમાં કંઇ કાળુ છે’.  આમ તો એ કોકમ જ હોય જેના લીધે દાળના સ્વાદમાં ઉમેરો થાય તેમ છતાં આપણે – કંઇક ગોટાળા કે વાતમાં કંઇક રહસ્ય માટે દાળમાં કાળા કોકમને કેવા સપાટામાં લઈએ છીએ નહીં?

-‘દાળ રોટલી પર શુકરાના કરવા’. એટલે કે, દાળ રોટલીથી ગુજરાન ચાલવું અથવા અન્ન દેવતાનો આભાર માનવો.

તો ચાલો, આજે અહીં  આભાર શબ્દે વાચકોની પણ યાદ આવી. વાચકમિત્રોએ આ પત્રાવળીને જે આવકાર આપ્યો છે એના માટે એ સૌનો પણ આભાર માનીને આ પત્રની પૂર્ણાહુતિ કરું?  

અરે ! જતા જતા વળી આ પૂર્ણાહુતિ શબ્દથી મનમાં  એક વિચાર રમતો થયો..પૂર્ણાહુતિ તો મોટા ભાગે યજ્ઞ વગેરેની પૂર્ણતા દર્શાવતો શબ્દ છે; અને પૂર્ણાહુતિ તો ત્યારે જ થાય ને જ્યારે શરૂઆત થઈ હોય. હોમ-હવન કે યજ્ઞની શરૂઆત ૐ થી થાય છે. જાણે આખુ બ્રહ્માંડ એમાં સમાયુ. તો પછી આ એકાક્ષરી એવા ૐ ને શબ્દ કહીશું કે અક્ષર? …વળી એમાંથી મનમાં પ્રશ્ન ઉભો થયો કે આ શબ્દો જેમાંથી સર્જાયા એવા અક્ષરોનું ય પ્રાધાન્ય તો ખરું જ ને? શું કહો છો?

રાજુલ કૌશિક

11 thoughts on “પત્રાવળી -૮

  1. “દાળ ભેળી ઢોકળી પણ ચઢી ગઈ’. વળી સંગનો રંગ લાગે ત્યારે પણ નથી કહેતા કે, “દાળના સંગે ચોખો નર મટી નારી થયો”? .
    – દાળભાતના સૌ ગુલામ.-જેનું અન્ન એના ગુણ ગવાય !-
    ‘દાળમાં કંઇ કાળુ છે’. આમ તો એ કોકમ જ હોય જેના લીધે દાળના સ્વાદમાં ઉમેરો થાય તેમ છતાં આપણે – કંઇક ગોટાળા કે વાતમાં કંઇક રહસ્ય માટે દાળમાં કાળા કોકમને કેવા સપાટામાં લઈએ છીએ નહીં?
    -‘દાળ રોટલી પર શુકરાના કરવા’. એટલે કે, દાળ રોટલીથી ગુજરાન ચાલવું અથવા અન્ન દેવતાનો આભાર માનવો.

    રાજૂલબહેન, આમાંની ચાર કહેવતો પહેલી વાર સાંભળી, અને કાળુ કે પછી કાળું એ કોકમને ઉદેશીને વપરાયું છે એ પણ પહેલી વાર જાણ્યું. મજા પડી વાંચવાની. પણ એક વાત કહું તો ખોટું ન લગાડતાં. અમુક શબ્દો પર અનુસ્વારો ચૂકી ગયાં છો, દા.ત. જતાં જતાં. મેં ઘણું પ્રૂફ રીડીંગ કર્યું છે એટલે જોડણી અને વ્યાકરણ પરઅનાયાસે ધ્યાન ખેંચાઈ જાય છે.

    Liked by 1 person

    • આદરણીય ભદ્રાબેન,આપના પ્રતિભાવનો ખૂબ જ આનંદ છે. આ જ રીતે પ્રોત્સાહિત કરતા રહેશો અને ભૂલો તરફ નિર્દેશ કરી માર્ગદર્શન આપતા રહેશો. અનુસ્વારની ચૂક મારી છે,રાજુલબેને તો બરાબર જ મોકલ્યું હતું. ખોટું લગાડવાનો તો સવાલ જ નથી. આ જ તો કલમની પરખ,કસોટી અને એ રીતે પ્રગતિના સોપાન છે ને? આપનો ખૂબ આભાર.

      Like

  2. રાજુલબેન,નમસ્તે. તમારી પત્રાવળી આજે ચાખી. ભઇ,દાળ તો બહુ સરસ બનાવી છે ને. ચા ને બદલે દાળ પીવાઇ જાય!હા સાથે મારી ખીચડી પકાવી લઉ. મારી બે કહેવતો. લોકો જયારે પોતાની કાયમી જરુરિયાતો માટે કાયમ બીજાનો આધાર ઝંખે. જેમ કે ભિખારી કે સાઘુ રોટી માટે ભીખ માગે કે સામાન્ય નાગરીક નાની નાની જરુરિયાત માટે વિચારવાની કે કામ કરવાની તકલીફ ના લે કે
    વેલફેર જીવતી વ્યકતિ એને પોતાનો જન્મસિધ્ધ હક માનતી થઇ જાય.ત્યારે કહેવુ પડે કે ‘ભઇ, કોઇ ભાણાની ભાંગી દે પણ ભવની નહિ. મતલબ એકાદ વખત કોઇ મફત જમાડે પણ આખી જીંદગી નહિ. બીજી કહેવત કે ભીખના હાલ્લા શીંકે ન ચડે કે માગ્યા ઘીએ ચુરમા ન થાય. મતલબ પોતાના પુરુષાર્થ વિના માણસની પ્રગતિ ન થાય.એક વધારે કહેવત કે આપ્યુ ને તાપ્યુ કેટલી વાર ટકે. તાપણામાં તાપીને થોડી વાર ઠંડી દુર થાય પણ જેવુ તાપણુ ઠરી જાય એટલે હતા ત્યા ને ત્યા. એટલે તો કોઇએ કહ્યુ છે કે તમે માછીમારને એક ટંકનુ ખાવાનુ આપો એના કરતા એને નવી જાળ લઇ દો તો એને કાયમનુ ખાવાનુ મળશે.

    Liked by 1 person

  3. બાળપણમા પૂછતા ઉખાણું-‘કાકા કહેતા કાંઇ નહીં લાગે મામા કહેતા લાગે એ શું ?’
    દાળ શબ્દે અમ શાંતિસૈનિકોને રવિશંકર મહારાજની વાણી પડઘાઇ-‘દાળ બનાવવી હોય તો તેમાં ગોળ, આમલી, મીઠું, હળદર, મરચું વગેરે વિવિધ મસાલા નાખવા પડે છે. દરેકના વિવિધ ગુણ હોય છે. બધા સાથે મળે છે ત્યારે દાળ સ્વાદિષ્ટ બને છે. એમાં એકાદનું પ્રમાણ વધી જાય તો દાળ બગડી જાય. એ રીતે સમાજમાં જુદા જુદા સ્વભાવ ને જુદા જુદા ગુણ ધરાવતા માણસો રહે છે. એ બધાના સ્વભાવ અને ગુણની સમાજને જરૂર છે. .
    રોજ પલાળી દાળ ખાય,
    તે ઘોડા જેવો થાય.
    ભીની દાળને ગોળ ખાય
    તો બને મલ્લનો ધણી.
    અમારા વૈદ્યકાકાનું ટોનિક ‘અડદની દાળ બાજરાના રોટલા સાથે ખાઓ
    યજ્ઞની શરૂઆત ૐ…
    યજ્ઞની વેદીમાં જે અગ્નિ રહેલો હોય છે એને ‘ગુહાનિહિત અગ્નિ’
    અને અમારો નિરવરવ તે ૐ
    નિરવ રવે રટજો રજની-દિન એક મંત્ર ઉર….

    Like

  4. આ સાહિત્યના સંધમાં જોડાવું ગમ્યું! સમયનો સદોપયો થઈ રહ્યો છે!
    મારી પાસે ‘કહેવતોનો ભંડાર’ શિર્ષક નીચે, બારાખડીના અક્ષરોનુસાર છે. એક્વાર વાંચવા મળ્યા’તા ત્યારે કોપી કરી એનું અલગ બાઈન્ડર બનાવી લીધું છે. જરુરીયાતે જાણ કરો જાણવા/માણવા!

    અત્યાર સુધીમાં અહિ આવી જેમણે બે શબ્દો અમારા જેવાઓને વાંચવા મૂક્યા છે એમની અમે (દેવિકાબેન ગામના મિત્ર છે એટલે ‘અમે’ લખ્યું છે) એમની કદર કરીએ છીએ. જેઓ હજુ બોલતા/લખતા નથી એઓ એમ સમજતા હશે કે..”ન બોલવામાં નવ ગુણ!” તો યારો ભૂલી ન જતા કે “બોલે એના બોર(અહિ શબ્દો) વેચાય!

    આભાર સાથે,
    ‘ચમન’

    Liked by 1 person

  5. રાજુલબેન,ૐ એકાક્ષરી શબ્દ કે અક્ષર? એકાક્ષરી લખવામાં પરંતુ બોલતી વખતે જણાય છે ઑ…મ અ ઉ અને મ ત્રણ અક્ષર એકાક્ષરીમાં સમાયેલ છે. ૐ કાર મંત્ર, પ્રણવ અનાદિ છે. અને પૂજા કે યજ્ઞ વિધીના મંત્ર ૐ થી જ શરૂ થાય છે, અને પૂર્ણાહુતીના મંત્ર પણ ૐથી જ શરૂ થાય છે…ૐ પૂર્ણ મદઃ પૂર્ણ મિદ્ મ પૂર્ણાત પૂર્ણ મુદચ્યતે..ૐ નું રટણમાં જાગૃત, સ્વપ્ન સુષુપ્ત ત્રણે સ્થિતિનું સુચન..ૐ કાર ૐ કાર મન ધ્યાન ધર ૐ કાર…

    Like

  6. શૈલા મુન્શા લખે છે
    “રાજુલબેન,
    દાળભાત વગર ગુજરાતીનો દિવસ પુરો ન થાય. ગમે તેટલા પકવાન હોય પણ અંતે દાળભાત ના હોય તો સંતોષનો ઓડકાર ના આવે. સાથે એમ પણ કહેવાય કે દાળ બગડી એનો દિવસ બગડ્યો પણ અથાણુ બગડ્યું એનુ વરસ બગડ્યું, કારણ દાળ તો રોજ તાજી બનાવાય પણ અથાણુ તો કાચી કેરીની મોસમ આવે અને ખાટાં અથાણા તૈયાર થાય અને જે લિજ્જતથી ભાતમાં એનો મસાલોને દાળ ભેળવાય એનો સ્વાદ તો દાઢે વળગે માટે જ તો એમ કહેવાય કે અથાણૂ બગડ્યું એનુ વરસ બગડ્યું.
    શૈલા મુન્શા
    Please put my comments on website. I couldn’t post it.

    Liked by 1 person

  7. દેવિકાબેન દાળ વિષે એક ઓર કહેવત. ‘દે દામોદર દાળમાં પાણી’ ધાર્યા કરતા વધારે માણસો જમવામાં ઉમેરાઇ જાય એવે સમયે ખાસ કરીને ટેલીફોનની શોધ પહેલાનો જમાનો કે મહેમાનો ગમે તે સમયે ને સંખ્યામાં અણધાર્યા આવી ચડે. નવી રસોઇ ને ખાસ તો દાળ જેવી બહુ સમય લેતી વસ્તુ બનાવવાનો સમય નહોય. કુકર તો હતા નહિ ને ચુલા પર જ બધુ કરવાનુ. ને પાછી મહેમાન આગળ આબરુ ય સાચવવાની. એટલે દાળમાં પાણી ઉમેરીને બે વાટકી વધારે કરી લેવાની. બીજી કોઇ વાનગીમાં તો ઉમેરો થાય નહિ. પછી તો કોઇ માણસ કણની વાતમાં મોણ નાખી, મલાવીને મણ ની કરે તો લોકો કહે કે દે દામોદર દાળમાં પાણી

    Liked by 1 person

Leave a comment