પત્ર નં.૪૭..નવેં.૧૯.’૧૬

કલમ-૧

શનિવારની સવાર…

પ્રિય નીના,

આ વખતે તારો પત્ર ટૂંકો જરૂર લાગ્યો, પણ ફરિયાદ નથી કરતી. ખરેખર તો તને દાદ દેવી પડે કે તેં તારા વેકેશનના રીલેક્સ થવાના સમયની વચ્ચે અને કદાચ ઇન્ટરનેટની અસુવિધાની વચ્ચે પણ આપણા શનિવારના પત્રલેખનનો ક્રમ જાળવી રાખ્યો. મોટા જહાજની બારી પાસે બેસીને, સામે હિલોળા લેતા એટ્લાન્ટિક સમુદ્રને માણતી તારી કલ્પના કરીને ખૂબ આનંદ થયો.

અહીં હ્યુસ્ટનમાં હવે ગરમી ઓછી થવાને કારણે બેકયાર્ડમાં જવાનું, બેસવાનું અને ઝાડ-પાનને જોવાનું બને છે. યુકે.થી તદ્દન ઉંધુ. તમારે લેસ્ટરમાં ઠંડી ઓછી થાય ત્યારે બેકયાર્ડના ગાર્ડનમાં બેસી શકાય. હાં, તો આજે હીંચકાની ઉપર બાંધેલા ‘ગઝીબો’ પર ચડેલી પાપડીના વેલા પર નજર પડી તો કેટલા બધા પાન ઝાંખા અને કાણા પડેલા દેખાયા. તરત જ મનમાં શરીર પર પડતા બાકોરા,ગોબા,ખાડા,કરચલી સાથે સરખામણી થઈ ગઈ. ગયા પત્રમાં આપણે શરીરની સાચવણી વિશે લખ્યું હતું અને આજે આ કુદરત પણ સાર-સંભાળના અભાવે થયેલી એની માંદગીની જ મૌનપણે જાણ કરતી હતી ને!! કેટલું બધું સામ્ય છે?

માનવીના,પ્રાણીઓના,પંખીઓના અને જલચર જીવોના પણ જુદા જુદા રૂપ, રંગ, સ્વભાવ,ખાસિયત, માવજત જેવું બધું જ સાંગોપાંગ વનસ્પતિ, ઝાડ-પાન,ફળ,ફૂલમાં પણ છે જ. એવી ને એટલી જ માત્રામાં છે. એનું પણ રૂપ ખીલે છે અને ખરે છે, માનવીની જેમ જ. ફરક માત્ર એટલો છે કે એની પ્રવૃત્તિ અને પ્રગતિની લીલા, વાણી વગર મૌનપણે અને અવિરત ધારે ચાલુ રહે છે. બીજું, ફળ ફૂલ અને પાંદડા પહેલાં ખરે છે અને પછી સડે છે. જ્યારે માનવ તન કે મનથી રડે છે પછી ખરે છે. પ્રાર્થના તો એ કે ઈશ્વર આપણને રડતા અને રિબાવતા પહેલાં ખેરવી દે!!વાતમાં ગંભીરતા આવે તે પહેલાં જણાવી દઉં કે આ પાપડીના બી પણ તારા સુરતના. ત્યાંથી લાવીને ખાસ મારા માટે સંઘરી, સાચવીને રાખેલા તે જ આ વર્ષે ઊગ્યા છે. મનમાં એ યાદ કરીને નવું ખાતર નાંખ્યું, ડોક્ટરની જેમ થોડી દવા, થોડું વિટામીન વગેરે આપ્યુ, જરૂરી પાણી રેડ્યું અને પ્રેમ સમો સૂરજનો કુદરતી પ્રકાશ તો મળે જ છે.  કલમ અને કવિતાની જેમ ગાર્ડનીંગનો પણ એક કેફ હોય છે, નશો હોય છે. બી નાંખ્યા પછી રોજ સવારે એના વિકાસની પ્રક્રિયા જોવાની ખૂબ મઝા આવે. ૨૦૧૫ના મે મહિનામાં રંગોથી ભરપૂર તારો ગાર્ડન જોયાનું સ્મરણ તાજું થયું.

 

આ સર્જન, સંવેદના અને સજ્જતાના સંદર્ભમાં ચાલ, આપણા સાહિત્યનો એક બીજો મઝાનો મુદ્દો છેડું. વિચારોના વહેણ વહીને ક્યાંથી ક્યાં લઈ જાય છે? ગુજરાતી ભાષાનો અમૂલ્ય ખજાનો આપણી કહેવતો. પહેલાંના સમયમાં વડિલો વાત વાતમાં કેવી સરસ કહેવતો બોલતા. કોઈ માણસની ગરીબાઈ વિશે દાદી કહેતાઃ બેન,શું વાત કરું એના તો “આંતરડાની ગાંઠો વળી ગઈ ને પાંસળીઓની કાંસકી થઈ ગઈ” અને “પેટ તો પાતાળે પહોંચ્યું.” કોઈના ઘરમાં ઝઘડા થતા હોય અને એના કારણોની અટકળો થતી હોય ત્યાં તરત કોઈ બોલે “જર, જમીન અને જોરું; ત્રણે કજિયાના છોરું.” બીજું શું? તો વળી કોઈ કજોડા લગ્ન થાય તો ક્યાંકથી અવાજ આવ્યા વગર રહે નહિ કે “રાજાને ગમે તે રાણી, ભલે ને છાણાં વીણતી આણી.” અને જો કોઈ મોટી સભામાં કંઈ પણ પ્રતિભાવ ન આવે તો વક્તા સમજી જાય કે “ભેંસ આગળ ભાગવત.” થયું. હવે તું વિચાર કર નીના, કે આ એકેએક શબ્દમાં કેટકેટલાં ઊંડા અર્થો ભર્યા પડ્યા છે? અને વાત કેવી સરળતાથી સમજાઈ જાય છે? એ વાતમાં તો કોઈ બેમત છે જ નહિ કે ગુજરાતી ભાષાનો વૈભવ ન્યારો છે. એ ઘસાતી જતી ભલે જણાય પણ મરશે નહિ તેવી આશા જીવંત રહે છે. મને ખાત્રી છે કે તું આ વિશે જરૂર કંઈક રસભર્યું લખીશ.

 

હવે છેલ્લી એક વાત એ કે, તારા પ્રવાસ દરમ્યાન અહીં બે મોટા ધડાકા થયા. ચારે બાજુ બસ, એ બે ટોપીકનો જ માહોલ વરતાઈ રહ્યો છે. એક તો અમેરિકાનું ઈલેક્શન,એનું રીઝલ્ટ અને બીજો ધડાકો ભારતની પધ્ધતિ પ્રમાણે લખાતી તારીખ ૯/૧૧ ના રોજ, અમેરિકાના World Trade Center ના નાઈન-ઈલેવન-૯/૧૧ જેવો  જબરદસ્ત ધડાકો! વિશ્વભરમાં એની અસરો જુદી જુદી રીતે પહોંચી છે જેની વાતો ટેક્નોલોજીને કારણે સમુદ્રના જહાજ સુધી પણ જરૂર પહોંચી હશે, કદાચ ચંદ્ર અને મંગળ સુધી પણ પહોંચી હોય તો નવાઈ નહિ!!! એટલે હું એ વિશે વધુ નથી લખતી. આ બંને ઘટના/સમાચાર ઐતિહાસિક બની ગયા. વિશ્વભરમાં તેના વિશે અવનવા સારા ખોટા પ્રત્યાઘાતો પડ્યા અને ટેક્નોલોજીને લીધે ત્વરિત ગતિએ ફેલાયા પણ ખરા.

ટેક્નોલોજી શબ્દ લખ્યો ત્યાં એક રમૂજથી ભરપૂર આડવાત યાદ આવી. કોઈના જોડકણાં હતા. બરાબર શબ્દશઃ યાદ નથી તેથી મારી રીતે એનો સાર લખું છું. એનો ભાવ એવો હતો કે,આજકાલ તો…….

“વેબસાઈટ પર પરિચય અને ફેઈસબુક પર ફ્રેન્ડશીપ રચાય છે.
વોટ્સ-અપ પર ચેટીંગ અને ફેઇસ ટાઇમ પર ડેટીંગ થાય છે.
લીવ-ઈન રીલેશનની  જેમ,વાઈબર પર સારું લાગવા માંડે તો
સ્કાઈપ પર પ્રપોઝ થાય, અને ટવીટર પર લગ્ન લેવાય છે,
અરે, અમેઝોન પર બાળકો ખરીદી, પેપાલ પર બિલ પણ ભરાય ,
અને અંતે દિલ ભરાઈ જાય તો, ‘ઈબે’ પર બધું સેલ થઈ જાય છે!!!!

ચાલ, આજે તને હસાવીને અહીં જ અટકુ. તારા પ્રવાસની વાતો  વાંચવા ઉત્સુક છું.

આવજે.

દેવીની  યાદ

 

9 thoughts on “પત્ર નં.૪૭..નવેં.૧૯.’૧૬

  1. Vow!
    ગુજરાતી ભાષાનો અમૂલ્ય ખજાનો આપણી કહેવતો. પહેલાંના સમયમાં વડિલો વાત વાતમાં કેવી સરસ કહેવતો બોલતા. કોઈ માણસની ગરીબાઈ વિશે દાદી કહેતાઃ બેન,શું વાત કરું એના તો “આંતરડાની ગાંઠો વળી ગઈ ને પાંસળીઓની કાંસકી થઈ ગઈ” અને “પેટ તો પાતાળે પહોંચ્યું.” કોઈના ઘરમાં ઝઘડા થતા હોય અને એના કારણોની અટકળો થતી હોય ત્યાં તરત કોઈ બોલે “જર, જમીન અને જોરું; ત્રણે કજિયાના છોરું.” બીજું શું? તો વળી કોઈ કજોડા લગ્ન થાય તો ક્યાંકથી અવાજ આવ્યા વગર રહે નહિ કે “રાજાને ગમે તે રાણી, ભલે ને છાણાં વીણતી આણી.” અને જો કોઈ મોટી સભામાં કંઈ પણ પ્રતિભાવ ન આવે તો વક્તા સમજી જાય કે “ભેંસ આગળ ભાગવત.” થયું. હવે તું વિચાર કર નીના, કે આ એકેએક શબ્દમાં કેટકેટલાં ઊંડા અર્થો ભર્યા પડ્યા છે? અને વાત કેવી સરળતાથી સમજાઈ જાય છે? એ વાતમાં તો કોઈ બેમત છે જ નહિ કે ગુજરાતી ભાષાનો વૈભવ ન્યારો છે. એ ઘસાતી જતી ભલે જણાય પણ મરશે નહિ તેવી આશા જીવંત રહે છે.

    Liked by 1 person

  2. ગુજરાતિ કે એ માટે ગમે તે ભારતીય ભાષાનો વૈભવ જબરદસ્ત છે. પણ અત્યારે સમાજની અવસ્થ જોઈને લાગે છે કે એને ગ્રઃઅણ લાગી રહ્યુ છે.ક્યારે એનો સૂર્ય ફરીથી તેજસ્વી થઈ બહાર આવ્શે ?
    બીજમાંથી વૃક્ષનુ રુપાંતર થતુ જોવામાં ચોક્કાસ મજા છે.ધીરજના ફળ મીઠા હોય છે., સાચુ ને !!

    Liked by 2 people

  3. દેવિકાબેન, તમે પાપડીના વેલાનુ ઉદાહરણ આપી કુદરતનો ક્ર્મ અને નિયમ સુંદર રીતે સમજાવ્યા.
    ધરતી પરના દરેક જીવ, મનુષ્ય-પ્રાણી-વનસ્પતિ, હા વનસ્પતિને પણ જીવ છે. પાંચ તત્વમાંથી ઉત્પન થયા, પાંચ તત્વથી પોષાય અને પાંચ તત્વમાં સમાઈ જાય. ઉત્પતિથી અંત સુધી દરેક જીવનો વિકાસ અને અવસ્થા લગભગ સરખા હોય છે.

    Liked by 1 person

  4. બીજું, ફળ ફૂલ અને પાંદડા પહેલાં ખરે છે અને પછી સડે છે. જ્યારે માનવ તન કે મનથી રડે છે પછી ખરે છે. પ્રાર્થના તો એ કે ઈશ્વર આપણને રડતા અને રિબાવતા પહેલાં ખેરવી દે!! liked gujarati sayings and 9/11 of usa and india.discussed in short along with Najakat of technology…Many thx

    Liked by 2 people

Leave a comment