પત્ર નં.૩૮….સપ્ટે.૧૭ ‘૧૬

 કલમ-૨

 શનિવારની સવાર….

પ્રિય દેવી,

કુશળ હશે, છે ને?

આજે કો-ઈન્સિડન્ટની વાત કરું તે પહેલા હમણા જે ગીત સાંભળું છું તેની વાત કરું.

ફરીદા નાખૂમનું ‘આજ જાને કી ઝીદ ના કરો…’

એ સાંભળ્યા પછી મન તરબતર થઈ જાય. અંતરને તળીયેથી ગાવાની કળા દ્વારા અંદરથી ઉઠતી વેદનાને જે રીતે ઠાલવી છે…કોઈ શબ્દો નથી મારી પાસે!…જાન જાતી હૈ જબ ઉઠકે જાતે હો તુમ….એ જ ગીત અરીજીત સીંગે પણ ગાયું છે. ખૂબ સરસ રીતે ગાયું હોવા છતાં વેદના શ્રોતાનાં દિલમાં પહોંચતી નથી.

 મારે આજે આ પત્ર લખવો જ હતો એટલે થયું કોઈ મૂડ પહેલા બનાવું પછી લખું, અને આ ગીત સાંભળ્યું. ચાલ હવે કો-ઈન્સીડન્ટની વાત કરું. ટેલીપથીનો તાર કેવો અદ્ભૂત છે?!!  તારો પત્ર આવ્યો તે જ દિવસે સવારથી મનમાં એક વાત ઘૂમરાતી હતી અને તે એ કે મારી નવલકથા ‘કેડી ઝંખે ચરણ’નું એક એક પ્રકરણ મારા બ્લોગ ઉપર મૂકતી જાઉં તો દરેક ચેપ્ટર પછી ચર્ચા કરવાનો અવકાશ રહે. કારણ આખી નવલકથાની પાર્શ્વભૂમિ યુ.કે.ની છે અને પરદેશમાં રહેતાં લોકો એની સાથે ‘રીલેટ’ કરી શકે અને ભારતમાં રહેતાં લોકોને અહીંની જીવન પધ્ધતિ, ‘સોશ્યલ સિસ્ટમ’ વિગેરેની જાણકારી મળે. અને…ત્યાં તો એનો ઉલ્લેખ તારા પત્રમાં !! વાહ.. ‘ટેલીપથી’ થાય છે’ ની વાતને ટેકો મળ્યો.

 ગુલઝારજીની જેમ ગણ્યાગાંઠ્યા એવા કવિઓ, લેખકો, ગાયકો અને અભિનેતાઓ છે; જે તેં કહ્યું તેમ મનને ઝંકૃત કરી જાય, મનને એટલું તો સભર કરી જાય કે સાંભળ્યા પછી, કે વાંચ્યા પછી અથવા જોયા પછી બીજું કંઈજ બોલવા, જોવા કે સાંભળવાનું મન ન થાય. મનમાં એના પડઘા  પડયા કરે. એવું જ મને કાલે રાત્રે એક ફિલ્મ જોઈને થયું. મારા એક મિત્ર છે. પોતે વૉરા છે, ફાતિમા એમનું નામ. આંખે લગભગ ૮૦ ટકા દેખાતું નથી છતાં વેદો, ઉપનિષદોથી લઈને અંગ્રેજીનું ઉમદા સાહિત્ય તો વાંચ્યું જ છે પરંતુ સાથે સાથે શ્રેષ્ઠ સાંભળવાનો પણ શોખ છે. અમે વચ્ચેના ગાળામાં જે આર્ટ ફિલ્મો આવી ગઈ તેની વાત કરતાં હતાં અને તેમણે મને ‘સ્પર્શ’ ફિલ્મ વિષે પૂછ્યું. એ જોયાને વર્ષો થઈ ગયા હતાં એટલે કાલે રાત્રે એ ફિલ્મ ‘યુટ્યુબ’ ઉપર જોઈ….અને દેવી… વાર્તામાં અંધ વ્યક્તિની વેદના અને એક સ્ત્રીનો પ્રેમ તો ખૂબ જ સ-રસ બતાવ્યો જ છે પરંતુ નાસિરુદ્દીન શાહ અને ઓમપુરીનો અંધ તરીકેનો અભિનય-સ્પીચલેસ કરી નાંખે છે. અંધશાળામાં જ ફિલ્મ ઉતારી અને સાચે જ અંધ બાળકો પાસે જે કામ લીધું છે અને તેમાં પણ સોને પે સુહાગા-શબાના આઝમી…..વાહ વાહ શબ્દ પણ નાનો લાગે! ઉદાસ કરી નાંખે એવી ફિલ્મ છે પરંતુ worth watching it!  જોકે બધી જ આર્ટ ફિલ્મો-ચક્ર, આક્રોશ, ગીધ, સારાંશ, મંડી, ભૂમિકા….કેટલાના નામ ગણાવું? દુઃખની વાત એ છે કે એ જમાનો હતો જ્યારે વાસ્તવિકતાને પડદા પર જોઈને લોકો છળી મરતાં હતાં એટલે પછી આવ્યો ફેન્ટસી વર્ડનો જમાનો. જો કે આર્ટ ફિલ્મનો દર્શક વર્ગ ખૂબ સીમિત હતો અને એટલે જ એવી ફિલ્મો ધીમે ધીમે બનતી અટકી ગઈ. બાકી નાસિરુદ્દીન, ઓમપુરી, કુલભૂષણ ખરબંદા, સ્મિતા પાટિલ, શબાના આઝમીની ટોળી ઉમદા અભિનય આપી ગઈ.

તેં કહ્યું તેમ મોટાભાગની ફિલ્મોના ભારેલા અગ્નિ જેવાં સંદેશાઓ સમાજ ઉપાડતો નથી. કારણ એ silent- બોલ્યા વગર અપાઈ છે. બધીર અને અંધ હોવાનો ચાળો કરતાં સમાજને સમજવું જ નથી કારણ ઢાળ ઉતરવો સહેલો છે, દેવી, ઢાળ ચઢવાની મહેનત કોણ કરે? અનુકરણ, આછકલાઈ અને ઘોઘાંટના ત્રિવેણી સંગમમાં સ્નાન કરતો સમાજ રોકાય તો સારું. પણ કઈ રીતે અને ક્યારે ખબર નથી. આગળ મેં જણાવ્યં હતું તેમ કેટલાય એવા લોકો છે જેઓએ અપરંપાર મહેનત કરી છે, આજે ય કરે છે અને દરેક જમાને એવા લોકો ઉભા થતાં જ રહેશે જે જહેમત કરતાં રહેશે. સૂતા લોકોમાં જાગૃતિ લાવવી સહેલી છે પરંતુ જાગતાં (આંખો જેમની ખુલ્લી માત્ર છે) તેમને જગાડવા મુશ્કેલ છે-પરંતુ અશક્ય તો નથી જ.

ચાલ હવે ફિલ્મોની ‘રામાયણ’ પૂરી કરું!

આવતે અઠવાડિયે અમારે ત્યાં લેસ્ટરમાં યુ.એસ.થી પ્રિતીબેન સેનગુપ્તા આવે છે એમના થોડા કાર્યક્રમો ગોઠવ્યા છે એટલે એમની સાથે થોડી બિઝી થઈ જઈશ. વિશ્વભરમાં એકલા ઘૂમવા માટે જીજ્ઞાસા, હિંમત અને આત્મવિશ્વાસ જોઈએ. બાકી એકલા એકલા રેસ્ટોરંટમાં કૉફી પિવાનો ય જેને સંકોચ થતો હોય તેમને માટે સાચે જ પ્રીતિબેન પ્રેરણારૂપ બની રહેશે.

તેં જે વાત પુનરાવર્તિત કરી છે તેની ચર્ચા જરુરી છે જ. ભાષા વિષે ફાધર વાલેસે કે જે પરદેશી છે તેમણે પણ કહ્યું છે કે ભાષાની સાથે સંસ્કૃતિ પણ અલોપ થશે. માત્ર ગુજરાતીમાં જ બોલવું કે અંગ્રેજી મિશ્રિત ગુજરાતી બોલવું કે અંગ્રેજીને પ્રાધાન્ય આપવું એ બધું સમય, સ્થળ અને વાતાવરણને ધ્યાનમાં લઈને થવું જોઈએ. ગુજરાતમાં જ ગુજરાતી સાથે ગુજરાતીમાં જ બોલાવું જોઈએ પરંતુ તેમાં અંગ્રેજી શબ્દો આવે તેનો વાંધો ન હોવો જોઈએ, તે જ રીતે ભારત બહાર જે દેશમાં રહેતા હોઈએ ત્યાં કોની સાથે વાત કરીએ છીએ તેની ઉપર આધાર છે. દુબાઈમાં રહેતા માણસે  સ્થાનિક ભાષા શીખવી જ જોઈએ એ જ રીતે અમેરિકા, ઈંગ્લેંડ અને બધે જ લાગુ પડે છે. મૂળવાત એ છે દેવી, કે વિવેકબુધ્ધિ વગર જીવતા સમાજે પોતે આ વિષે વિચારવાની જરુર છે.હું મારી દીકરીઓને હંમેશા કહેતી કે ક્યાં કયા પ્રકારનો પોષાક પહેરવો તેનો વિવેક શીખવો પડે. એ વિવેક આવ્યા પછી ક્યારેય એમને ટોકવા પડે નહીં.

પત્ર રસ ખોઈ બેસે તે પહેલાં હવે વિરમું, વિરમુંને?

 નીનાની સ્નેહયાદ

 

Advertisements

6 thoughts on “પત્ર નં.૩૮….સપ્ટે.૧૭ ‘૧૬

 1. તમે સમાજ બદલવાની વાત કરો તો ૧૦૦માંથી ૯૯.૯૯% લોકો તરત સહમત થાય છે. તમે સ્વ બદલાવની વાત કરો તો ૧૦૦માથી ૯૯.૯૯% લોકો તમારી વાત સાથે અસહમત થશે. ૦.૦૧% જે સહમત થશે તેમાંના પણ ૯૯.૯૯% પણ સ્વ બદલાવના માર્ગે ચાલવા તૈયાર નહીં થય. કેવળ સહમતિ..બસ.
  લોકો વાહ વાહ કરે તેવું ઈચ્છો તો સમાજ બદલવાની વાતો કરવી પડે. પરંતુ જીવન રસ પૂર્ણ, આનંદ પૂર્ણ બનાવવુ હોય તો સ્વ બદલાવના માર્ગે ચાલવાની હિંમત દાખવવી પડે છે.

  Liked by 2 people

 2. આજ કાલ લોકોને બીજાના અવગુણો જોવામાં રસ છે, દુધમાં પણ પોરા શોધે ! પોતાના ગુણ દોષ ક્યારેય નજર નહી આવે. જ્યારે માનવી પોતાના અવગુણો જોતો થાય , પોતાના અવગુણો પોતાને સમજાય ત્યારે જ બદલાવ આવે.
  ફિલ્મોની વાત કરીએ તો આજની ફિલ્મોએ માઝા મુકી છે, ફેમિલિ સાથે જોતા પણ વિચાર કરવો પડે છે.ભારતની અંદર પશ્વિમી અનુકરણ આંખ બંધ કરીને અપનાવેલું છે. માટે આપણે તો જુની આંખે નવા તમાશા જોયા વીના છુટકો નથી.

  Liked by 3 people

 3. ળ ઉતરવો સહેલો છે, દેવી, ઢાળ ચઢવાની મહેનત કોણ કરે. KHUb SUNDER . social reforms may take years together.i t is rightly said સૂતા લોકોમાં જાગૃતિ લાવવી સહેલી છે પરંતુ જાગતાં (આંખો જેમની ખુલ્લી માત્ર છે) તેમને જગાડવા મુશ્કેલ છે-પરંતુ અશક્ય તો નથી જ.

  Liked by 2 people

 4. મારી વાતના સંદર્ભમાં દુલાભાયા કાગની એક રચના.
  ચામ નકે સિવાય, આખી ધરતી ઉપરે;
  પગમાં લઈ પહેરાય, કાંટાવારણ, કાગડા !
  સંસારના દુખ બધાને બાળે છે.સંસારના કાંટા વાગે છે. પણ આપણે આખી પૃથ્વી પર ચામડુ જડવું છે. (સંસાર અને સમાજ સુધારી નાખવો છે.) પણ સમજાતું નથી કે કાંટા વાગે તો આપણા પોતાના પગમાં જુતા પહેરાય. (સ્વ બદલાવ કરાય). બસ આવી મુર્ખતાઓ આપણી છે અને તે દેખાતી નથી.
  કરોડો લોકો હજારો વરસોથી સમાજ સુધારવામાં લાગેલા છે પરંતુ આપણે જોઈએ છીએ કે સમાજ તો વધુને વધુ બગડતો જાય છે. પહેલાનો માનવી દારુ, જુગાર, વ્યભિચાર કે ચોરી લુંટ એમ બે-પાંચ કારણો સર બગડેલો હતો અને હવે અનેક સમાજ સુધારણાના પ્રયત્નો બાદ સમાજની શું દશા છે? કદાચ દુષણો ગણતા થાકી જવાય. ખરેખર તો આટલા બધા સમાજ સુધારકોના પરિશ્રમ પછી તો સુધારો થવો જોઈતો હતો, તો આ બગાડો ક્યાંથી થાય છે? કારણ એક જ છે કે દૃષ્ટિ બહાર છે અને રોગ અંદર છે.

  Liked by 2 people

 5. પિંગબેક: પત્ર-૩૮ | nijanandblog

 6. નીનાબેન,
  સ્પર્ષ ફિલ્મની વાત કરી ખરેખર તમે એ જમાનો અને એ અદાકારી યાદ કરાવીદીધી. આજની પેઢી કદાચ એ સમજી કે પચાવી ન શકે. દરેક સમય અને એની જીવન પધ્ધતિ અલગ હોઈ શકે. આ લખતી વખતે સામે જ રેડિઓ પર અશોક કુમારની ફિલ્મ આશિર્વાદનુ પહેલું રેપ ગીત “રેલ ગાડી રેલ ગાડી છુકછુક” વાગી રહ્યું છે એ અદાકારી અને ભાવ કદાચ આપણી પેઢી જ સમજી શકે.
  તમારી એક વાત ખુબ ગમી, પોશાક પહેરવાનો વિવેક જો આવડી જાય તો પછી દિકરીઓ ને ક્યારેય ટોકવી ન પડે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s