પત્રાવળી-૭

રવિવારની સવાર

પત્રાવળી-૭

શબ્દોના સાથીદારો,

પત્રાવળી શબ્દમાંથી અર્થોના કેટલાં બધાં પર્ણો ફૂટ્યાં, નહિ? અને તે પણ મનોહારી વર્ણનાત્મક રૂપે! વાંચતા વાંચતા તો મનમાં દરેક અર્થોના કંઈ કેટલાંયે ચિત્રો,ચલચિત્રોની જેમ ઉપસી આવ્યા.

પ્રીતિબેનનાશબદઅનેભ્રમરશબ્દે તો મનમાં મનુભાઈ ત્રિવેદીનુ એક ગીત  ‘શબદ તો ભમરી થઈને ફરે, બારાખડીમાં બેઠો શબદ કીટ સમો કમકમે, .શબદ તો ભમરી થઈને ભમે ,. ગીત ખડું કરી દીધું. તો વળી ઉતરાણની આસપાસના દિવસોમાં જ પતંગના પેચને, કશાયે કાવાદાવાના પેચ વગર, ખોવાયેલી બુટ્ટીના પેચ સાથે સાંકળી દઈને, વિવિધ અર્થોને કથાત્મક રીતે એવા કહેવાયા કે મન મોહી ગયા!

પત્રમાં હવે શબ્દને વીંટળાયેલી એક બીજી નવી વાત કરું. ગઈકાલે  શોપીંગ મૉલમાં એક ઓળખીતા બેન મળ્યા. તેમના પતિ પણ સાથે હતાતે ખૂબ હસમુખા સ્વભાવના. મળીએ એટલે જે રીતે પૂછીએ તે રીતે મેં  તેમને પૂછ્યું  “કેમ છો? શું નવાજૂની?” જવાબમાં તરત બોલી ઊઠયા. ” નવી આવતી નથી અને જૂની જતી નથી!ને પછી અમે બધાં ખડખડાટ હસી પડયાં. છૂટા પડયાં પછી મને એના પરથી જૂની કહેવતો યાદ આવી ગઈ.

જૂના જમાનામાં આજના જેવી શિક્ષણ પ્રથા,વ્યવસ્થા કે સ્કૂલોકોલેજો હતી ત્યારે યાદ રહી જાય તેવી કહેવતો દ્વારા લોકશિક્ષણનું કાર્ય થતું. તેને પરિણામે ગામડાઓની અભણ કે ઓછું ભણેલી પ્રજાને પણ કહેવતો યાદ રહી જતી. આજે પણ જુઓ નેજૂના ગીતોની જેમ જૂની કહેવતો પણ લોકોની જીભ પર સચવાઈ રહી છે ને? મેં તો એમ પણ સાંભળ્યું છે કે, કહેવતો પર તો હવે યુનિ.માં વિદ્યાર્થીઓ પીએચડી પણ કરે છે! તમે જોશો તો કહેવતો પણ કેટલી બધી અર્થસભર અને કેવી મઝાની?

ક્યારેક દંભી ભગતો માટે એમ કહેવાતું કે, ભગત ભૂંગળી અને શેર ખાય ડુંગળી.વળી ડુંગળી તોગરીબોની કસ્તૂરીમનાય છે ને?કસ્તુરીની વાત થોડી આગળ ચલાઉં. ‘કસ્તૂરી’ એટલા માટે કહું છું કે તમને ગંધ આવે નહિ!!  કેટલી કાળજી રાખું છું તમારી, નહિ?! પહેલાંના સમયમાં કાઠિયાવાડના લુહાણાઓમાં કસ્તૂરીનો વપરાશ વધારે. તેના પરથી એક રમૂજી કહેવત આવી.”મૂળ રાતા ફૂલ ધોળાં,પાન જેવી ડુંગળી..લુવાણાની લાજ રાખી, ધન્ય માતા ડુંગળી.બીજી એક કહેવત યાદ આવી ગઈ તે કેપ્યાજ ખાધે કંઈ કપૂરની સુગંધ થોડી આવે?એટલે તમારામાંના કોઈને પણ કાંદાની ગંધ આવે તેથી વાતને અહીં પૂરી કરું!!

 બીજી એક રસપ્રદ વાત એ છે કે, ઘણી કહેવતો એક કાનેથી બીજે કાને પહોંચતા સુધીમાં તો તેમાં રહેલાં શબ્દો કેવા અપભ્રંશ પામે છે! એક દાખલો આપું કે આપણે કહીએ છીએ અને સાંભળ્યું પણ છે કે, “નહિ મામા કરતા કાણો મામો સારો ” બરાબર?  હકીકતમાં આ કહેવતમાં ‘કાણો’ શબ્દ મૂળ ‘કહેણો’ હતો. એટલે કે, નહિ મામા કરતા કહેણો (માનેલો) મામો સારો. આ ‘કહેણો’ માંથી ‘કે’ણો’ અને તેમાંથી  ધીરે ધીરે ‘કાણો’ કહેવાતો થયો ! બોલો છે ને દિલચશ્પ અપભ્રંશ? શબ્દનું મૂળ રૂપ આ રીતે વિકૃત થવાના કારણોમાંનું મુખ્ય કારણ મને  ઉચ્ચારની ખામી લાગે છે. શબ્દનો સ્પષ્ટ ઉચ્ચાર હોવો ખૂબ જરૂરી છે અને એ વાત પણ શબ્દ જ સમજાવે છે ને!

 મૂળ વાત જૂની કહેવતો અંગે કરવી હતી. મને ખાત્રી છે કે, તમે પણ વધુ મઝાની, ઉપયોગી અને રોજના વપરાશમાં સંભળાતી નવી કહેવતો જરૂર લઈ આવશો. પત્ર પૂરો કરતા પહેલાં વળી એક વાત યાદ આવી (વક્તા હાથમાંથી માઈક છોડે તે રીતે!) કે, કહેવત શબ્દના પણ એકબેથી વધુ અર્થો છે. એટલું નહિ કહેવત શબ્દ પર પણ કહેવત છે ખબર છે ને? કોઈએ કંઈ ખૂબ જ ખરાબ કામ કર્યું હોય તો એમ કહેવાય કે. એને ‘માથે કહેવત રહી ગઈ. વિશે ગામડાની બાઈઓ એકબીજાંની સાથે ખભાથી ઠોંસા મારીને, આજુબાજુ જોતાં જોતા, આંખોના ખૂણેથી કંઈક આવી રીતે વાત કરે. “અલી, બુન, મુ હુ વાત કરું? પસ તોહોંભર..પસ તો.. ઈયોને માથ કહેવત રહી જઈ”..તાણેલે, મુ તો   હેંડી રોમ રોમ…”

અસ્સલ ગામઠી ભાષા વાંચવાની મઝા આવી ને?

ચાલો, દોસ્તો, મારી મનગમતી કહેવત કહીને અટકુ? શબ્દના આ પાને મળશો તો સોનામાં સુગંધ મળશે, સમજ્યા ને? આવજો.

દેવિકા ધ્રુવ

20 thoughts on “પત્રાવળી-૭

  1. પિંગબેક: પત્રાવળી-૭ | રાજુલનું મનોજગત

  2. મેં તેમને પૂછ્યું “કેમ છો? વાંચતા
    યાદ આવે બેફામ…
    કોણ જાણે હતી કેવી વર્ષો જૂની,
    જિંદગીમાં અસર એક તન્હાઇની,
    કોઈએ જ્યાં અમસ્તુ પૂછ્યુ : ‘કેમ છો?’
    એને આખી કહાણી સુણાવી દીધી.
    પડઘાય મનહર
    મુખ પર ઢંકાયેલી
    મૃત્યુની ચાદરને સહેજ આઘી કરીને
    તમે માત્ર ‘કેમ છો’ એટલું જ પૂછ્યું હોત
    તો હું જીવી ગયો હોત;
    સંભળાય સોલી કાપડીયાનો સૂરીલો સ્વર
    નજરૂં ભરી ભરીને મેં હેત ઠાલવ્યું,
    સાન્નિધ્ય લઇ સ્મૃતિનું, પછી મૌન જાળવ્યું,
    શબ્દોની શેરી સાંકડી, ભેદી રહ્યો છું આજ.
    પૂછ્યું તમે કે ‘ કેમ છો? ‘ પીગળી રહ્યો છું આજ.
    યાદ હરિન્દ્રજી
    જાણી બુઝીને તમે અળગાં ચાલ્યાં ને છતાં,
    પાલવ અડક્યાનો મને વ્હેમ છે.
    સાવ રે સફાળાં તમે ચોંકી ઊઠ્યાં ને પછી
    ઠીક થઇ પૂછ્યું કે ‘કેમ છે?’
    અને શરદની યાદ
    જત જણાવવાનું તને કે ‘કેમ છે?’
    હું મજામાં છું એ તારો વ્હેમ છે.
    અને અમારા નાના ભાઇ ચિ સુજા
    ફર્યા ફેરા, દીધા સૌ કોલ, હરદમ સાથ રહેવાના.
    ઘૂમ્યા સાથે, મિલાવી હાથ, હૈયું દઇ અરે! સજના.
    તજી સૌ બંધનો, ઝૂમ્યા બધાં અંગો કરી ભેગાં.
    અરેરે! કેમ છો? તે પણ તમે ના બોલવાના?
    ધન્ય માતા ડુંગળી જેવી અનેક કહેવતોની વાત અમારા મિત્ર જોરાવરસિંહજીએ લોકજીવનનાં મોતીમા વર્ણવી છે .તેમાની કેટલીક યાદો જગ્યાની સંકડાશ પડતી હોય તો ડુંગળી ખાઈને સભામાં બેસવું. ડુંગળીમાં એલચીનો સ્વાદ થોડો જ હોય? કેરી, કેળાં ને કાંદા એ ત્રણેના વેપારી માંદા. કાંદા ખાઈને મોં કોણ સુંઘાડે? કાંદા ઉપર કસ્તુરી.
    વર્ણસંકર પ્રજા પાણી પછાડતી હોય ત્યારે એના માટે કહેવાય છે. મા મૂળો, બાપ ગાજર, તેનો દીકરો સમશેર બહાદૂર.
    મફતના મૂળા કેળાં કરતાં સારાં
    ભાજી શાકમાં નહીં ને મૂળો ઝાડમાં નહીં.
    ધોયેલા મૂળા જેવો
    એના મનમાં તો બધાં ભાજીમૂળા બરાબર છે.
    મોસાળમાં જઈશું ને મૂળા-મોગરી ખઈશું.
    મૂળામાં મીઠું ને દૂધમાં ખાંડ
    મૂળાના ચોરને મોગરીનો માર.
    મૂળાના ચોરને મુક્કીનો માર.
    અણદીઠાનું દીઠું ને માર મૂળાને મીઠું.
    અપભ્રંશને આભીર-ગોવાળી વગેરે જાતના લોકોની બોલી કહે છે આ ભાષાને સંસ્કૃત ભાષાના વ્યાકરણ શાસ્ત્રીઓ દ્વારા વ્યાકરણ વગરની ભાષા હોવાથી ભ્રષ્ટ ગણાવામાં આવી હતી.પ્રાકૃત સર્વસ્વમાં માર્કંડેય દ્વારા અપભ્રંશનું ત્રણ ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છેઃ ૧. નાગર, ૨. વ્રાચડ તથા ૩. ઉપનાગર. કાળક્રમે નાગર અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાની ઉત્પત્તિ થઈ. સંવત ૧૪૦૦-૧૫૦૦ના સમયના ગુજરાતના કવિઓ પોતાની ભાષાને ગુજરાતી એવું નામ ઘણી વાર આપતા ન હતા અને પ્રાકૃત કે અપભ્રંશ નામ આપતા હતા

    Liked by 1 person

  3. કહેવતોની કહાણી ગમી! કાણો મામો ને કહૅણો મામો..કેટલો બધો તફાવત. મને થતું’તું કે આ કાણો શબ્દ આ કહેવત સાથે જતો નથી એની આજે સમજ મળી! જતાં જતાં….. છેલ્લી કહેવત…’સોનામાં સુગંધ ‘મળશે’ કે ….’સોનામાં સુગંધ ભળશે!’ એની સ્પષ્ટતા મળશે? આ છે પ્રતિસાદનો મારો પ્રસાદ!

    Liked by 2 people

  4. hહવે તો દર રવિવારની સવારે, પત્રાવળી ની રાહ જોવાય છે. ક્યારેક તો પત્રાવળી વાંચવા માટે પણ વહેલા ઉઠી જવાય છે અને પાછા સુઇ જવાય છે.
    બધા જ, ઉત્તમ સર્જકો ભાગ લે છે એ ગમ્યું.
    કદાચ દર વખતે પ્રતિભાવ ન લખાય તો માનવું કે વંચાયું તો છે જ પણ ભાઇની ખોપડીમાં શો પ્રતિભાવ લખવો એ સમજાયું નહીં હોય એટલે ચૂપ રહ્યા લાગે છે. અમારી પાસે તો આવા વિચારોનું ચિંતન ક્યાંથી હોય ?
    તમે તો સાહિત્યાકાશે ચમકી રહેલા —— શું કહેવાય ?
    નવીન બેન્કર

    Liked by 1 person

  5. અમે એકવાર એક સેમિનારમાં જઇ રહ્યા હતાં, બસમાં અંતાક્ષરી રમતાં રમતાં વિચાર સૂઝ્યો કે કંઇંક નવું કરીએ. કહેવતોની અંતાક્ષરી રમીએ.કહેવતના છેલ્લા અક્ષર પરથી કોઇ કહેવત આવડે તો બોલવાની અને ના આવડેતો તેમાં એક છૂટ એવી રાખેલી કે જે કહેવત બોલાઇ હોય એમાંના કોઇ પણ એક શબ્દ પરથી નવી કહેવત બોલવાની.. જોતજોતામાં તો કહેવતોનો મોટો ખજાનો બહાર આવી ગયેલો.

    Liked by 1 person

  6. એ જમાનામાં પણ…..
    પહેલાં નવીનભાઈના વાક્યને પૂર્ણ કરું. “તમે તો સાહિત્યાકાશે ચમકી રહેલા ધ્રુવ તારો” અવિચળ અને સાહિત્ય સાધનામાં એકાગ્ર.
    કહેવતોની વાત પર નાનપણમા મારા દાદી એક કહેવત હમેશા સંભળાવતા
    “સોનાની છરી હોય તોય શાક જ સમારાય, પેટમાં ના ખોસાય”
    નાના હતા ત્યારે અર્થ નહોતો સમજાયો, પણ પછી સમજ પડી કે છરી સોનાની હોય કે લોઢાની પેટમાં ખોસે લોહી જ કાઢે.
    એ જમાનામાં પણ દાદી કોઈને પણ દિકરી કરતાં દિકરાને વધુ લાડ લડાવતા જુએ તો અચૂક આ કહેવત સંભળાવતા.

    Liked by 1 person

  7. દેવિકાબેન.ગુજરાતી ભાષામાં કહેવતોનો ખજાનો છે. મે મારા બ્લોગ પર કહેવતો મુકી છે. સમય મળે તો આંટો મારજો. કહેવતો અર્થ સભર હોય છે. આ બે કહેવતો મને ખાસ ગમે છે.૧ પાણી ગમે ત્યા ઢોળો પણ રેલો તો પગ નીચે જ આવવાનો.૨ તાણ્યો વેલો થડે જાય. પહેલી કહેવતનો અર્થ મારી સમજણ પ્રમાણે કે તમે જાણે અજાણે કોઇ અપરાધ કે લુચ્ચાઇ કરો. તમે મન મનાવો કે બધા આમ જ કરે છે. આપણે આપણા સ્વાર્થ માટે જાણી જોઇને ખોટુ કરીએ છીએ. દા.ત. કસ્ટમમાંથી ડ્યુટી ભર્યા વિના સામાન કાઢી લેવો, નોકરી મેળવવા લાગવગનો ઉપયોગ, સરકારી ઓફિસોમાં ઓળખીતાને એનકેન પ્રકારે મનાવી ખોટુ કામ કરાવી લેવુ, પરિક્ષામાં શિક્ષકો કે સુપરવાઇઝરને ફોડીને ચોરી કરાવવી.આ બધામાં આપણી તરફેણમાં પરિણામ આવે ત્યારે આપણે ગૌરવથી આપણી વ્યવહારકુશળતાને બિરદાવીએ છીએ. પણ બીજા લોકોને એ જ લાભ ઉઠાવતા જોઇએ છીએ ત્યારે જ આપણને આ લાગવગ, ભ્રષ્ટાચાર ને લાગવગ બધુ નડે છે. આપણે આ અન્નાય સામે કાગારોળ મચાવીએ છીએ. જાણે આપણે સતવાદી હરિચ્ચંદ્રનો અવતાર હોઇએ. ખરેખર તો દરેક નાનુ પાપ એક યા બીજા રુપે આપણી સામે આવે સામુહિક દુષણ રુપે આવે છે
    બીજી કહેવત કે તાણ્યો વેલો થડે જાય. આપણને આપણા માબાપથી લઇને આપણા ધર્મ, જાતિ,ધંધો, કે દેશ તરફ ગમે એટલી ફરિયાદ હોય, પણ જો કોઇ બહારની વ્યકિત ટીકા કરે કે ઘસાતુ બોલે કે આપણે ઉકળી જઇએ. આજે ચાર દેશવાસી મળે એટલે તરત દેશમાં પડતી હાલાકી ને રાજકીય ને સામાજિક સ્તરે ચાલતી બદીઓના ત્રાસનો ઉકળાટ શરુ થઇ જાય. પણ બીજો કોઇ પરદેશી જો ભારત વિષે જો ઘસાતુ બોલે તો આપણો પિતો જાય. એને કહેવાય તાણ્યો વેલો થડે જાય. અસ્તુ

    Liked by 1 person

  8. ગુજરારી ભાષામાં કેટલી બધી કહેવતો !! જુની નવી અપભ્રંશ એક એમ કેટલી બધી ? મને મારા દાદીમા જે કહેવત સંભળાવતા તે યાદ આવી ગઈ, ઘરમાં જમાના પ્રમાણે નિત નવી નવી વસ્તુઓ આવે, રસોડાના વાસણો નવી વહુ આવે તેમ બદલાતા જાય ત્રાંબાના ,પીત્તળના, સ્ટેનલેસ્ટીલના , અને કાચના ..ફાયબર ગ્લાસ ..આ બધા ફેરફારો છતાં મારા દાદીમા- દાદા પીત્તળના થાળી વાટકામાં જ જમે, કલાય ઊતરે યાદ કરી કાલાય કરાવે મે એક દિવસ પૂછ્યું મોટાબા તમે કેમ આમા જમો છો? તો મને કહેવત કહી દીધી “નવું નવ દાડા જુનું જનમારો” તમારા કાચના ફૂટિ જાય આ સ્ટૅનલેસ્ટીલ કેટલી ય ભેળશેળ વાળુ, મારે તો આ બરાબર છે.
    આ વખતે તમે સરસ વિષય લાવ્યા. સૌ સાહિત્યના આસમાનના સિતારાઓ અવિરત ચિંતન કરતા રહો, પત્રાવળીમાં નવીન પાન ગુંથતા રહૉ એજ શુભેચ્છા..

    Liked by 1 person

  9. દેવિકાબેન,
    ‘ નહી મામા કરતાં કાણો મામો સારો ‘ એમાં કહેણો મામો મુળ શબ્દ છે આજે જાણવા મળ્યુ .
    કેટલુ બધી માહિતી, કેટલું બધું જાણવાનુ અને સાથે સાથે શીખવાનુ પણ મળે છે.
    બધાની કોમેન્ટ્સ પણ એટલીજ વાંચવી ગમે છે તેમાં પણ વિવિધતા ને કારણ કંઈક નવું જાણવાનુ મળે છે.

    Liked by 1 person

Leave a comment