પત્ર નં.૩૯…સપ્ટે.૨૪ ‘૧૬

 

કલમ-૧

શનિવારની સવાર…

 

 પ્રિય નીના,

પત્રનું સ્વરૂપ જ એવું છે કે તેમાંથી ક્યારેય રસ ઓછો ન થાય. તેમાં યે તારા જેવી મિત્રનો પત્ર આવે પછી તો રસ ખોવાનો સવાલ જ ક્યાં રહે?!!  ઉલટાનો આનંદમાં વધારો એ વાતનો થયો કે, આપણી પરસ્પરની ટેલીપથી, જોજનો દૂરના અંતરને છેદી, ભેદી એકમેકના અંતર સુધી પહોંચી. 

ગયા પત્રમાં તેં હિન્દી ફિલ્મના ગીતો અને આર્ટમુવીની વાત કરી તેના અનુસંધાનમાં અહીં ટીવી પર ચાલતા અમેરિકન ફેમિલીના કેટલાંક એપીસોડ પણ ખરેખર મઝાના હોય છે. જેમ “I love Lucy “ નો શૉ સૌનો માનીતો અને પ્રસિધ્ધિના શિખરે પહોંચી ગયો તેમ બીજાં પણ ઘણાં દાદ માંગી લે તેવા હોય છે.

જૂના Family ties, Two close for comfort વગેરે ઘણાં અર્થસભર હતાં. બીજો એક જૂનો પણ હમણાં અવારનવાર ચાલતો Everybody loves Raymond પણ ઘણી દ્રષ્ટિએ જોવાલાયક બની રહ્યો છે. નજીક નજીક રહેતા અને રોજ એકબીજાના ઘેર મળતા માબાપ અને બે દિકરાઓના કૌટુંબિક જીવનના, રોજીંદા સ્વાભાવિક બનતા સારા/ખોટા બનાવોની ગૂંચ વચ્ચે પણ વ્યક્ત થતી એકબીજાં પ્રત્યેની લાગણી તેમાં સરસ હળવી રીતે વ્યક્ત થાય છે. દરેક પાત્રોના સંવાદો, હાવભાવ, હલનચલન,પોષાક વગેરે એકદમ સાહજિક,નેચરલ. કોઈ ખોટા સાજ, શણગાર કે મોટા સેટીંગ,મ્યુઝીક કશું જ નહિ. એટલું જ નહિ એમાંથી નીકળતી કૌટુંબિક ભાવના ખૂબ જ સરળતાથી સ્પર્શે છે અને તેથી સમજાઈ પણ જાય છે. માનવી આખરે માનવી છે, એ ગમે તે ભૂમિનો હોય. છેવટે તો બ્રહ્માંડનો જ અંશ છે, દરેકના લોહીનો રંગ લાલ જ છે.

ઘણીવાર નીના, મન વિચારે ચડી જાય છે ત્યારે જાણે કે કોઈ ઊંડા દરિયામાં ડૂબી જાય છે. એમાંથી મરજીવાની જેમ મોતી હાથ આવે છે કે કેમ તે તો નથી ખબર પણ કોઈ નવા અમૂલ્ય છીપલાં મળ્યાનો આનંદ તો જરૂર થાય છે. આમ જોઈએ તો તેનું મૂલ્ય કશું નહિ છતાં ખૂબ મોંઘા ને અમોલા. આજે એવી બે-એક નવી વાત કરવી છે.

 થોડા દિવસોમાં નવરાત્રિ શરુ થશે. અત્યારે તો શ્રાધ્ધ પક્ષ ચાલે છે. શ્રાધ્ધ એટલે મૂળ સંસ્કૃતમાં થયેલ વ્યાખ્યા મુજબ જે કાર્ય શ્રધ્ધાથી થાય તે. એટલે આમ જોઈએ તો એ રોજ થાય અથવા ગમે ત્યારે થાય. દા.ત. ગત પિતૃઓને યાદ કરીને શ્રધ્ધાંજલિ આપવાની ક્રિયા. પણ સદીઓથી ચાલી આવતી પરંપરા પ્રમાણે અમુક નિશ્ચિત્ત મહિનામાં (ભાદરવામાં) અમુક વિધિપૂર્વક જ થતી જોવામાં આવે છે. ‘કાગવાસ’ ની રસમ તો મને ક્યારે ય ગળે ઉતરતી નથી. કારણ કે કાગડાઓ આમ તો માંસાહારી હોય છે.પણ આ શ્રાધ્ધના દિવસોમાં જ શાકાહારી થઈ જાય એ કેવું? અને એ ખાય તો જ પિતૃતર્પણ કર્યું કહેવાય?!! ખેર! આજે એ બધી ચર્ચા નથી કરવી. એક બંગાળી લેખિકા, ફાલ્ગુની મુખોપાધ્યાયે તેમની નવલકથામાં કહ્યું છે ને કે,”શ્રધ્ધેયની શ્રધ્ધા કરવાથી આપણે આપણને જ શ્રધ્ધાને લાયક બનાવીએ છીએ. શ્રધ્ધા ન કરવાથી બુધ્ધદેવને કંઈ નુકસાન નહિ થાય !! આપણા મનુષ્યત્વનું જ અપમાન થશે. તેથી આ વાતના સંદર્ભમાં મારા તરંગી મનમાં જે વિચાર આવ્યો તે લખું. ઘડીભર માની લઈએ કે પિતૃઓ આકાશની બારીમાંથી જોતા હોય તો આજની ભૂમિના બદલાયેલા નકશાઓ જોઈને કંઈક આવું વિચારે? એક કલ્પના સળવળી.. કે…

અંતરિક્ષની બારી ખોલીને જોઈ,તો દૂનિયા દેખાઈ હવે સાવ જુદી.
છોડીને આવ્યાં’તા શેરી જે દેશી, સઘળી દેખાતી આ ફરતી વિદેશી.
નાનકડાં ઘરમાં સૌ રમતા’તા ભૂલકાં,
ને એક જ છત નીચે ઉછરતા, ઝુલતા.
કાચા સૂતરના પાકા એ તાંતણમાં,
બંધાતી રાખડીઓ કેવી આંગણમાં….
ત્યારે હતી જીન્દગી સાવ સહેલી, ધરતી નિહાળી આજે સાવ જૂદી….
અંતરિક્ષની બારી ખોલીને જોઈ,તો દૂનિયા દેખાઈ હવે સાવ જુદી.

આવું જ શેરીના ખોવાયેલા ગરબામાં પણ થયું છે ને? નવરાત્રી અને દિવાળી હવે યંત્રવત વાર્ષિક ઘરેડ બની ગઇ છે, સંવેદના-શૂન્ય બની ગઇ છે. એનો અસલ રંગ, ઉમંગ અને અર્થ અદ્રશ્ય થઇ ગયો છે. તેની વાત તો નવરાત્રિના દિવસોમાં કરીશું. પરંતુ ભાષાના મુદ્દે વળી એક નવી, જુદી વાત કરું.

આમ જોઈએ તો માનવીની પ્રથમ અભિવ્યક્તિ રુદન છે. રુદન…સૌથી પહેલો કંઠમાંથી નીકળતો ઉદગાર ! સાદ્યંત શુધ્ધ અને સંપૂર્ણપણે આત્મીય ભાષા. આ વિષે જાણીતા સાહિત્યકાર શ્રી જુગલકિશોરભાઈ વ્યાસે ખૂબ સુંદર લખ્યું છે. એમના લખાણનો સારાંશ એ હતો કે, ભાષા સાથેનો એ પ્રથમ પ્રયાસ ભલે અનાયાસ હોય છે, કોઈપણ જાતની જાણ કે સમજણ વગરનો હોય છે પણ માતાને એ સંદેશો સફળતાપૂર્વક પહોંચાડનારો હોય છે. બાળકના એ પ્રથમ ઉદગાર પછી માનો પ્રથમ પ્રતિભાવ પણ કેવો!! જન્મનો આનંદ અને નવ માસની પીડાના છૂટકારાની ‘હાશ’ એ જ તેનો પ્રતિભાવ. આ પ્રથમ અર્થસભર ધ્વનિ જેને ભાષાની વ્યાખ્યામાં આવરી લેવાય છે. તેનું મૂલ્ય નિતાંત શુધ્ધ્તા અને આત્મીયતાને કારણે બની રહે છે. એ પછી તો ભાષાના કેટકેટલાં રૂપો આપણી સામે આવતા જ રહેતા હોય છે.. નીના, આ આખી યે વાત ભાષાના સંદર્ભમાં ખુબ હ્રદયંગમ લાગી.

ચાલ, આજે પત્ર ટૂંકાવું છું. કારણ કે, ગયા પત્રમાં જણાવ્યા પ્રમાણે તું બિઝી છે. સાહિત્યના યોજેલાં તારા કાર્યક્રમો માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સૌની સાથે આનંદો અને ગમતાનો ગુલાલ કરો. કવિ શ્રી કૃષ્ણ દવેની છેલ્લી કવિતા વાંચી જ હશે. છતાં પહેલી અને છેલ્લી બે પંક્તિઓ ટાંકી વિરમુ.

બે ઘડી ડાળ પર બેસવું, ટહુકવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું,
ઝૂલવું, ખૂલવું, ને તરત ઊડવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું.
આત્મનું, તત્વનું, મસ્તીના તોરનું, હેમથી હેમનું કે પ્રથમ પ્હોરનું
ઝૂલણાં છંદમાં આ રીતે પ્રગટવું? કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

ગમ્યું ને?

દેવીની સ્નેહયાદ.

Advertisements

7 thoughts on “પત્ર નં.૩૯…સપ્ટે.૨૪ ‘૧૬

 1. આમ જોઈએ તો માનવીની પ્રથમ અભિવ્યક્તિ રુદન છે.
  શરૂઆત એમ હશે, પણ જીવન રોવા માટે નથી. હસવા અને હસાવવા માટે છે.
  ———–
  નીનાબેનના પત્રના સંદર્ભે ….
  ઢાળ ચઢવાની મહેનત કોણ કરે?

  પ્રેક્ષક બનતાં શીખીએ પછી કોઈ મહેનત કરવાની જરૂર જ રહેતી નથી. ચઢાણ આપોઆપ થવા લાગે છે. સાચાં આનંદ, શાંતિ, સર્જનાત્મકતા, કરૂણા , કૃતજ્ઞતા વિગેરે ભાવોથી એ જીવનને ભર્યું ભાદર્યું કરી નાંખે છે.

  મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ
  ઘેરો થયો ગુલાલ તો ભગવો બની ગયો.
  – જવાહર બક્ષી

  Liked by 3 people

 2. ચોમાસામાં કાગડાઓને મનુષ્યવસ્તી વચ્ચે ખોરાક શોધવાની તકલીફ પડે છે, એટલે કાગડા જ્યાં ખોરાક મળે અને વરસાદ સામે રક્ષણ મળે એવા સ્થાનોમાં જતા રહે છે. વરસાદની મોસમ પૂરી થતાં કાગડાઓને ફરી આકર્ષવા શ્રાદ્ધને બહાને ખોરાક આપવામાં આવે છે, જેથી કાગડા પાછા આવે અને સાફ સફાઈનું કામ શરૂ કરે. એક દાખલો આપું, કાગડા મરેલા ઊંદરને ન ખાઈ જાય તો આસપાસના લોકોને કેટલી તકલીફ પડે?
  આપણા પૂર્વજોએ બધી Practical જરૂરતોને ધાર્મિક સ્વરૂપ આપીને લોકો માટે એ ફરજીયાત કરી દીધું છે.

  Liked by 2 people

 3. શ્રાદ્ધની વાત આવી એટલે એક વાત યાદ આવી ગઈ. એક બહેન આમ કાગવાસ કરતા’તા. પણ, એક કાગડો એ ખાવા ન આવે! એની ખાસ બહેનપણી એ જોઈને એ બહેનને પૂછ્યું; ‘પેલો કાગડો કેમ દહી ખાવા નજીક આવતો નથી?” એ બહેને કહ્યું; “મારા ડરથી એ મારી નજીક નહિ આવે!”

  Liked by 2 people

 4. મને તો હવે પ્રતિભાવ લખવા માટે શબ્દો જ મળતા નથી એટલે હું તો તમારૂં લખાણ અને બીજા મહાનુભાવોના પ્રતિભાવો વાંચીને સુખ મેળવી લઉં છું.

  નવીન બેન્કર

  Liked by 2 people

 5. દાવડા સાહેબની વાત સાથે હું સંમત વરસાદછું. કાગવાસની પ્રથા પાછળ કદાચ એ જ કારણ હશે, વરસાદને કારણે નળીયા પર જામેલો કચરો ગંદકી મરેલા ઊંદર વગેરે કાગડો જ સાફ કરે અને એ પ્રક્રિયાને એ જમાનામા ધર્મ સાથે જોડવાથી લોકો વધુ આસ્થાથી અમલમા મુકે.
  નીનાબેન પ્રિતી સેન્ગુપ્તાના પ્રવાસ વર્ણનો મે વાંચ્યાછે. ઉમદા વ્યક્તિ અને એ સાહસ ખરે જ નારીશક્તિનુ ઉત્તમ ઉદાહરણ છે.

  Liked by 2 people

 6. પિંગબેક: પત્ર નંઃ૩૯ | nijanandblog

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s