‘ટેરવે ઊગ્યું આકાશ’- એક અવલોકન-

‘ટેરવે ઊગ્યું આકાશ’- એક અવલોકન-દેવિકા ધ્રુવ

 

તાજેતરમાં  મારી ભારતની મુલાકાત દરમ્યાન એક  સુંદર કાવ્યસંગ્રહ ભેટ મળ્યો! ‘ટેરવે ઊગ્યું આકાશ’.
ઑક્ટો.૨૦૧૭માં ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર  દ્વારા પ્રકાશિત થયેલ આ પુસ્તકમાં ૧૫મી સદીથી માંડીને ૨૦મી સદી સુધીની  ૨૬૧ કવયિત્રીઓના ૩૫૦ જેટલાં કાવ્યોને ૪૨૭ પાનાઓમાં સંપાદિત કરવામાં આવ્યાં છે. આ સંગ્રહ વાંચતા પાંચછ દિવસ લાગ્યા. ઘણાં કાવ્યો બે ત્રણ વખત વાંચ્યા. કવિતાની આ જ ખૂબી છે ને? એક વાર વાંચીને મૂકી ન દેવાય. એટલું જ નહિ, એ અંગે કંઈક સવિશેષ લખવાનું મન પણ થાય!

સૌથી પહેલાં કાવ્યાત્મક શિર્ષક અને આકર્ષક ચિત્રાંકન મનને ભાવી ગયાં. જુદા જુદા રૂપ,આકાર અને અવસ્થા ધરાવતી સ્ત્રીઓની છાયા..સુકોમળ કરાંગુલિઓ, કલમની પાતળી અણી જેવા અણીદાર અને સંવેદનાઓ જેવાં ધારદાર ટેરવાં અને તેમાંથી ઉઘડતું આકાશએકદમ  સાંકેતિક રીતે ભાવને આરપાર કરતું (શ્રધ્ધા રાવલ દ્વારા બનાવેલ) મુખપૃષ્ઠ ગમી ગયું. પાકાપૂંઠાના પાછળના પાના ઉપર  માનનીય  કુંદનિકાબેન કાપડિયાના બે શબ્દો  આ સંગ્રહના સર્જનની સિધ્ધિ સૂચવે છે.

ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી વિષ્ણુ પંડ્યા અને મહામાત્ર શ્રી મનોજ ઓઝાની સાથે પૂર્વ અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહાશ્રી માધવ રામાનુજ, કવયિત્રી પન્નાબેન નાયક અને લતાબેન હિરાણી દ્વારા લખાયેલ પ્રસ્તાવના/શુભેચ્છા/આભાર વગેરેના પ્રારંભિક પાનાઓ પણ આ પુસ્તકના તમામ સોપાનોને ક્રમિક રીતે પ્રગટ કરે છે

 અકાદમીના પૂર્વ અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહાના સંપૂર્ણ સહયોગ થકી, ત્રણ અન્ય કવયિત્રીઓની સાથે મુખ્યત્વે લતાબેન હિરાણી દ્વારા સંપાદન પામેલ આ પુસ્તકની કેટલીક કાવ્યાત્મક વાતો અત્રે રજૂ કરવી છે.

મહદઅંશે  ગઝલ ( આશરે ૧૩૭) અને અછાંદસ પ્રકાર (આશરે ૧૩૨) ની કવિતાઓ, આંગળીને વેઢે ગણી શકાય તેટલાં લઘુ કાવ્યો, હાઈકુ અને સોનેટ , થોડીક અક્ષરમેળ રચનાઓ (આશરે ૧૫) અને બાકીના  આશરે ૫૫ જેટલાં ગીતો વાંચવા મળ્યાંઅધધધ….લાગણીઓના ધોધ છૂટ્યાં છે આમાં અને સ્ત્રીઓની વ્યક્તિગત વિવિધ સંવેદનાઓના, દુનિયા ભરીને દરિયા ઠલવાયાં છે!! ખરેખર, આંગળીના ટેરવેથી કલમ દ્વારા કે કીબોર્ડ દ્વારા અંતરના ભાવોના વિશાળ આકાશ ઉઘડ્યાં છે. સર્જન શક્તિમાં સ્ત્રીઓને ક્યાં પ્રમાણની જરૂર છે?!!

આ પુસ્તકમાં વિવિધ રસો, રંગો અને ભાવો ઉમટ્યાં છે. એમાં તાજગીભર્યાં  નવા કલ્પનો છે, રસોડાના રૂપકો છે,તો પ્રકૃતિની રમ્યતા છે. ક્યાંક અંગત વેદના છે,જીવનની વિષમતા છે,ગૂંચ છે, તો ક્યાંક વળી ખુમારી છે અને એક ખાસ મિજાજી અદા છે. કટાક્ષ અને હાસ્ય પણ  અહીં જણાય છે. નાજુક નમણી છાની પ્રેમોર્મિઓ છલકાઈ છે તો ક્યાંક દાર્શનિક વિચારો અને ભક્તિભાવની પણ ઝલક દેખાય છે. રસોડા અને પાણિયારાથી માંડીને પિયુ,પીડા,વિરહ,વાત્સલ્ય, પ્રકૃતિ અને પરમ  સુધીની વાતો આમાં સુંદર પટોળા રૂપે નીખરી છે. કવિતાના જે  સ્વરૂપમાં સર્જકની અનુભૂતિએ આકાર લીધો છે તેમાંથી તે દરેકની પોતાની એક આગવી ઓળખ  પ્રગ્ટી છે.

કેટકેટલાં નામો ટાંકવા કે પંક્તિઓ ? જાણીતી અને સિધ્ધહસ્ત  કવયિત્રીઓ ઉપરાંત ઘણી નવી કલમો કાબિલેદાદ લાગી. તેમાંથી કોઈના નામો વગર થોડી અડી ગયેલી, થોડી અર્થગંભીર અને થોડી કાવ્યાત્મક્તાથી ભરી ભરી રચનાઓને વાગોળીએ.

 અછાંદસ કવિતાની કેટલીક પંક્તિઓ માણીએઃ

મધ્યબિંદુઓ બદલાતા જાય છે, સાથે સાથે વર્તુળો બદલાતાં જાય છે’…
આજે નવરાશમાં જૂનો કબાટ ખોલીને બેઠી..ફરી આખી જીંદગી જિવાઈ ગઈ.’

લાગણીઓના કાચાવખ ફળને ચાખતા વેંત ઉબકાઈ જાઉં છું. સમય પહેલાં શતરંજ સમેટવી ઉચિત લાગતી નથી.’
હાંફતુ મન બેઠું છે એકાંતના ખભે. મનોભોમના ગાલીચા પર દોડ્યાં કરતા સોનેરી મૃગલા સાથે..”
કેટલાય કૃષ્ણોએ સમજાવ્યા ગીતાજી મને.. પણ આજે ફરી મારી જાત નીચે બેસી ગઈકુરુક્ષેત્રના અર્જુન સમી..’

આ ચિત્રકારને કોઈએ દીઠો? કેરી કેરા મધુર સ્વાદમાં..ચીકુ, કેળાં કે સંતરામાં બહુરંગે દીઠો?’
લખ્યા વિનાનો સાવ કોરો સફેદ કાગળ..આંસુએ એની ભીનાશ ટપકાવી દીધી…’

કવિતાનો શબ્દ..ક્યારેક કૂકરની બે વ્હીસલ વચ્ચે..કપડાંની ગડી કરતાં ને ઉકેલતાં, કોણ જાણે કયા સળમાંથી નીકળી સામે આવીમને કહી જાય છે બધું જ… ‘

 અહીં કેટકેટલી અનુભૂતિઓની અભિવ્યક્તિ થઈ છે. ક્રમશઃ ફીલોસોફી, સ્મરણો, આશાનો અભિગમ, સમજદારી, વેદના,વાસ્તવિક્તાનો સ્વીકાર, સ્મૃતિના પડળો, વિષાદ, અજાયબી,સંવેદના અને રોજબરોજના કામોમાં પણ કવિદ્રષ્ટિ ભારોભાર વર્તાય છે.

 ગઝલના કેટલાંક શેર જોઈએઃ

બાદબાકી રોજ ખુદની થાય સરવાળા મહીં,
હું ય જીવું છું દિવસ અને રાતના ગાળા મહીં.’

જાત સાથે રોજ લડ્યા કરીએ,
નવા નવા આપણે જડ્યા જ કરીએ. પ્રશ્નોની સાંકળ થઈ ખખડ્યા જ કરીએ.’

ઓ શૂન્યતા તું ચાલતી થા મારી ભીતરથી હવે,
નાજુક હ્રદય છે મારું, તારું કાયમી ઘર નથી.’

જીવન ચાકડે ઘૂમી ઘૂમીને રોજ થોડું ઘડાતી આવી.
કાચી માટીનું કલેવર જૂનું, ટપ ટપ નિત ટીપાતી આવી.’

મસ્ત છે આ મૌનની જાહોજલાલી,
એટલે ખપતા નથી શબ્દો શરાબી.’

રાત તો સ્વયં ઉજાસી હોય છે,
ક્યાંક ટમટમતી ઉદાસી હોય છે.’

સાંજ પડતા રાખમાંથી લાગણી બેઠી થતી,
યાદ સઘળી ભીતરેથી આંધળી બેઠી થતી.’

આવ્યા પછી એમ કંઈ છટકી શકો નહી!
મારું હ્રદય છે એમ કંઈ બટકી શકો નહીં!

આ વિચારો ક્યાં કદી પકડાય છે?
માત્ર એ કાગળ ઉપર અટવાય છે.’

સાવ કોરો પત્ર તું એકાદ જો,
થઈ શકે તો મૌનનો અનુવાદ જો.’

વૃક્ષોની વસિયતમાં લીલાં કાનોમાતર કોણ લખે છે?
પાંપણ પર શમણાંઓની ઠાલી હરફર  કોણ લખે છે?

જીવનનું ગીત છે હયાતીના રાગમાં,
સ્વયંની પ્રજ્ઞા છે માણસ તું ભાગ મા..’

જેવી મળી આ જીંદગી જીવી જવાની હોય છે.
પળ પળ અહીં દુલ્હન સમી સત્કારવાની હોય છે.’

ઉપરના દરેક શેરમાં કેવો આગવો અંદાઝ દેખાય છે?
મનોમંથન, એકલતા, અનુભવમાંથી મળતું શિક્ષણ, મૌનની જાહોજલાલી, ઉદાસી,પડકાર, ગૂઢ સવાલો અને સ્વયંની પ્રજ્ઞાના અર્થસભર ભાવો !!
વાહ..વાહ.. 

કેટલાંક ગીતોના લય અને માધુર્ય તરફ વળીએ.

ધબક ધબક ધબક્યા ધબકારા, ઝુકી ગઈ પલવાર’.

આયખાના ઓગળ્યા પહાડ, હવે ઉઘડતાં દીઠાં કમાડ

જળમાં ઝળહળિયાં ઉમટ્યાં ને, પરપોટા થઈ ખીલ્યા રે,
કોરી આંખે ટશિયા ફૂટ્યાં પાંપણ ઉપર ઝીલ્યાં રે.’

ફળિયામાં ડોકાતો સૂરજ આવીને સીધો તુલસીના કૂંડામાં પેઠો,
જોત રે જોતામાં એણે આખાયે  ફળિયાને બાંધ્યો અજવાળાનો ફેંટો.’
શમણાંમાં રસ્તો ને રસ્તામાં વાતો ને વાતોમાં વળગણ છે કાંઈ.
હું તો સમજી કે કોઈ વરસે છે આસપાસ કે મારામાં ફાગણ છે કોઈ!!’

અખંડ ઝાલર વાગે હૈયે, અનહદ આરત જાગે.’

સાંજ પડીને સંતાયો સૂરજ, જઈ ક્ષિતિજના ખોળે.’

મારા રસોડામાં સરખું કંઈ થાય નહીં.
વાસણ બહુ ખખડે પણ સરખું રંધાય નહીં..’

ઉપરોક્ત લયાન્વિત ગીતોને વાંચતા વાંચતા એક મંજુલ સૂર સંભળાય છે ને? આ તો માત્ર નમૂના જ છે. આવાં તો ઘણાં ગીતો અનોખી છટા લઈને વ્યક્ત થયાં છે.

આ ઉપરાંત જુદા જુદા અક્ષરમેળ છંદમાં રચાયેલ કવિતાઓ  નોંધપાત્ર છે. ખરેખર તો માત્રામેળ છંદની  ગઝલ હોય કે અક્ષરમેળ છંદની કવિતા હોય..બંને નોંધપાત્ર છે જ. એટલાં માટે કે, ભાવોની છંદમાં ગૂંથણી કરીને કલાત્મક રીતે રજૂ કરવી તે એક અનોખું કવિકર્મ છે. તેમાં જ સર્જકની શક્તિ અને સજ્જતા પરખાય છે અને તે ખૂબ જરૂરી પણ છે. અહીં રજૂ થયેલ લઘુકાવ્યો અને હાઈકુ પણ ઘણાં ચિત્રાત્મક અને કાવ્યાત્મક છે. અગાઉ લખ્યું છે તેમ પારિતોષિકો પામેલ  જાણીતી કવયિત્રીઓની પંક્તિઓ ટાંકેલ નથી. કારણ કે, તે સૌની તો આખી કવિતાઓ જ ફરીથી મૂકવી પડે!!

૧૫મી થી ૧૯મી સદી દરમ્યાન ગુજરાતી સાહિત્યમાં ચમકેલાં સ્ત્રીસર્જકો સાથે ૨૦મી સદીની કવયિત્રીઓને  અહીં સાંકળી લઈને  સુંદર આયામ આપી એક વિશેષ પ્રદાન કર્યું છે. એમ લાગે છે કે, આ પુસ્તકમાં કવિતાની અને તે દ્વારા સ્ત્રીની સર્જન શક્તિ તથા કૌવતની એક વૈશ્વિક તસ્વીર અને તાસીર ઉપસી છે, એક આશાસ્પદ, શુભદાયી ગૂંજ ઊઠી છે.

છેલ્લે,‘ટેરવે ઊગ્યું આકાશજેવા સુંદર પુસ્તકમાં મારી રચનાને (ગઝલ) ઉમેરવા બદલ  આનંદ અને આભારની લાગણી સાથે, સંપાદન કરેલ તમામ વ્યક્તિઓને,પરિબળોને અને હોદ્દેદારોને અભિનંદન અને સલામ.

દેવિકા રાહુલ ધ્રુવ
હ્યુસ્ટન.

 

13 thoughts on “‘ટેરવે ઊગ્યું આકાશ’- એક અવલોકન-

  1. બહુ જ સરસ સમાચાર અને પુસ્તક પરિચય. કવિતા ભાવજગતની એક અભિવ્યક્તિ હોય છે, અને સ્ત્રી સંવેદનાનું સ્થાન માનવ સંવેદનાઓમાં સૌથી ઊંચે હોય છે – તેમાં પણ માતાઓઅની સંવેદનાઓ તો સૌથી ઉત્તમ જ. જ્યારે એક સ્ત્રી સર્જન કરે છે, ત્યારે એની રચનામાં નવજાત શીશુ જેટલી કોમળતા અને નિર્દોષતા કુદરતી રીતે આવી જાય છે.
    ———–
    લતાબહેન સાથે તો ઘણો બધો ઈ-સંવાદ થતો રહે છે. તેમની જીવનકથા પણ ઠીક ઠીક જાણવા મળી છે. તેમને સાક્ષાત મળવાનો લ્હાવો પણ મળ્યો છે – અને તે પણ તેમના ઘરમાં – એ સુભગ યાદ તાજી થઈ ગઈ. એનો અહેવાલ ઈમેલથી.

    Liked by 1 person

  2. ખૂબ ગમ્યું દેવિકાબેન… મળ્યા ત્યારે જે ઉમળકો હતો તે તમારી આ તમામ પોસ્ટમાં અનુભવાયો. સંપાદિત પુસ્તકને તમે ખૂબ સરસ રીતે વધાવ્યું છે અને મુલાવ્યું છે. આભાર તો ખરો જ … આનંદ આનંદ વિશેષ…
    આપણે નિરાંતે મળી ન શક્યા એનો અફસોસ રહી ગયો પણ આ બધું તો ચાલ્યા કરે… ફરી આવો ત્યારે અગાઉથી plan કરીને નિરાંતે મળશું. અને આમ તો મળતા જ રહીશું..

    Liked by 1 person

  3. મને પણ આ પુસ્તકમાં મારા બા, ભાગીરથી મહેતા અને મારાં કાવ્યને જોવાની આતુરતા છે. દેવિકાએ “ટેરવે ઊગ્યું આકાશ” કાવ્યસંગ્રહની સુંદર માહિતી ફોન દ્વારા મને આપેલ તેનો આનંદ અને આભાર. સાચા સાહિત્ય મિત્ર.
    સરયૂ પરીખ.

    Liked by 1 person

  4. This is an email received from:
    Bhagyesh
    To:
    Devika Dhruva
    Great. You have selected some of the best lines to nib that sky hidden in the fingertop. It is still to be explored whether our women writers reflect the newly craved literature hunger or respectfully hide in status quo. It’s unending search, unending escape,too. Great luck, Devikaben…..
    Bhagyesh,
    With regards.

    Like

Leave a comment