પત્ર નં ૪૬..નવે. ૧૨ ‘૧૬

કલમ-૨

શનિવારની સવાર

પ્રિય દેવી,

દીપ જલે જો ભીતર સાજન રોજ દિવાળી આંગન’, વાહ, દેવી! સાચે જ આ દીપ જલાવવા માટેના પ્રયત્નો એટલે જ ચિદાનંદ રૂપઃ શિવોહમ્ શિવોહમ્’. અંદરથી પ્રગટ થતાં આનંદને સંસારની પળોજણે ઢાંકી દીધા છે તેને સંકોરશું તો રોજ દિવાળી આંગન.

 

આપણે વર્ષો સુધી મનને મારી નાંખ્યું છે અને શરીરને અવગણ્યું છે. ખરેખર તો શરીર પર જુલમ કર્યો છે એમ કહીએ તો ખોટું નથી. અને એની સજા જ્યારે ભોગવવી પડે ત્યારે નસીબ કે ગયા જન્મના કર્મો જેવી વાહિયાત વાત કરી આપણી જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કરીએ છીએ. શરીર અને આત્માનો અવાજ ક્યારે ય ખોટા ન હોય. પરંતુ વચ્ચે મનને આપણે એટલું તો પ્રભાવશાળી થવા દીધું છે કે એ શરીર કે આત્માના અવાજને આપણા સુધી પહોંચવા જ ન દે ને! દા.ત. શરીર જુદી જુદી રીતે કહે તે ન સાંભળ્યું, પછી નિષ્ણાતે કહ્યું કે ડાયાબિટિશ છે તો પણ મન કહે કે એક ગોળી વધારે ખાઈ લેજે ને, આ ગુલાબજાંબુ કેટલા દિવસે ખાવા મળ્યું છે!  બસ આજનો દિવસ ખાઈ લઉં.

 

આ સંદર્ભમાં શ્રી ગુણવંત શાહના પુસ્તક “વિરાટને હિંડોળે’ માં “અખંડ સૌભાગ્યવતી જઠરદેવી” લેખ યાદ આવ્યા વગર રહે નહિ. એમાં એમણે લખ્યું છે કે, “શરીરયાત્રા અન્ન વગર ન ચાલે. પણ મોટેભાગે આપણે શરીરને લાડ કરાવીએ છીએ. લાડ કરનાર જ્યારે હદ વટાવે ત્યારે શરીર ખાટલાને શરણે જાય છે. જમવાના પાટલે બેસીને કરેલા ગુનાઓની સજા છેવટે ખાટલામાં પડીને ભોગવવી પડે છે.” આ વાત કેટલી બધી સાચી છે? મને ખૂબ ગમી.

 

સર્જન અને સાહિત્યની બાબતમાં તેં ખૂબ સરસ લખ્યું કે, જીવાતા જીવનમાંથી અને જોવાતા જગતમાંથી આપણને ઘણું બધું સતત મળતું જ રહે છે. થોડી સભાનતા અને સજાગતા હોય તો પંચેન્દ્રિયોને  સ્પર્શતી દરેક અનુભૂતિ આપમેળે કોઈ ને કોઈ રૂપે વ્યક્ત થતી રહેતી હોય છે’. એકદમ સાચી વાત. માત્ર સંવેદનાની અભિવ્યક્તિ એટલી સંતોષકારક અને આનંદદાયક ન લાગે પણ જો એ જ અભિવ્યક્તિને સજ્જતા સાથે રજૂ કરવામાં આવે તો વાચક કે શ્રોતાના અંતર સુધી પહોચી જાય એ ચોક્કસ. ઘણીવાર મારો અનુભવ એવો રહ્યો છે કે જ્યારે લખવા માટે કલમ થનગની ઉઠે અને લખું પછી બીજે દિવસે એ જ લખાણ વાંચુ ત્યારે સજ્જતા વ્હારે ધાય. અમુક શબ્દો/વાક્ય રચના કે પ્રસંગની આસપાસ રચેલી સૂક્ષ્મ વાતો કંઈક નવા  જ સંદર્ભે પ્રગટે. માત્ર અંતરનો આવેગ નહીં તેની અભિવ્યક્તિ માટે સજાગતા અને સજ્જતા ખૂબ જ મહત્વના છે જ. તેમાં કોઈ શંકા નથી.

 

તારા મનમાં સળવળતા ‘પ્રારબ્ધને ગોખે પુરુષાર્થના દીવા’ પ્રગટાવવાની વાત સાચે જ વિચાર માંગી લે છે. જો માત્ર પુરુષાર્થથી જ ઈચ્છિત મળતું હોય તો દુનિયામાં અગણિત લોકો જબરો પુરુષાર્થ કરે છે તો ય માંડ કાંઈ મળે છે અને અમુક લોકોને સાવ જ ઓછા પ્રયત્ને ખૂબ ખૂબ પામતા જોઈએ ત્યારે એ વિચાર આવે જ કે એ બેમાંથી કયું વધુ પ્રભાવશાળી? મારા વિચાર મુજબ બન્ને એક બીજાના પૂરક છે. અને જ્યારે આપણને કોઈ તર્કશુદ્ધ કારણ ન મળે ત્યારે ગત્ જન્મના સંચિત કર્મફળને માનવું જ પડે.

 

તેં જે કૃપાની વાત કરી તે પણ સાચી જ છે પરંતુ જ્યારે કોઈ અન્યોને હેરાન-પરેશાન કરીને, બીજાનું ઝુંટવીને પણ આનંદથી અને એશો-આરામથી જીવતા જોઈએ ત્યારે પ્રશ્ન થાય કે કૃપા મોટી કે પ્રારબ્ધ? ઘણીવાર આ બધી વાતો વ્યાખ્યાઓથી પણ ઉપરની વાત લાગે. આપણને ખબર છે કે એક માણસ સખત પુરુષાર્થ કરતો રહે, શરીરની તાકાત હચમચી જાય, ધીરજનો અંત આવી જાય તો પણ સફળતા ન મળે ત્યારે એ માણસ હારી જાય, થાકી જાય અને મન-બુદ્ધિથી બધિર બની જાય અને ક્યારેક ભાવશૂન્ય બની જાય ત્યાં સુધી એને જ્યારે સહન કરવું પડે ત્યારે આવી ચર્ચાઓ વામણી લાગે. એક સામાન્ય માનવીની વાત કરું છું; આધ્યાત્મને રસ્તે જતાં કે બહુશ્રુત યા તો વિદ્વાન કે સંતની હું વાત નથી કરતી, દેવી. આપણે પણ એવી પરિસ્થિતિમાંથી પસાર થયા જ છીએ ને? ત્યારની મનોદશા વિચારું છું. હા, એમાંથી બહાર આવ્યા પછી એની કૃપાનો અહેસાસ થાય છે જ પરંતુ એ સ્થિતિમાંથી પસાર થતી વ્યક્તિની ધીરજ, હકારત્મક વલણ અને એને સમજવા માટે મળતો કે નહી મળતો ટેકો કેવો અને કેટલો મળે છે તેના ઉપર ઘણો મોટો આધાર છે.

 

ચાલ, આજે અહીં જ વિરમું. કારણ સામે એટલાન્ટિક સમુદ્ર હિલોળા લે છે. ૧૭ માળના શીપમાં, ૧૦મે માળે, બારી પાસે બેઠી છું. સૂરજ મધ્યાન્હે તપે છે અને જમવા જવાનો સમય પણ થયો છે ત્યારે વધુ લખવાનું સૂઝે ક્યાંથી?

 

નીનાની સ્નેહ યાદ.

Advertisements

9 thoughts on “પત્ર નં ૪૬..નવે. ૧૨ ‘૧૬

 1. માણસ પાસે મન (Mind) અને બુધ્ધિ (Intellect) બન્ને છે. જે માણસ શરીર સાચવવા બુધ્ધિ વાપરે છે એ ડાયાબીટીસ હોય તો ગુલાબ જાંબુ નહિં ખાય, પણ એના ઉપર મનનું પ્રભુત્વ છે એ ખાસે. ગીતાના બીજા અધ્યાયમાં કહ્યું છે, “મન ઇન્દ્રીયોથી ભોગવી શકાય એવી વાતો તરફ લલચાય છે, એમાંથી ઈચ્છા જન્મે છે, ઈચ્છા પુરી ન થતાં ક્રોધ જન્મે છે, ક્રોધથી બુધ્ધિનો નાશ થાય છે અને બુધ્ધિનો નાશ થતાં સર્વનાશ થાય છે.”

  Liked by 3 people

 2. જમવાના પાટલે બેસીને કરેલા ગુનાઓની સજા છેવટે ખાટલામાં પડીને ભોગવવી પડે છે.” આ વાત છ મને PAN ખૂબ ગમી.

  Liked by 2 people

  • જાણીતા સુપ્રસિધ્ધ લેખક શ્રી ગુણવંત શાહના ટાંકેલા એ શબ્દો ખરેખર મને પણ ખૂબ જ ગમ્યાં,વસંતભાઈ.

   Liked by 1 person

 3. આ શરીર રૂપી રથની ૧૦ ઇન્દ્રિઓ રૂપી લગામ મનના હાથમાં હશે તો જરૂર ખાટલે ભોગવવાનો સમય આવશે. જો (કૃષ્ણ રૂપી) બુદ્ધિને સારથી બનાવીશું તો ઇન્દ્રિઓ સાચે માર્ગે દોરાશે.ગીતામાં કૃષ્ણ સારથી બન્યા અર્જુનની ઇન્દ્રિઓને ધર્મ યુદ્ધ લડવા તૈયાર કરી.

  Liked by 2 people

 4. ઈન્દુબેન, સાચી વાત છે. માટે જ આપણે ભગવાન પાસે સદબુધ્ધિ માગીએ છીએ.
  સદબુધ્ધિ જ સત્વગુણ-રજોગુણ -તમોગુણને બેલેન્સમાં રાખે છે,
  માણસની બુધ્ધિ સત્વગુણને ઉપર લાવે તો તેનુ જીવન ધન્ય બની જાય.

  Liked by 1 person

 5. નયનાબેન, દેવિકાબેન
  આપ બંને, દરેક પત્રમાં બહુજ સુંદર જુદા જુદા ટોપીક વિષે ચર્ચા કરો છો, ખરેખર વાંચવાનો આનંદ આવે છે.

  Liked by 1 person

 6. બન્ને બુધ્ધીશાળી બહેનો ના વિચારો મમળાવવા જેવા હોય છે.

  નવીન બેન્કર

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s