પત્ર નં ૩૪- ઑગષ્ટ ૨૦, ૧૬

કલમ-૨

શનિવારની સવાર..

પ્રિય દેવી,
કુશળ છે ને?
ખલીલ જીબ્રાનનું વાક્ય વાંચી એમાં જ એક પૂર્તી કરવાનું મન થયું. ધરતીમાં પડેલા ઝવેરાતને શોધવા ખેડૂતની શ્રધ્ધા હોવી જોઈએ અને જ્યારે પાક લહેરાતો હોય ત્યારે પણ ઇશ્વર જ તેને સંભાળે છે ને? સામાન્ય ઝવેરાત તો બેંકના લૉકરમાં મૂકી શકાય. પરંતુ ઊભો મોલ જેના કણસલામાં મોતી જેવા દાણા ભર્યા પડ્યા હોય  તેને ઈશ્વર ભરોસે જ ખેડૂત રાખે છે તે અખૂટ વિશ્વાસ –શ્રદ્ધા જે કહો તે જ ખેડૂતને નિશ્ચિંત બનાવે છે. ક્યારેક ઊભો મોલ ચોરાઈ પણ જતો હોય છે. છતાં બીજે જ વર્ષે થોડી કાળજી સાથે ફરી ઈશ્વર ભરોસે જ એણે તો જીવવાનું છે.

નાગરિક કહેવડાવતાં આપણને કેટલી શ્રદ્ધા છે ઈશ્વરમાં?

અમારા લેસ્ટરનાં ચંદુભાઈના સ્વરમાં એક ભજન છે, ‘મનનાં રે મેલાં, આપણે માનવી, મનનાં રે મેલાં’.

અખૂટ શ્રદ્ધાની વાતો કરવાવાળા આપણે માત્ર મોટી વાતો જ કરીએ છીએ.દા.ત. એક તરફ આપણે ઢોલ પીટીને કહીએ છીએ કે ‘ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ….’માતા-પિતાને બાળકના ભલા-બૂરાની ખબર હોય એટલી બાળકને ન હોય એ સ્વભાવિક છે ને? છતાં દરેક જણ પોતાની સમજણ પ્રમાણે હાથ જોડીને સ્વગત કે સૌ સાંભળે એ રીતે આપણે કાંઈને કાંઈ ભગવાન પાસે માંગીએ છીએ. કાંઈ નહીં તો ‘સદ્‍બુધ્ધિ આપજે’-બરાબર?

પ્રશ્ન એ થાય કે ક્યારે માંગવું પડે? વગર માંગ્યે આટલું બધું આપનારમાં એટલી શ્રધ્ધા ન હોય ત્યારે જ કાંઈ માંગીએ ને? બાધા-માનતા એ ઈશ્વર તરફની ભારો ભાર અશ્રધ્ધા સિવાય શું છે?

ક્યારે ય પણ આપણે હાથ જોડીને એમ કહીએ છીએ ખરાં કે, ‘ઈશ્વર, હું સુખી છું. થેન્ક્સ.’

એટલે જ મને મૂળ રવિન્દ્રનાથ ટાગોરની અને પછી ગુજરાતીમાં અનુવાદિત પ્રાર્થના, ‘કરો રક્ષા વિપદ માંહે ન એવી પ્રાર્થના મારી, વિપદથી ના ડરું કો’દિ પ્રભુ એ પ્રાર્થના મારી….

“ત્રણ વાનાં મુજ ને મળ્યાં, હૈયુ,મસ્તક ,હાથ,
બહુ દઈ દીધું નાથ, જા…ચોથું નથી માંગવુ.”…….ઉમાશંકર જોશી

વાત ક્યાંથી ક્યાં હું લઈ ગઈ નહીં?
તેં લખ્યું કે, ‘માનવીઓની વિવિધતા અને ભાષાઓના ઉચ્ચારોની વિવિધતા એ એક રસપ્રદ અને વિસ્મયભર્યો વિષય છે.’ તે વાંચી મને મારી બા અહીં યુ.કે આવી હતી ત્યારની એક વાત યાદ આવી ગઈ. એને માટે ગુજરાતી સિવાયની બીજી ભાષા એટલે હિંદી એટલે જ્યારે પણ અહીંના કોઈ અંગ્રેજની હું ઓળખાણ કરાવું એટલે એ હિંદીમાં શરુ થઈ જાય!!

અને ઉચ્ચારો તો બાર ગાઉએ બોલી બદલાય અને તેમાંથી જે રમૂજ ઉપજે…તેની એક વાત લખું. અમારા એક ઓળખીતા ભાઈ ચરોતરનાં એટલે ‘ળ’ની જગ્યાએ ‘ર’ વાપરે. જ્યારે એ લગ્ન કરવા બેઠાં ત્યારે લગ્ન કરાવનાર મહારાજે ‘મને પગે લાગો’ એમ ન કહેતાં કહ્યું, ‘હવે ગોરને પગે લાગો.’ પેલા ભાઈ કહે હું તો બધે જોઈ વળ્યો પણ ક્યાંય પણ મને ‘ગોર(ખાવનો ગોળ)’ દેખાયો નહીં એટલે પુછ્યું, ક્યાંછે ગોર?’ ત્યારે ગોર મહારાજે ‘હસીને કહ્યું મને પગે લાગો’.

ચાલ, હવે  તેં જે પૂછ્યું કે’ નૈતિક મૂલ્યોના પાયા એટલા બધા નબળા છે કે તે વાવાઝોડા સામે ટકી ન શકે?

દેવી, નૈતિક મૂલ્યો કોણ નક્કી કરે છે? સમાજમાં રહેતાં માનવી જ ને?

થોડી એ વાતને ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ.

પુરાણમાં એક વાર્તા છે કે, શંકર ભગવાન તપશ્ચર્યા કરીને પાછા આવ્યા ત્યારે જોયું કે એક કિશોર બહાર ઉભો છે અને પાર્વતીજી અંદર સ્નાન કરતાં હોવાથી શંકર ભગવાનને રોકે છે. ત્યારે શંકર ભગવાન ગુસ્સે થઈ એનું માથું ધડથી જુદું કરી નાંખે છે. પછી ખબર પડી કે એ એમનો પુત્ર જ હતો એટલે એક હાથીનું માથું કાપીને એ પુત્રના ધડ પર લગાવી દે છે.- ભગવાન થઈને આટલી નાની વાતમાં કોઈનું માથું કાપી નાંખે?-એવો પ્રશ્ન મને એક બાળકે પૂછ્યો અને મારી આંખ ખોલી નાંખી. એકલા પુત્રનું જ નહીં હાથીની ય હત્યા કરી. અત્યારના યુગમાં આ વાર્તા સાંભળતો બુધ્ધિશાળી બાળક મને જેમ એકે કહ્યું હતું તેમ કહે કે ‘ગણપતીજીનું માથું તો તાજું જ ત્યાં પડ્યું હતું તે ન ચોંટાડતાં, એક હાથીની હત્યા કરવાની શી જરુર હતી?’

બોલ, હવે એક તરફ આપણા શાસ્ત્રોમાં અહિંસાને મહત્વ આપ્યું છે અને બીજી તરફ ઘણા પુરાણમાં હિંસા અને ક્રોધથી ભરપૂર વાતો છે! કઈ વાત સાચી માનવી? કઈ વાતને નૈતિકતામાં ખપાવવી?

રામ એક તરફ ‘સત્ય’ને મહત્વ આપે અને કૃષ્ણ ‘નરો વા કુંજરો વા’ કહેવાનું કહે!

મારી દ્રષ્ટિએ દરેક વાત સમય, સંજોગો, દેશ, કાળ વિગેરેને ધ્યાનમાં રાખીને અને સમજીને અમલમાં મૂકવી જોઈએ..

ટેકનોલોજીએ દુનિયાને નાની કરી નાંખી છે એટલે વિશ્વ એકબીજાને નજીકથી જોઈ શકે છે. હવે એક દેશના નૈતિકતા, એ બીજા દેશમાં અનૈતિક હોઈ શકે. જેમકે એક દેશમાં તેમના નેશનલ ધ્વજનું વસ્ત્ર પહેરવું સામાન્ય હોય અને બીજા દેશમાં એને ધ્વજનું ‘અપમાન’ ગણવામાં આવે!

આ બધી વાતમાં બે મુખ્ય પરિબળો કામ કરે છે,

અનુકરણ અને નાવિન્ય શોધતો માનવી. અને આગળ પહેલા મેં લખ્યું હતું તે મુજબ ઢોળાવ ઉતરવો સહેલો છે, ચઢવો અઘરો છે.

ચાલ હવે બહુ ભારેખમ ન બનતાં ‘I can do it’…. ‘“Never underestimate what you can accomplish in life’ – લખેલી તારી વાત મને ખૂબ જ ગમી. ફરી શ્રધ્ધા-વિશ્વાસની વાત આવી. આત્મશ્રધ્ધા કહો કે આત્મવિશ્વાસ અને ધ્યેય સુધી પહોંચવાની મક્કમતા જ સફળતાની ચાવી છે. મેં ઘણા વર્ષો પહેલા આ.દોલતભાઈ દેસાઈની ‘કસ્તુરીમૃગ આપણે સહુ’ યાદ આવી ગઈ. ‘નાભિમાં કસ્તુરી છે જ’ એવો ધરખમ  વિશ્વાસ અને ઈશ્વરે દરેકને એ શક્તિ આપી જ છે એ શ્રધ્ધા.

આ પત્રશ્રેણી જ મને લાગે છે ‘ગમતાનો ગુલાલ’ છે બાકી આપણે વર્ષોથી ‘ગુંજે’ તો ભરતાં જ રહ્યા હતાં ને?

સ્નેહયાદ સાથે,

નીના.

 

 

Advertisements

14 thoughts on “પત્ર નં ૩૪- ઑગષ્ટ ૨૦, ૧૬

 1. દરેક માનવીના મનની અંદર એટલી બધી ઈચ્છાઓ ભરેલી છે, એક પુરી થતા બીજી એમ ઈચ્છાઓને કોઈ અંત નથી માટે તો ભગવાન તેં બહુ આપ્યુ, હવે વધારે નહી એમ ક્યારેય વિચાર નહી આવે. માનવી ભગવાન પાસે તેની માગણીઓમાંથી બહાર આવે તો ભગવાનને થેન્ક્સ કરવાનો વિચાર કરે ને ! ઉમાશંકર જોશીની લાઈન ધ્યાનથી વાંચીને સમજાય તો જીવનમાં દુખ રહે જ નહી.સંતોષ અને પછી આનંદ ! આનંદ ! આનંદ !

  Liked by 2 people

 2. કરો રક્ષા વિપદ માંહે ન એવી પ્રાર્થના મારી, વિપદથી ના ડરું કો’દિ પ્રભુ એ પ્રાર્થના મારી….IF this prayer COMES FROM THE HEART AND IF IT materialize then I believe man can reach new heights at every step.
  SHRADDHA NE SCIENCE KE RATIONAL SAATHE SAMBANDH NATHI. I understand from the Hindu scriptures that most of the time God acted as human being and at the same time applied their supernatural powers to justify their supreme authority or power. These are few thoughts which may help elaborate in future letter series. Once again, enjoying your letter series, pl. Continue postings.

  Liked by 2 people

 3. નીના બહેન;
  કાળક્રમે કેટલાય બહુમુલ્ય શબ્દોનુ અવમુલ્યન થયું છે અને તેનો અસલ અર્થ તે શબ્દ ગુમાવી ચુક્યો છે. ઊદાહરણ તરીકેઃ પ્રેમ, ધર્મ, શ્રધ્ધા,ભગવાન, ગુરુ, પુણ્ય, પાપ અને બીજા ઘણા બધા. હવે આપણે આ શબ્દો જે રીતે વહેવારમાં વપરાય છે તેને જ સાચો અર્થ સમજીએ છીએ. પરિણામે અનેક ગોટાળા સર્જાય છે.આવા અમુલ્ય શબ્દોનો આપણને કોઈ અનુભવ જ નથી અને તેથી આપણે વહેવારુ અર્થનો સ્વિકાર કરી લઈએ છીએ. જેમકે પ્રેમ શબ્દ છે. આપણે વહેવારમાં કહીએ કે “હું પુસ્તકોને ખુબ પ્રેમ કરું છું.” “હું મારા કુતરાને ખુબ પ્રેમ કરું છું” અહીં આપણને જે ગમે છે તેને લાઈકને બદલે લવ કહીએ છીએ. વળી પ્રેમ એટલે સ્ત્રી-પુરુષ વચે જે જાતિય આકર્ષણ છે તેને આપણે પ્રેમ કહીએ છીએ. પ્રેમ તત્વ શું છે તેનો આપણને કોઈ અનુભવ જ નથી. આપણે શબ્દને આપણું મન ફાવે તેમ ફેંકીએ અને પછી મુંઝાઈએ કે બધા આટલો બધો પ્રેમ કરે છે તો આ હિંસાખોરી આવે છે ક્યાંથી? આટલા બધા લોકો જો પ્રેમથી ભરેલાં હોય તો ચારે બાજુ પ્રેમ પ્રેમ દેખાવો જોઈએ. પરંતુ પરિસ્થિતી તદ્દન વિપરીત છે. પરંતુ ભુલ ક્યાં છે તે સમજાતું નથી અને મોટેભાગે આપણે સમજવા તૈયાર પણ નથી. ભિતર જોઈએ તો સમજાય કે જેને આપણે પ્રેમ કહીએ છીએ તે અહમનો ખેલ માત્ર છે અને અહમ કેંદ્રિત છે. જ્યારે કૃષ્ણ કે બુધ્ધ કે મહાવીર કે જીસસ પ્રેમની વાત કરે ત્યારે આપણે આપણા બે કોડીના પ્રેમને સમજીએ.
  એવું જ શ્રધ્ધાનુ છે. આપણે હિન્દુ ઘરમા જનમ લીધો છે એટલે કૃષ્ણ કે શીવ કે શંકરાચાર્ય, કે વલ્લ્ભાચાર્ય કે અન્ય હિન્દુ ગુરુ ને માનવાને આપણે શ્રધ્ધા સમજીએ. મુર્તિ પૂજા આપણા માટે શ્રધ્ધા છે. મુસલમાનો માટે તે અંધશ્રધ્ધા છે. દરેકના ચશ્મા જુદા જુદા છે અને દરેકની શ્રધ્ધા-અંધશ્રધ્ધાની વ્યાખ્યા અલગ અલગ છે.
  જ્યારે બધા ચશ્મા ઉતરી જાય ત્યારે શ્રધ્ધાનો જન્મ થાય છે. પૂર્વગ્રહ રહીત મનની દશા શ્રધ્ધા છે. ભિતર પ્રેમના ખિલેલાં ફુલની સુગંધ શ્રધ્ધા છે. જ્યાં બુધ્ધી તર્ક હારી જાય ત્યાં શ્રધ્ધાનો જન્મ થાય છે.
  પરંતુ આપણે બધા જેને શ્રધ્ધા સમજીએ છીએ તે અંધશ્રધ્ધા સિવાય કે બેવકુફી સિવાય કાંઈ નથી. પછી કોઈ ઈશ્વરમાં માનતો હોય અને કહે કે હું ઈશ્વરમાં શ્રધા રાખુ છું તો તેની શ્રધ્ધાનુ કોઈ મુલ્ય નથી. ઈશ્વર કોઈ માનવાની ચીજ નથી પણ અનુભવવાની ચીજ છે. અને જે તે અનુભવી શકે તે જ શ્રધ્ધાળુ છે. બાકીના બધા શ્રધ્ધાને નામે લવારો કરે છે. પણ આ બાબતે યુગોથી વિવાદો અને વિખવાદો ચાલે છે. ધર્મના નામે યુધ્ધો, પ્રેમના નામે ઈજારો-હક્ક-આધિપત્ય, ગુરુના નામે ગોરખધંધા અને ઘણુ બધું બખડજંતર ચાલ્યા કરે. આ બધી નિશાનીઓ છે બેહોશીની, રોગગ્રસ્ત માનસિકતાની. પણ કોણ સ્વિકારે પોતાની જાતને રોગ ગ્રસ્ત? કબીર કહી શકે,” મો સમ કૌન કુટિલ ખલ કામી” . આપણે તો આપણી જાતને કદી બીજાથી એક દોરો પણ નીચો નથી સ્વિકારી શક્તા અને વાતો શ્રધ્ધાની, પ્રેમની, ધર્મની કરી લોકોને બતાવવા માંગીએ કે જોયું હું કેવો ધાર્મિક, કેવો સત્યવાદી, કેવો અહિંસાનો પુજારી. ખરેખર માણસ જાતના આડંબરોનો કોઈ પાર નથી.
  બીજી વાત અહીં શાસ્ત્રિય કથાઓની કરેલ છે.ટુંકમાં કહું તો એ કથાઓ સત્યકથાઓ છે કોઈ તથ્યકથાઓ નથી.આવી કોઈ ઘટનાઓ ખરેખર બની નથી. આ બધી કથાઓ સત્ય તરફના ઈશારાઓ છે જેને સમજવા કોઈ સતગુરુના ચરણે બેસવું પડે જેને સત્યની યાત્રા કરી હોય તે આ સત્યકથાઓના રહસ્યોને ઊકેલી શકે અને સમજાવી શકે.
  કૃષ્ણએ ગીતા અર્જુનની પાત્રતા જોઈને કહેલી છે. ગીતા જ્ઞાન માટે અર્જુન જેવી પાત્રતા આપણે કેળવવી નથી પરંતુ કૃષ્ણએ કહ્યું તેનો આપણી રીતે અર્થ બેસાડી દેવો છે. ગીતા પર ૫૦૦૦ વર્ષમાં ૧૦૦૦૦થી વધુ ટિકાટિપ્પણીઓ થઈ છે અને અનેક પંડિતોએ અને કેટલાંક તો રાજકરણિઓએ ગીતા પર પ્રવચનો આપ્યા છે અને ૯૯% બણગા અને બકવાસ સિવાય કાંઈ નથી. કૃષ્ણ પાછા જીવતા થાય તો આ બધી ગીતાઓ વાંચી ગાંડા થઈ જાય કાં પાછા વૈકુંઠ ભણી દોટ કાઢે.
  તો પ્રશ્ન એ થાય કે આ બધા શાસ્ત્રો શું આપણને કામના નથી? એક અર્થમાં નથી. હું અમદાવદમાં રહું છું અને ક્યારેય ન્યુજર્સી જવાનો નથી તો ન્યુજર્સીનો નકશો મારે શું કામનો? પરંતુ મારે ન્યુજર્સીની યાત્રા પર નીકળવું હોય તો તે નકશો મને માર્ગદર્શક બને. આપણી હાલત આવી છે. આપણે અંતરયાત્રા ક્યારે કરવી નથી અને નકશો અંતરયાત્રાનો હાથમાં ઝાલી તેના પર વિવાદો કરવા છે તો તે નકશો શું કામનો. જો અંતરયાત્રા કરવી હોય તો કૃષ્ણની ગીતા કે બુધ્ધનુ ધમ્મપદ કે અન્ય માર્ગદર્શન કરી શકે છે. જેમ જેમ માર્ગ પર ચલાતા જઈએ તેમ તેમ આગળનો માર્ગ નકશો બતાવતો જાય. બસ આવું જ છે.

  Liked by 2 people

 4. નીના બહેન,
  શંકર ભગવાન અને ગણપતિની કથા અહીં રજુ કરી છે તેમાં આપ કહો છો કે એક બાળક મને પૂછે છે કે, ” આટલી નાની વાતમાં હત્યા?” બીજું બાળક તર્ક કરે છે કે,” ગણપતિનુ તાજું જ કાપેલું મસ્તક તો ત્યાં જ પડેલ તો તે જ ન ચોંટાડી શકાય? કે વળી એક વધુ હત્યા કરીને હાથીનુ મસ્તક કાપ્યું”?
  જરા વિચારો એક સાવ નાના અબુધ બાળકને જે દેખાય છે તે એક હિન્દુને કેમ દેખાતું નથી? કેમ આવી વાતોનો હિન્દુ સ્વિકાર કરી લે છે? કેમ પંડિતો અને ધર્મના ઠેકેદારો આવી વાતોને અતાર્કિક દલીલોથી સમજાવામાં લાગેલા છે? આપણી મુઢતાઓ ક્યારેય આપણને દેખાય છે ખરી? કેટલી હદ સુધી આપણી બુધ્ધીને બુટ્ઠી બનાવી દેવાઈ છે તેનો કદી ખ્યાલ આવે છે? પાછા આપણે તો બે-ચાર ડિગ્રી મળી જાય એટલે આપણી જાતને સમાજના બુધ્ધીશાળી વર્ગમાં સમજતા હોઈએ છીએ.નથી ક્યારેય આ કથાના રહસ્યો જાણવાની ઉત્સુકતા કે નથી બુધ્ધીનો ઉપયોગ કરવા જેટલી સામર્થ્યતા આપણી આવી અવદશા માટે આપણે ખુદ જ જવાબદાર છીએ. તેવું તમને નથી લાગતું?

  Liked by 1 person

 5. શરદભાઈ, અમને લાગે છે અને એટલે જ પત્ર દ્વારા એ વેદનાને વાચા આપીયે છીએ. તર્કંશકતિ, બુધ્ધિ અને વિશ્લેષણાત્મક શક્તિ ધર્મ સિવાય બધે જ વાપરતા રહેલા હિંદુઓ ચેતવશે નહી તો દુનિયાના કેટલા ય ધર્મો કાળના ગર્તમાં અદ્રશ્ય થઈ ગયા તેમ થઈ જશે એને મુઠ્ઠીભર લોકો રોકી શેકવાના નથી. હું નાની હતી ત્યારે મારા મનમાં ઘણા પ્રશ્નો હતા તેના જવાબ શોધવાની ધરપડ જ મને વાંચન તરફ ખેંચી રાખે છે.
  પ્રતિભાવ માટે ધન્યવાદ

  Liked by 2 people

 6. આ પત્ર વાંચીને દિલ ખુશ થઇ ગયું, પેલા બાળકનો સવાલ હજુ મનમાં પડઘા પાડી રહ્યો છે કે ભગવાન થઈને જો તે નાની વાતમાં એક બાળકનું માથું કાપી નાખે તો બીજા ત્યારના સમયમાં પ્રજાજનો કેવા ક્રોધી હશે? અને તે જ બાળકનો બીજો પ્રશ્ન પેલા કપાયેલ બાળકનું માથું ત્યાં જ પડ્યું હોય છતાં એક હાથીની હત્યા એવું સૂચવે કે ભગવાનમાં સામાન્ય બુદ્ધિનો પણ અભાવ હોય. બીજું મારા મનમાં વર્ષોથી ઉઠી રહેલ સવાલ હાથીનું મસ્તક મોટું હોય અને બાળકનું ધડ નાનું હોય. એટલે આપણે જોઈએ છીએ યોગ્ય વસ્તુ કે માથું કે અંગ યોગ્ય જગ્યાએ જ ફિટ બેસે. બાળકને હાથીનું મસ્તક ક્યારેય બંધ બેસતું ન આવે.

  ત્રિકુ મકવાણા

  Liked by 2 people

  • ત્રિકુભાઈ,
   આપણા પ્રશ્નો જે બાળપણમાં ઊઠતાં તેને આપણા -માબાપ, શિક્ષકો કે ધર્મના ઠેકેદારો યેનકેન પ્રકારેણ દબાવી દેતા. કાળક્રમે આપણે પ્રશ્નો કરતાં જ બંધ થઈ જઈએ અને આવા પ્રશ્નોના અતાર્કિક જવાબો જે આપણે પણ ગોખી કાઢ્યા હોય તે આપણે આપણા સંતાનોને વારસામાં આપીએ છીએ.આપણા જ મા-બાપ, પરિવારજનોને સૌથી વધુ જલ્દી એ હોય છે કે તેનુ બાળક જેતે ધર્મ તેના મા-બાપ પાળતાહોય તેનો બુધ્ધીને બાજુપર મુકી સ્વિકાર કરી લે અને તેની બુધ્ધી સદા બુટ્ઠી થઈ જાય. આપણે બધા આવું કરતા હોઈએ છીએ. હજીતો બાળક ચાલતા પણ શિખ્યું ન હોય અને તેને મંદિરમાં લઈ જઈએ કે ઘરના એક ખુણામાં નાનુ મંદિર બનાવી તેમા જે દેવી દેવતા, ભગવાનોને આપણે માનતા હોઈએ તેની પાસે બાળકને તેડીને લઈ જઈ કહીએ છીએ,” બેટા જે જે કરો… જે જે કરો અને આશિર્વાદ માંગો કે મને સદ્બુધ્ધી આપજે.. વગેરે વગેરે.” આપણે એ કુમળા બાળકના મન અને બુધ્ધીમાં શું રેડી રહ્યા છીએ તે સઘન બેહોશીમાં ખબર જ નથી પડતી. બાળપણથી બાળકને માંગવાનુ શિખવીએ ક્યારે આભાર માનવાનુ કહીએ છીએ? કે બેટા.. તને જે મળ્યું છે તેનો તું આભાર માન? પછી આખો દેશ કે દુનિયા ભિખારી ન બને તો શું થાય? પરમાત્માતો દરેકને શહેનશાહ જ પેદા કરે છે અને આપણે તેને ભિખારી બનાવી દઈએ છીએ. બુધ્ધીનો લઠ્ઠ બનાવી દઈએ છીએ. ક્યારેય આપણને એવો વિચાર નથી આવતો કે આ કથા જો પુરાણોમાં કોઈ ઋષિમુનીઓએ કહેલી છે તો તેનુ નક્કી કોઈ પ્રયોજન હશે. અને આ પ્રયોજન શું છે તે શોધવાની કોઈ તસ્દી ક્યારે લેતા નથી. બાકી આ બધી કથાઓ તથ્ય (fact) કથાઓ નથી, પરંતુ સત્ય(Truth)કથાઓ છે અને તેની પાછળ સત્ય તરફના ઈશારાઓ છે જે ભિતરની યાત્રા સ્વયં કરીએ ત્યારેજ ઉકેલી શકાય છે અને તે આપણે જીવનભર મહેનત કરી ઉકેલવાના રહે. તેના કોઈ રેડિમેઈડ ઉત્તરો હોતા નથી. દાખલો જાતે ગણવો પડે છે અને જે મહેનત કરી શીખે છે તેને બે-પાંચવાર ખોટો ગણ્યા પછી પણ સાચો ગણતા આવડી જાય છે. અને જે દિવસે સાચો ગણતા આવડે પછી એનાથી વધારે ને વધારે અઘરા દાખલા ગણતા આવડતા જાય છે. આવો મારો અનુભવ છે.

   Liked by 3 people

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s