પત્ર નં ૪૪..ઑક્ટો. ૨૯ ‘૧૬

કલમ-૨શનિવારની સવાર 

પ્રિય દેવી,

કેમ છે ? એટલા માટે પૂછ્યું કે જીવનની ઘટમાળમાં જીવનના આગમન અને વિદાયના મણકામાંથી તું હમણા પસાર થઈ રહી છે. ઘટમાળ એ દોરો છે અને એમાં પરોવાતાં રહેલા મણકા ઘણીવાર સુખ આપે છે તો ક્યારેક પીડા, ક્યારેક ભાવવિભોર કરી દે છે તો ક્યારેક ગ્લાનીસભર, ક્યારેક અંતરમનને ઝંકૃત કરી જાય તો ક્યારેક ઉદાસ ઉદાસ!

મૃત્યુ ભલે ‘ઝુલાનું અટક સ્થાન’ હશે પરંતુ જ્યારે એ ઝુલો અધવચ્ચે અટકી જતો લાગે; ત્યારે આપણને સૌને આધ્યાત્મિક વ્યાખ્યાઓ ખબર હોવા છતાં મનને ઉદાસ કરી જાય! ખાસ કરીને તો પાછળ નિર-આધાર (ભગવાન જ ખરો આધાર છે વિગેરે વ્યાખ્યાઓ તે વખતે સાવ નિરર્થક લાગેને?) બની ગયેલા યુવાન પતિ/પત્ની અને નાનું બાળક/બાળકોને કલ્પાંત કરતાં જોઈને!

ખેર, સાથે નવોદિતના આગમને પેલા ખેદને સરભર કરી દીધું હશે.

આ બધાનો સાર મારે કાઢવો હોય તો એટલું જ કહું કે life is short. લાંબા-ટૂંકાની વ્યાખ્યા સૌ પોતાની રીતે કરી શકે છે પરંતુ એને એ રીતે માણવી જોઈએ કે જતી વખતે મન પ્રફુલ્લિત હોય. ભલે શારીરિક મુશ્કેલી ઓછી-વત્તી હોય પરંતુ અંદરથી કંઈક પામી લીધાનો સંતોષ જતી વખતે મોં પર છોડીને જઈએ એ જ ઈશ્વરને પ્રાર્થના કરું. પાન-ખર જ્યારે આવે ત્યારે પણ તેં કહ્યું તેમ અદબભેર ખરી જવાનું મનોબળ કેળવવું રહ્યું.

હવે મારી લખેલી અછંદાસ માટે તું ગૌરવ લે તે ગમે જ. પરંતુ મેં આ કવિતા લગભગ ૧૯૭૪/૭૫માં લખી હતી. ત્યારે જીવનમાં સમથળ થવા મથતી હતી. યૌવનની થનગનતી વૃત્તિને સંસારના સાંચામાં ઢાળવાનાં ધમપછાડાના ફળ સ્વરુપ એ લખાયું હતું. તને યાદ નહી હશે પરંતુ કોલેજકાળમાં પણ મેં લખેલી અમુક કવિતાઓ તારી અને રંજન આગળ મેં વાંચી હતી. એ મને કોઈને બતાવવાનું ન ગમે કારણ એ વખતનો મનનો ઉચાટ પછી પુખ્ત બન્યો અને એ કવિતાઓ સાવ જ બાલિશ લાગી!

તારી વાત સાથે સહમત થાઉં છું કે, ते हि नो दिवसा गताः – મને રંગોળી પૂરવાનો અનહદ શોખ. રાત્રે અને ખાસ કરીને દિવાળીની રાત્રે મોટી રંગોળી કરીને પછી આખા મહોલ્લાની અન્યોની રંગોળી જોવા જતાં. મારા ભાઈઓ રંગોળી પાસે ફટાકડા ન ફોડે તેની તકેદારી રખાવામાં આખી રાત સુતા નહીં……

બધું ઇન્સ્ટંટ થતું જાય છે પરંતુ આપણા પછીની પેઢીનો આનંદ કંઈક જુદો હશે જેનો આપણને પરિચય નથી કે નથી એ સમજવાનો સમય. તેં કહ્યું તેમ ટેકનોલોજીએ આપણા અનુભવોને ભલે વામણા બનાવી દીધા પરંતુ એનું સ્મરણ હજુ પણ આનંદ તો આપે જ છે ને?

મને હજુ પણ યાદ છે ભૂરા આકાશને લેટર બોક્સમાંથી ટપકતું જોવાનો રોમાંચ! મારા બા, ભાઈઓ-ભાભીઓ, ભત્રિજા-ભત્રિજીઓના પત્રો મળવાનો આનંદ. પછી એના જવાબ લખવાનો સમય ફાળવવાની ઉતાવળ, ફરી પાછો પ્રત્યુત્તરની રાહ જોવાનો આનંદ! દેવી, દરેક પેઢી આનંદ મેળવવાના પોત પોતાના રસ્તાઓ ખોળી જ લે છે.. આપણે જેને ગેરલાભ કહીએ છીએ તે એ લોકોના જીવનનો એક ભાગ બની ગયો છે એટલે અત્યારની પેઢીને આપણી વાતો ન સમજાય એ સ્વાભાવિક છે. બાકી હા, દુનિયા ‘સાંકડી’ થતી જાય છે ‘નાની’ નહી. મનનો વિસ્તાર સાંકડો ન થાય એની કાળજી સમાજ ન રાખશે તો અંતે સમાજે જ એનું પરિણામ ભોગવવું પડશે અને આપણે પણ એ જ સમાજનું જ અંગ છીએ એટલે છૂટી તો શકાશે નહીં ને?

તારી વાર્તા ખૂબ જ ગમી. હું એને થોડી જુદી રીતે જોઉં છું. તેં કહ્યું તેમ મનનો ખેલ તો છે જ પરંતુ તેના કરતાં ય ‘મારું’ અગત્યનું છે. જ્યારે એ અન્યોનું બની જાય ત્યારે હું પ્રેક્ષક બની જાઉં છું. પરંતુ એની સાથે જેવો માલિકીભાવ આવ્યો એટલે તરત જ એ સુખ-કે દુખદાયક બની જાય. વસ્તુ કે પરિસ્થિતિ ‘મારાપણા’ના ભાવ સાથે જોડાયેલી છે.

બાકી મનની શક્તિને જરાય ઓછી અંકાશે નહીં. આ મનની કેળવણી પણ અજબ વસ્તુ છે નહી, દેવી?  એક જ વાતાવરણ, માતા-પિતા અને સમાજમાં ઉછરેલાં દરેક બાળકની મનની શક્તિ અલગ અલગ છે. માનવું હોય કે નહીં તો પણ ગયા જન્મનું કંઈક તો લઈને આવ્યા હોઈશું જ એની પ્રતિતી કરાવે છે.

હમણાં જ મને કોઈએ પૂછ્યું કે હું જ્યારે વાર્તા લખવા બેસું ત્યારે શું અનુભવું છું? ખૂબ જ સરસ પ્રશ્ન હતો. લખવા માટે અંદરથી એક ધક્કો લાગે અને લખવા બેઠાં પછી આપમેળે સ્ફુરતું જાય, લખાતું જાય. ન લખાય તો દિવસો સુધી ન લખાય અને લખવા બેઠાં પછી બસ લખાતું જાય… લખાતું જાય…ક્યાંથી આવે છે તે પણ ન સમજાય! આ અનુભૂતિ જ અવર્ણનીય છે. અને સૌથી વધારે તો લખ્યા પછીની તૃપ્તિનો આનંદ કેવી રીતે વર્ણવી શકાય? આ વિષેનો તારો અનુભવ વાંચવો ગમશે.

અંતે કવિની શબ્દ શક્તિ અને અનુભૂતિની અભિવ્યક્તિ દર્શાવતી મિતુલ પટેલ-અભણની એક કવિતાથી વિરમું..

‘મારી ઉદાસીનું શ્રાધ્ધ છે,

એમની સાથે વીતાવેલી એકાદ રંગીન ક્ષણ લઈ આવો,

 વાસ નાંખવી છે.’

આવી વાત લખવા માટે મારા જેવાને કેટલા બધા શબ્દોનો સહારો લેવો પડે અને તારા જેવા કવિઓ માત્ર થોડા શબ્દોમાં કેટલી ગહન વાત કેટલી સહજતાથી કરી શકે!

ચાલ, લખવું તો ઘણું હોય પરંતુ તારી દયા આવે છે….

નીનાની સ્નેહયાદ.

12 thoughts on “પત્ર નં ૪૪..ઑક્ટો. ૨૯ ‘૧૬

 1. “ઘટમાળ” શબ્દ પ્રયોગ વાંચી વિચાર્યું કે આ શબ્દનો ઊપયોગ તો આપણે કરીએ છીએ પણ તેમાં થોડું ઊંડું ઉતરું. ઊંડાણમાં ઉતરતા જે સમજાયું તે એ કે,”આ શબ્દ બે શબ્દો “ઘટ” અને “માળ”થી બનેલ છે, ઘટ શબ્દના ત્રણ અર્થ ઘટના, ઘડો અને શરીર.
  આ જીવનને જોઈએ તો સમજાય કે ઘટનાઓની માળા કે જોડ છે. દરેકના જીવનમાં જુદી જુદી ઘટનાઓનો સામનો કરવો પડતો હોય છે. કેટલીક સુખદ તો કેટ્લી દુખદ. આ તમામ ઘટનાઓ આપણા માટે શિખવાના પાઠ છે. આ પાઠ આપણે શિખી જીવનને મધુર રસથી, પ્રેમથી ભરીએ છીએ કે કાદવ કિચડ ભરી ઘડો ગંદો કરીએ છીએ, તેની ઉપરવાળૉ પરીક્ષા લે છે. એક દિવસ જીવન સમાપ્ત.
  ઘડો કાદવ કિચડથી ભરીએ અને પરીક્ષામા નપાસ થઈએ ત્તો, વળી નવું શરીર, નવું ઘટ (ઘડો) કુંભાર ઘડે અને આપણને આપે. વળી એક તક, જીવનની. પરમાત્મા વળી સુચના આપે કે, “જા, ઘડો માંજી સ્વચ્છ કરજે અને સ્વચ્છ પાણી ભરજે, પ્રેમ ભરજે. અને પાછા આપણને નવા શરીર (ઘટ) સાથે મોકલે. આમ જેટ્લીવાર નપાસ થઈએ નવું શરીર ધારણ કરતા રહીએ. અને સર્જાય ઘટ(ઘડા)માળ. આ ઘટમાળ ત્યારે જ ટુટે, જ્યારે જીવન સાચા અર્થમાં જીવી જાણીએ અને પરમાત્માએ જે માટે મોકલેલ છે, તે કાર્ય કુશળતા/વિવેક પૂર્વક પુરું કરીએ.”
  નોંધઃ આ બધા મારી સમજ પ્રમાણેના અર્થ છે. ડિક્શનરી કે અન્યની સમજથી જુદો અર્થ હોઈ શકે છે.

  Liked by 3 people

  • આપનો પ્રતિભાવ વાંચી મારું એક પ્રિય ભજન યાદ આવ્યું-મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી-તેમાં ય ખાસ કરીને યમના તેડા ન આવે મને મારો નાથ તેડાવે-હું કોઈ માર્ગી નથી પરંતુ અમુક ભજનનાં શબ્દો સાદા-સીધા પરંતુ સચોટ હોય તો ખૂબ ગમે. આભાર શરદભાઈ

   Liked by 1 person

 2. જીવન ઉર્જાની ગતિ પૂર્વ તરફ એટલે ભાવિ કલ્પનાઓ તરફ વહે તે બાળપણ/યુવાનીની નિશાની છે. જીવન ઉર્જા પશ્ચિમ તરફ વહે એટલેકે સ્મૃતિઓ તરફ તે આધેડ/વૃધ્ધાવસ્થાની નિશાની છે. ઉર્જાનુ આ વહન હોરિઝેન્ટલ હોય.આપણે ત્યાં એને ઘાંચીનો બળદ કહેતાં. પરંતુ જ્યારે જીવન ઉર્જા વર્તમાન ક્ષણમાં રહેતી થાય તે પરિપક્વતાની નિશાની છે અને વર્ટિકલ ગ્રોથ થાય છે.જીવન ઊર્જા ઉદ્વગામી બને છે.

  Liked by 2 people

 3. (૧) માલિકીભાવ આવ્યો એટલે તરત જ એ સુખ કે દુઃખદાયક બની જાય… સાચી વાત છે.
  (૨) લખવા માટે અંદરથી એક ધક્કો લાગે’ વાળી વાત ઘણીવાર અનુભવી છે.
  (૩) પત્રો લખવાનો અને એ પત્રો મેળવવાનો આનંદ’ વાળી વાત પણ એટલી જ સાચી છે. અમેરિકા આવ્યો ત્યારે હું મારા અનુભવો મિત્રોને લખી લખીને જણાવતો. જ્યાં નોકરી કરતો ત્યાંના ઝેરોક્ષ મશીનનો ખુબ દુરૂપયોગ કરેલો. મારા મિત્રો એ પત્રો સાચવી રાખતા. આજે અમદાવાદ જઉં છું ત્યારે અ બધા ફરિયાદ કરે છે કે હવે કેમ પત્રો નથી લખતો ? હું એમને ઇન્ટરનેટના માધ્યમની વાત કરૂ છું ત્યારે એ લોકો પોતે ઇન્ટરનેટ નથી વાપરતા એમ કહે છે. અને મને કાગળ પર પત્રો લખવાની આદત છૂટી ગઈ છે. ઍટલે પત્રવ્યવહારનો આનંદ ઝુંટવાઇ ગયો છે.
  (૪) મને શરદ શાહ ના પ્રતિભાવોમાં રસ પડે છે. એમનો પરિચય મોકલશો ? આ વખતે અમદાવાદ જઈશ ત્યારે મારે ત્રણ શાહ ને અચુક મળવું છે. રોહિત શાહ, સૌરભ શાહ અને આ શરદ શાહ ( જો એ અમદાવાદના હોય તો )

  નવીન બેન્કર
  ૨૯ ઓક્ટોબર ૨૦૧૬

  Liked by 2 people

  • પ્રિય નવિનભાઈ;
   પ્રેમ.
   આપને અને આપના પરિવારને નવા વર્ષની અનેક શુભેચ્છાઓ. મારી કોઈ વાત આપના હૃદયને સ્પર્શે તો સમજવું કે એ કોઈ પરમશક્તિ તરફથી આવેલ છે. અને જ્યારે કોઈ વાત ખુંચે તો સમજવું કે મારો અહમ ક્યાંક આડો આવી ગયો હશે અને તે બદલ મને ક્ષમા કરશો.
   અસલી પરિચય તો સ્વનો થાય તે જ જીવનનુ લક્ષ્ય છે અને જ્યાં સુધી ન થાય ત્યાં સુધી કોઈપણ જીવને શાંતિ કે સમાધાન નથી મળતું, આ નિયમ છે.
   હું બસ આવી સ્વ શોધનો યાત્રી છું. જીવનના કેટલાંક રહસ્યો સમજાયા છે અને પરિણામે જીવનને એક દિશા મળી છે અને અનેક પીડાઓમાંથી મુક્તિ પણ. એટલે ક્યારેક મિત્રોને આવી પીડાઓમાં જોઉં ત્યારે મારા અનુભવે જે વાત સમજાઈ હોય તે શેર કરું છું. કદાચ કોઈને સમજાઈ જાય અને નાહક દુખી ન થાય. બસ આવા પ્રયોજનને કારણે જ લખુ છું.
   હું અમદાવાદનો જ રહેવાસી છું. પરંતુ હાલ મારા ગુરુ સ્વામી બ્રહ્મવેદાંતજી નો આશ્રમ જે માધવપુર (ઘેડ) સ્થિત છે ત્યાં રહુ છું, અને તેમના સાનિધ્યમાં અને માર્ગદર્શનમાં જીવન જીવવાની કોશિશ કરું છું. મારો ફોન નંબર છે. ૯૮૨૫૮૪૭.
   આપ જ્યારે ભારત્ પધારો અને ફોનથી સંપર્ક કરવા ઈચ્છો તો મારો સંપર્ક કરી શકો છો. ભિતર કોઈ પ્યાસ હોય તો મારા ગુરુને મળવાનુ ગોઠવશો. હું તો નકલી સિક્કો છું અને બહુ સંભાવના છે કે ભટકાવી દઊં. મારા ગુરુ અસલી સિક્કો છે અને જેની શોધ છે તે મેળવવામાં સહાયક થઈ શકશે.
   બાકી મારો વહેવારિક પરિચય જોઈતો હોય તો હું એક રિટાયર્ડ ઈન્ડસ્ટ્રિયલ કનસલટન્ટ્ છું. સિનિયર કન્સલટન્ટની પોસ્ટપરથી ૨૦૧૦માં રીટાયર્ડ થયો છું. શરીરની ઉમ્મર ૬૫વર્ષ છે. મારકેટિંગ અને મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ૧૯૭૫માં કરેલ. ૧૯૭૮માં ઓશો (રજનીશ)એ સન્યાસ આપેલ. ૧૯૭૮ ડિસે.માં લગ્ન. પત્ની,બે દિકરાઓ,બે વહુઓ, એક પૌત્ર બે પૌત્રીઓનો પરિવાર છે, એક દિકરો ચાર્ટડ એકાઊન્ટન્ટ્ એક દિકરો એમ.બી.એ. છે.
   બીજું કાંઈ જાણવુ હોય તો જણાવશો.
   શેષ શુભ.
   પ્રભુશ્રીના આશિષ.
   શરદ.

   Liked by 2 people

 4. નવીનભાઈએ કાલે ધન ધોઈને એનું આચમન લીધુ એનો આ ચમત્કાર ગણી શકાય? એમની આજની એક અનોખી ટપાલ પણ આની ચાડી ખાશે!
  એક પ્રશ્ર્ન દેવિકાબેનને…મેં મારી જાતે વાંચનના અભ્યાસથી ‘અછંદાસ’ શબ્દને સુધારીને ‘અછાંદસ’ લખતો થયો અને આજે નયનાબેને ‘અછંદાસ’ શબ્દ વાપર્યો એટલે એની ચોખવટ આ નવા વર્ષે કરવી સારીને!
  બાકી આજની વાત સમજવા જેવી જરૂર છે! પણ, આજના આ દિવાળી ને નવા વર્ષના આનંદિત દિવસોમાં મગજ પાસે મગજમારીવારું કામ કરાવવાનું મન થતું નથી! માફી ચાહું છું! તમને બંનેને અને તમારા સર્વે વાંચકોને આ પર્વોની શુભેચ્છા પાઠવી લૌ છું.

  Liked by 2 people

  • નવા વર્ષે જોડણીની ભૂલ માટે કાન પકડી લઉંને? ખામીઓ જાણવા મળે તો જ સુધારવાનો અવકાશ રહે. નવા વર્ષના અઠવાડિયે મગજને આરામ આપવાની વાત વિચારવા જેવી તો ખરી!

   Liked by 1 person

  • ચિમનભાઇ,

   તમારા પ્રશ્નના જવાબમાં જુલાઈ ૨૮’ ૧૬ના રો આપેલ મારો પ્રતિભાવ ફરીથી અહીં ટાંકું છું.
   ‘‘અછાંદસ” સાચો શબ્દ છે.ભાષાના ભમરડામાં ભલે ભમો, પણ ચિમનભાઈ,ભાવાર્થની ખરી દોરી ખાસ પકડજો. ..પછી ભમરડો બરાબર ફરશે જ!!!

   દેવિકા

   Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s