રસદર્શન ૯: હવા પર લખી શકાયઃ

    ‘હવા પર લખી શકાય’-  શ્રી શોભિત દેસાઈ

૫ મે ૨૦૧૭ના રોજ હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતામાં પ્રથમ વાર  શ્રી શોભિતભાઈ દેસાઇને સાંભળવાનો અવસર સાંપડ્યો.  તે સમયે મોટે ભાગે, મસ્તીથી સુંદરી અને શરાબની વાતો કરતા અને અભિનય કલાથી સૌને આંજી દેતા એક જલસાના જ્યોતિર્ધર તરીકેની છાપ મનમાં ઉપસી હતી. તે પછી તેમના તરફ્થી મળેલ “હવા પર લખી શકાય” એ ગઝલ સંગ્રહના પાનાઓ ઉપરછલ્લા ફેરવ્યા હતાં. આજે ફરી શાંત નીરવ પળોમાં એકી બેઠકે આખું યે પુસ્તક વાંચ્યું. જેમ જેમ વંચાતું ગયું, આનંદની માત્રા વધતી ગઈ. તેમના અભિનયથી અનેક ગણી વધુ આંતરિક સમૃધ્ધિ આ ગઝલોમાંથી સ્પર્શાતી ગઈ.

૧૧૯ પાનાના આ પુસ્તકમાં, અજબની મગરૂરી અને ખુમારીથી લખાયેલી પ્રસ્તાવનાથી માંડીને છેલ્લી ગઝલ “બેડો પાર લાગે છે મને” સુધી અનેકવિધ ભાવોનો સાગર લહેરાય છે. એમાં ઇશ્કે મિજાજીના શેર હોય કે, વૃક્ષોપનિષદના પાનાઓમાં પ્રકૃતિપ્રેમ છલકાતો હોય, જગતની કે વિધાતાની વિષમતા પરનો આક્રોશ હોય કે મદિરાના વિલાસી શેરો હોય પરંતુ એ બધાની વચ્ચે બહારથી નાસ્તિક જણાતા આ શાયરની ભિતરમાં  ઈશ્કે હકીકી, પયગમ્બરી સતત રમતી અને તરતી દેખાઈ આવે છે અને એ સંવેદના અવિરતપણે ગઝલપ્રેમ રૂપે લળી લળી ઢળે છે.

આજે આ સંપૂર્ણ કાવ્યસંગ્રહનો આસ્વાદ કરવાનું મન હોવા છતાં  માત્ર એક ગઝલ વિશે જ રસદર્શન કરીશ. તે પહેલાં  શ્રી શોભિતભાઈના જાણીતા શેરો સિવાયના, મને ખૂબ ગમેલાં નીચેના શેરોનો આનંદ લેવા જેવો છે.

  • ઝિલાતા હોય છે ત્યારે નથી જીરવાતા
    ગઝલના શેર તો પયગંબરીના ફૂલો છે!

  • નાગર ગઝલ લખે છે, ત્યજીને પ્રભાતિયાં
    કરતાલ,તાલ આપી રહી છે અઝાનને.

  • છો ઉછાળો બે અઢી ફૂટ ઊંચે એને આભમાં
    તો મરકે છે શિશુ,વિશ્વાસ એનું નામ છે.

  • જીવનમાંથી અમે છત્રી વગેરે હાંકી કાઢ્યાં છે.
    વહાવી વીજ, ભગવાને અમારા ફોટા પાડ્યા છે.

  • તું તો કેવળ ન્યોતોતો નદીઓથી
    ક્યાંથી લઈ આવ્યો ટલી ખારાશ.

  • સતત એના સ્મરણને કેન્દ્રમાં રહેવું ફાવે છે.
    બહુ જૂના ભ્રમણને કેન્દ્રમાં રહેવું ફાવે છે.

  • શબ્દો બિચારા ક્યાંથી તને વર્ણવી શકે?
    કંઈ શક્ય છે કહેવું?તું હોવાનું પર્વ છે.

  • ઝળહળતી માણસાઈ,અવતાર માનવી છે.
    ઈશ્વરને માનવાનો આધાર માનવી છે.

  • ક્ષીણ કપરા કાળમાં ઉંચકી લેશે તને,
    છાપ એક હોય,ઇશ્વર તો સદા મોજુદ છે.

  • અકલ્પનીય ખજાના મળી જવાના તને
    બહું સીધું છે જીવવું,સરળ બની તો જો!

  • અડું જરા તો આંગળીએથી સરી જતું અંધારું
    રેશમ લાગે જાડું એવી રાત હતી ખામોશ.

  • તન તાંબુ મઢેલું સજી ઝુલે છે રબારણ
    ચક્ડોળની હાટને ગજવામાં ભરી લઉં.

  • છે આમ તો ક્ષિતિજ પર પૂરબમાં આછું ટપકું
    ગાઢા તિમિરનું કિંતુ સૂર્યત્વ થઈ રહ્યું છે.

  • સૂરજ પહેલો ઉગ્યો,બ્રહ્માંડના અસ્તિત્વનો ત્યારે,
    બની ગઈ , પંખીઓએ જે ગાઈ હતી ભાષા.

  • અફીણી ઊંઘમાં વર્ષો સુધી ભાગીને જોયું મેં
    પરંતુ આખરે આવી ગઝલ,જાગીને જોયું મેં.

  • નિરાકાર થઈને ગગન ખૂંદવાનો મને ગર્વ છે બહુ હવા ઓળખે છે.
    સદાકાળ ચાહ્યું છે શુભ મેં ગઝલનું મને એટલે શ્રી સવા ઓળખે છે.

  • લખેલી લાગણીઓનો અહીં આભાર માનું છું.
    ગઝલ આવી પહેલાં માંડ સમજાઈ હતી ભાષા!

  • ધબકતા માનવોમાંથી ઇશ્વર શોધવા બેઠા.
    નવો જે મંત્ર આપે કલંદર શોધવા બેઠા.

  • તું,વગર આકારનો, સાકાર લાગે છે મને.
    પૂર્વજોના સહુ સ્મરણો તહેવાર લાગે છે મને.

ઉપરના બધા શેરોમાં વિવિધ વિચારો, અવનવા કલ્પનો સાથે વેરાયેલા પડ્યા છે. પણ મુખ્ય સૂર સંભળાય છે તે પરમ તરફની પ્રતિતીનો, વિશ્વાસનો, ગઝલની ગરિમાનો અને ભાષાના ગૌરવનો. બધાની વચ્ચે, પોતાને નરસિંહના વંશજ કહેતા નાગરની કલમે અવતરેલયમ્બર બનાવીએગઝલ મારા મનના માંડવે તોરણ સમ બની ગઈ.

પયમ્બર બનાવીએ..પાના નં ૩૩

મન ઈર્ષ્યા-દ્વેષ-રાગનું જોહર બનાવીએ
પૂજે મનુષ્યતા એ પયમ્બર બનાવીએ.

વિસ્મય સદાનું આંજી દઈ આંખમાં અને
છલકે કરુણા ફક્ત એ સરવર બનાવીએ.

નમણી અસીમતા જ મઢી હોય આમતેમ
છત હોય જેને આભની એ ઘર બનાવીએ.

વીણી વીણીને પૂર્વગ્રહો ફેંકીએ બધા,
સ્વીકારીએ તમામ, જીવન તર બનાવીએ.

દેખાડતા ન ફરીએ હથેળી કે કુંડળી,
પુરુષાર્થને જ ખુદનું મુકદ્દર બનાવીએ.
 

“હવા પર લખી શકાય”ના પાના નં ૩૩ ની ઉપરોક્ત ગઝલના મત્લામાં ઉચ્ચ વિષયનો ઉઘાડ અને આહવાહન આપતા કવિ કહે છે કે,

મન ઈર્ષ્યા-દ્વેષ-રાગનું જોહર બનાવીએ
પૂજે મનુષ્યતા એ પયગમ્બર બનાવીએ.

આંતર-મનને ચકાસવાની, એમાં રહેલી આસુરી વૃત્તિઓનો નાશ કરવાની, જોહર બનાવીને નાબૂદ કરવાની અને સાથે સાથે માનવતાની પૂજા કરે એવા પયગંબર બનવા,બનાવવાની સીધી વાત અહીં કરી છે. એ માટેના ઉપાયો અને રીતો પણ ધીરે ધીરે,સહજતાથી આગળના શેરોમાં વર્ણવ્યાં છે. સૈથી પ્રથમ તો કહે છે કે ‘આંખમાં વિસ્મય આંજીને’ એટલે કે શિશુ સહજ નિર્દોષતા અને નિર્દંશતાનો ગર્ભિત ઈશારો કર્યો છે. કરુણા છલકાવવાની છે,એટલું જ નહિ,”છત હોય જેને આભની એ ઘર બનાવીએ”. અહીં કોઈ નાના મોટાં મકાનની વાત નથી.આભની છત ક્યારે મળે ? જ્યારે તમે વિશ્વને ઘર બનાવો તો જ ને? અહીં કવિવર શ્રી ઉમાશંકર જોશીના “વ્યક્તિ મટી બનું વિશ્વ-માનવી”નો પડઘો પડતો સંભળાય છે.

ચોથા શેરમાં એ કહે છે કે, નાના, મોટાં, જેટલાં હોય તે બધા પૂર્વગ્રહોને વીણી વીણીને ફેંકી દઈ જીવનને જેવું છે તેવું સ્વીકારી,તરબતર કરીએ. આ નાની સૂની વાત નથી. જાત, જગત અને જીવનની વ્યથા અને વિષમતાઓને હટાવવાનો આક્રોશ છે,ઝંખના છે, તૈયારી પણ છે એ માટે . કેવી તૈયારી?

દેખાડતા ન ફરીએ હથેળી કે કુંડળી,
પુરુષાર્થને જ ખુદનું મુકદ્દર બનાવીએ.

અહીં વળી એક વધુ  સરસ વિષય છેડ્યો! પ્રારબ્ધ અને પુરુષાર્થનો, મહેનત અને મુકદ્દરનો, કિસ્મત અને કર્મનો..

માત્ર પાંચ જ શેરોની ટૂંકી બહરની આ ગઝલમાં કવિ શ્રી શોભિત દેસાઈએ ભિતરની વાચાને યોગ્ય શબ્દો પ્રયોજીને સુપેરે ઢંઢોળી છે. મહદ અંશે ઈશ્કે મિજાજીના આલાપ છેડતા અને મુશાયરામાં મંચ ગજાવતા આ રંગીન શાયર અનાયાસે  અહીં પયગંબરીના ફૂલો ધરી બેઠા છે જેનો આનંદ સહ સ્વીકાર છે. કારણ કે, સાંપ્રત સમયમાં આવા પોકારની જરૂરિયાત છે! “બનાવીએ” રદીફની સાથે ઘર,તર, સરવર  સઘળા કાફિયામાં સતત પયગંબરનો નાદ ઝીલાયો છે.  આવી ઉંચી ભાવના આલેખતી નરસિંહના વંશજની, ગઝલકાર શ્રી શોભિત દેસાઈની કલમને વંદન.

અસ્તુ…..

 

દેવિકા રાહુલ ધ્રુવ

જુલાઈ ૨૭,૨૦૧૭

 

 

8 thoughts on “રસદર્શન ૯: હવા પર લખી શકાયઃ

  1. વીણી વીણીને પૂર્વગ્રહો ફેંકીએ બધા,
    સ્વીકારીએ તમામ, જીવન તર બનાવીએ.
    વાહ! સરસ.
    દેવિકાએ કરેલ રસદર્શન કુશળ હશે, પણ પ્રતિભાવ નથી લખ્યો કારણ, હું કવિત્વ વાંચીને તરબોળ થઈ જાઉં
    Thanks for sharing.
    સરયૂ

    Liked by 1 person

Leave a comment