અમોલા ખજાના સમી ક્ષણો…ઓક્ટો.નવે.૨૦૧૭

અમોલા ખજાના સમી ક્ષણો…ઓક્ટો.નવે.૨૦૧૭

 

લાંબા વિરામ બાદ…..બે મહિનાના લાંબા વિરામ બાદ ફરી એક વાર

વચગાળામાં સાબરમતીમાં ઘણા પાણી વહી ગયા ! (તાજી તાજી અમદાવાદથી પાછી વળેલ લાગુ છું ને ?)

પૂરા નવ વર્ષ પછી ભારતની સુખદ મુલાકાત લીધી. એક મહિનો વિવિધતાઓથી સભર રહ્યો. તેથી સઘળી સુખદ અને સુભગ પળોને શબ્દાંકિત કરવાનું મન થયું.

લેખને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચીશ.

()દિવાળીની ઉજવણી  () કેરાલાની મુલાકાત અને  () સાહિત્યિક પ્રસંગો.

શરુઆત થઈ હતી દિવાળીના શુભ પર્વથી. પૂરા ૩૭ વર્ષ પછી…હા,સાડત્રીસ વર્ષ પછી દિવાળીનો માહોલ પ્રત્યક્ષ માણ્યો. ધનતેરશની પ્રણાલીગત પૂજા, ધ્રુવ પરિવારની અસલ રીત મુજબ દિવાળીના કોડિયાં પ્રગટાવીને,ઉપાડીને, ઓરડે ઓરડે, તુલસીક્યારે અને આંગણામાં મૂકવાની,અજવાળવાની મઝા અને મધરાતથી ફટાકડાઓની સાથે સાથે છૂટાછવાયાસબરસસબરસના સૂરો પણ સાંભળ્યા. સાથે વર્ષોથી સૂની પડેલી સંસ્મરણોની સિતારના તારો એક સાથે ઝણઝણી ઊઠ્યાં. એમાંથી વેદનાના ગીતો ફૂટે તે પહેલાં એને ભિતરમાં યથાવત વાળી લઈ, પ્રસન્નતાપૂર્વક વર્તમાનની મઝા માણી. માતપિતા તુલ્ય મોટાભાઈભાભી ( જેઠ જેઠાણી)ની છત્રછાયામાં અને નાના બેન બનેવી ( નણંદનણદોઈ) સાથે ખૂબ આનંદ કર્યો. ગાંધીનગરના સુસજ્જરીનોવેટેડમકાનના પ્રાંગણમાં, સદગત  પૂ.બાદાદાજીના પગલા સમીપ, તેમની હાજરી તાદૃશ કરી. અમૂલ્ય ખજાના સમી તેમની જૂની ડાયરીઓની વાતો સાથે આજના ચમત્કારોનો પણ  એક વિશેષ આવિષ્કાર અનુભવ્યો.

                         
 આ દિવસો દરમ્યાન શહેરની શેરી, પોળો અને એ જૂના રસ્તાઓ પર, યૌવનની દિલચશ્પ સ્મૃતિઓને, સાથે વાગોળતાં વાગોળતાં, રઝળવાનો આનંદ માણ્યો. સાંકડી શેરીના એક એક મકાનો, દૂકાનો, નિશાળ, લાયબ્રેરી, રસ્તાઓ  એકસામટી અઢળક  સંવેદનાઓને ઝંઝોડતા હતાં. ઝુંપડીની પોળની નાનકડી ખડકીમાં બેઠેલી, મ્હોંમાં કશુંક ચગળતી ગાય પણ કેટલી પોતીકી લાગતી હતી! શૈશવનું ઘર,ભાડાનું ઘર,દાદરના પગથિયા અને એક એક ભીંતો અંદરના ધોધને બહાર લાવતા ક્યાં રોકતી હતી? રિનોવેટેડ મકાનની પાછળ મારું જૂનું ઘર, ભાઈબેન, માબાપ,દાદી અને કેટલાંયે સુખદુઃખ મિશ્રિત ચિત્રો ઉપસ્યે જતા હતા! મારા સંવેદનશીલ ભાઈબેનો તો ત્યાં જતાં રડી ઉઠે છે અથવા જઈ શક્તા નથી. હું કદાચ.. રીતે થોડી મજબૂત બની છું કે પછી કલમ થકી શક્તિ કેળવાઈ છે! બંધ પડેલાં બાલભવનની બારી પણ જૂનાં પાનાઓ ફેરવી હચમચાવતી હતી. થોડા બચેલા પરિચિત ચહેરાઓના ઉમળકા ભીતર અડતા હતા. રોજ રોજ પૂજા નહિ કરવા છતાં પણ, જીંદગીભર સતત, સતત સાથે રહેલ આશાપૂરી માતના મંદિરની પથ્થરની મૂર્તિ પણ સજીવ થઈ ઘણું બધું બોલતી હતી! 

તે પછી તો પ્રભૂતામાં પગલાં માંડેલ ઘરધ્રુવ નિવાસને પણ એના નવા લિબાશમાં જોયું અને આખાયે ખાડિયા વિસ્તારની પગપાળા કરી કૃતાર્થતાની લાગણી અનુભવી. બેસતા વર્ષના દિવસે થોડાંક જનો પાસે જળવાઈ રહેલી પ્રણાલિકાની ઝાંખી કરી તો ભાઈબીજની ઉજવણી પણ પ્રેમથી કરી. અમદાવાદમાં દિવાળીના નિમિત્તેના, ના, દિવાળીના બહાને! અઠવાડિયા સુધીના બંધ બજારોયે જોઈ લીધાં તો અંગત ઉજવણી અંગે બહારગામ જતા રહેવાની નવી રીતો પણ  મનોમન નોંધી લીધી. પરિવર્તન તો કુદરત અને માનવનો  નિયમ છે ને?!! 

બધાની વચ્ચે અમદાવાદ શહેર એના મૂળરૂપે બહુ શોધ્યું પણ જડ્યું. મને મારું ઘર શોધવામાં પણ મુશ્કેલી નડી! વિકાસ થયો છે ને?!! હા, મોટી મોટી ઈમારતો, અદ્યતન મકાનો, ગાડીઓથી ભરચક  માર્ગો, મોજશોખ ગણાતી વસ્તુઓની  હવે બનતી જતી જરૂરિયાતોકેટલું બધું બદલાયું છે? તો પછી ગરીબી ક્યાં છે? ઝૂંપડપટ્ટી કેમ નાબૂદ થતી નથી? સાંભળ્યું છે કે ઝૂંપડાવાસીઓ પોતાને મળેલાં ફ્લેટ્સ ભાડે આપી, પોતે તો ઝૂંપડામાં રહે છે! ધૂળના ઢગલાંયે ક્યાં હટે છે?  “ટ્રાફિક સેન્સકેમ અમલમાં આવતી નથી? સવાલો એટલા માટે જાગે છે કે,પોતાની ભૂમિ માટે ખૂબ લાગે છે, દુઃખ થાય છે.છતાં નવી પેઢી અને દેશના સારા નાગરિકો હજી વધુ સારા પરિવર્તનો લાવશે એવી એક આશા અને શ્રધ્ધા સાથે વિષય પર વિરમું..અરે હાં, દિવાળીના દિવસો દરમ્યાન   રેખા કમલ  મહેતા અને શ્રી ગૌરાંગ દીવેટીઆના સૌજન્યથી એક  નાનકડી કાવ્યગોષ્ઠીનું આયોજન પણ થયું જેની વાત સાહિત્ય વિભાગમાં વિગતે કરીશ. 

(૨) કેરાલાની યાદગાર મુલાકાતઃ

દિવાળી પછીના દિવસોમાં Flamingo Travel દ્વારા ગોઠવાયેલી અમારી ટ્રીપ કેરાલા સ્ટેટના કોચી (અસલ નામ કોચીન)થી શરૂ થઈ. અમદાવાદના ડોમેસ્ટીક એરર્પોર્ટ પર પૂ. ગાંધીજીની તસ્વીર જોઈ મન પ્રસન્ન થઈ ગયું.

 કોચીના ઍરપોર્ટથી સીધા અમે અમારી સફર શરુ કરીબેક વોટર બોટથીનારિયેળીના વૃક્ષો વચ્ચે શણગારેલી અમારી સુંદર પ્રાઈવેટ બોટ અમારી જેમ જ  કુદરતના સૌંદર્યને પીતી ચાલતી હતી. દોઢેક કલાકની સવારી પછી અમે ત્યાંના દરિયાકિનારે ( Beach of Cochi Fort), ત્યાંનું એક જાણીતું ચર્ચ,દક્ષીણી બજાર વગેરેની મુલાકાત લઈ  ભવ્ય તાજ હોટેલ પર આવ્યા. સાંજે કથ્થક ડાન્સ પ્રોગ્રામ માણ્યો, ‘થાઈ ફૂડ જમ્યા અને રાત્રે રંગબેરંગી લાઈટ્થી સુશોભિત ગાર્ડનની લટાર મારી. બીજે દિવસે નાનાં નાનાં ગામડાઓમાંથી પસાર થતી અમારી કાર પ્રખ્યાતસ્પાઈસ વિલેજ ગાર્ડન’,  ઘણા બધાવોટર ફોલ્સતથા અતિ જૂના બ્રીજ જોતાં જોતાં મુનારનીચેન્ડી વિન્ડી હોટેલપર પહોંચ્યાં. ત્રણ જુદા જુદા લેવલ પર આકર્ષક રીતે બંધાયેલ,ખુલ્લી અગાશી વાળી અને સામે રમણીય પર્વતની હારમાળા તથા ચહાના બગીચાઓની વચ્ચે પથરાયેલ હોટેલ મન હરી ગઈ. બે દિવસના મુકામ દરમ્યાન અમે ત્યાંનાecho point, મુથુકુટ્ટી ડેમ,કુન્ડલા ડેમ,ફ્લાવર ગાર્ડન,નેશનલ પાર્ક,સનસેટ પોઈન્ટ,એલીફન્ટ સ્પોટ વગેરે સ્થળો મનભરીને માણ્યા. સૌથી વધુ મઝા પડી “Men made Forest”ની. બિલકુલ સાચુકડું જંગલ લાગે તે રીતની બાંધણી અને તેમાં પડતા પાણીના ધોધનાં ખળખળ અવાજની વચ્ચે ચાલવાની,પગથિયાં ચઢવા, ઉતરવાની અને ત્યાંથી સર્પાકારે પથરાયેલા ચહાના બગીચામાં  મહાલવાની મસ્તી માણી.

ત્યાર પછીના ત્રણ દિવસકુમારાકોમ’માં વીતાવ્યા. ત્યાંની Kumarakom Lake resort ( ફાઈવ સ્ટાર) હોટેલનું આતિથ્ય રાજાશાહી મળ્યું. હારતોરા અને કંકુ તથા દીપ માળાથી અમારું સ્વાગત થયું. સુંદર સજાવેલ બાસ્કેટમાં, મસમોટાં લીલા નારિયેળમાં આકર્ષક સ્ટ્રો મૂકી નારિયેલનું  ઠંડું પાણી પીવા મળ્યું. અમારી કોટેજ પણહેરીટેજ વિલા’…બિલકુલ ટ્રેડીશનલ હતી. અદ્યતન કાર્ડ નાંખીને ખોલવાનું કી કાર્ડ નહિ.પણ અસલના કમાડવાળુ બારણું, સાંકળમાં ભરાવેલ લોખંડી મોટું તાળું અને લાંબી ચાવી! મારું મોસાળનું ગામ યાદ આવી ગયું. અંદર જતાં વેંત પણ બધી અસલી સજાવટ. લાકડાના કબાટો.મેજ,પટારો(ઉનમણો-વિસરાયેલો શબ્દ) અને કમાડ ખોલીને બહાર જવાનો જાણે કે વાડો! અને તેમાં ખુલ્લા આકાશ નીચે,વૃક્ષોની વચ્ચે છતાં ઉંચી વાડની દીવાલને કારણે પ્રાઈવેટ લાગે તેવો બાથરૂમ અને ન્હાવાનો શાવર !! એક નાનકડો સ્વીમીંગ પુલ પણ હતો. આમ, સંપૂર્ણ સવલતો છતાં બિલકુલ અસલી અનુભૂતિ. પરસાળ લાગે તેવા આંગણમાં વળી હીંચકા જેવી બેઠક. હોટેલ પણ મોટાં તળાવ વચ્ચે. સવારથી સાંજ વિવિધ પ્રવૃત્તિઓ અને સાંજે બોટ રાઈડ.” રીલેક્સ થવા માટે એકદમ વરાબર જગ્યા. દેશેદેશથી ફરવા આવતા લોકોનો સંપર્ક કરવાની પણ ખુશી.

ટૂંકમાં કેરાલાની મુલાકાત તેના કુદરતી સૌંદર્ય અને શાંતિ માટે આહલાદક અનુભવ્યા.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

(૩) સાહિત્યિક ગોષ્ઠીઃ

 ઘણીવાર જીવનમાં એવું પણ બને છે કે, ન ધારેલું, ન આયોજન કરેલું છતાં આપમેળે ઘણું બધું સરસ બની જાય છે.મારો સાહિત્ય સાથેનો લગાવ કહું કે સંબંધોની સમૃધ્ધિ ગણું પણ ખરેખર ગમતી પ્રવૃત્તિઓ ઉઘડતી જાય છે. મિત્રો અને સ્વજનો તો ખરાં જ, પણ નેટના તારે કેટલી બધી વ્યક્તિઓ મળી? જેમને કારણે મારી કલમને સતત બળ મળતું રહ્યું છે. માંડીને જ વાત કરું.

દિવાળીના દિવસોમાં જ…તા. ૨૪મી ઓક્ટો.ના રોજ (કદાચ લાભપાંચમને દિવસે) શ્રી ગૌરાંગભાઈ દીવેટીઆએ રેખાબેન મહેતાના નિવાસ સ્થાને એક નાનકડી કાવ્યગોષ્ઠીનું આયોજન કર્યું.  યુવાનકવિ શ્રી અનિલ ચાવડા,ભાવેશ ભટ્ટ, તેજસ દવે અને ગૌરાંગભાઈની ગઝલો નજીકથી માણવાનો મોકો મળ્યો. મને પણ કાવ્યપઠનનો લાભ મળ્યો. ઘરમાં જ થોડા જણની વચ્ચે બેઠક હોવાથી ઘણી આત્મીય વાતો થઈ અને નિકટતા કેળવાઈ. ખરેખર તો મંચના મોટા કાર્યક્રમો કરતાં આ રીતે મળવામાં વધુ આનંદ અનુભવાય છે. તેમની ગઝલો દાદ માંગી લે તેવી હતી તો અંદાઝે બયાં અસરકારક હતી.

   

                   

 

 

           

 

દેવિકા ધ્રુવ,અનિલ ચાવડ,તેજસ દવે,ભાવેશ ભટ્ટ અને ગૌરાંગ દીવેટીઆ                     સર્જક મિત્રો અને સ્વજનો

                  તે પછી મુલાકાત થઈ કવિ શ્રી કૃષ્ણ દવે સાથે. આમ તો અમારું રહેવાનું ગાંધીનગર પણ મારો એક જ ફોન મળતા વેંત, બેઠા ત્યાંથી ઊભા થઈ, જે રસ્તે અમદાવાદમાં અમે હતા તે રસ્તા ઉપર તાબડતોબ ગાડી હંકારી આવી પહોંચ્યા. ખૂબ ભાવથી મધુબેન અને કૃષ્ણ દવે મળ્યા એટલું જ નહિ,બે ત્રણ કાર્યક્રમનું આયોજન પણ કરી દીધું.એ રીતે ૫મી નવે. ના રોજ “સદા સર્વદા કવિતા”માં ભાગ લેવાનો લ્હાવો મળ્યો. એ માટે શ્રી હર્ષ બ્રહ્મભટ્ટની  પણ આભારી છું જ. એ દિવસની અનુભૂતિની વાત માટે એક જુદો આખો લેખ લખી શકાય.પણ અત્રે સાર માત્ર જ લખીશ.

સદા સર્વદા કવિતાઃ૩૮

આશ્રમરોડ પર આવેલ આત્મા ઑડિટોરિયમમાં સાંજે બરાબર ૬થી ૮-૩૦  સુધી ચાલેલ આ કાર્યક્રમની મિનિટે મિનિટ માણવા જેવી હતી. એકદમ સમયસર કવિ શ્રી હર્ષભાઈ આયોજિત આ કાર્યક્રમની શરુઆત થઈ  “મિસ્કીન” તખલ્લુસ ધરાવતા ગઝલકાર શ્રી રાજેશ વ્યાસથી. તેમણે ગઝલની ગાયકી,સંગીત અને છંદ તથા લયની ઉદાહરણો સહિત સમજણ આપી. નવા સર્જકો જે ધ્યાનથી સાંભળતા હતા અને નોંધ ટપકાવતા હતા તે ગુજરાતી ગઝલના ઉજળા ભવિષ્યની આશા જન્માવતા હતા. તેમની ગઝલ પ્રશિક્ષણ શિબિર પછી બરાબર ૬-૩૦ વાગે મને તક આપવામાં આવી અને મેં એક ગીત અને એક ગઝલની રજૂઆત કરી. તે પછી ‘નવ્ય આચમન”તરીકે ગોપાલી બુચે બે રચનાઓ રજૂ કરી. તેમની રજૂઆતની શૈલી અનોખી હતી.તે પછી કવિ શ્રી અનંત રાઠોડ, કૃષ્ણ દવે અને સૌમ્ય જોષીની વારાફરતી જાનદાર, વજનદાર,જોમદાર રજૂઆત થઈ. હોલ તો આખો ખીચોખીચ હતો અને લોકો જમીન પર પણ બેસીને કે ભીંતને અઢેલીને ઊભા રહીને પણ રસપૂર્વક સાંભળતા હતા અને અદભૂત શેરોને સતત તાળીઓથી વધાવી વધાવી ‘દુબારા’ દુબારા’ના નારા લગાવતા હતાં.વાતાવરણ સંપૂર્ણપણે કાવ્યમય હતું.
શ્રી અનંત રાઠોડની ગઝલોના નવા કલ્પનો અતિ સહજતાથી રજૂ થતાં હતાં છતાં શબ્દેશબ્દમાં નીતરતી વેદના હાથ પર રૂંવાડા ખડા કરતી હતી તો હૈયામાં ચીરાડો પાડતી હતી.આટલી અસરકારકતા બહુ ઓછા કવિઓમાં અનુભવી છે. તેમના ઘણા શેર ટાંકી શકુ. પણ પ્રત્યક્ષ કે યુટ્યુબમાં સાંભળવાની એક જુદી જ મઝા છે.  શ્રી કૃષ્ણ દવે તેમની એક અલગ મસ્તીમાં કવિતાનો કેફ ઢોળતા જતા હતા અને સભાગૃહની દાદ મેળવતા જતા હતા. તે પછી શ્રી યશવંત શુક્લના પૌત્ર અને જાણીતા નાટ્યકાર/કવિ શ્રી સૌમ્ય જોશીની એક આગવી તાસીર છે. તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને છટામાં મને મારા કોલેજના પ્રિન્સિપાલ યશવંતભાઈનો અણસાર વર્તાતો હતો.તેમને સાંભળી/મળી ધન્યતા અનુભવી. કવિ શ્રી હર્ષ બ્રહ્મભટ્ટની સૂત્રધાર તરીકેની અદા શીખવા જેવી લાગી. એકદમ પ્રસંગને,વાતને અને વ્યક્તિને અનુરૂપ સુંદર ઉઘાડ આપવાની શૈલી મનને ભાવી ગઈ.

અત્રે થોડી તસ્વીરઃ                 

    

 

 

 

 

 

 

શ્રી સૌમ્ય જોશી સાથે.                               દેવિકા ધ્રુવ-રજૂઆત                    કવિ શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ સાથે                    

આ કાર્યક્રમની નોંધપાત્ર વાત  લાગી તે સમયની સભાનતા, સાચા કવિતાપ્રેમીજનો અને ખાણીપીણીની કોઈ પ્રકારની ધાંધલ નહિ. એક મઝાની,યાદગાર અને ધન્યતાની લાગણી ગાંઠે બાંધી.

કવયિત્રી સંમેલનઃ

તા.૮મી નવે. ના રોજ વળી એક અનોખો કાર્યક્રમ થયો અને તે કવયિત્રી સંમેલન.

 

 

 

 

 

 

 

 શ્રી કૃષ્ણ દવેની તનતોડ અને દિલોજાન તૈયારીઓ થકી આ પ્રસંગનું આયોજન થયું હતું. એમ.જે. લાયબ્રેરીના હોલમાં સાંજના ૫-૩૦ વાગે પ્રેમથી પધારેલાં શ્રોતા/વકતા જનો  સાથે કવિતાનો આનંદ માણ્યો. મુખ્યત્વે કવિ શ્રી રાજેશ વ્યાસ (મિસ્કીન), પ્રિતીબેન સેનગુપ્તા, લતાબેન હિરાણી (સાહિત્ય એકેડેમી),ઉષાબેન ઉપાધ્યાય ( સાહિત્ય પરિષદ),ગોપાલી બુચ,રાધિકા પટેલને સાંભળવાનો મોકો મળ્યો અને તેમની સમક્ષ મારી રચનાઓ રજૂ કરવાનો લ્હાવો મળ્યો.આ ઉપરાંત સભાગૃહમાં બેઠેલા તેજસ દવે,હરદ્વાર ગોસ્વામી,પ્રતાપસિંહ ડાભી જેવા મોટાં કવિઓએ પણ ગઝલ પેશ કરી..             

બીજાં કેટલાંકના નામો યાદ નથી પરંતુ ઘણા બધાએ પોતપોતાની કૃતિઓ રજૂ કરી.  અમે સૌએ પ્રેમથી પુસ્તકોની આપલે કરી અને મને શાલ અર્પી બહુમાન કર્યું જેનું મારે મન ખૂબ મૂલ્ય છે. સાંજે બરાબર ૭ વાગ્યે કાર્યક્રમનું સમાપન થયું અને ત્યાંથી સીધા અમે સૌ ગયાં બુધસભામાં.

બુધસભાઃ
આશ્રમરોડ પર આવેલ સાહિત્ય પરિષદની બુધસભાનો એક નવો રંગ પહેલી વાર જોવા મળ્યો. ૨૦૧૩માં મખમલી પડદાવાળો મંચ અને  મોટા સભાગૃહ વચ્ચે કવિતાનો માહોલ જામેલો જોયો હતો.આ વખતે લંબગોળ મોટા ટેબલની આસપાસ ગોઠવાયેલા સૌને જોતાં કોલેજના વર્ગની યાદ આવી ગઈ. સાહિત્યકાર શ્રી ધીરુભાઈ પરીખ પોતાને મળેલ નામ વગરની કવિતો વાંચી તેની ખૂબી/ખામીની આલોચના કરી, સરસ રીતે, કારણો સહિત સમજાવતા હતા. મને એમાં મઝા એટલા માટે પડી કે નવોદિતોને ત્યાંથી ઘણું શીખવા મળતું હતું એટલું જ નહિ, કલમને સાચી રીતે વિકસવાના, કાવ્યના પદાર્થપાઠને જાણવા/સમજવાનો સંપૂર્ણ અવકાશ જણાતો હતો. મને લાગે છે કે અમેરિકામાં દરેક શહેરોમાં ચાલતા સાહિત્ય વર્તુળોમાં આ પધ્ધતિ અપનાવવી જરૂરી છે. નહિ તો જોડકણાંનો ફાલ વધતો જ રહેશે.

‘કુમાર’ના તંત્રી શ્રી ધીરુભાઈ પરીખના આમંત્રણથી ત્યાં પણ મને મારી થોડી કવિતાઓ રજૂ કરવાનો લાભ મળ્યો. નિયત સમય મુજબ ૮ વાગ્યે બુધસભાનું સમાપન થયું. અત્રે ફોટા લઈ શકાયા નથી.


આથમણી કોરનો ઉજાસઃપુસ્તક વિમોચન

૧૧મી નવે. ના રોજ, ૨૦૧૬માં આખું વર્ષ લખાયેલ અમારી પત્રશ્રેણી પુસ્તક સ્વરૂપે આકાર પામી. તેના વિષે  ત્યાં હાજર રહેલ‘વેબગુર્જરી’ના શ્રી વલીભાઈ મુસાનો ‘આંખે દેખ્યો અહેવાલ’ટાંકુ છું જે સંપૂર્ણ માહિતીથી સભર છે. ત્યાં પધારેલ મહેમાનોમાં સ્વજનો, મિત્રો અને જોગાનુજોગ હ્યુસ્ટનથી ભારત ફરવા આવેલ શ્રી વિશ્વદીપ અને રેખા બારડની હાજરી અતિ આનંદ આપી ગઈ એ વાત નોંધવાનું રોકી શક્તી નથી.

અહેવાલઃ વલીભાઈ મુસાઃ

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ ગ્રીડ્સઅને ડાયસ્પોરા એન્ડ માઈગ્રેશન રિસર્ચ સેન્ટર, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા આયોજિત શ્રીમતી દેવિકા ધ્રુવ અને શ્રીમતી નયના પટેલનું પ્રદાન પરિસંવાદકાર્યક્રમ તા.૧૧-૧૧-૨૦૧૭, શનિવારના રોજ સવારે ૧૦-૩૦ કલાકે ગીતા હોલ, ભવન્સ કેમ્પસ, ભવન્સ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ખાનપુર, અમદાવાદ ખાતે યોજાયો હતો. કાર્યક્ર્મનું સંચાલન મૃણાલિનીબેન ઠાકોરે સંભાળ્યું હતું.

                                                અમેરિકન ગુજરાતી ડાયસ્પોરા લેખિકા (વેબગુર્જરીના સાહિત્ય વિભાગનાં સંપાદન સદસ્યા અને લેખિકા) શ્રીમતી દેવિકાબહેન ધ્રુવ તથા બ્રિટીશ ગુજરાતી ડાયસ્પોરા લેખિકા (વેબગુર્જરીનાં લેખિકા અને હાલમાં જેમની નવલકથા કેડી ઝંખે ચરણની શ્રેણી ચાલી રહી છે) શ્રીમતી નયનાબહેન પટેલ દ્વારા લખાયેલ પત્રશૃંખલા ગ્રંથ આથમણી કોરનો ઉજાસનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

સભાનું અધ્યક્ષ સ્થાન અમેરિકાથી પ્રકાશિત થતા ગુજરાત ટાઈમ્સના અમદાવાદ સ્થિત બ્યુરોચીફ તથા એન.આર.જી. સેન્ટરના સદસ્ય શ્રી દિગંત સોમપુરાએ નિભાવ્યું હતું. આ પ્રસંગે ડાયસ્પોરા એન્ડ માઇગ્રેશન રિસર્ચ સેન્ટર’, ગુજરાત યુનિવર્સિટીનાં માનદ નિયામક ડો. નિરજા ગુપ્તા તથા ગુજરાતી ભાષા ભવન, ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ પ્રાધ્યાપક અને અધ્યક્ષ ડો. પ્રસાદ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. વિશેષમાં ગુજરાતીના ધુરંધર સાહિત્યકાર અને ગ્રીડ્સના માનદ નિયામક ડો. બળવંત જાની, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર શ્રી બી. કે. વણપરિયા અને ભવન્સ કોલેજનાં આચાર્યા શ્રીમતી નિરજા ગુપ્તા યજમાનપદે બિરાજમાન હતાં. સભામાં બંને લેખિકાઓના પતિદેવો શ્રી રાહુલભાઈ ધ્રુવ અને શ્રી જયંતભાઈ પટેલ પણ ઉપસ્થિત હતા.

  કાર્યક્રમની શરૂઆત મંગલ પ્રાર્થના અને દીપ-પ્રાગટ્યથી કરવામાં આવી હતી. વક્તાઓએ પ્રસંગને અનુરૂપ પોતાનાં મનનીય પ્રવચનો આપ્યાં હતાં. પ્રવચનોમાં પુસ્તકનાં લેખિકાઓ અને પુસ્તકનો પરિચય કરાવવામાં આવ્યો હતો. પુસ્તકની આગવી ખાસિયત એ હતી કે આ પ્રકારની પત્રશ્રેણીનું પુસ્તક કદાચ વિશિષ્ટ હતું કે જેમાં બંને લેખિકાઓ પક્ષે પત્રરૂપે વિચારોની આપલે થઈ હતી.

ગુજરાતી સાહિત્યમાં આવા પત્રગ્રંથો અવશ્ય પ્રસિદ્ધ થયા છે, પણ તેમાં એકપક્ષીય લખાયેલા પત્રો સંગૃહિત કરવામાં આવેલા છે, જેમાંથી સામેવાળી વ્યક્તિના પ્રત્યુત્તરોની આપણને જાણ  થાય. પરંતુ આ પુસ્તકમાં વર્ષ દરમિયાનના દર શનિવારે સામસામે લખાતા જતા ઉભય પક્ષના છવ્વીસ-છવ્વીસ પત્રો મળીને કુલ બાવન પત્રોનું સંકલન કરવામાં આવ્યું છે. ભલે પશ્ચિમના જ હોય છતાં ભિન્ન એવા અમેરિકા અને ઈંગ્લેન્ડ દેશોમાં વસતી બંને લેખિકાઓ વાસ્તવમાં તો કોલેજકાળની બહેનપણીઓ જ હતી. તેમના પત્રો માત્ર અંગત માહિતી ધરાવતા ન બની રહેતાં તેમણે વિવિધ વિષયો અને મુદ્દાઓ ઉપર વિશદ ચર્ચાઓ કરી છે. બિનસાહિત્યકાર અને સાહિત્યકાર પત્રલેખકોની લેખનશૈલીમાં તફાવત હોય, જ્યારે પુસ્તકની બંને લેખિકાઓ તો સિદ્ધહસ્ત સાહિત્યસર્જક છે. તેઓ પોતપોતાનાં સાહિત્યેતર ક્ષેત્રોમાં જે સેવાઓ આપે છે તેની વાતો પણ પત્રવ્યવહારમાંથી ફલિત થયા સિવાય રહેતી નથી.

અઢીએક કલાક સુધી ચાલેલી આ સભામાં નોંધપાત્ર હાજરી રહી હતી. આ કાર્યક્રમમાં આપણી વેબગુર્જરીનું પ્રતિનિધિત્વ શ્રી વલીભાઈ મુસાએ નિભાવ્યું હતું.

વેબગુર્જરીપરિવાર શ્રીમતી દેવિકાબહેન ધ્રુવ અને શ્રીમતી નયનાબહેન પટેલને તેમને મળેલા સન્માન બદલ ધન્યવાદ પાઠવે છે અને હર્ષ વ્યક્ત કરે છે.
શ્રી વલીભાઈ મુસા-વેબગુર્જરી વતી…

તત્કાળ અહેવાલ લખીને મોકલવા માટે શ્રી વલીભાઈનો વંદન સહ આભાર.

 

આ યાદગાર ક્ષણોમાં વધુ થોડા આનંદના છાંટણા એ થયા કે, સુવિખ્યાત સંગીતકાર ગૌરાંગભાઈ વ્યાસને મળવાનું બન્યું. મારું એ સદ્ભાગ્ય છે કે,આ વર્ષની શરુઆતમાં તેમણે મારી બે રચનાઓનું સ્વરાંકન  કર્યું છે અને વધુ  ગીતો સ્વરબધ્ધ કરવાની ઇચ્છા ધરાવે છે

 

 

 

 

 

 


આ ઉપરાંત જાણીતા અને માનીતા સાહિત્યકાર શ્રી ભાગ્યેશભાઈ જહાને પણ મળવાની તક સાંપડી. કહું  કે મેં તક  ઝુંટવી!!  ફોન કરીને, ગ્રીન સિગનલ ઉમળકાભેર મળતાં, સીધી જ તેમના ઘેર પહોંચી ગઈ. શ્રી ભાગ્યેશભાઈ અને ઝરણાંબેનને મળીને ખૂબ આનંદ થયો.   

 

 

 

 

 

 

 

 

૧૯૬૮ની સાલમાં એચ.કે. કોલેજમાં વીતાવેલી ક્ષણોને સહાધ્યાયીઓ સાથે ફરી એકવાર પ્રત્યક્ષ કરી. હું, નયના પટેલ અને શ્રી બંસીભાઈ ઉપાધ્યાય..

 

 

 

 

 

 

 

૭મી નવે.ના રોજ કુટુંબની “નાગરી નાર”ની નાનકડી પાર્ટીનો પણ આનંદ લૂંટ્યો.

તે સિવાય સુરતના શ્રી ઉત્તમભાઈ ગજજર સાથેસન્ડે ઈમહેફિલ’ અંગે કલાક જેટલો સમય શાંતિથી ફોન પર વીતાવ્યો. કવિ શ્રી યોસેફ મેકવાન સાથે પણ ફોન પર મળી શકાયું.મિત્રો, સ્વજનોને પણ પરસ્પરની અનુકૂળતા મુજબ મળ્યાની મઝા માણી.

એકંદરે આખી યે ભારતની મુલાકાત સુખરૂપ,સાહિત્યિક અને શુભ રહી.

 

      દેવિકા ધ્રુવ    નવે. ૨૧ ૨૦૧૭..

 

 

22 thoughts on “અમોલા ખજાના સમી ક્ષણો…ઓક્ટો.નવે.૨૦૧૭

  1. ખુબ સુંદર અહેવાલ. ઘણું જાણવા મળ્યું. આનંદ થયો. આપણાં કેટલાં ડાયસ્પોરા લેખકો અને કવિઓ, ભારતની મુલાકાતે જાય ત્યારે આવી રીતે સાહિત્ય સર્જકોને મળે છે ? કેટલા ગુજરાતી સાહિત્ય પરિષદની શિબિરો અને સેમિનારોમાં હાજરી આપે છે અને આટલું સરસ લખીને સાહિત્યને સમૃધ્ધ કરે છે ? એ જ, પથરા એટલા દેવ અને કહેવાતા ધર્મસ્થાનો અને મંદીરો પર માથા ટેકવવા સિવાય એમની પાસે પુસ્તક પ્રકાશકોના સ્ટોર્સમાં જઈને નવા નવા પ્રકાશનો અંગે જાણવાનો પણ સમય નથી હોતો. એવા સમયમાં દેવિકાબેન જેવા સર્જકો આટલી બધી સાહિત્યપ્રવૃત્તિ કરે અને આપણને એનું આચમન કરાવે એ બહુ મોટી વાત છે.
    દેવિકાબેન હવે દર વર્ષે બે મહિના અમદાવાદ જાય અને આપણને આવું આચમન કરાવતા રહે એવી મારી શુભાષિશ.

    નવીન બેન્કર

    Like

  2. મીટ માંડ્યા વિના અને પેટમાં સરવળતા ચુહાઓને દબાવી આ લેખ વાંચી ગયો. કાશ, હું ત્યાં સૌને સાંભળવા અને મળવા હાજર હોત તો? વો દિન કહો કી મિયાંકી……! દેવિકાબેનને આ વખતની મુલાકાત મનમાં એવીતો મઢાઈ જશે કે આજીવન એને યાર્ડના હિંચકે બેસી વાગોળતા જ રહેશે. સાહિત્ય સરિતા માટે એમની આ સાહિત્યિક મુલાકાત નોંધનીય બની રહેશે.
    અમે અમારા મિત્રોમાં આ વાત છેડીને જશ ખાઈ લઈશું મફતમાં! એમને અને નયનાબેનને મારા ખાસ અભિનંદન.

    Liked by 1 person

  3. ખુબ જ સરસ અહેવાલ છે. હાર્દિક અભિનંદન. ગુ.સા.સ.ની મીટિંગ મા આ અહેવાલ ની નોંધ અવશ્ય લઈશુ. આવી રીતે અવારનવાર ભારત ની મુલાકાત લઈ ને માહિતિસભર રસથાળ પીરસ્યા કરો એવી અપેક્ષા. ગુ.સા.સ.ની યશકલગી મા વધુ એક મોરર્પીંછ નો ઉમેરો થયો છે એવુ કહીશ તો તે અતિશયોક્તિ તો નહીં જ લાગે. ફરીથી બન્ને લેખિકાઓ ને અભિનંદન.

    Liked by 1 person

  4. બે મહિનાના ટૂંકા ગાળામાં, સામાજિક પ્રસંગો, કેરલાની મુલાકાત, દિવાળીની ઉજવણી અને સાહિત્યિક સંગોષ્ઠિ ઘણું ઘણું માણી લીધું, ગમ્યું.. આટલા વર્ષ પછી વતનની મુલાકાત લીધી હઔ એટલે બે હાતથી ફાંટમાં ભરાય એટલું ભરી લેવું જ જોઈએ… અભિનદન.. સાહિત્યિક સિધ્ધિઓ માટે..

    Liked by 1 person

  5. દેવિકાબહેનને ખુબ ખુબ અભિનંદન. હું સાહિત્યકાર નથી. અને એટલે જ કદાચ જ્યારે જ્યારે સાહિત્યકારોની વાતો વાંચું છું, કે સાંભળું છું ત્યારે એક વિશિષ્ટ અહોભાવ અનુભવું છું. અમદાવાદ અને કેરાલા મારે માટે અજાણ્યા સ્થળો, અને ધણાં સાહિત્યકારો પણ અજાણ્યા. દેવિકા બહેનના સચિત્ર હેવાલથી મારે માટે ઘણું જાણીતું થયું. બધું જાણે પ્રત્યક્ષ માણ્યું.
    આનંદની વાત તો એ છે કે દેવિકા બહેને એ સિદ્ધ કર્યું કે ગુજરાતની બહાર પણ ગુજરાતી સાહિત્ય જીવંત છે. ધન્યવાદ.

    Liked by 1 person

  6. Devikaben , enjoyed your article very much. It reminded me good old days that we had during Diwali NEW YEAR celebration, especially SAPARME DIVASHE SABARASH. The third section on literary activititis was really excellent and liked it very much. No doubt it will be a very memorable part of your journey that you will remember for a long time. I will be very happy to forward this article to my friends, especially Atul bhai Kothari who also enjoyed the company of Gaurangbhai while he lived in Amadavad for few years to do Gandhian activities. My another friend Dr. Amitabh Shukla also talked very highly about Saumya Joshi for his talents and also proud of being his MAAMA (maternal uncle). After having a Thanksgiving dinner at my daughter’ home today, reading this article was a very satisfying enjoyable desert. We are very proud of you. Wish you all the best.

    Liked by 1 person

  7. ખુબ જ સરસ અહેવાલ… આનંદ થયો. સુશ્રી. દેવીકાબહેન અને નયનાબહેનને ‘અભીવ્યક્તી’ના વાચકમીત્રો તેમ જ મારા તરફથી અઢળક અભીનન્દન…

    Liked by 1 person

  8. દિવાળીની ઉજવણી , કેરાલાની મુલાકાત અને સાહિત્યિક પ્રસંગોના ત્રિવેણી સંગમમાં દેવિકાબેન તમે તો તરબોળ થયા જ હશો પણ તમારા શાબ્દિક આલેખન થકી વાચક પણ રસ તરબોળ થયા વગર ન જ રહે.
    અમદાવાદ શહેરની શેરી, પોળો અને એ જૂના રસ્તાઓ પરથી શરૂ થયેલી તમારી સફર કેરાલાના સૌંદર્ય અને સાહિત્ય ગોષ્ટી સુધીનું રસપ્રદ આલેખન માણવાની મઝા આવી.
    ગુજરાતની બહાર એક સર્જક ગુજરાતી સાહિત્યને નવો આયામ આપે અને એ સર્જકનું ગુજરાતમાં સન્માન થાય એ ગૌરવની વાત.
    આવા ગૌરવવંતા દેવિકાબેન અને નયનાબેનને હાર્દિક અભિનંદન.

    Liked by 1 person

  9. From Shaila Munshaw: via email..shaila munshaw
    દેવિકાબેન,
    મારો પ્રતિભાવ :
    “શબ્દ, અક્ષર અને કલમની સાધના જેમની અવિરત ચાલતી રહે છે, જેમની ઓળખ ઉગમણી કોરથી આથમણી કોરના ઉજાશે પહોંચી છે, એવા હ્યુસ્ટનના ગૌરવવંતા કવિયત્રી દેવિકાબેનને કોટિ કોટિ અભિનંદન!!
    શૈલા મુન્શા

    Liked by 1 person

Leave a comment