પત્ર નં.૪૯..ડીસે.૩, ‘૧૬

કલમ-૧

શનિવારની સવાર

 

પ્રિય નીના,

cruiseની વાતો અંગે આતુરતાપૂર્વક રાહ જોતી હતી ને ત્યાં તો ધાર્યા કરતા વહેલો, તારો રસથી ભર્યો ભર્યો પત્ર મળ્યો. સડસડાટ વાંચી ગઈ. સમુદ્રના પાણી અને એના બદલાતા રંગોમાં ઝબોળાયેલાં અને લજામણીથી પરિતૃપ્ત થયેલ શબ્દોથી ઘડીભર હું પણ ભીંજાઈ. પુસ્તક, સંગીત અને કુદરત..આહાહા..પછી પૂછવું જ શુ? સઘળું વાંચીને માણવાની મઝા આવી.

 
રીલેક્સ થવાના ઉલ્લેખની સાથે જ હું છેક મારા જન્મના નાનકડાં ગામ સુધી અને બાલ્યાવસ્થા સુધી પહોંચી ગઈ જ્યાં જીવન કેવળ રીલેક્સ જ હતું! એકાદબે વર્ષ પૂર્વે ગામડાનું વર્ણન કરતું એક કાવ્ય વાંચ્યું ત્યારે જે અનુભૂતિ થઈ હતી તે જ આજે ફરી એકવાર થઈ આવી.
દાયકા પહેલાંની ગામડાની સાંજની વેળા.. તૂટ્યાં ફૂટ્યાં નળિયાનું છાપરું, કાથીના દોરડાનો ઢાળિયો, હાથથી લીંપેલ ઓસરી,પાણિયારું, બૂઝારું, દૂધની ટોયલી, પાછળ વાડામાં ગોરસ આમલીનું ઝાડ,ધૂળિયો રસ્તો, ગામની ભાગોળે જતાં વીણાતી ચણોઠી, દૂરની એક નાનકડી દેરીએથી સંભળાતો ઘંટ અને  અનાજ દળવાની એકાદી કોઈ ઘંટીમાંથી પડઘાતો અવાજ, બાના હાથે પીરસાયેલી ઘી રેડેલ ખીચડી..હા, કેવી બેફિકર, રીલેક્સ જીંદગી હતી! આજે એનો આધ્યાત્મિક અર્થ અનાયાસે જ ચિત્તમાં સ્ફૂરે છે. રોજીંદી ગતિ છે તેનું નામ તો જીવન છે. જીવનની ઘટમાળમાં  સારું ખોટું, નવું,જૂનું, ગમતું, અણગમતું, બધું જે કાલે હતું તે આજે છે, કેવળ એના રૂપો બદલાયાં છે, સાધન બદલાયાં છેતમામ ક્રિયાઓના ઘાટ, સ્થળ અને સંજોગના ચાકડે બદલાયા છે. સારું છે કે, નથી બદલાતી એક દોર આશાની, ઉમ્મીદની, હકારાત્મક અભિગમની જે હકીકતે તો સમગ્ર વિશ્વને જીવંત રાખે છે.

 

આજે ગામડાના આ સ્મરણ સાથે એક બીજો વિચાર એ આવે છે કે, અમેરિકા અને યુરોપની વાતો અને અનુભવોથી શરુ થયેલાં આપણા છેલ્લાં કેટલાં યે પત્રોમાં, વતનની વાતો બહુ થોડી આવી. એ શું બતાવે છે? . “વતનનો ઝુરાપોઘટી ગયો છે અથવા તો બદલાઈ રહ્યો છે એમ નથી લાગતુંતેની પાછળ  મુખ્ય કારણો કદાચ આ પ્રમાણે હશે.

વતનનું  જે ચિત્ર મનમાં રાખીને આવ્યા હતાં તે હવે લગભગ બદલાઈને ભૂંસાઈ ગયું છે. ખરેખર તો હવે ત્યાં પરદેશની અસરો વધુ દેખાય છે.

હવે અહીં પણ ઉત્સવો અને ઉજવણીનો માહોલ વતન જેવો જ, કદાચ વધારે જોવા મળે છે.

જોજનો દૂર લાગતુ વતન હવે નિકટ આવી ગયું છે, વિશ્વ હવે નાનું બન્યું છે. તેથી પણ વ્યક્તિ કે વસ્તુઓનો ઝુરાપો ઓસરતો ગયો છે, નહિવત રહ્યો છે. પણ હા, એક વાતનો સંતોષ જરૂર છે કે આપણે દેશના ઝુરાપા સિવાયની ઘણી બધી વાતો, વિચારો અને ઘટનાઓને જે તે ભૂમિ પર રહીને પણ એકબીજા સાથે આદાનપ્રદાન કરી શક્યા છીએ. તેથી જ તો પત્રનું આ સ્વરૂપ મને ખૂબ વહાલું લાગે છે. તારું શું માનવું છે નીના?

 

તારી આ વાત મને ખૂબ ગમી કે જેમ જમીનમાં બીજ નાંખીને  આપણને રોજ એનો વિકાસ જોવાનો આનંદ થાય છે તેમ માનવીનું સર્જન કરી, સર્જનહારને પણ આપણો વિકાસ જોઈને આનંદ  જ થતો હશે ને? અને પ્રગતિને બદલે જો અધોગતિ જોતો હશે તો કેવું થતું હશે? ખૂબ સરસ અને ગહન મુદ્દોક્યારેક વિગતે ચર્ચીશું. પણ આના સંદર્ભમાં જ યુકે.ની ધરતી, સમાજ અને વાતાવરણે તને કેટકેટલી વાર્તાના બીજ આપ્યાં નહિથોડા દિવસ પહેલાં જ તારી થોડી વાર્તાફરી વાર વાંચી. “ગોડ બ્લેસ હર”, પીળા આંસુની પોટલીઅને રીડગુજરાતી આંતરરાષ્ટ્રિય વાર્તાલેખન સ્પર્ધામાં પ્રથમ સ્થાન પામેલ “ડૂસકાંની દિવાલનું વાર્તાબીજ અને તેમાં તેં આપેલ ઘાટ અને પરિણામે થયેલ વિકાસ તેના ઉત્તમ નમૂના છે. ખરેખર આ સતત ચાલતી રહેતી નિરીક્ષણ અને સર્જનપ્રક્રિયા કેવો સંતોષ અને આનંદ બક્ષે છે! આ આનંદની સરખામણીમાં સિધ્ધિપ્રસિધ્ધિ, હારજીત વગેરે ખુબ ગૌણ લાગે છે. કેટલીક બાબતો સાવ નૈસર્ગિક હોય છે. પણ આ બધું સમયની સાથે સાથે ઘણા બધા કડવામીઠાં અનુભવો પછી જ સમજાય છે. બાકી સામાન્ય રીતે તો હારજીતની હોડ લાગતી હોય છે.….આગળ કંઈ લખું તે પહેલાં આ જ સંદર્ભમાં યાદ આવી તે બે પંક્તિ પહેલાં લખી દઉં.

जीवन में हर जगह हम “जीत” चाहते हैं
सिर्फ फूलवाले की दूकान ऐसी है
जहाँ हम कहते हैं कि “हार” चाहिए।
क्योंकि हम भगवान से “जीतनहीं सकते!!

 

કોણ જાણે કેમ, આજે ઘણી બધી ઉમદા વાતો એકસામટી યાદ આવી રહી છે. એક ઘણી નાનકડી વાર્તા..”અહમથી સોહમ સુધી”ના સર્જકમિત્રે થોડા વર્ષ પૂર્વે ઈમેલમાં મોકલેલ માનવતાભરી વાર્તા…ગરીબ ઘરનો એક હોંશિયાર બાળક. સ્કૂલ સિવાયના સમયમાં, નાની મોટી ચીજ વસ્તુઓ વેચી, ફીના પૈસા ઉભા કરી ભણતો. એક દિવસ થાકીને, ભૂખથી બેભાન થવાની તૈયારીમાં હતો ત્યાં એક ભલી બાઈએ નિસ્વાર્થપણે ગ્લાસ ભરી દૂધ પીવડાવ્યુ. છોકરામાં ચેતન આવ્યું.. એમ કરતાં કરતાં મોટો થઈ ડોક્ટર થયો. ગરીબોની મફત સેવા કરવા લાગ્યો. વર્ષો વીત્યાં.એક માજીને તેણે મરતા બચાવ્યા. પછી તો બિલ મોટું આવ્યું.પહેલાં તો માજી ગભરાઈ ગયા. છતાં ગમે તેમ કરીને કકડે કકડે ભરાશે કરી પહેલું બિલ મોકલ્યું. ચેક પરત થયો, એક નોંધ સાથે “your bill has been paid already years back with a glass of milk!!” 

 

આવું આવું વાંચુ ત્યારે હ્રદય ભરાઈ જાય અને આંખ છલકાઈ જાય. માનવતા…કેટલો મોટો ધર્મ? આમ તો યુકે, યુએસએ, ભારત કે આખી યે દુનિયાના દરેક ધર્મ આ જ વાત કરે છે, પણ પાળવાનું કેટલું કપરું? ધૂમકેતુની ‘રજકણ’ સાંભરી. ” માનવી પોતાની દ્રષ્ટિ છોડી બીજાંની દ્રષ્ટિએ જોવા માંડે તો જગત આખું શાંત થઈ જાય..” અમેરિકાના જાણીતા Preacher Joel Osteen  પણ જુદી જુદી રીતે માનવતાની જ વાત સમજાવે છે.   પૂજનીય મધર ટેરેસાનું સ્મરણ થયું. સાથે સાથે આજે આ વાત સાથે જ શાંત, સૌમ્ય અને સહનશીલ મા પણ યાદ આવી. માએ તો હંમેશા મનને માર્યું હતું, કદીક મનને મનાવ્યું હતું, ખુશી દર્દના દરિયા વચ્ચે, જીવન કેવું વહાવ્યું હતુ?!! નીના..આજે ગીચ ઝાડીમાંથી ઊડી આવતા તીડના ટોળાઓની જેમ દ્રશ્યો આંખ સામે બસ ઊડી રહ્યા છે. નિસ્પૃહી માતાની સ્મૃતિનાં ટોળાં,નીતારે પાંપણથી આંસુની ધારા;  શબ્દો પડે સૌ ઉણા ને આલા….આમ કેમ થયું?

 

ચાલ,પત્ર ખૂબ લાંબો અને વધારે ગંભીર થઈ જાય તે પહેલાં વિચારોના ધોધને જબરદસ્તીથી બંધ કરું છું. अति सर्वत्र वर्जयेत्।

 

 

Advertisements

15 thoughts on “પત્ર નં.૪૯..ડીસે.૩, ‘૧૬

  • માનનીય હિંમતભાઇ, સંસ્કૃત ભાષાના સુભાષિતો પાણીદાર મોતી જેવાં હોય છે. અતિ સર્વત્ર વર્જયેત દ્વારા કોઈપણ વાતનો અતિરેક સારો નથી હોતો એ ભાવ કેવી સરળ રીતે આમાં વ્યક્ત થયો છે!!

   Liked by 1 person

 1. દેવિકાબેન,
  આજનો આ પત્ર આ શહેરના વરસાદી દિવસ જેવો થઈને દિલને ભીજાવી ગયો!
  ગામડામાં ઉછરેલો હોઈ તમારું આ ગામ્ય ચિત્ર આંખોને ભીની કરીને દિલને ડહોળાવી ગયું!
  નીનાબેનના જે લેખોનો તમે અહિ અણસાર કર્યો એ વાંચવા મળશે?. તમે કે નીનાબેન મને મોકલી શકો?
  અગાઉથી આભાર આપી રાખું છું જેનું આકર્ષણ કામ લાગી જાય!
  આજે જ નીચેનું વાંચવામાં આવ્યું જે સૌને ગમશે.
  દર્પણ કોઈ એવું બનાવી દે દોસ્ત!
  જોનારની સુરત નહીંં, પણ સિરત બતાડી(દેખાડી) દે!
  *હલીભાઈ સફારી

  જતાં જતાં,……
  હાસ્ય લખાણ એ મારો વિષય છે!.
  પણ, વાંચવું તો ગંભીર જ ગમે છે!

  ‘ચમન’

  Liked by 2 people

 2. હવે દર શનિવારે તમારા પત્રની રાહ જોવાય છે.
  વતનની યાદ આવવી એ સ્વાભાવિક છે.જ્યા આપણે પુરે પુરા રિલેક્ષ થઈ જીવતા હતા, રમતા હતા, પ્રેમ ભર્યા વાતાવરણમાં ભીંજાતા હતા.
  તમારી બન્નેની ભાષા, સરળ શૈલી સર્સ, મનભાવન લાગે છે.
  અહમ થી સોહમ સુધી ના સર્જક તરીકે ઉલ્લેખ કર્યો તે ગમ્યુ. ધન્યવાદ. આવી જ નાની વાર્તાઓ થકી આપણા જીવનનુ ઘડતર થાય છે અને થતુ રહેવુ જોઈએ, બરાબર ને ?

  Liked by 2 people

 3. દેવિકાબેન,
  કદાચ ઉંમર વધવા સાથે બાળપણ મનમાં વધુ પાંગરતુ હશે. મા ના હાથનો મીઠો હેતભર્યો હાથ આંખ મીંચતા હજુ પણ પીઠે અનુભવાય, અને બાળપણની મૈત્રી વર્ષો પછી એક ફોનના રણકે સમગ્ર અસ્તિત્વ ઝંઝોડી દે, એ કદાચ સહુનો અનુભવ હશે!!
  નીનાબેનની વાર્તા નો ઉલ્લેખ જે પ્રમાણે કર્યો એ વાંચવાની તાલાવેલીનો અંત વેબસાઈટ મોકલી લાવી દીધો.
  કોઈને નિઃસ્વાર્થ ભાવે કરેલી નાનકડી મદદ કેવા મબલખ વ્યાજ સાથે પાછી મળે છે એનો કોઈ હિસાબ નથી, એ જ તો માનવીના ઈશ્વર પરના ભરોસાને ડગમગવા દેતો નથી.

  Liked by 2 people

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s